Wednesday, March 9, 2016

નશાની ખેતીમાં આતંકનો પાક



તાજેતરમાં જ ઘણાં મોટા સમાચારોની વચ્ચે એક મહત્વના સમાચાર ધરબાઈ ગયા. પૂર્વ ભારતમના બંગાળ અને બિહારમાં અફીણની ખેતી અંગે એક અહેવાલ આવ્યો હતો. આમ તો નશા માટે પંજાબ બદનામ થઈ ચૂક્યું છે, પણ પૂર્વ ભારતની સ્થિતિ ચોંકાવનારી છે. પૂર્વ ભારતના નક્સલ પ્રભાવિત વિસ્તારો ઉપરાંત બાંગલાદેશની સરહદ પર પણ મોટા પાયે અફીણની ખેતી થઈ રહી છે. ખતરનાક સંકેત એ છે કે અફીણની ખેતીથી થનારી આવકનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓમાં થઈ રહ્યો છે. આ ઉપરાંત, નક્સલિઓની મદદથી બિહાર અને ઝારખંડના ઘણાં જિલ્લાઓમાં અફીણની ખેતી થાય છે.
બિહારના ગયા જિલ્લાના બારાચટ્ટી તાલુકામાં સુરક્ષા દળોએ જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૧૬માં લગભગ પાંચસો એકરમાં થનારી અફીણની ખેતી નષ્ટ કરી દીધી. જોકે સુરક્ષા દળો એ જ ખેતી નષ્ટ કરવામાં સફળ થઈ શક્યા, જ્યાં સુધી પહોંચવામાં તેઓ સફળ રહ્યા. આ બ્લોકની અંદર હજુ પણ હજારો એકરમાં અફીણની ખેતી થઈ રહી છે. ઘણાં વિસ્તારો નક્સલિઓના પ્રભાવ હેઠળ છે, જ્યાં સુરક્ષા દળો પહોંચી નથી શક્યા. પણ બારાચટ્ટી બ્લોક તો એક ઉદાહરણ માત્ર છે. જિલ્લાના ઈમામગંજ અને ડુમરિયા વિસ્તારમાં પણ અફીણની ખેતી જોરશોરથી કરાઈ રહી છે. સાથે જ ઝારખંડના ચતરા, હજારીબાગ, પલામૂ જિલ્લાના ઘણાં વિસ્તારોમાં પણ આ જ સ્થિતિ છે. કહેવાય છે કે, ખેતીની આવકનો એક મોટો હિસ્સો નક્સલીઓને લગાન તરીકે ચૂકવવામાં આવે છે. પણ પૂર્વ સરહદ પર પણ હાલત ચિંતાજનક છે. બંગાળ અને બાંગ્લાદેશ સરહદ પર સ્થિત ઘણાં વિસ્તારોમાં અફીણની ખેતી થઈ રહી છે. પશ્ચિમ બંગાળના કાલીચકમાં હાલમાં જ તેના કારણે એક મોટો હંગામો થયો હતો. હકીકતમાં, પૂર્વ સરહદી વિસ્તારોમાં અફીણની ખેતીનો સીધો સંબંધ બાંગ્લાદેશ અને બંગાળમાં સક્રિય થઈ રહેલા આતંકી સંગઠનો સાથે છે. ખતરાની ઘંટડી એટલા માટે છે કે ઉત્તર-પૂર્વ સરહદી વિસ્તાર અને પડોસી બર્મામાં આ ખેતી પહેલેથી જ લહેરાઈ રહી છે. કેટલાંક સંગઠનો અફીણની આવકથી પોતાના સંગઠનને મજબૂત કરી રહ્યા છે. તેનાથી સંગઠનનો ફેલાવો થઈ રહ્યો છે. હથિયાર ખરીદવામાં પણ અફીણની આવકનો ઉપયોગ થઈ રહ્યો છે. ઠીક એવી જ રીતે જેમ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ઘણાં જેહાદી સંગઠનોએ અફીણની આવકનો ઉપયોગ હથિયારની ખરીદીમાં કર્યો છે.
નક્સલ વિસ્તારોમાં ચોરી-છૂપી અફીણની ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. અહેવાલ તો એટલે સુધી છે કે એક એકર એક ખેડૂતને ત્રણથી ચાર લાખનો ખર્ચો હપ્તામાં થઈ રહ્યો છે. આ કામને અંજામ આસપાસના સક્રિય ડ્રગ માફિયા આપી રહ્યા છે. પાક વાવવા માટે એક હપ્તો પહેલાં ખેડૂતને આપવામાં આવે છે. પાક જ્યારે તૈયાર થવા લાગે છે તો બીજો હપ્તો છોડવામાં આવે છે. પછી પાક તૈયાર થયા બાદ અંતિમ હપ્તો આપવામાં આવે છે. ડ્રગ માફિયાઓની સાંઠગાંઠ નક્સલિઓ સાથે છે. ખેડૂત પણ આ ખેતીમાં કદાચ એટલે રસ લઈ રહ્યા છે કે અનાજની ખેતીમાં વર્ષ મુશ્કેલથી પ્રતિ એકર દસ પંદર હજાર રૂપિયાની આવક થાય છે. જ્યારે જે જે ગામોમાં અફીણની ખેતી થઈ રહી છે, ત્યાં જીવન શૈલી બદલાતી નજરે પડી રહી છે. ઘણાં લોકો તેનાથી થનારી આવકથી પાક્કાં ઘર બનાવી લીધા છે, જેના ઘરોની સામે ગાડીઓ જોવા મળે છે.
કહેવાઈ રહ્યું છે કે, નક્સલી નાની ઉંમરના યુવકોની ફોજ બનાવવા માટે અફીણનો ઉપયોગ પણ કરી રહ્યા છે. પહેલાં તેમને માદક પદાર્થોની આદત લગાવવામાં આવે છે, પછી લડાઈ માટે તૈયાર કરાય છે. ઉલ્લેખનીય છે કે, ગયા કેટલાંક વર્ષો દરમિયાન નક્સલી આંદોેલન કમજોર થયું છે. એટલે તેનાથી જોડાયેલા સંગઠનો ઘણી જગ્યાઓ પર ફોજની કમીનો સામનો કરી રહ્યા છે. એવા અહેવાલ પણ સામે આવ્યા છે કે દુનિયાના ઘણાં વિસ્તારોમાં યુવકોને જેહાદી બનાવવા માટે માદક પદાર્થોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. એકલાં પાકિસ્તાનનું ઉદાહરણ આ મામલે ચિંતા ઉપજાવે એ માટે ઘણું છે. ગરીબ બાળકોને મદરેસામાં લાવીને પહેલા સરસ ભોજનનો લોભ આપવામાં આવે છે. તેમના પરિવારોને મદરેસા તરફથી બેથી ત્રણ લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે. જ્યારે કોઈ યુવાનના મગજને એક તરફ લઈ જવા માટે તેને પહેલાં ડ્રગ્સની આદત લગાવી દેવામાં આવે છે. ત્યારબાદ તેને હિંસા અને લડાઈની તાલીમ આપવામાં આવે છે. આ જ રીતનો ઉપયોગ યુરોપમાં પેદા થયેલા એશિયન મૂળના જેહાદી કહેનારા યુવકોની સાથે ઉપયોગમાં કરાઈ છે. લંડન જેવા શહેરમાં ભણેલા-ગણેલા પરિવારોના બાળકોને પહેલા ડ્રગ્સનો ડોઝ પર લાવવામાં આવ્યા, પછી તેમનું બ્રેઈન વોશ કરાયું. તપાસ એજન્સીઓ અનુસાર માદક પદાર્થોની લત લગાવી દીધા બાદ કોઈને પોતાના વિચારોને અનુરૂપ કરવાનું સરળ થઈ જાય છે. તેનાથી માલૂમ પડે છે કે ડ્રગ્સ દ્વારા આતંકી સંગઠન માત્ર પૈસા જ નથી કમાઈ રહ્યા, પણ આતંકી પ્રવૃત્તિ માટે લોકોને તૈયાર કરવામાં પણ તેનો પૂરેપૂરો ઉપયોગ કરાઈ રહ્યો છે. સાચું છે કે પંજાબ નશા માટે બદનામ થઈ ચૂક્યું છે. પણ પંજાબમાં નશાની ખેતી નથી થતી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પંજાબના રસ્તે નશાની દાણચોરી વધી છે. તેનું કારણ મુખ્ય રૂપથી અફઘાનિસ્તાનથી નાટો સૈનિકોની વાપસી છે, ત્યાર પછીથી પંજાબમાં હેરોઈનની આવક વધી ગઈ. પછી ત્યાં અફીણની ખેતી પણ વધવા લાગી અને આઈએસઆઈની સાથે-સાથે આતંકી સંગઠનોની પણ આવક વધી. પંજાબમાં ૨૦૦૮માં સો કિલોગ્રામ, ૨૦૦૯માં એકસો વીસ કિલોગ્રામ, ૨૦૧૦માં એકસો પંદર કિલોગ્રામ હેરોઈન પકડાયું હતું. ૨૦૧૧માં હેરોઈનની આવક ઘટી તો તેની સીધી અસર જપ્તી પર પડી. આ વર્ષે માત્ર ૬૮ કિલો જ હેરોઈન પકડી શકાયું છે.
ગુપ્તચર સંસ્થાના કહેવા પ્રમાણે ૨૦૧૦માં અફઘાનિસ્તાનમાં અફીણના ઉત્પાદનમાં ભારે ઘટાડો આવ્યો હતો. સમગ્ર દેશમાં કુલ ૩૬૦૦ ટન અફીણનું ઉત્પાદન થયું હતું. ભારતમાં ૨૦૧૧માં હેરોઈનની ખેપ ઘટવાનું કારણ એ હતું. હકીકતમાં, અફીણથી હેરોઈન બનાવીને બજારમાં લાવવાની પ્રક્રિયામાં કેટલાંક મહિના લાગી ગયા છે. તેના આગળના વર્ષે અફઘાનિસ્તાનમાં અફીણની ખેતીમાં અચાનક વધારો થયો અને ઉત્પાદન ૩૬૦૦ ટનથી વધીને ૫૮૦૦ ટન પહોંચી ગયું. તેનો પ્રભાવ ભારતના પંજાબમાં ૨૦૧૨માં જોવા મળ્યો. એ જ વર્ષે રાજ્યમાં પાકિસ્તાનની સરહદથી મોકલાયેલું ૨૯૦ કિલોગ્રામ હેરોઈન પકડી પડાયું. પછી ૨૦૧૪માં પંજાબ સરહદ પર ૬૩૬ કિલોગ્રામ, જ્યારે ૨૦૧૫માં ૪૨૩ કિલોગ્રામ હેરોઈન પકડાયું. તપાસ એજન્સીઓ અનુસાર જેટલું હેરોઈન જપ્ત થયું, તેનાથી ઘણી મોટી માત્રામાં પંજાબના રસ્તે દુનિયાના બીજા દેશોમાં જઈ ચૂક્યું છે.
ભારતના પંજાબમાં ડ્રગ મોકલવાના બે રસ્તા છે. ડ્રગ દાણચોરી અટારી સુધી આવનારી ટ્રેનના માર્ગનો ઉપયોગ પણ હેરોઈન મોકલવા માટે કરાય છે. માલગાડીની અંદર આ માદક પદાર્થોના પેકેટ છૂપાવી દેવામાં આવે છે. ૨૦૧૨માં માલગાડીથી મોકલાયેલા કુલ એકસો પાંત્રીસ કિલો હેરોઈનના પેકેટ બીએસએફે જપ્ત કર્યા હતા. બીજો રસ્તો ગુરદાસપુરથી લઈને ફિરોઝપુર જિલ્લા સુધીના સરહદી ખેતરો છે. પાકિસ્તાનના દાણચોરો ભારતીય વિસ્તારમાં વાડની બહાર ખેતરોમાં હેરોઈનના પેકેટ છૂપાવી દે છે. પછી મોબાઈલ દ્વારા ભારતીય દાણચોરને તે જગ્યાનો સંદેશો મોકલી આપવામાં આવે છે. દિવસમાં જ્યારે વાડની બીજી તરફના ખેતરોમાં ખેડૂતોના ટ્રેક્ટર જાય છે, તો તેમાં પેકેટ નાખીને વાડની અંદર લઈ આવવામાં આવે છે. આ સમગ્ર ખેલમાં ભારતીય દાણચોરો પાકિસ્તાની મોબાઈલ સિમનો ઉપયોગ કરે છે.
ગુપ્તચર સંસ્થાનું માનીએ તો દેશમાં કુલ ત્રણસો મોટા દાણચોરોનું નેટવર્ક છે જે ભારતથી નશીલા પદાર્થોને દુનિયાના અલગ અલગ ભાગોમાં મોકલે છે. તેની પૂરી યાદી તપાસ એજન્સીઓની પાસે છે. અંદાજ તેનાથી લગાવાય છે કે પંજાબથી કેનેડા અને યુરોપમાં પણ સરળતાથી ડ્રગ મોકલાવી શકાય છે. જ્યારે પંજાબમાં પાકિસ્તાનથી આવનારા હેરોઈનને દુબઈ પણ મુંબઈના રસ્તે મોકલવામાં આવે છે. દુબઈ સુધી હેરોઈન મોકલવા માટે મુંબઈના બંદરોનો ઉપયોગ કરાય છે. ભારતનના પંજાબમાં હેરોઈન ગોલ્ડન ક્રિસેંટ રૂટ (અફઘાનિસ્તાન-પાકિસ્તાન)થી આવે છે. જ્યારે ભારતમાં ડ્રગ દાણચોરીનો એક માર્ગ મ્યાંમા, થાઈલેન્ડ, લાઓસ અને વિયેતનામ પણ છે. આ રસ્તેથી થનારી દાણચોરીની આવકનો હિસ્સો ઉત્તર-પૂર્વમાં સક્રિય આતંકી સંગઠનને મળે છે.
ભારત માટે નાર્કો આતંકવાદ એક મોટું જોખમ છે. જો ભારતમાં જ અફીણની ખેતીનો માર્ગ મોકળો થઈ જાય તો આવનારા સમયમાં સ્થિતિ વધુ ખરાબ થશે. દેશનો એક મોટો વિસ્તાર પહેલેથી જ અશાંત વિસ્તાર છે. આ વિસ્તારમાં સુરક્ષા દળોને પણ પહોંચવાની મુશ્કેલી છે. જો આ વિસ્તાર નશાના વેપારનું કેન્દ્ર બન્યું તો તેનું નુકશાન સમગ્ર દેશને ઉઠાવવું પડશે. એટલે સરકારોએ ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોની સામાન્ય ખેતીને લાભદાયક બનાવવી પડશે, કેમ કે ઘણા વિસ્તારોમાં ખેડૂત પૈસા કમાવવાની લાલચમાં નશાની ખેતી કરી રહ્યા છે. દૂરસુદૂરના વિસ્તારોમાં જંગલ વધારે છે, ત્યાં નશાની ખેતી સરળ છે, કેમ કે તપાસ એજન્સીઓની નજર પણ ત્યાં નથી જતી. જ્યારે ઓડિસા, બંગાળ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના મોટા વિસ્તારો નક્સલ પ્રભાવિત છે. બંગાળમાં ઘણા વિસ્તારો સ્થાનિક પ્રશાસનની મદદથી જ અફીણની ખેતીનો આરોપ લાગી રહ્યાં છે.
-અભિજિત
09-03-2016

No comments:

Post a Comment