Friday, July 3, 2015

દિલ તો બચ્ચા હૈ જી!!!!!!

મિત્રો, આજે આપ સૌને એક એવા  ગ્રુપની વાત કરવા જઈ રહ્યો છું કે જે બાળમંદિરથી લઈને ધોરણ 12 સુધી એકસાથે એક જ શાળામાં ભણ્યાં, આખડ્યાં, બાખડ્યાં અને છૂટાં પડીને ત્રીસ વર્ષે પાછાં ભેગા થયાં. ત્રીસ ત્રીસ વર્ષના વ્હાણાં વાઈ ગયાં બાદ ભેગાં થયેલાં આ ગ્રુપને આપણે ઓળખીશું બાળમિત્રોનાં નામે.
કોણ કહે છે કે દુનિયા બહુ મોટી છે. જ્યાં સુધી કમ્પ્યુટર કે ઈન્ટરનેટની શોધ નહોતી થઈ ત્યાં સુધી દુનિયા મોટી લાગતી હતી. પણ, જેવી આ બધા ઉપકરણો આવ્યાં કે દુનિયા ખોબાં જેવડી થઈ ગઈ અને ફેસબૂક અને વ્હોટ્સ એપ જેવા સોશિયલ મિડિયાએ તો દુનિયામાં દૂર સુદૂર વસેલાં કે વર્ષો પહેલાં અન્ય કોઈ ઠેકાણે જઈને વસેલાં લોકોને પણ શોધી કાઢયાં છે. અને માત્ર એક ચાંપ દબાવતાં જ આ તમામ એકજૂથ થઈ જાય છે. આવાં જ કેટલાંક લોકો આપણાં મુખ્ય પાત્રો છે, જે ત્રણ દાયકા પહેલાં છૂટાં પડ્યાં અને હવે ભેગા થયાં છે.
તો પ્રસ્તુત છે, અનોખાં મિત્રોની વાત... જે તમામ બાળમિત્રો અને તેમનાં ટાબરોને નામ.
મે મહિનાના અંતિમ સપ્તાહમાં મારા વ્હોટ્સ એપ પર એક સંદેશો આવ્યો. એ સંદેશો હતો સ્કૂલ ટાઈમના મારા એક ખાસ મિત્રનો.. તેણે મને જાણ કરી કે આપણી શાળામાં સાથે ભણેલા તમામ મિત્રોનો એક સમૂહ ભેગો થયો છે અને બાળમિત્રો તરીકે વ્હોટ્સ એપ પર એક ગ્રુપ બનાવ્યું છે. મેં તારો નંબર ગ્રુપના એડમિનને મોકલી આપ્યો છે, તને ગ્રુપમાં એડ કરે તો વાંધો નથીને... ત્યારે મેં કહ્યું કે કોઈ જ વાંધો નથી. અને પછી જોવા લાગ્યો રાહ... બાળમિત્રોની.. જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં એકદમ જ મારા વ્હોટ્સ એપ પર બાળમિત્રો કરીને જે ગ્રુપ તેમાં મને જોડ્યાનો સંદેશો આવ્યો.. અને બસ, પછી શરૂ થઈ ત્રીસ વર્ષ પહેલાની યાદોની મોસમ...
આ ગ્રુપ એ એક એવું ગ્રુપ છે કે જે વર્ષ 1986ની આસપાસ નારણપુરાની એક નામાંકિત શાળાના ધોરણ 12ના બોર્ડના પરિણામ બાદ પોતપોતાની કારકિર્દી બનાવવા તરફ કદમ માંડીને દૂર સુદૂર ચાલ્યા ગયેલાં લોકો. બાળમિત્રો.. નામ જ કેટલું સરસ અને મજ્જાનું છે. નામ માત્રથી જ આટલી ઉંમરે પણ બાળક બનવાનું પાછું મળ્યું. આ ગ્રુપમાં ત્રીસ વર્ષ પહેલાં છૂટાં પડેલા મિત્રો સાથે પરિવારના ફોટા અને તેમની ઓળખ તથા પોતાની વર્તમાન કામગીરીની ઓળખ દરેકે દરેક બાળમિત્રએ આપી. અને યાદ આવી ગયું શાળાના એ દિવસો... પછી તો બીજું શું જોઈએ.... તમામ બાળમિત્રો લાગણીનાં ઘોડાપૂરમાં તણાવા લાગ્યાં કે ગણતરીની મિનિટોમાં તો વ્હોટ્સ એપ પર ઢગલાબંધ સંદેશાઓ પડી ગયાં હોય..
જે દિવસે એકબીજાના પરિચય થયા એ દિવસે પ્રસિદ્ધ ગઝલગાયક સ્વ. જગજિત સિંઘની આ ગઝલ તરત જ બુઢ્ઢા દિમાગમાં આવી...
ગઝલના શબ્દો  છે...
ये दौलत भी ले लो,
ये शौहरत भी ले लो,
भले छीन लो मुझसे मेरी जवानी,
मगर मुझको लौटा दो वो बचपन का सावन,
वो कागझ की कस्ती वो बारिश का पानी, वो कागझ की कस्ती वो बारिश का पानी
આ ગઝલ વ્હોટ્સ એપમાં બાળમિત્રો સાથે શેર કરી અને તમામ બાળમિત્રો કિલ્લોલ કરવા લાગ્યાં અને ગણગણવા લાગ્યાં. આ ગ્રુપમાં અમદાવાદમાં રહીને નારણપુરાની નામાંકિત શાળામાં ભણીને પોતપોતાના ક્ષેત્રમાં આગળ વધેલા આ બાળમિત્રોમાં ઘણાં અમદાવાદમાં જ ઠરીઠામ થયેલાં છે, તો ઘણાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર સ્થાયી થયાં છે.
ત્રીસ વર્ષ પહેલાનાં આ બાળમિત્રોમાં ઘણાં ફેરફારો જોવા મળ્યાં. કેમ કે ત્રીસ વર્ષ પહેલાં તેઓ જે ઉંમરે હતા તે ઉંમરે આજે તેમનાં ટાબરો છે. પરિવારની ઓળખ સાથે મેં પણ મારા પરિવારને મારા આ બાળમિત્રોના ફોટા બતાવીને તેમને ઓળખાણ આપી કે નારણપુરામાં શાળામાં છેક બાળમંદિરથી લઈને ધોરણ 12 સુધી મોટાભાગના આ બાળમિત્રો અમે સાથે ભણ્યાં હતાં. પરિવાર પણ એકદમ આનંદિત થઈ ગયો.
દરમિયાનમાં બાળમિત્રો રોજે રોજ સવાર પડે એટલે જય શ્રીકૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડમોર્નિંગ કે ગુડ ઇવનિંગ કરતા અને વાતોનાં વડાં  કરતાં. ત્રીસ વર્ષ બાદ મળેલાં બાળમિત્રો ગણતરીના કલાકોમાં જ એકબીજા સાથે અમે જ્યારે શાળામાં હતાં ત્યારે જે રીતે મળતાં વાતો કરતાં કે રમતાં એમ રમવા લાગ્યાં વ્હોટ્સ એપ પર...  કોઈ શાળાના મેદાનમાં નહિ.
રોજેરોજની વાત્યું અને ગામ ગપાટાં દરમિયાન પરિવાર સાથે એક મિલન સમારંભ (ગેટ ટૂ ગેધર) રાખવાની દરખાસ્ત એક બાળમિત્રએ મૂકી અને સહર્ષ અન્ય તમામ બાળમિત્રોએ તેને ઉમળકાભેર સ્વીકારી લીધી. હવે મળવાનું નક્કી થયું તો સ્થળ પણ પસંદ તો કરવું જ પડે ને. એટલે તમામે આ ઉંમરે પણ શહેરની નામાંકિત અને નામચીન હોટેલ તેમ જ બગીચા રેસ્તોરાંની પસંદગી અને તેના ભાવ વ્હોટ્સ એપ પર મૂકવા માંડ્યા. સ્થળ એવું પસંદ કરવું હતું કે અમદાવાદના અલગ અલગ ખૂણે વસતા તમામ બાળમિત્રો આવી શકે. અને અંતે 15 દિવસની મગજમારીના અંતે શહેરની એક નામાંકિત રેસ્તોરાંની પસંદગી કરવામાં આવી. જૂન મહિનાના અંતિમ શનિવારે સાંજે 6.30નો સમય નક્કી કરાયો.
જેમ જેમ એ દિવસ નજીક આવતો ગયો તેમ તેમ દરેક બાળમિત્રો ત્રીસ વર્ષ પહેલાં  વિખૂટાં પડેલા  પોતાના મિત્રોને મળવાં તલપાપડ થવા લાગ્યા અને અંતે એ દિવસ આવી ગયો. એ દિવસે વિદેશમાં અને અન્ય રાજ્યોમાં વસતાં અમારાં કેટલાંક બાળમિત્રોએ એક સરપ્રાઈઝ આપી.  અમે જે રેસ્તોરાં નક્કી  કરી હતી,  ત્યાં અમે પહોંચીએ એ પહેલાં એક સ્વાદિષ્ટ કેક પહોંચી ગઈ. અને જેમ જેમ સમય થયો તેમ તેમ  તમામ બાળમિત્રો રેસ્તોરાં પર પોતપોતાના પરિવાર સાથે આવી ગયા. અને પછી શરૂ થઈ રૂબરૂ ઓળખાણ. પરિજનો પણ આ બાળમિત્રોને મળીને ભાવ વિભોર બની ગયાં. એ દિવસે મોટાં ભાગના બાળમિત્રોની આંખમાં ઝળઝળિયાં જોયાં અને ખ્યાલ આવ્યો કે ખરેખર મિત્રતા શું છે.
પછી શરૂ થયો મેળાવડો. મસ્તી કરતાં કરતાં પરિજનો સાથે મોટાં હોલમાં પોતે શું કરે છે અને પરિવારજનોનો પરિચય તેમ જ પોતાના ટાબરો પણ શું ભણે છે તેની માહિતીની આપ લે થઈ. કેક કટિંગ કર્યું અને પછી શરૂ થયું ભોજન. ભોજન કરતાં કરતાં ફોટાં પણ પાડ્યાં અને મસ્તી પણ કરી.
પણ ખરી મસ્તી તો ભોજન સમારંભ પૂર્ણ કર્યાં બાદ આ બાળમિત્રોએ કરી. રેસ્તોરાંમાંથી નીચે આવ્યા બાદ રાત્રે લગભગ સાડા દસ વાગ્યા સુધી બેસીને ફોટો સેશન  અને શાળાના એ દિવસોને યાદ કરીને વાગોળ્યાં. આ સમયે ગુજરાત બહાર અન્ય  રાજ્યોમાં વસતાં અને વિદેશમાં વસતાં બાળમિત્રો પણ આ મેળાવડાંના ફોટા માટે વ્હોટ્સ એપ પર સતત સંદેશાનો મારો ચલાવ્યા જ કરતાં હતાં.
આટલું ઓછું હોય એમ આ બાળમિત્રોના ટાબરિયાંઓ પણ જાણે વર્ષોથી એકબીજાંને ઓળખતાં હોય એ રીતે પોતાનું જૂથ બનાવીને રમ્મતો રમીને ગમ્મત કરવા લાગ્યાં. આ ટાબરોની વાત આટલેથી નથી અટકતી તેમણે પણ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરીને બીજા દિવસે ચિલ્લર પાર્ટી નામનું ગ્રુપ વ્હોટ્સ એપ પર બનાવી દીધું અને બાળમિત્રોની જેમ વાત્યુંનાં વડાં કરવાનું શરૂ કરી દીધું.
આ મેળાવડાં પછી તરત જ પાછા આ બાળમિત્રો બીજાં મેળાવડાં માટે નક્કી કરવા લાગ્યાં. રોજે રોજ નીતનવા જોક્સ, સુવાક્યો અને માથાંફોડ સવાલો અને તેના વિચિત્ર જવાબોનો દૌર અને પ્રવાહ સતત ચાલુ જ છે અને ચાલુ જ રહેશે.
ખરેખર બાળપણ એક એવી ચીજ છે કે તે ગમે તે ઉંમરે પણ યાદ આવે તો તેમાં ડૂબકી મારવાનું મન થાય જ.

So, Keep It Up “BalMitro”….

-અભિજિત

03-07-2015