Sunday, February 28, 2016

નવાઝની ‘શરીફ’ કબૂલાત પાછળ ભેજું કોનું ?

કારગિલ ઓપરેશનના લગભગ ૧૭ વર્ષ બાદ હવે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે સ્વીકાર કર્યો છે કે, પાકિસ્તાની સૈનિકોની કારગિલમાં ઘૂસણખોરી ખોટી હતી. ઉલ્લેખનીય છે કે, તત્કાલિન ભારતીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પાકિસ્તાન વડાપ્રધાન શરીફના વિશેષ આમંત્રણ પર લાહોર ગયા હતા. ત્યાંથી બંને દેશોની વચ્ચે શાંતિ પ્રક્રિયા શરૂ થઈ હતી જેનાથી બંને સરકારોને ઘણી આશાઓ હતી. દરમિયાનમાં પાકિસ્તાની સેનાએ ચોરી-છૂપી કારગિલમાં ઘૂસી આવ્યા અને ત્યારબાદ બંને દેશોની વચ્ચે જે કંઈ થયું તેમાં કથિત શાંતિ પ્રક્રિયાના લીરેલીરાં ઉડાવી દીધાં.
શરીફે સાચું જ કહ્યું કે પાકિસ્તાની સેનાના આ દુઃસાહસનું પરિણામ એ આવ્યું કે, બંને દેશોના સંબંધોમાં સુધારો લાવવાની આશા લાંબા સમય સુધી પૂર્ણ થઈ ગઈ. શરીફની આ સ્પષ્ટ વાત વખાણવાલાયક જરૂર છે. પરંતુ આ વાત રેકોર્ડ પર આવ્યા બાદ તેનાથી જોડાયેલા કેટલાંક મહત્વના મુદ્દા પણ સામે આવ્યા છે. શરીફના કબૂલાતનામાએ એ આરોપને સાચ્ચાં સાબિત કરી દીધા છે કે પાકિસ્તાનમાં ચૂંટાયેલી સરકાર માત્ર નામ પૂરતી જ હોય છે. લોકશાહી નામ પૂરતી જ છે અને વાસ્તવિક સત્તા ફોજના હાથમાં છે. ન માત્ર ચૂંટાયેલી સરકારને અંધારામાં રાખીને સેનાએ એક અન્ય દેશની સરહદ ઓળંગીને ઘૂસીને તે વિસ્તાર પર કબ્જો જમાવી દીધો પરંતુ ત્યારબાદ પણ સરકાર સેનાના આ નિર્ણયને બદલાવી ન શકી, ન તો સેના પ્રમુખને કાઢી મૂકવાની હિંમત બતાવી શકી.
ઉલ્ટાનું, સરકાર જ સેનાના આ નિર્ણયનો સ્વીકાર કરીને, તેનો બચાવ કરવા મજબૂર થઈ ગઈ. કેટલાંક સમય બાદ આર્મી ચીપે આ નામ માત્રની સરકારને માર્ગમાંથી હટાવી દીધી. આ ઘટના બાદ પણ સમય-સમય પર એવા સંકેત મળતા રહ્યા છે કે, પાકિસ્તાની સરકાર અને અહીંની સેના તથા આઈએસઆઈના કામકાજમાં તાલમેલ જ નથી. જ્યારે પણ સરકાર ભારત સાથે શાંતિપૂર્ણ સંબંધોની દિશામાં કોઈ મોટું પગલું ઉઠાવવા જાય છે, સરહદ પારથી કોઈને કોઈ એવી હરકત થાય છે જેનાથી આ પગલું બિન અસરકારક થઈ જાય છે. નવાઝ શરીફે જ્યારે આ વાતનો ખૂલ્લેઆમ સ્વીકાર કરવાની હિંમત બતાવી છે તો તેમણે હવે કોઈક ઠોસ પગલાં પણ ઉઠાવવા જોઈએ જેનાથી પાકિસ્તાનમાં સેનાની ઉપર ચૂંટાયેલી સરકારનો અંકુશ ન માત્ર સ્થાપિત થાય પરંતુ એવું થતું સ્પષ્ટ રીતે દેખાય પણ ખરું.
૧૭-૧૭ વર્ષના વહાણાં વાઈ ગયાં બાદ શરીફ આ વાતનો સ્વીકાર કરે કે કારગિલમાં પાકિસ્તાની સેનાની ઘૂસણખોરી ખોટી હતી તો આ વાત કબૂલવા પાછળ પણ કોઈ રાજકીય ગણિત હોય એવું લાગી રહ્યું છે. કેમ કે આટ આટલાં વર્ષો તેમણે આ વાતનો સ્વીકાર ન કર્યો અને હવે એકદમ જ કેમ? ક્યાંક વડાપ્રધાન મોદી સાથેના વધી રહેલા દોસ્તાનાનું પરિણામ તો નથી ને? કે પછી વડાપ્રધાન મોદીને નવાઝ શરીફે પોતાના રાજકીય ગુરૂ બનાવી દીધા છે અને તેના ભાગરૂપે મોદીએ ગુરૂમંત્ર આપ્યો છે કે, કોઈ એક મુદ્દા પાછળ લોકો પડી જાય ત્યારે તેમને બીજા મુદ્દા તરફ વાળી દો. જેથી બહુ ચગેલો અને જેમાં આપણી બદનામી થતી હોય એ મુદ્દો લોકો ભૂલી જશે. આ જ ગુરૂમંત્રને નવાઝે શરીફરીતે ફોલોકર્યું હોય એવું પણ બની શકે?
-અભિજિત
28-02-16

Saturday, February 27, 2016

આંદોલન અને તોડફોડ સામે અદાલતની લાલ આંખ

આંદોલનના નામે જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડનારા વિરૂદ્ધ અદાલતે સખત વલણ અપનાવી લીધું છે, હવે કાયદા ઘડનારાઓએ આગળ આવીને એક એવા કાયદાની વ્યવસ્થા બનાવવી જોઈએ, જેનાથી દેશને આ અભિશાપથી બહાર નીકાળી શકાય. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની અરજી પર સુનાવણી કરતાં ૨૪મી ફેબ્રુઆરી ૨૦૧૬માં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આંદોલનના નામે તોડફોડ કરનારાઓ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવી જોઈએ અને તેમની પાસેથી નુકશાનનું વળતર વસૂલવું જોઈએ. અદાલતે એ પણ કહ્યું કે, જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડનારા વિરૂદ્ધ કાર્યવાહી માટે ઝડપથી દિશા-નિર્દેશ જાહેર કરશે.
ગયા વર્ષે અનામતની માગણી લઈને પટેલોએ ગુજરામાં જે આંદોલન કર્યું હતું, તેનાથી ત્યાં કરોડોનું નુકશાન પહોંચ્યું હતું અને હાલમાં જ હરિયાણામાં થયેલા જાટ આંદોલનથી ૩૪ હજાર કરોડ રૂપિયાનું નુકશાન બતાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનને તો સરકાર જ નહિ, અન્ય સમાજોની ખાનગી સંપત્તિને પણ ભારે નુકશાન પહોંચ્યું છે. દેશમાં ગયા કેટલાંક સમયથી એક સામાન્ય પ્રકૃત્તિ બની ગઈ છે કે લોકો પોતાની માગણીઓને લઈ માર્ગો ઉપર ઉતરે છે, તોડફોડ કરે છે, ત્યારબાદ જ સરકારો તેમની સાથે વાત કરે  છે અને પછી તેમની માગણી માની લેવામાં આવે છે.
આ પ્રકારના વિધ્વંસને એક રીતે કાયદેસરતા મળી ગઈ છે અને લોકોને ખાતરી થઈ ગઈ છે કે તેના વગર તેમની વાત નહિ સાંભળવામાં આવે. આ રીતે સમય-સમય ઉપર થનારા આંદોલનોથી વિકાસ પ્રક્રિયાને ઊંડો ઘા લાગે છે અને દુનિયામાં ભારતની છાપ એક અશાંત અને ઉપદ્રવગ્રસ્ત દેશની બની છે. તેના કારણે ઘણાં રોકાણકારો ઈચ્છતા હોવા છતાં ભારત નથી આવતાં. આજે આપણે વિકાસનું જે નવું માળખું અપનાવ્યું છે, તે ચૂસ્ત-દૂરસ્ત ગવર્નન્સની માગણી કરે છે.
બહુ દુરોગામી લક્ષ્ય મેળવવા માટે કેટલાંક નાના-મોટા તાત્કાલિક ફાયદાથી મોં મચકોડવું પડશે. કેટલીક આધારભૂત ચીજો દેશની ખૂશહાલી માટે આવશ્યક છે અને મજબૂત કાયદો વ્યવસ્થા તેમાં સૌથી ઉપર છે. એટલા માટે દરેક રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તેનો અર્થ ક્યારેય એ નથી કે વિરોધનો અવાજ દબાવી દેવામાં આવે. આપણે ન ભૂલવું જોઈએ કે ભારતે લાંબા સંઘર્ષ બાદ જ અંગ્રેજોની ચૂંગાલમાંથી મુક્તિ મેળવી હતી. પરંતુ, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અરાજકતાની જે પણ એકલ-દોકલ તક આવી, આપણા રાષ્ટ્રીય નેતાઓ વગર કોઈ દ્વિધાએ આ પ્રવૃત્તિની વિરૂદ્ધ ઊભાં થયાં.
આપણે આપણો સ્વતંત્રતા સંગ્રામ સત્યાગ્રહ અને અહિંસાના બળ પર જીત્યો હતો. એટલા માટે આપણી લોકશાહી વ્યવસ્થા આપણી સાથે આઝાદ થયેલા તમામ દેશોથી ઘણી વધારે મજબૂત છે. કોઈ પણ વ્યક્તિ કે સમૂહની ફરીયાદો ત્યારે દૂર થઈ જાય છે જ્યારે વ્યવસ્થા મજબૂત રહે. તેના ઉપર આઘાત કરીને, તેને તંગ-તબાહ કરીને કશું પણ મેળવી શકાતું નથી. આશા છે, જ્યારે ભાવનાઓથી રમનારા લોકો આ વાતને સમજશે અને સમજવી જરૂરી પણ છે.
-અભિજિત
27-02-2016

ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મોદી સરકારની બેવડી નીતિ

કેન્દ્રમાં જ્યારથી મોદી સરકાર સત્તા પર આવી છે ત્યારથી દેશભરની મોટી યુનિવર્સિટીઓ રાજકીય અખાડો બની ગઈ છે. મોદી સરકાર ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાનો હસ્તક્ષેપ કાયમ કરવા માટે નીતનવા પેંતરા કરી રહી છે. અને જેના કારણે ઉચ્ચ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનો અભ્યાસ તો બાજુ પર પણ તેઓની વિરૂદ્ધ રાષ્ટ્રદ્રોહના કેસ ઠોકાઈ રહ્યા છે, તે ખૂબ જ અફસોસની વાત છે. એક બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાનોને આગળ આવવા અને દેશના વિકાસમાં સહભાગી થવાની અપીલ કરે છે અને તે પણ એકદમ ઈમોશનલ અંદાજમાં. ત્યારે બીજી બાજુ તેમની સરકારનું માનવ સંશાધન વિકાસ મંત્રાલય દેશની નામાંકિત યુનિવર્સિટીઓમાં પોતાનું આધિપત્ય જમાવવાનો હથકંડો અપનાવી રહ્યું છે. ટૂંકમાં મોદી સરકારની આ છે બે મોંઢાની નીતિ.
દેશની નામાંકિત યુનિવર્સિટીઓમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનમાં તમામ રાજકીય પક્ષો રસ દાખવી રહ્યા છે. ખાસ કરીને જ્યારે હૈદરાબાદની ઘટના બની ત્યારે વડાપ્રધાન મોદીએ લખનઉમાં નાટકીય અંદાજમાં દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. હજુ આ સ્યાહી સૂકાઈ નહોતી ત્યાં નવમી ફેબ્રુઆરીએ દિલ્હી સ્થિત જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)માં સંસદના હુમલાના આરોપસર ફાંસી પર લટકાવી દેવાયેલા અફઝલ ગુરૂની વરસી દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરી (કે કરાવી) રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓને ફસાવવામાં આવી રહ્યા છે. આવા સંજોગોમાં મોદીએ જ્યારે લખનઉમાં રોહિત વેમુલાના મોત અંગે એવું નિવેદન કર્યું હતું કે, ભારતમાતાએ તેનો યુવાન પુત્ર ગુમાવ્યો છે, તેનું ખૂબ જ દુઃખ છે અને આંખોમાંથી આંસુ પણ છલકાવી દીધા. ક્યાં ગયાં આ આંસુ? એવો સવાલ આજે ઊઠી રહ્યો છે. આટલું ઓછું હોય એમ લોકો એવું પણ કહી રહ્યા છે કે, મોદીજીએ મગરનાં આંસું સારેલાં.
મહાત્મા ગાંધીએ ઓક્ટોબર ૧૯૩૧માં ડૉ. બી. આર. આંબેડકર અંગે કહ્યું હતું કે, “તેમની પાસે નારાજ થવાનો, કટૂ થવાના તમામ કારણો છે. તે આપણા માથા નથી ફોડી રહ્યા તો તે તેમનો આત્મ સંયમ છે.આ નિવેદનથી જાહેર થાય છે કે આંબેડકર અને તેમના સમુદાયની સાથે થયેલા અત્યાચારોની પૃષ્ઠભૂમિમાં તેમના દ્વારા કટુ શબ્દોનો ઉપયોગને મહાત્મા ગાંધી ખોટો નહોતા માનતા.
દિલ્હીમાં જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)માં અફઝલ ગુરૂની વરસી પ્રસંગે થયેલી વિરોધ સભાના મુદ્દે કેટલાંક વિદ્યાર્થીઓ વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ દાખલ કરાયો છે. દેશદ્રોહ એ ગુનો છે જેની હેઠળ કંઈ કહેવા, લખવા અને કંઈ અન્ય કામ કરવાથી સરકારની ઉપેક્ષા કરવાને પ્રોત્સાહન મળે છે.
પૂર્વ દિલ્હીથી ભાજપના સાંસદ મહેશ ગિરીએ આ મામલે એફઆઈઆર દાખલ કરાવી છે. તેમણે પોતાની લેખિત ફરીયાદમાં આ વિદ્યાર્થીઓને સંવિધાન વિરોધી અને દેશદ્રોહી તત્વો કહ્યા છે. ગિરીએ ગૃહ મંત્રી રાજનાથ સિંહ અને માનવ સંશાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ પત્ર લખીને, આ પ્રકારની શરમજનક અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ ફરીવાર ન થવા દેવા માટે આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
આ હૈદરાબાદમાં થયેલી ઘટનાનું પુનરાવર્તન કરવા જેવું લાગી રહ્યું છે. જ્યાં ભાજપે યાકૂબ મેમણની ફાંસીના વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરી હતી. આ મામલાનો દુઃખદ ભાગ એ છે કે એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી હતી. જોકે, જેએનયુએ કહ્યું કે, તેમણે આ વિરોધ પ્રદર્શનની પરવાનગી આપી નહોતી અને આ મામલે તપાસ સમિતિ પણ નીમી દેવામાં આવી છે. પરંતુ આ સમિતિના પ્રતિનિધિત્વને લઈને અનેક સવાલ ઊઠ્યા છે. વિદ્યાર્થી સંગઠનોનું કહેવું છે કે, તપાસ સમિતિમાં ઉપેક્ષિત અને હાંસિયા પર રહેલા સમુદાયનો કોઈ પ્રતિનિધિ સામેલ નથી કરાયો.
ભારતીય જનતા પાર્ટીની સામે આ મામલે વિકલ્પ હતા. વિદ્યાર્થીઓ ઉપર આરોપ લગાવવાના બદલે તેમને આ મુદ્દે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ, જે સીધો જાતિ સાથે જોડાયેલો પહેલુ છે. હૈદરાબાદમાં યાકૂબ મેમણની ફાંસી વિરૂદ્ધ દલિત કેમ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા? જેએનયુમાં મુસ્લિમો પર આટલું ધ્યાન કેમ છે? જ્યારે પણ કોઈ સમિતિ પાસે તપાસ કરાવવાની વાત થાય છે તો વિદ્યાર્થીઓના હાંસિયા પર રહેલા સમુદાયના પ્રતિનિધિઓની વાત કેમ કરે છે? હકીકત એ છે કે, ભારતમાં દલિતો અને મુસ્લિમોને જ સૌથી વધારે ફાંસીની સજા આપવામાં આવી છે.
નેશનલ લો યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત કરાયેલા એક અધ્યયન મુજબ મૃત્યુદંડ પામનારાઓમાં કુલ ૭૫ ટકા અને કટ્ટરવાદને લઈને આપવામાં આવેલી ફાંસીમાં ૯૩.૫ ટકા સજા દલિતો અને મુસ્લિમોને મળી છે. એવામાં પક્ષપાતનો મુદ્દો સામે આવે છે. માલેગાંવ વિસ્ફોટોનું ઉદાહરણ આપતાં કેટલાંક લોકો એ આરોપ લગાવે છે કે, જો કટ્ટરવાદ પ્રવૃત્તિઓમાં સવર્ણ હિન્દુઓનો સામેલ થવાનો મામલો હોય તો સરકાર કડકાઈ નથી બતાવતી. આ લોકો પણ કટ્ટરવાદના દોષિત માનવામાં આવ્યા છે. પરંતુ, સૌને સમાન કાયદાથી ક્યાં આંકવામાં આવી રહ્યા છે? આ તમામમાં માયાબહેન કોડનાનીને બાદ જ કરી નાંખીએ, જેમણે ૯૫ ગુજરાતીઓની હત્યાના આરોપમાં ગુનેગાર ઠેરવાયા છે, પરંતુ તેઓ જેલમાં પણ નથી.
હિન્દુત્વ મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગો માટે મુદ્દો છે. તે અનામતથી ધૃણા કરે છે કેમ કે તેમને લાગે છે કે, તે તેમને મળી રહેલી સુવિધાઓમાં અતિક્રમણ કરે છે. આ જ કારણ છે કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અનામતને પસંદ નથી કરતા અને તે મુદ્દા પર સંઘના નિવેદનોને કારણે ચૂંટણીઓમાં ભાજપ મુશ્કેલીમાં આવી ગયો હતો. વડાપ્રધાનની પ્રતિક્રિયા પણ વિપક્ષ પર જૂઠ્ઠાણું ફેલાવાનો આરોપ રહ્યો છે. પરંતુ જમીની સચ્ચાઈ તદ્દન સ્પષ્ટ છે. દલિત પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે અને પોતાના હક્ક માટે ઊભા થઈ રહ્યા છે. તેેમાં કશું ખોટું નથી. જો તેમની ભાષામાં અસંયમ હોય તો પણ તેમને અપરાધી તરીકે ન જોવા જોઈએ. સરકાર માટે મહત્વનું એ છે કે તેની સાથે જોડાય, તેમની વાત સાંભળે, તેમનો તર્ક સાંભળે માત્ર તેમના સૂત્રોચ્ચાર પર ન જાય.
જ્યાં સુધી સરકાર આ દિશામાં પ્રયાસ કરતી પણ જોવા નહિ મળે ત્યાં સુધી આપણને આ વાત પર આશ્ચર્ય ન થવું જોઈએ કે અત્યારસુધી દબાયેલા અને પીડિત રહેલા લોકો સરકારની ઉપેક્ષા માટે પ્રોત્સાહિત કરનારા કામ કરતા રહેશે.
-અભિજિત
27-02-2016

Thursday, February 25, 2016

મોદી સરકાર અને કેમ્પસની આગ એકબીજાના પર્યાય !

દિલ્હીની જૂની અને જાણીતી એવી જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)માં અફઝલ ગુરૂની વરસીના કાર્યક્રમને લઈને ભડકેલા વિવાદની પાછળ ઘણાં સળગતાં મુદ્દા છે, જેનો ઉકેલ લાવવો આવશ્યક છે. આ મુદ્દા ન માત્ર આપણી શિક્ષણ વ્યવસ્થા પરંતુ કેમ્પસને લઈને રાષ્ટ્રીય રાજકારણ સુધી અસર કરે છે. ૯મી ફેબ્રુઆરીએ જેએનયુમાં ડાબેરીઓ અને દલિત સંગઠનો સાથે જોડાયેલા કેટલાંક વિદ્યાર્થીઓએ સંસદ પર હુમલાના આરોપી અફઝલ ગુરૂને આપવામાં આવેલી ફાંસીના વિરોધમાં એક આયોજન કર્યું હતું, જેમાં કાશ્મીરના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. આ પ્રસંગે કેટલાંક સાંસ્કૃતિક કાર્યક્રમ થયા અને કેટલાંક વિદ્યાર્થીઓએ દેશ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યાં. પોલીસે રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરવાના આરોપમાં જેએનયુના વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ અને કેટલાંક અન્ય વિદ્યાર્થીઓની ધરપકડ કરી. ધરપકડ કરાયેલાં વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ન તો તેમની વ્યક્તિગત કે સંગઠનાત્મક નીતિ દેશ વિરોધી છે, ન તેમણે આ પ્રકારના કોઈ સૂત્રોચ્ચાર કર્યા.
સવાલ એ છે કે, આ સૂત્રો કોણે લગાવ્યા અને તેઓ છૂપાયેલા કેમ છે? જો તેઓ પોતાને રેડિકલ અથવા વિદ્રોહી જેવું કંઈક માનતા હોય તો તેમણે ખૂલીને બહાર આવવું જોઈએ. તેઓ પોતાના વિચારોને લઈને પ્રતિબદ્ધ છે તો તેમણે તેની કિંમત ચૂકાવવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. તેના બદલે તેમનું પતલી ગલીથી ભાગી જવું એ બતાવે છે કે, તે રાજકારણ રમનારા તકવાદી લોકો છે જે પોતાના નાના-મોટા ફાયદા માટે શિક્ષણ સંસ્થાઓનું વાતાવરણ ડહોળી રહ્યા છે.
છેલ્લાં કેટલાંક સમયથી દેશના કેમ્પસમાં રાજકીય કાવાદાવા તેજ થઈ ગયા છે. વિદ્યાર્થી રાજકારણની વિભિન્ન ધારાઓમાં જોરદાર હરિફાઈ ચાલી રહી છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં સત્તા પર આવવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું મનોબળ આકાશને આંબી રહ્યું છે. તેને લાગે છે કે, વિદ્યાર્થી રાજકારણમાં જે પણ ઉદારવાદી જમીન બચી છે, તેને આંચકી લેવાનો આ જ સાચ્ચો સમય છે. બીજી તરફ ડાબેરી વિદ્યાર્થી સંગઠનો અને હાલમાં આગળ આવેલા દલિત વિદ્યાર્થી સંગઠનોની વચ્ચે પણ એક વણજાહેર ચડસા-ચડસી છે. ઉપરના ભાગેથી તેમના એજન્ડા આપસમાં મળે છે, પરંતુ દલિત સંગઠનોને લાગે છે જો કે, દેશના રાજકારણમાં ડાબેરીઓ હાંશિયા પર ચાલ્યા ગયા છે, જેથી તેમની જમીન તેઓ સરળતાથી આંચકી લઈ શકે છે. એવામાં તેમની દિલચશ્પી રાષ્ટ્રીય સવાલો પર વધારેને વધારે વિવાદ ઊભો કરી રહી છે, જેથી તેઓ સતત ચર્ચામાં રહી શકે.
આ કાવા-દાવાનું અંતિમ પરિણામ એ જોવા મળી રહ્યું છે કે, મોદી સરકાર ન માત્ર દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નિમણૂંકોના સ્તર પર સીધો હસ્તક્ષેપ કરી રહી છે, પરંતુ વિદ્યાર્થીહિતોની વિરૂદ્ધ જનારા એવા-એવા પગલાં ઉઠાવી રહી છે, જેની કાલ સુધી કલ્પના પણ નહોતી કરી શકાતી. પોતાની આ ઝૂંબેશમાં તે ભૂલી ગઈ છે કે વૈચારિક ખૂલાપણું અને લોકશાહી ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની ઓળખ રહી છે. કેન્દ્ર સરકારનું કામ તમામ અસંમતિઓને સાથે લઈને ચાલવાનું હોય છે. પરંતુ જો તેઓ અસંમતિઓ વધારવાના જ પોતાનો કાર્યભાર માની લેશે તો વ્યવસ્થાની દૃષ્ટિથી આ કોઈ સારો સંકેત નથી લાગતો.
-અભિજિત
25-02-2016