Thursday, October 14, 2010

પત્રકારત્વનું અધઃપતન

પત્રકારત્વ એટલે ચોથો સ્તંભ!!!! પણ આજે આ ઉક્તિ તદ્દન ખોટી સાબિત થઇ રહી છે. આજનું પત્રકારત્વ એટલું કથળી ગયું છે કે સમાજનો ચોથો સ્તંભ નહિ પણ પોલીટીકલ પાર્ટીઓનો સ્તંભ જ બની ગયો છે. દરેક અખબારો કે ન્યુઝ ચેનલો પોલીટીકલ પાર્ટીઓના મુખપત્ર તરીકે જ કામ કરે છે. આ માત્ર ગુજરાત જ નહિ સમગ્ર દેશમાં જોવા મળી રહ્યું છે. શું ખરેખર પત્રકારત્વનું સ્તર આટલું નીચે જતું રહ્યું છે? એવો એક સવાલ છેલા કેટલાય વખતથી મારા મગજમાં આવી રહ્યો છે. અને મને પણ લાગે રહ્યું છે કે આ વાત તદ્દન સાચી છે. કેમ કે જયારે એટલે કે આજથી વીસ વર્ષ પહેલા જ્યારે પત્રકારત્વમાં આવ્યો ત્યારે પત્રકારો ખુબ જ મહેનત કરીને સ્ટોરી કે સમાચાર લાવતા હતા. અને તે વખતે લોકો પણ અખબારો પર વિશ્વાસ મુકતા હતા. પણ આજે જયારે દેશભરમાં ન્યુઝ ચેનલોનો રાફડો ફાટ્યો છે ત્યારે અખબારો પણ પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યા હોવાનું મને લાગી રહ્યું છે.
આજના અખબારો પણ ન્યુઝ ચેનલો પર જે સમાચાર આવે એ જ સમાચાર પોતાના અખબારોમાં રજુ કરે છે. અખબારો પોતાનું કશું જ નવું નથી આપતા (ક્યારેક ક્યારેક એકાદ બે અખબારો સારા અને સચોટ સમાચારો આપી દે છે.). પત્રકારો પણ પોતાનો ધર્મ ભૂલી ગયા છે. અને કોઈકને ખુશ રાખવા કે સંબધો જાળવી રાખવામાં જ રચ્યા પચ્યા રહે છે. ન્યુઝ ચેનલો તો આનાથી પણ તદ્દન વિપરીત રીતે જ વર્તે છે. કેમ કે આજકાલ દરેક ન્યુઝ ચેનલો પર જે રીતે રીપોર્ટીંગ કરવામાં આવી રહ્યું છે તે પત્રકારત્વ નથી. ન્યુઝ ચેનલોમાં નવા નવા ફિલ્ડમાં આવેલા લબરમુછીયા રિપોર્ટર પોતાની જાતે જ કોઈ પણ ઘટનાનું વિવરણ (કોઈની સાથે ચર્ચા કે વિચારના કાર્ય વગર) કરી દે છે. જયારે આ રિપોર્ટર જે તે ઘટનાનું વિવરણ કરતો હોય ત્યારે તેને એમ જ લાગે છે કે પોતે મેદાન મારી લીધું. પણ હકીકત કંઈક અલગ જ હોય છે. આવી રીતે ઘટનાનું વિવરણ કરીને પત્રકાર પોતાની જાતને તીસમારખા સમજે છે પણ તે પોતાની અક્કલનું પ્રદર્શન કરે છે. પણ આવા લોકોને સમજાવે કોણ? જો કોઈ વરિષ્ઠ પત્રકાર કે તંત્રી તેને સમજાવવા જાય તો તેઓ એમ કહે છે કે "આમાં તમને ખબર નાં પડે." લ્યા ભાઈ આમાં એમને જ ખબર પડે તમને ખબર ના પડે... સાચું કહું તો આમાં તંત્રી કે વરિષ્ઠ પત્રકારોનો જ વાંક હોય છે. કેમકે પોતાની ચેનલમાં ફટાફટ બ્રેકીંગ ન્યુઝ આપવાની લ્હાયમાં સમાચારનું અને ઘટનાનું ધનોતપનોત કાઢી દેવાતું હોય છે. આ તબક્કે એક ઘટના મને યાદ આવે છે. વર્ષો પહેલા મુંબઈમાં બોમ્બ ધડાકા થયેલા અને તે પણ ટ્રેનમાં ત્યારે એક ન્યુઝ ચેનલના રીપોર્તેરે તો પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરુ કરી કોઈ નિષ્કર્ષ પર આવે તે પહેલા જ જાહેર કરી દીધું કે આ બોમ્બ ધડાકા પાછળ "ફલાણા-ઢીકણા"નો હાથ છે. લ્યા ભાઈ પોલીસને તો આવવા દે અને તપાસ કરીને કોઈ નિષ્કર્ષ પર આવવા તો દે તે પહેલા જ તરુણ વિવરણ શા માટે કરે છે? આવું તેને તે સમયે તેના વરિષ્ઠોએ નહિ કહ્યું અને તેઓ પણ પોતાના પત્રકારના આ પ્રદર્શનથી છતી ફુલાવીને ફરે છે અને ચેનલમાં કહે છે કે અમારી ચેનલે સૌથી પહેલા બોમ્બ ધડાકા પાછળ કોનો હાથ છે તે જાહેર કર્યું.
આમ આજે દરેક ન્યુઝ ચેનલ નંબર એક બનવાની હોડમાં લોકો સુધી ખોટી માહિતી પહોંચાડીને પોતાની અક્કલનું પ્રદર્શન કરે છે. ટૂંકમાં, ન્યુઝ ચેનલોના રાફડા વચ્ચે આજે અખબારો પરથી પણ લોકોનો વિશ્વાસ ઉઠી ગયો છે. કારણ માત્ર ને માત્ર એટલું જ કે સમાજ ને જે જાણવું છે તે જાણવા નથી મળતું અને ભળતું સળતું જ મળે છે.
શું આજે આ પત્રકારત્વ પાછું સુધરી ના શકે? અખબારો પોતાની વિશ્વસનીયતા પરત ના મેળવી શકે? સુધરી શકે એમ છે પણ જો અખબારોના તંત્રી ધારે તો પોતાના અખબારની ગુમાવેલી વિશ્વસનીયતા પરત મેળવી શકે છે પણ એના માટે તેમણે પણ થોડી મહેનત કરવી પડે અને પોતાના પત્રકારોને સાચી માહિતી એકત્ર કરવા અને પછી જ રજુ કરવાની શિખામણ આપવી પડે. જો આવું કરવામાં નહિ આવે તો એ દિવસો દૂર નથી કે જેમ લોકો ન્યુઝ ચેનલોથી કંટાળી ગયા છે તેમ અખબારોથી પણ કંટાળી જશે અને કાલ ઉઠીને આ તમામને જાકારો આપી શકે છે. તો જગ્યા ત્યાંથી સવાર માનીને દરેક પત્રકારે અખબારો અને ન્યુઝ ચેનલોની ગુમાવેલી વિશ્વસનીયતા ફરી મેળવવા કમર કસવી જોઈએ.
(ખાસ નોંધ: આ લેખ કોઈ એક ન્યુઝ ચેનલ કે અખબાર કે પત્રકારો માટે નથી, પણ આપણાં સમાચારોના તમામ માધ્યમોને ધ્યાનમાં રાખીને લખ્યો છે. કોઈએ બંધ બેસતી પાઘડી પહેરાવી નહિ. અને જો કોઈ બંધ બેસતી પાઘડી પહેરે તો તેને માટે આ લેખક જવાબદાર નથી.)