Tuesday, March 29, 2016

રાષ્ટ્રીય કાર્યકારિણી ભાજપની કે મોદી સરકારની !

ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક પાર્ટીથી વધારે મોદી સરકારની બેઠક હોય એવું નજરે પડ્યું. તેમાં મોદી જ છવાયેલા રહ્યા. નેતાઓમાં તેમની પ્રશંસાની રીતસરની હરિફાઈ લાગેલી રહી. કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુએ રાજકીય પ્રસ્તાવ રજૂ કરતાં કહ્યું કે નરેન્દ્ર મોદી ગરીબોના મસીહાછે, ભારત માટે ભગવાનની ભેટ છે. ખૂદ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે ભાજપના કાર્યકરોએ વિપક્ષ દ્વારા ઉઠાવાઈ રહેલા વ્યર્થ મુદ્દાઓમાં ફસાયા વગર પાર્ટીના હિતમાં આગળ વધતાં રહેવું જોઈએ. એટલે કે સરકારના કાર્યોનો પ્રચાર કરવો, લોકો સુધી સરકારની ઉપલબ્ધિઓ પહોંચાડવી.
ભાજપની આ સ્થિતિ સિત્તેરના દાયકામાં કોંગ્રેસ પાર્ટીની યાદ અપાવે છે, જ્યારે બધું એક જ વ્યક્તિની ઈર્દ-ગિર્દ ફરી રહ્યા હતા. કાર્યકરો અને નાના-મોટા નેતા ઈન્દિરા ગાંધીના વખાણ કરીને પાર્ટીમાં પોતાની હેસિયત બનાવવાનો પ્રયાસ કરતા હતા. ત્યારે જનસંઘ અને જનતા પાર્ટીના નેતા આ વાત માટે કોંગ્રેસની ટિકા અને નિંદા કરતાં હતા. આજે પણ ભાજપ ભારે જોર-શોરથી કોંગ્રેસને દરબારીઓની પાર્ટી ગણાવે છે, પણ પોતાના હાલ પર વિચારવાની ફૂરસદ તેમના નેતાઓ પાસે નથી. હાલત એ છે કે પાર્ટી સંગઠનમાં રાષ્ટ્રીય અધ્યક્ષથી લઈને નાના-નાના પદો પર નિમણૂંકો પણ વડાપ્રધાનની મરજીથી જ થઈ છે, અથવા થઈ રહી છે. કોઈ અન્ય સમય હોત તો ભાજપની આ દૂર્દશા પર પાનાંના પાનાં ભરી દેવામાં આવ્યા હોત, પરંતુ દેશની મુખ્યધારાની એક પણ પાર્ટી એવી નથી, જેની સ્થિતિ તેનાથી કંઈક અલગ હોય.
ભારતીય રાજકારણની આ નિયતિ જ બની ચૂકી છે કે રાજ્ય હોય કે કેન્દ્ર, પાર્ટીઓ હવે અહીંથી સત્તાથી જ ચલાવે છે. પહેલા રાજકીય પક્ષોની તાકાત એક નિશ્ચિત વિચારના આધાર ઉપર સંગઠિત પાર્ટી સભ્ય રહેતા હતા. તેમને એ વાતથી કોઈ ફરક નહોતો પડતો કે પાર્ટી સત્તામાં છે કે નહિ. પણ હવે સત્તાથી દૂર હોવાથી જ લાગે છે, જેમ કે પાર્ટી નહિ કોઈ ફૂગ્ગો હોય, અચાનક તેની હવા નીકળી ગઈ હોય. એક-બે મોટા નેતાઓ ટીવી પર નિવેદન આપતાં દેખાય છે, જમીની સ્તર પર કોઈ નામ પણ નથી દેખાતું. હાલમાં કોંગ્રેસની સાથે એવું થઈ રહ્યું છે પરંતુ ત્રણ વર્ષ પહેલાં, જ્યારે ભાજપ સત્તાથી દૂર હતી, ત્યારે તે પણ કોઈ કકળાટિયા, દેવાળીયા સંયુક્ત પરિવાર જેવો નજરે પડતો હતો. રાજ્યસ્તર પર જોઈએ તો બસપાને સત્તાથી બહાર થવાથી લાગે છે કે તે ખતમ થઈ ગઈ, પણ સત્તા નજીક આવતાં જ તેનો ઝંડો ઉઠાવીને એક ભીડ જોવા મળે છે.
બીજું, આ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં જ્યારે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. એટલે બે દિવસ ચાલેલી આ બેઠકમાં ચૂંટણીની ચિંતા પણ છવાયેલી રહી. આમ તો આ પાંચ રાજ્યોમાં આસામને બાદ કરતાં તમામ જગ્યાઓ પર ભાજપ હજુ પણ હાંસિયાની જ પાર્ટી છે, એટલે તેને વધારે પામવાનું કે ગુમાવવાનું નહિ હોય. પણ જોકે, દક્ષિણમાં મોટાભાગની જગ્યા અને પૂર્વોત્તરમાં તેમની હાજરી હંમેશા ઓછી રહી છે, અને હવે તે પોતાના ભૌગોલિક વિસ્તાર માટે ખૂબ જ બેચેન છે, એટલે આ પાંચ રાજ્યોની ચૂંટણી તેના માટે ખૂબ જ મહત્વની બની ગઈ છે. જેએનયુ વિવાદ બાદ થયેલી આ બેઠકમાં રાષ્ટ્રવાદ પણ એક મૂખ્ય વિષય રહ્યો.
પાર્ટી અધ્યક્ષ અમિત શાહના ઉદ્‌ઘાટન ભાષણથી લઈને વડાપ્રધાનના સમાપન ભાષણ સુધી, પાર્ટીના તમામ નેતાઓના ભાષણોમાં રાષ્ટ્રવાદના મુદ્દાને વધુ જોર-શોરથી ઉઠાવવાનો સંકેત મળ્યો. હકીકતમાં, જેએનયુ પ્રકરણમાં આરોપીઓને જામીન મળ્યા અને તપાસમાં એ તથ્ય બહાર આવ્યા બાદ કે વાંધાજનક સૂત્રોચ્ચાર કેટલાંક બહારના લોકોએ કર્યા હતા, વિવાદ ઠંડો પડી રહ્યો હતો. પરંતુ ઓવૈસીના એક નિવેદન માહોલને પાછો ગરમ કરી દીધો અને મુદ્દાને ફરી તૂલ આપી દીધી. એક ભાવનાત્મક મુદ્દાને વટાવી ખાવાની તક ભાજપે કેમ છોડવી જોઈએ? પણ રાષ્ટ્રવાદને માત્ર પ્રતીકવાદ બનાવી દેવાના પ્રયાસને કારણે બૌદ્ધિકોના એક ખાસ વર્ગમાં ભાજપને આલોચના પણ ઉઠાવવી પડી છે.
શરૂઆતમાં પાર્ટીને તેની જરીક પણ પરવા નહોતી, પણ હવે લાગે છે કે તેને તેની થોડી-ઘણી ચિંતા સતાવી રહી છે. એટલે, વડાપ્રધાન સહિત પાર્ટીના ઘણાં નેતાઓને એ કહેવાની જરૂરિયાત લાગી કે રાષ્ટ્રવાદ અને લોકશાહીનું સહ-અસ્તિત્વ હોઈ શકે છે. આ વિડંબણા છે ખે જે સમયે પાર્ટી જોર-શોરથી રાષ્ટ્રવાદનો રાગ આલાપી રહી છે, પંજાબ તથા હરિયાણાના ઝઘડાને સુલઝાવવામાં તેમને પરસેવો પડી રહ્યો છે, જ્યારે તે કેન્દ્રમાં પણ સત્તામાં છે અને આ બંને રાજ્યોમાં પણ.
પાર્ટીની એક ચિંતા એ પણ નજરે પડી કે દલિતોમાં તેમની પકડ કેવી રીતે વધે. લોકસભા ચૂંટણીમાં રામદાસ અઠાવલે, રામવિલાસ પાસવાન અને ઉદિત રાજ જેવા ચહેરાઓએ પાર્ટીની એક પરંપરાગત અછત પૂરી કરી હતી. પરંતુ દલિતોની વચ્ચે આધાર વધારવાના ભાજપના પ્રયાસોને હાલમાં રોહિત વેમુલા પ્રકરણથી મોટો ઝાટકો લાગ્યો છે. આ નુકશાનની ભરપાઈમાં તે લાગી ગઈ છે, જેનો સંકેત સોમવારે વડાપ્રધાનના હાથે આંબેડકર નેશનલ મેમોરિયલના શિલાન્યાસમાં જોવામાં આવ્યો. પણ શું આ પ્રકારના પ્રતીકાત્મક કામ પર્યાપ્ત હશે?
વાજપેયીના વડાપ્રધાન તરીકેના કાર્યકાળના પ્રથમ બે વર્ષમાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની છ બેઠકો યોજાઈ હતી, જ્યારે મોદીના બે વર્ષના કાર્યકાળમાં માત્ર ત્રણ બેઠક જ થઈ છે. શું તેનો અર્થ એ છે કે ત્યારની સરખામણીમાં પાર્ટીમાં અંદર અંદરના સંવાદ ઓછા થયા છે? એવું થયું હોય કે નહિ, નેતાઓ અને મંત્રીઓના બિન-જરૂરી અને ઘણી વાર વાંધાજનક નિવેદનોની જરૂરિયાત વધી છે. તેનાથી સરકારની છબિ પર નકારાત્મક અસર પડે છે. ભાજપને મળેલી ઐતિહાસિક જીતની પાછળ પાર્ટી અને મોદી સાથે બાંધેલી આશાઓ હતી. એટલા માટે મોદીએ એ પૂનરોચ્ચાર જરૂરી સમજ્યો કે તેમની સરકારનો એજેન્ડા વિકાસ અને માત્ર વિકાસ જ છે. અને કાર્યકરોને અપીલ કરી કે તેઓ હંમેશા તેને યાદ રાખે. પણ શું વ્યવહારમાં એવું થાય છે? જ્યારે કોઈ વરિષ્ઠ લોકો ખુદ ધ્યાન ખેંચનારી વાતોમાં લાગી જાય છે, તો કાર્યકરો પાસેથી શું આશા રાખી શકાય!
સવાલ એ છે કે જો ભારતીય રાજકારણ માત્ર પૈસા અને પાવરનો ખેલ બની ગયું છે તો કમજોર લોકો પોતાની મુશ્કેલીઓના ઉકેલ માટે કોની પાસે જશે? નીત નવા સપનાં જોતા ભાજપે આ વાત પહેલાં વિચારવી જોઈએ.
-અભિજિત
29-03-2016

No comments:

Post a Comment