Saturday, December 14, 2019

અભિની અભેરાઈમાંથી...

આમ તો હું છેલ્લાં 30 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રમાં છું. આજે આ 30 વર્ષની સફરના કેટલાંક સંભારણાં પૈકીનો એક યાદગાર પ્રસંગ આજે મને મારી અભેરાઈમાંથી મળી આવ્યો. આજે હું મારા ખાનામાં ખોળાખંખોળા કરી રહ્યો હતો. એ સમયે મારા હાથમાં એક એપોઈન્ટમેન્ટ લેટર આવ્યો. જે હતો NDTVનો એપોઈન્ટમેન્ટ લેટર. આ લેટર એ સમયનો હતો જ્યારે દેશમાં ખાનગી ચેનલોનો રાફડો ફાટી નીકળ્યો નહોતો. આ વાત છે વર્ષ 1995ની જ્યારે મને પત્રકારત્વ ક્ષેત્રમાં આવ્યાને માત્ર પાંચ વર્ષ જ થયા હતા. આ પાંચ વર્ષમાંથી બે વર્ષ ગૂજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વની માસ્ટર ડિગ્રી લેવા ગયો તે બાદ કરી દઈએ તો કાયદેસરના ત્રણ જ વર્ષ થયા હતા. એ સમયે દિલ્હીમાં એક માત્ર ખાનગી ટીવી કંપની કામ કરતી હતી. અને એ હતી New Delhi Television Pvt. Ltd. (NDTV) અને એ સમયે ડો. પ્રણોય રોયની કંપનીનો અડધો કલાકનો સમાચારનો કાર્યક્રમ દૂરદર્શનની મેટ્રો ચેનલ પર શરૂ થવાનો હતો. આ માટે સમગ્ર દેશના દરેક રાજ્યમાંથી પ્રતિનિધિની નિમણૂંક કરવાની હતી. તે સમયે હું નવો નવો હતો એટલે આપણી એટલી પહોંચ પણ નહોતી. પરંતુ મારા પિતા સ્વ. તુષાર ભટ્ટ આ ક્ષેત્રમાં એક જાણીતું નામ હોવાના કારણે તેમને દિલ્હી અને મુંબઈના જાણીતા પત્રકારો ઓળખતા હતા અને મને તેમના કારણે લોકો ઓળખતા હતા. આ સંજોગોમાં તે સમયે ઈન્ડિયા ટૂડે (ગુજરાતી)ના તંત્રી શીલા ભટ્ટે ડો. રોયને મારું નામ સૂચવ્યું હતું. અને પછી તો તે સમયે દિલ્હીથી ફોન આવ્યો (લેન્ડલાઈન પર, કેમ કે તે સમયે મોબાઈલનો યુગ શરૂ થયો નહોતો.). અને મારો ટેલિફોનિક ઈન્ટર્વ્યૂ લેવામાં આવ્યો અને મારી પસંદગી કરી દેવાઈ. આમ ખાનગી ટીવી કંપનીમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે મારી નિમણૂંક થઈ અને પછી શરૂ થઈ ઈલેક્ટ્રોનિક મીડિયાની સફર.


આ કામગીરી સંભાળ્યા બાદ મારે મહિનામાં જે સ્ટોરી કરવાની હોય તે માટે દિલ્હી સ્ટોરી આઈડિયા મોકલતો અને તેમાંથી સ્ટોરી આઈડિયા પસંદ થાય એટલે દિલ્હીથી રાજદીપ સરદેસાઈ અને કેમેરામેન ધનપાલ અમદાવાદની સફરે નીકળી પડે. આ સફર દરમિયાન અમારી ત્રિપૂટીએ ઘણી સ્ટોરી આપેલા આઈડિયા પ્રમાણે બનાવી તો ઘણી સ્ટોરી અચાનક જ બની ગઈ. આમને આમ આ સફરમાં બે મહિના પૂર્ણ થયા. ગુજરાતના મુખ્યપ્રધાન ચીમનભાઈ પટેલનું 17મી ફેબ્રુઆરી 1994માં અવસાન થયું હતું. અને તેમના મૃત્યુની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથિએ હું, રાજદીપજી અને ધનપાલ અમદાવાદ-ગાંધીનગર ખાતે આવેલા તેમના સમાધિ સ્થળ નર્મદા ઘાટ ગયા હતા જ્યાં તત્કાલિન મુખ્યપ્રધાન છબીલદાસ મહેતા તેમ જ કોંગ્રેસ અને જનતાદલ (ગુ)ના નેતાઓ તેમને શ્રદ્ધાંજલિ આપવા આવ્યા હતા. ત્યાંથી નીકળીને અમે તે સમયે ભાજપના પ્રદેશ કાર્યાલય જે ખાનપુરમાં આવેલું હતું ત્યાં પહોંચ્યા. તે સમયે નરેન્દ્રભાઈ મોદી ભાજપના સંગઠન મહામંત્રી હતા. ત્યાં પહોંચ્યા બાદ તેમને મળવાનું થયું. આમ તો નરેન્દ્રભાઈ હું અમદાવાદનો પત્રકાર હોવાના નાતે તેમ જ વિવિધ અખબારોમાં ભાજપનું કવરેજ કરતો હોવાના કારણે ઓળખતા હતા. પરંતુ રાજદીપ સરદેસાઈને એટલા ન ઓળખે. અમે તેમની સાથે ઓળખાણની વિધિ પતાવ્યા બાદ ગુજરાતના રાજકારણની ચર્ચાની શરૂઆત કરી. જેમાં 1995માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે અને તેઓ પોતે ભાજપના સંગઠન મહામંત્રી હોવાના કારણે ભાજપની પ્રચારની નીતિ કેવી રહેશે તે વિશે વાત કરવાનું શરૂ કર્યું. અને અમારા કેમેરામેન ધનપાલે તેમની આ આખી વાતચીત (બાઈટ) તે સમયના બિટાકેમમાં રેકર્ડ કરી લીધી. આ બાઈટ લઈને તેમના કટ અવેસ બનાવ્યા અને ભાજપના ખાનપુર સ્થિત પ્રદેશ કાર્યાલયના વિઝ્યૂઅલ્સ પણ બનાવ્યા. અને પછી અમે નારણપુરા સ્થિત એડિટીંગ સેટઅપ પર ગયા અને ત્યાં અમે સ્ટોરી અંગ્રેજીમાં લખી અને તેનો વોઈસ ઓવર કરીને એડિટ કરી. આ આખી સ્ક્રિપ્ટ અને વિડીયો એડિટીંગ મેં કર્યું અને વોઈસ ઓવર રાજદીપજીએ કર્યો. અને આમ ભાજપની વિધાનસભા ચૂંટણીની તે સમયની રણનીતિ ઉપરની સ્ટોરી અમે તૈયાર કરી અને પછી અમારી ત્રિપૂટી અમદાવાદ એરપોર્ટ ગયા જ્યાં અમે દિલ્હી જતાં એક મુસાફરને અમારી ટેપ આપી અને દિલ્હી ખાતે અમારી ઓફિસમાં તે મુસાફરની અને ફ્લાઈટની વિગત વગેરે એસટીડી કોલ કરીને આપી દીધી. અને સાંજે સાતના ટકોરે ડીડી મેટ્રો પર NDTVના ન્યૂઝ ટૂનાઈટ કાર્યક્રમમાં તે સ્ટોરી પ્રસારિત થઈ જે નરેન્દ્રભાઈ મોદીએ જોઈ અને બીજા દિવસે બપોર થતાં અમે ફરી ભાજપના કાર્યાલય પર પહોંચ્યા ત્યારે તેમણે સહર્ષ અમારું સ્વાગત કર્યું અને અમારો ખૂબ ખૂબ આભાર માન્યો. અને પછી તેમની સાથે ચ્હાની ચૂસકીઓ અને નાસ્તાની મહેફિલ રોજ જામતી ગઈ અને આમ નરેન્દ્રભાઈ સાથે મિત્રતા થોડી મજબૂત થઈ. 1995માં ઈન્ટરનેટનો એટલો વ્યાપ નહોતો પરંતુ તે સમયે નરેન્દ્રભાઈ મોદીએ ઈન્ટરનેટના માધ્યમથી ઈ-મેઈલ કરીને વિદેશમાં વસતા ગુજરાતીઓને ભાજપ વિશે વાત કરવાનું શરૂ કર્યું હતું અને તેમના આ પ્રયાસના કારણે વિદેશમાં વસતા ગુજરાતીઓ ખૂબ જ પ્રભાવિત થતાં અને તેમને વળતો જવાબ પણ લખતા તે પણ નરેન્દ્રભાઈ અમને બતાવતા અને તે સમયે તેમની છાતી ગજગજ ફૂલતી હતી. તેમની અને તેમના પક્ષના અન્ય નેતાઓની મહેનત આખરે રંગ લાવી અને ગુજરાતમાં પ્રથમવાર 1995માં ભાજપની સરકાર સત્તા પર આવી. હા, અગાઉ પણ ભાજપની સરકાર હતી પણ કોઈ પક્ષને ટેકો આપીને સત્તામાં ભાગીદારી કરી હોય એવી હતી. પણ 1995માં એકલા હાથે સત્તા પર આવીને કોઈના પણ ટેકા વગર સરકાર બનાવી. આમ, નરેન્દ્રભાઈનું કદ પણ વધી ગયું અને માન પણ. પરંતુ આ માન અને કદ ભાજપના જ કેટલાંક અને ખાસ કરીને શંકરસિંહ વાઘેલાને આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યું.

1996માં શંકરસિંહ વાઘેલા જેમણે પણ ભાજપને આટલી ઊંચાઈ પર લઈ જવામાં કોઈ કસર બાકી નહોતી રાખી તેઓ નારાજ થયા અને તેમણે ભાજપના મોવડીમંડળને નરેન્દ્રભાઈ વિરૂદ્ધ ફરિયાદો કરવાનું શરૂ કર્યું અને તેમની ઉપેક્ષા કરાઈ રહી હોવાની ઉગ્ર રજૂઆતો કરતાં તે સમયે ભાજપના મોવડીમંડળ અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્રભાઈ મોદીના રાજકીય ગુરૂ લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત ભાજપમાં ફેલાઈ રહેલા અસંતોષને ખાળવા માટે નરેન્દ્રભાઈ મોદીને દિલ્હી ખાતે કેન્દ્રીય ભાજપમાં બોલાવી લીધા અને તેમને હિમાચલ પ્રદેશના પ્રભારી બનાવી દેતાં મામલો થાળે પડ્યો હતો. પરંતુ નરેન્દ્રભાઈ મોદી સાથેનું એક મહિના દરમિયાનનું સંભારણું આજે પણ યાદ આવે છે ત્યારે લાગે છે કે રણનીતિ ઘડવામાં તેઓ બેતાજ બાદશાહ છે. હિમાચલ પ્રદેશથી જ્યારે તેઓ ગુજરાતમાં લાંબા સમય બાદ આવ્યા ત્યારે મારી સફર પણ જેમ ગુજરાત ભાજપ સાથે નરેન્દ્રભાઈ મોદીની પૂર્ણ થઈ હતી તેમ NDTV સાથેની મારી સફર પણ પૂર્ણ થઈ ગઈ હતી. અને હું ફરી પાછો જયહિન્દ અખબારમાં આવી ગયો હતો. જ્યારે નરેન્દ્રભાઈ મોદી હિમાચલ પ્રદેશથી ગુજરાત આવવાના હતા ત્યારે તેમના સ્વાગત માટે ભાજપના પ્રદેશ એકમે કાલુપુર રેલવે સ્ટેશન પર એક સ્વાગત કાર્યક્રમ રાખ્યો હતો. જેને જયહિન્દના પત્રકાર તરીકે કવર કરવા હું ગયો હતો. અને સ્ટેશન પર ભાજપના તે સમયના નેતાઓ અને કાર્યકરોનો ઉત્સાહને હું ટપકાવી રહ્યો હતો. ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ દૂરથી મને જોઈને તેમણે હાથ કોણીએથી વાળીને કેમેરો ક્યાં એવો સવાલ પૂછીને નજીક આવીને મારી સાથે વાતચીત કરવા લાગ્યા. આ જોઈને મને તેમની યાદશક્તિનો પરચો પણ મળી ગયો. આમ તો નરેન્દ્રભાઈ મોદી સાથે વર્ષ 2010 સુધી મારો સંપર્ક રહ્યો. પણ 2010માં મીડિયા છોડ્યા બાદ તેમનો સંપર્ક તૂટી ગયો અને જ્યારે હું કોર્પોરેટ કંપનીઓમાં જનસંપર્ક અધિકારી તરીકે કામ કરતો હતો ત્યારે વર્ષ 2014માં તેઓ દેશના વડાપ્રધાન તરીકે સ્થાન સંભાળી ચૂક્યા હતાં. હું વર્ષ 2016માં ફરી મીડિયામાં સક્રિય થયો છું. ત્યારે હવે એવી આશા રાખી રહ્યો છું કે, વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીને હું યાદ હોઈશ કે નહિ.

અભિજિત
14-12-2019

Monday, January 7, 2019

અનામતનું ભૂત દેશભરમાં ધૂણ્યું

દેશમાં વળી પાછું અનામત મામલે રાજકારણ ગરમાયું છે અને જે ગુજરાત અને મહારાષ્ટ્ર પૂરતું સિમિત હતું તે અનામતનું ભૂત હવે દેશભરમાં ધૂણવા માંડ્યું છે. આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળી. જેમાં ગરીબ સવર્ણોને 10 ટકા અનામત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ મામલે કેબિનેટે નિર્ણય લઈને હાલમાં ચાલી રહેલાં લોકસભાનાં સત્રમાં તે માટે સંશોધન લાવવાની જાહેરાત કરી. પરંતુ, જે જાહેરાત કરી છે તેને કેટલાંક લોકો મોદીનો માસ્ટરસ્ટ્રોક માની રહ્યાં છે. તો કેટલાંક લોકો તેને રાજકીય તિકડમ માની રહ્યાં છે. હકીકતમાં આ મોદી સરકારનું રાજકીય તિકડમ જ છે. કેમ કે, દેશની સર્વોચ્ચ અદાલતે પણ કહ્યું છે કે, આર્થિક અનામત આપવાની હોય તો તે પણ 50 ટકાથી વધારે ન આપવી જોઈએ અને હાલની સ્થિતિને જોતાં 49.5 ટકા આર્થિક અનામત આપવામાં આવી છે. એટલે કે, .5 ટકા જ અનામત આપી શકાય એવું છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે મોટા ઉપાડે કેન્દ્ર સરકારે 10 ટકા અનામત આપવાની જાહેરાત તો કરી દીધી. પણ સવર્ણોને આર્થિક અનામત આપશે કેવી રીતે? અને આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મેદાન મારવા માટે વર્તમાન કેન્દ્ર સરકારે બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે.

વડાપ્રધાને વધુ એક જુમલો કરીને દેશમાં પડી રહેલી ઠંડીમાં ગરમાવો લાવી દીધો
વડાપ્રધાન તરીકે વર્ષ 2014માં પદ ગ્રહણ કરનાર નરેન્દ્ર મોદી છેલ્લાં સાડા ચાર વર્ષથી આ પ્રકારે જુમલા કરીને લોકોને યેનકેન પ્રકારેણ ભાજપ તરફી રાખવાનાં પ્રયાસો કરી રહ્યાં છે. અને તેમાં તેઓ સફળ પણ થઈ રહ્યાં છે. વર્ષ 2014ની ચૂંટણી પહેલાં મતદારોને રૂપિયા 15 લાખ ખાતામાં આવી જશે એવું કહ્યું, જે આજ દિન સુધી નથી આવ્યાં. હા, લોકોનાં ખાતામાંથી રૂપિયા ગાયબ થવા માંડ્યાં. નોટબંધી, જીએસટી, મોંઘવારી, વગેરેને કારણે દેશની જનતાનાં ખાતામાં પૈસા તો ન આવ્યાં પણ તેમનાં ખાતામાંથી પૈસા ઉડવા માંડ્યા અને તેમાં લોકોનું બજેટ પણ ખોરવાઈ ગયું. આમ વડાપ્રધાન દ્વારા આજે વધુ એક જાહેરાત કરાતાં સમગ્ર દેશમાં ઠંડીનાં જોર વચ્ચે રાજકારણમાં ગરમાવો આવી ગયો. વિવિધ રાજકીય પક્ષો અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા  આ નિર્ણયની આકરી ટીકા કરવામાં આવી અને કહ્યું કે, બંધારણની જોગવાઈ અનુસાર જે શક્ય નથી ત્યાં કેવી રીતે અનામત આપશે વર્તમાન સરકાર. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ફરી એકવાર પ્રજાની હથેળીમાં ચાંદ દેખાડી દીધો છે.

પાટીદારોને આર્થિક અનામત આપવાનાં નિર્ણય કેમ રદ્દ થયો ?
વર્ષ 2015થી ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા મામલે હાર્દિક પટેલ આણી કંપની દ્વારા આંદોલન ચાલી રહ્યું છે. અને આ પાટીદારોની અનામતની માગણી સમયે રાજ્ય સરકારે પણ ઘસીને ના પાડી દીધી અને સુપ્રીમ કોર્ટની દૂહાઈ આપી દીધી. અને તત્કાલિન મુખ્યમંત્રી અને હાલનાં મધ્ય પ્રદેશનાં મંત્રી આનંદીબહેન પટેલે પણ આજે જે રીતે કેન્દ્ર સરકારે સવર્ણોને 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી તેમ કરી હતી, પરંતુ જે તે સમયે ગુજરાત હાઈકોર્ટે આ બાબતને ફગાવી દઈને આર્થિક અનામત આપવા બાબતે રાજ્ય સરકારને નનૈયો ભણી દીધો. જો ગુજરાત હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટનાં આદેશ અનુસાર રાજ્યમાં પાટીદારોને આર્થિક અનામત આપવાનાં રાજ્ય સરકારનાં નિર્ણયને રદ્દ કરી શકતી હોય તો શું સુપ્રીમ કોર્ટ આ મામલે હસ્તક્ષેપ કરશે કે કેમ એ એક સવાલ પણ ઊભો થાય છે. જોકે, કાયદાનાં નિષ્ણાતોનું માનીએ તો આ મામલે સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ ઈનકાર કરી શકે છે. કેમ કે, સુપ્રીમ કોર્ટનાં અગાઉનાં આદેશ મુજબ 50 ટકાથી વધારે આર્થિક અનામત નહિ આપવી. જો એ આદેશને ફોલો કરવામાં આવે તો ચોક્કસ આ નિર્ણય રદ્દ થવાને પાત્ર  છે. પરંતુ, કેબિનેટે જ્યારે આ નિર્ણયને બહાલી આપી છે ત્યારે એવી પણ જાહેરાત કરી છે કે, આ મામલે લોકસભાનાં ચાલી રહેલા સત્રમાં સંશોધન લાવવામાં આવશે. અને મંગળવારે લોકસભાનાં શિયાળુ સત્રનો છેલ્લો દિવસ છે, ત્યારે આ સંશોધન મંગળવારે રજૂ કરવામાં આવશે. આર્થિક રીતે પછાત સવર્ણોને 10% અનામત અપાશે. 50% અનામતની મર્યાદા ઉપર આ અનામત હશે  એટલે સંવિધાનના આર્ટિકલ 15માં 15(6) જોડવામાં આવશે તથા આર્ટિકલ 16માં 16(6) જોડવામાં આવશે. આ પ્રકારનું સંવૈધાનિક સંશોધનનું બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવશે. ટૂંકમાં હાલમાં તો સવર્ણોને અનામત આપવાની જાહેરાત માત્ર રાજકીય તિકડમ જ ગણી શકાય.

ગુજરાત સરકાર અને પ્રદેશ ભાજપે આવકાર્યો નિર્ણય
જોકે, કેબિનેટે લીધેલાં નિર્ણયને ગુજરાત સરકારે આવકારી અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ એકમે પણ આ નિર્ણયને આવકાર્યો છે. પ્રદેશ ભાજપનાં નેતાઓનાં કહેવા પ્રમાણે કેન્દ્રની મોદી સરકારે જે નિર્ણય કર્યો છે તેમનાં સૂત્ર સૌનો સાથ, સૌનો વિકાસને સાર્થક કરે છે. અને ભાજપે આપેલાં વચન પ્રમાણે દરેક સમાજનો વિકાસ કરવાની વાતને પણ આ નિર્ણય યોગ્ય છે. અને જો સમાજનો વિકાસ થશે તો દેશનો વિકાસ થશે એવો સૂર વ્યક્ત કર્યો છે.

પાસનાં નેતાઓએ પણ કેન્દ્ર સરકારનાં નિર્ણયને ગણાવ્યો જુમલો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કરેલી જાહેરાતનાં પગલે છેલ્લાં ત્રણ વર્ષથી પાટીદારો માટે અનામતની માગણી કરી રહેલાં હાર્દિક પટેલે પણ આ નિર્ણયને વખોડી કાઢ્યો છે અને આરોપ મૂક્યો છે કે, વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા માટેની ભાજપની મેલી મુરાદ ઉઘાડી પડી છે. જે કેન્દ્ર સરકાર સવર્ણોને આર્થિક અનામત આપવાની વાત કરે છે તે શક્ય બનવાનું નથી. કેમ કે, સુપ્રીમ કોર્ટનાં આદેશ મુજબ 50 ટકાથી વધારે અનામત આપી ન શકાય. ત્યારે આ સરકારે જે અનામત આપવાની વાત કરી છે તો એ ક્યાંથી આપશે?

અનામતની વર્તમાન સ્થિતિ પર એક નજર
દેશની કુલ વસ્તી અંદાજે 130 કરોડ જેટલી છે. વસ્તીની દ્રષ્ટિએ દલિતોને 15 ટકા, આદિજાતિને 7.5 ટકા અનામતની પહેલેથી જ જોગવાઈ છે. ત્યારબાદ માંડલ કમિશને સમાવેશ કરેલા નવા વર્ગ ઉમેરાતા ગયા. જેની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે ગણતરી કરવામાં આવી. દેશની કુલ વસ્તીમાં આ વર્ગની સૌથી વધુ સંખ્યા હોવાથી તેમને સૌથી વધુ એટલે કે, 27 ટકા અનામતની ફાળવણી કરવામાં આવી. આમ આ તમામ આંકડા જોઈએ તો કુલ 49.5 ટકા અનામત તો અપાઈ ચૂકી છે. હવે રહ્યાં માત્ર .5 ટકા તો આ સંજોગોમાં સવર્ણોને કેવી રીતે અનામત ફાળવવામાં આવશે એ એક યક્ષ પ્રશ્ન છે.

કેમ રાજકીય હેતુ?
કેન્દ્રની મોદી સરકાર અનેક નિર્ણયો જેવા કે, નોટબંધી, GST, સતત વધી રહેલી મોંઘવારી અને રાફેલનાં સોદામાં થયેલા ભ્રષ્ટાચારનાં આરોપોનો સામનો કરી રહી છે. જેમાં વિપક્ષ દ્વારા હંમેશા નોટબંધીની નિષ્ફળતા, GSTને કારણે વેપારીઓને પડેલી તકલીફોને લઈને હંમેશા વડાપ્રધાન મોદીને અને ભાજપને ઘેરવામાં આવી રહ્યાં છે. આટલું ઓછું હોય એમ હાલમાં જ દેશભરમાં રાફેલના સોદો કેન્દ્રની મોદી સરકારનાં ગળામાં હાડકું ફસાઈ ગયું હોય એમ અટવાયેલો છે. ત્યારે આ બધા મુદ્દાઓથી ઘેરાયેલી કેન્દ્ર સરકારે સવર્ણોને અનામત આપવાનું હથિયાર ઉઠાવ્યું છે. અત્રે નોંધનીય છે કે અગાઉ વિપક્ષો અને ખાસ કરીને કોંગ્રેસ, બસપા સહિતનાં કેટલાંક પક્ષો દ્વારા સવર્ણોને આર્થિક અનામત આપવાનાં વચનો આપી ચૂક્યાં છે. અને આ મુદ્દાને ઉઠાવીને કેન્દ્રની ભાજપ સરકારે વિપક્ષોમાં તડાં પડાવવા અને પોતાની મતબેન્કને જાળવી રાખવા માટે આ રાજકીય નિર્ણય લીધો હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.

આ નિર્ણય 2019ની ચૂંટણીમાં કેવો લાવશે રંગ?
2019નું વર્ષ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. અને વર્તમાન ભાજપનાં નેતૃત્વવાળી કેન્દ્ર સરકારનાં નિર્ણયોથી પ્રજાને હાલાંકી ભોગવવી પડી છે ત્યારે સવર્ણોને અનામત આપવાની જાહેરાત કરીને વડાપ્રધાન મોદીએ મોકે પે ચોકા જરૂર મારી દીધો છે. અને આવનારી ચૂંટણીમાં નોટબંધી, GST, સતત વધી રહેલી મોંઘવારી અને રાફેલનાં સોદામાં થયેલાં ભ્રષ્ટાચારને વિપક્ષો પણ કોરાણે મૂકી આ મુદ્દાને ચૂંટણી મુદ્દો બનાવે એવી સ્થિતિનું ઊભી કરી દીધી છે. મોદીનાં આ નિર્ણયને કારણે ચોક્કસ એવું કહી શકાય કે આ વખતની લોકસભાની ચૂંટણીનો રંગ જ અલગ હશે.