Thursday, September 29, 2016

ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક


(પ્રતિકાત્મક તસ્વીર)

આજે બપોરે લગભગ 1.15 વાગ્યાની આસપાસ ન્યૂઝ ચેનલ ચાલુ કરી તો લગભગ દરેક ન્યૂઝ ચેનલ્સમાં ભારતીય સૈન્ય દ્વારા કરાયેલા સર્જિકલ સ્ટ્રાઈકના જ સમાચાર હતા અને તેના ઉપર જોરદાર ચર્ચાઓ ચાલી રહી હતી. આ ઘટના એવી છે કે બુધવારે મોડી રાત્રે ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પીઓકે)માં ઘૂસી જઈને એક એવું ઓપરેશન કર્યું જેમાં આતંકવાદીઓના સાત જેટલાં લોન્ચ પેડની સાથે સાથે 38 જેટલાં આતંકવાદીઓને પણ ઠાર માર્યા હતા. દરેક ન્યૂઝ ચેનલ્સ અને સોશ્યલ મિડીયા ઉપર ભારતીય સૈન્યને બિરદાવવામાં આવી રહી હતી અને ભારતીય સેનાના જાંબાઝ જવાનોને સલામ કરવામાં આવી રહી હતી. આમ ભારતે પોતાની 56ની છાતી આજે પાકિસ્તાનને બતાવી દઈને ભારે તણાવમાં મૂકી દીધું. આવું કરવા પાછળનું મુખ્ય કારણ લગભગ 15 દિવસ પહેલાં ઉરીમાં ભારતીય સૈનિકો ઉપર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં 18 જેટલાં આપણાં જવાનો શહીદ થયાં હતાં. આ પ્રકારે હુમલો કરીને ભારતીય સેનાના જવાનો ખરેખર જાંબાઝ છે તે સાબિત કરી દીધું અને સાથો સાથ પાકિસ્તાનને ચેતવણી પણ આપી દીધી કે સખણાં રહેજો નહિતર આનાથી પણ મોટો હુમલો કરી શકીએ એટલી તાકાત છે અમારામાં.

ભારતીય સેનાએ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ઘૂસીને આતંકવાદીઓને ભડાકે દઈ દીધા. ઉરીના હુમલા બાદ પ્રથમવાર ભારતીય સૈન્યએ મોટી કાર્યવાહી કરીને લાઈન ઓફ કંટ્રોલ (નિયંત્રણ રેખા) પાર કરીને પાકિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી કરી છે. આજે બપોરે લગભગ 12 વાગ્યા બાદ ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ લેફ્ટ. જનરલ રનવીર સિંહે જણાવ્યું કે ભારતીય સૈન્યએ સર્જિકલ સ્ટ્રાઈક કરીને બુધવારે રાત્રે નિયંત્રણ રેખાને ઓળંગીને આતંકવાદીઓના સાત જેટલાં ઠેકાણાંને નેસ્તોનાબૂદ કરી નાંખ્યા. ત્યારબાદથી લોકોના મનમાં એ વાત ઘૂમરાઈ રહી છે કે આખરે આ સર્જિકલ સ્ટ્રાઈક છે શું?

સર્જિકલ સ્ટ્રાઈક સેના દ્વારા કરાનારો એક હુમલો છે, જેના દ્વારા કોઈ ચોક્કસ વિસ્તારમાં કોઈ ચોક્કસ ઠેકાણાને ટાર્ગેટ કરીને હુમલો કરીને તેને નેસ્તોનાબૂદ કરી દેવામાં આવે છે. સેના દ્વારા તેના દ્વારા મોટા પાયે ખાના ખરાબી રોકવામાં આવે છે અને ખાસ પ્રકારના હુમલાને તૈયાર કરવામાં આવે છે. સેનાની આ કાર્યવાહીમાં જ્યાં ઓપરેશનને અંજામ આપવામાં આવે છે, નુકશાન માત્ર ત્યાં જ થાય છે. તેની આસપાસના વિસ્તારોમાં કોઈ નુકશાન થતું નથી. તેનાથી પબ્લિક પ્લેસ, માળખાગત સુવિધાઓ, અવરજવરના સાધન કે સામાન્ય પ્રજા અને તેમના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા સાધનોને કોઈ પણ પ્રકારનું નુકશાન થતું નથી.

મ્યાનમારમાં ગયા વર્ષે કરાયેલા સર્જિકલ સ્ટ્રાઈક તેનું સૌથી મોટું ઉદાહરણ છે. ત્યાં ભારતીય સેનાના 70 જાંબાઝ જવાનોએ મ્યાનમારમાં ઘૂસીને 40 મિનિટમાં 38 નાગા વિદ્રોહીઓને ઉડાવી દીધા હતા. આ ઓપરેશનમાં 7 વિદ્રોહીઓ ઘાયલ થયા હતાં.