Saturday, March 12, 2016

કરોડોનો ચૂનો લગાવનાર માલ્યા ફરાર



દેશમાં હાલમાં વિવિધ હોળીઓ પ્રગટેલી છે, તેમાં લિકર કિંગ વિજય માલ્યાની કબાડેબાજીનો મુદ્દો સાવ કોરાણે મૂકાઈ ગયો છે. માલ્યાએ પોતાના તિક્કડમો કરીને દેશની મોટી મોટી બેંકો અને નાણાંકીય સંસ્થાઓને ૭૮૦૦ કરોડનો ચૂનો લગાવી દીધો છે. આ મામલે બેંકોએ માલ્યા પર ઢગલો કેસ પણ ઠોકી દીધા છે. બીજી તરફ યુનાઈટેડ બ્રુવરીઝના શેરહોલ્ડરો પણ માલ્યાથી કંટાળ્યા છે એટલે તેમણે માલ્યાને સાડા સાત કરોડ ડોલર એટલે કે લગભગ સાડા પાંચસો કરોડ રૂપિયા આપીને માલ્યાને રવાના થવા સમજાવી લીધા છે. માલ્યા પતી ગયેલા છે ને આમ ને આમ ચાલે તો હાથમાં ઘૂઘરો પણ નહીં આવે એવી તેમને ખબર છે, એટલે તેમણે પણ ભાગતા ભૂતની ચોટલી ભલી એમ સમજીને આ રકમ સ્વીકારીને યુનાઈટેડ બ્રુવરીઝના ચેરમેનપદેથી ખસી જવા હા પાડી દીધી છે. આ સમાધાનના કારણે એવી વાતો ચગેલી છે કે માલ્યા સંકેલો કરીને ભારત છોડીને ભાગી જવા માગે છે.
રંગીલા ઉદ્યોગપતિઓમાં સામેલ લિકર કિંગ વિજય માલ્યા ઉપર દેવાની વસૂલાતનો મામલો અદાલત અને પ્રવર્તન નિર્દેશાલયનો એક સાથે ગાળિયો કસાવાથી તેમની કંપનીઓ પર બેંકોનું બાકી ઋણની વસૂલીને કંઈક આશાઓ જાગી છે. ઋણ વસૂલતા ન્યાયાધિકરણે જ્યાં માલ્યાને બહુરાષ્ટ્રીય શરાબ કંપની ડિયાજિયોથી મળનારા ૫૧૫ કરોડ રૂપિયાની રકમ ઉપાડવા પર હાલમાં પ્રતિબંધ મૂકી દીધો છે ત્યાં જ પ્રવર્તન નિર્દેશાલયે તેમના વિરૂદ્ધ મની લોન્ડરિંગ અર્થાત કાળા નાણાંને સફેદ કરવા અને ગેરકાયદે લેવડ-દેવડનો કેસ પણ દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે માલ્યાએ ગયા મહિને એક સમજૂતિ અન્વયે શરાબ કંપની યુનાઈટેડ સ્પિરિટમાં પોતાની ભાગીદારી વેચી દીધી હતી અને તેનું ચેરમેન પદ છોડવા પણ તૈયાર થઈ ગયા હતા. તેના બદલામાં તેમણે યુનાઈટેડ સ્પિરિટના નવા માલિક બહુરાષ્ટ્રીય કંપની ડિયાજિયો પાસેથી સાડા સાત કરોડ ડોલર એટલે કે પાંચસો પંદર કરોડ રૂપિયા મળવાના હતા.
આ રકમ પર ભારતીય સ્ટેટ બેંકે પહેલો અધિકાર માલ્યાના બદલે તેમના લેણદારોનો ગણાવ્યો છે. હકીકતમાં, વિજય માલ્યાની વિમાન કંપની કિંગફિશર એરલાઈન્સ પર ભારતીય સ્ટેટ બેંક સહિત સત્તર બેંકોના સાત હજાર આઠસો કરોડ રૂપિયા દેવા પેટે બાકી છે જેની વસૂલી જાન્યુઆરી ૨૦૧૨થી નથી થઈ રહી. સ્ટેટ બેંક અને પંજાબ નેશનલ બેંક તેના માટે માલ્યાને જાણી જોઈને દેવું ન ચૂકવનારા’ (વિલફૂલ ડિફોલ્ટર) જાહેર કરી ચૂકી છે અને ઘણી અન્ય બેંક જાહેરાત કરવાની પ્રક્રિયામાં આગળ વધી રહ્યા છે. આઈડીબીઆઈ બેંકમાંથી લેવાયેલા નવસો કરોડની લોન મામલામાં પ્રવર્તન નિર્દેશાલયે ગયા વર્ષે સીબીઆઈના પ્રાથમિક અહેવાલના આધારે મની લોન્ડરિંગ નિરોધક કાયદા હેઠલ માલ્યા ઉપર આરોપ નક્કી કર્યા છે. ભારતીય સ્ટેટ બેંકે લોન વસૂલી ન્યાયાધિકરણ પાસે માલ્યાની ધરપકડ કરવા અને તેમનો પાસપોર્ટ જપ્ત કરવાની માગણી કરી છે જેના ઉપર આગામી અઠ્ઠાવીસ માર્ચે સુનાવણી થવાની છે. ન્યાયાધિકરણનો ચૂકાદો જે હોય, પરંતુ ા પ્રકરણે આપણા દેશમાં બેંકોની ડૂબતી લોનની વિરાટ સમસ્યા, દેવાદારોમાં ગુનાહિત વલણ અને બેંકિંગ પ્રણાલિમાં નિહિત ગંભીર ખામીઓની તરફ સ્પષ્ટ ઈશારો કરે છે.
આ મામલામાં મહત્વનો સવાલ એ છે કે કિંગફિશર એરલાઈન્સના હજારો કરોડ રૂપિયાની લોન મંજૂર કરવા પહેલાં આ સત્તર બેંકોએ કંપનીની પરિસ્થિતિ અને નફાની સંભાવનાઓની ઊંડી તપાસ કરવાની જરૂરિયાત કે ન સમજી? અને તપાસ કરાઈ તો તપાસ કરનારાની જવાબદારી નક્કી કરી તેમની વિરૂદ્ધ કાર્યવાહી સુનિશ્ચિત કરવી જરૂરી છે. જે બેંક બે-ચાર હજાર રૂપિયાની સામાન્ય લોન પેટે પણ ગેરંટર કે ગિરવે રાખવા કંઈક માંગે છે તે હજ્જારો કરોડ રૂપિયા ખૈરાતની જેમ મંજૂર કરી દે એ પણ આશ્ચર્યજનક છે. એક તરફ કિંગફિશર કંપની દમ તોડતી રહી, તેના કર્મચારીઓ મહિનાઓથી બાકી પગાર માટે વલખાં મારતા રહ્યા તો બીજી તરફ માલ્યા પોતાની આલિશાન નૌકાઓમાં ખૂબસૂરત મોડેલોની સાથે ફોટા ખેંચાવવા, મોજ મસ્તી કરતા નજરે ચડે છે. આ બધાથી બેંક અધિકારી અને એકાઉન્ટ નિરીક્ષક કેમ આંખો બંધ રાખી રહ્યા છે? તેમાં માલ્યાના રાજકીય સંપર્કોની ભૂમિકાનો ઈનકાર કરી શકાય છે. પરંતુ સું રાજકીય સંબંધોને જાહેર સંપત્તિ અને ધન લૂંટવાની છૂટનું લાઈસન્સ બનવા દેવું એ ગુનાહિત લાપરવાહી નથી? દેશના એક મોટા ઉદ્યોગપતિ રોકાણકારોની રકમ ચૂકવવામાં અસમર્થ રહેવાના કારણે વર્ષોથી જેલના સળિયા ગણી રહ્યા છે. કિંગફિશરના મામલે રોકાણકારોના પૈસાના બદલે સીધા બેંકોના દેવા એટલે કે જાહેર ધનને ન ચૂકવવાનો છે. તેની વસૂલીમાં અપેક્ષિત કડકાઈ વર્તવી અન્ય બાકી દેવાદારો અથવા લોન લઈને ભાગી જનારાઓને ચેતાવવા પણ જરૂરી છે.
-અભિજિત
12-03-2016

No comments:

Post a Comment