Tuesday, July 19, 2016

શિક્ષણની ગુણવત્તાનો સવાલ


(પ્રતિકાત્મક તસ્વીર)

શાળા-કોલેજોમાં ન માત્ર શિક્ષણનું વેપારીકરણ થઈ રહ્યું છે, પણ ખાનગી ટ્યૂશનનો ધંધો આજે ધીમે-ધીમે ઘણું જોર પકડી ચૂક્યો છે. જોકે એવું નથી કે ટ્યૂશનનું ચલણ એ એક અકસ્માત કે ઘટના હોય. શિક્ષકો દ્વારા બાળકોને ખાનગી ટ્યૂશન આપવાનું કામ ઘણાં સમય પહેલાં જ કરવામાં આવતું હતું, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી તેના ચલણમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. હકીકતમાં, પહેલા ટ્યૂશન શિક્ષણ અંગે એક વિશેષ સગવડના રૂપમાં હતું, પણ સમયની સાથે સાથે તે એક અનિવાર્ય વ્યવસ્થાનું રૂપ લેવા માંડ્યું છે. આ વાતનું પ્રમાણ રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણ સંસ્થા (એનએસએસઓ)ના હાલમાં જ આવેલા એક અહેવાલમાં જોવા મળ્યું છે. 
એનએસએસઓના અહેવાલ અનુસાર આ સમયે દેશમાં ખાનગી ટ્યૂશન લઈ રહેલા વિદ્યાર્થીઓની કુલ સંખ્યા લગભગ 7.1 કરોડ છે, જે કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના છવ્વીસ ટકા છે. જોકે, આ માત્ર મર્યાદિત આંકડા અનુમાન કરેલા વિસ્તારો કરીને ભેગાં કરાયેલાં આંકડા છે, એટલે વિદ્યાર્થીઓની આ સંખ્યા હજુ પણ વધારે હોવાની સંભાવના છે. આ અહેવાલમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત એ પણ બહાર આવી છે કે બાળકોને ટ્યૂશનમાં મોકલવામાં હવે પારિવારિક પૃષ્ઠભૂમિનું કોઈ વિશેષ સ્થાન નથી રહ્યું. પહેલા એવું હતું કે ખૂબ જ સાધન સંપન્ન પરિવારના જ બાળકો ટ્યૂશન લેતા હતા, પણ હવે આ સ્થિતિમાં મોટું પરિવર્તન આવી ગયું છે. સંપન્ન પરિવાર હોય કે ગરીબ પરિવાર, બધા પોતાની પૂરેપૂરી ક્ષમતા અનુસાર પોતાના બાળકોને ખાનગી ટ્યૂશન માટે મોકલવા લાગ્યા છે. 
આ વાતના આ આંકડા દ્વારા વધુ સારી રીતે સમજી શકાય છે કે શહેરી વિસ્તારોમાં આડત્રીસ ટકા સંપન્ન પરિવારોના વિદ્યાર્થીઓ ટ્યૂશન જાય છે, તો તેનાથી ખૂબ જ સામાન્ય ઘટ સાથે ગરીબ પરિવારના ટ્યૂશન જનારા બાળોકોની સંખ્યા ત્રીસ ટકા છે. આ રીતે ગ્રામીણ વિસ્તારોમાં પણ જ્યાં સંપન્ન પરિવારના પચ્ચીસ ટકા બાળકો ટ્યૂશન જાય છે, ત્યાં ગરીબ પરિવારોના પણ સત્તર ટકા બાળકો ટ્યૂશનનો આશરો લઈ રહ્યા છે. એ અલગ વાત છે કે સંપન્ન પરિવારના બાળકો કથિત રીતે વધારે સારા ટ્યૂટરની પાસે જાય છે, તો ગરીબ પરિવારના બાળકો કદાચ થોડાં ઓછાં સારા ટ્યૂટરની પાસે. પરંતુ તેમાં કોઈ બેમત નથી કે ટ્યૂશન લેનાર પ્રતિ સંપન્ન-વિપન્નમાં હવે કોઈ ભેદ નથી રહ્યો અને બધાં પોતાના સામર્થ્ય પ્રમાણે પોતાના બાળકોને ટ્યૂશનમાં મોકલવા માંડ્યા છે. 
ટ્યૂશન લેનારા વિદ્યાર્થીઓમાં ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ ઓછાં છે, વધારે વિદ્યાર્થીઓ શાળા શિક્ષણ સાથે સંબંધિત છે. ટ્યૂશનની પ્રતિ લોકોનું આ આકર્ષણનું પરિણામ છે કે લોકોના ઘર ખર્ચમાં હવે ટ્યૂશનનો શેર વધીને બાર ટકા થઈ ગયો છે. લોકોમાં ટ્યૂશની પ્રતિ વધી રહેલા આ આકર્ષણને સ્વાભાવિક રીતે શિક્ષકો દ્વારા લાભ લેવાનો સફળ પ્રયાસ કરાઈ રહ્યો છે. તેના માટે તે અલગ અલગ પ્રકારના નુસખાં અપનાવી રહ્યાં છે. ક્યાંક શિક્ષક શાળા બાદ ખાનગી ટ્યૂશનના વર્ગો ચલાવી રહ્યાં છે, તો તમામ શિક્ષકો એવાં પણ છે, જે ઘેર-ઘેર જઈને ટ્યૂશન આપવા તૈયાર છે. ઘણાં શિક્ષકો બાળકોને વર્ગ અને વિષય અનુસાર સમૂહોમાં વિભાજિત કરી પોતાના ઘરે બોલાવીને ટ્યૂશન આપે છે, તો કેટલાંક શિક્ષક જેમની વિશ્વસનિયતા અને સાખ સ્થાપિત થઈ ગઈ છે, તે પોતાની શરતો- જેમ કે અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ તે પણ કોઈ એક વિષય ભણાવવાનું અને તેની પણ વધારે ફી લેવાનું વગેરે, પણ ટ્યૂશન આપી રહ્યાં છે. 
આ ઉપરાંત અન્ય તમામ રીતો પણ છે, જેના દ્વારા શિક્ષકો દ્વારા બાળકોને ટ્યૂશન આપવામાં આવી રહ્યું છે. શિક્ષકોથી ભિન્ન એવા તમામ લોકો, જે કોઈ શાળા વગેરેમાં નથી ભણાવતાં, કંઈક અલગ કામ કરી રહ્યાં છે, તે પણ વધારાના સમયમાં બાળકોને ટ્યૂશન આપીને સારી એવી આવક રળી લે છે. સાથે જ, ખાસ કરીને ગ્રામીણ વર્ગોમાં એવા પણ ટ્યૂટરોની ફોજ મળશે, જેમનું શિક્ષણ ખૂબ જ સામાન્ય રહ્યું છે અને પોતાના સમયમાં તે સરેરાશ વિદ્યાર્થી જ રહ્યાં છે, પણ લોકોમાં ટ્યૂશનના પ્રતિ વધી રહેલાં અતિ આકર્ષણનો લાભ લઈને આજે ગુરૂજી બની ગયાં છે. કુલ મળીને તસવીર એ છે કે ટ્યૂશનને લઈને લોકોમાં આકર્ષણ ખૂબ જ વધી ગયું છે, જેની સાબિતી એનએસએસઓના ઉપરોક્ત આંકડા તો આપે જ છે, જમીની હકીકત જોતાં પણ તેની પુષ્ટિ થાય છે. 
હવે સવાલ છે કે ટ્યૂશનને લઈને લોકોમાં આ આકર્ષણ વધવાનું કારણ શું છે? આ સંદર્ભે ઉલ્લેખનીય હશે કે પોતાના બાળકોને ટ્યૂશનમાં મોકલનારા વાલીઓ સાથે જ્યારે એનએસએસઓએ સર્વેક્ષણ દરમિયાન આ સવાલ પૂછ્યો તો તેમાંથી નેવ્યાસી (89) ટકાનું કહેવું હતું કે પોતાના બાળકોને ટ્યૂશનમાં મોકલીને તેઓ તેમનો શૈક્ષણિક પાયો મજબૂત કરી રહ્યાં છે. તેમાં ઘણાંએ શાળાના લાંબા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને ટ્યૂશનને જરૂરી ગણાવ્યું, તો ઘણાં વાલીઓએ તો સ્પષ્ટ રીતે એ કહ્યું કે શાળા શિક્ષણનું સ્તર સારું ન હોવાના કારણે તેમને પોતાનાં બાળકોને ટ્યૂશનમાં મોકલવા પડી રહ્યાં છે. આ જોતાં સમજવું સરળ છે કે ટ્યૂશનની પ્રતિ લોકોમાં વધી રહેલા આકર્ષણનું મુખ્ય કારણ શાળાના શિક્ષણ પરથી તેમનો વિશ્વાસ કમજોર થવા લાગ્યો છે. 
આ અંગે જો ભારતના શિક્ષણ, ખાસ કરીને પ્રાથમિક શિક્ષણ ઉપર એક નજર નાંખીએ અને એ જાણવાનો પ્રયાસ કરીએ કે શું ખરેખર સ્થિતિ આટલી ખરાબ છે કે લોકોનો તેના પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે અને તેઓ પોતાના બાળકોને માટે ટ્યૂશનનો સહારો લઈ રહ્યાં છે. હકીકતમાં, સ્થિતિ ખરાબ તો છે અને હાલના સમયમાં દેશનું પ્રાથમિક શિક્ષણ અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. તેમાં ગુણવત્તાયુક્ત શિક્ષણથી લઈને માળખાગત સુવિધાઓ સુધી દરેક સ્તર પર મુશ્કેલીઓ છે. માળખાગત સુવિધાઓને એકવાર માટે છોડી પણ દઈએ, તો ગુણવત્તાયુક્ત શિક્ષણના સ્તરને ક્યારેય નજર અંદાજ ન કરી શકાય. 
દેશમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાના સંદર્ભમાં એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશનના આ રિપોર્ટ પર નજર નાંખવી યોગ્ય હશે, જેના કહેવા પ્રમાણે દેશના પાંચમા ધોરણના અડધાથી વધારે વિદ્યાર્થીઓ ધોરણ બેનાં પુસ્તકો સરખી રીતે વાંચવામાં અસમર્થ છે. આ હકીકત પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાના સરકારી દાવાઓને ખોખલાં સાબિત કરવા માટે પૂરતાં છે. વિચાર કરો તો પ્રાથમિક કે ઉચ્ચ કક્ષાના કોઈ પણ શિક્ષણમાં ગુણવત્તા માટે મુખ્ય રૂપથી બે વાતો વધારે જરૂરી થાય છે- શ્રેષ્ઠ અને પર્યાપ્ત શિક્ષક અને ઉત્તમ અભ્યાસક્રમ. શિક્ષકોની ઘટની વાત તો દિન પ્રતિદિન ઉઠતી રહે છે, પણ આ સિવાય એક સવાલ એ પણ છે કે જે શિક્ષક છે, શું તે એટલાં યોગ્ય અને કુશળ છે કે બાળકોને સંપૂર્ણ રીતે શિક્ષણ આપી શકશે? 
આ સંબંધે હકીકત એ છે કે શિક્ષકોની ઘટ તો છે, પણ સરકારી શાળાઓમાં વધારે. ખાનગી શાળાઓ આ સમસ્યાથી ઓછા પીડિત છે. હવે રહી વાત ઉત્તમ અભ્યાસક્રમની, તો અહીં પણ બધું ઠીક નથી દેખાતું. સ્થિતિ એ છે કે એક એલકેજી ક્લાસનું બાળક જ્યારે શાળામાંથી નીકળે છે તો પીઠ પર લાદેલી બેગના બોજથી તેનાથી ચાલી પણ નથી શકાતું. આ સમસ્યા અંગ્રેજી માધ્યમના અભ્યાસક્રમ પર નજર નાંખીએ તો તેમાં કેજીના બાળકો માટે તૈયાર કરાયેલો અભ્યાસક્રમ બીજા-ત્રીજા ધોરણના બાળકોના અભ્યાસક્રમ જેવો છે. ઉદાહરણ તરીકે જોઈએ તો જે બાળકોની બૌદ્ધિક ક્ષમતા ગણતરી-ઘડિયા વગેરે શીખવાની છે, તેમના માટે સરવાળા-બાદબાકી શીખવનારો અભ્યાસક્રમ તૈયાર કરાયો છે. 
આવા અભ્યાસક્રમથી એ આશા બેઈમાની છે કે બાળકો કંઈક નવું જાણશે, પણ સાચી વાત તો એ છે કે આવા અભ્યાસક્રમના બોજ હેઠળ દબાઈને બાળકો ભણેલી વસ્તુઓ ભૂલી જશે. આ પ્રકાર સ્પષ્ટ છે કે સરકારી શાળાઓ જ્યાં ઓછાં શિક્ષકોની સમસ્યાનો સામનો કરી રહી છે, ત્યાં ખાનગી વિદ્યાલયો અયોગ્ય અભ્યાસક્રમ ભણાવી રહ્યાં છે. બાળકો ભણે તો કેવું અને શું ભણે? 
નિશ્ચિત જ આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને વાલીઓને શાળાના શિક્ષણ પરથી વિશ્વાસ ડગમગવા લાગ્યો છે અને તે ટ્યૂશનની શરણ લઈ રહ્યાં છે. પરંતુ તેમને કોણ સમજાવે કે ટ્યૂશનમાં પણ બધું કંઈ સારું નથી. ટ્યૂશનની પ્રતિ તેમનો આ આંધળો ઉત્સાહ ઘણાં અયોગ્ય શિક્ષકો દ્વારા અયોગ્ય લાભ પણ લેવામાં આવી રહ્યો છે. એક ઉદાહરણ આપણી નજર સામે જ જોવા મળે છે કે ગલી-ગલી, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં ખૂલેલા નાની નાની ખાનગી શાળાઓમાં ભણાવનારા તમામ શિક્ષકો-શિક્ષિકાઓ દ્વારા શાળામાંથી છૂટીને સીધા ત્યાંથી જ પોતાના ઘરે લાવીને ખાનગી ટ્યૂશનના નામ ઉપર એક સાથે ચાલીસ-પચાસ બાળકોને ટ્યૂશન આપવાનું ચલણ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. 
પરીક્ષામાં આ શિક્ષક-શિક્ષિકાઓ શાળામાં હાજર રહે છે, તો પોતાની પાસે ભણનારા બાળકોની મદદ કરી દે છે, જેનાથી તેમને સારા ગુણ આવે છે અને વાલી એવું માની લે છે કે તેમનું બાળક ટ્યૂશનના કારણે ભણવામાં તેજ થઈ રહ્યું છે, જ્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. આ એક ઉદાહરણ છે, એવી જ અનેક તમામ વિસંગતતાઓ ટ્યૂશનમાં હાજર છે. હવે આ તમામ સ્થિતિઓના આધારે એ કહી શકાય છે કે દેશના શાળા શિક્ષણને સારું બનાવવાની તરફ સરકારે ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ, જેમાં ઉપરછલ્લી ટીપટોપથી વધારે ધ્યાન શિક્ષણની ગુણવત્તા પર કેન્દ્રીત થાય. 
આ ઉપરાંત શિક્ષિત વાલીઓએ પોતાના બાળકોના આંધળા ઉત્સાહમાં ટ્યૂશનમાં મોકવાના બદલે જો પોતે સમય કાઢીને નિયમિત રીતે તેમને ભણાવે તો તે બાળક ટ્યૂશન લઈ રહેલાં બાળકોની સરખામણીમાં વધુ સુરક્ષિત હશે.
-અભિજિત ભટ્ટ
19-07-2016