Monday, March 7, 2016

રાજકીય પક્ષોનો નવો કલાકાર કનૈયા કુમાર !



છેલ્લાં એક મહિનાથી જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)નો વિવાદ ચગેલો રહ્યો. ૯મી ફેબ્રુઆરીએ જેએનયુના કેમ્પસમાં દેશ વિરોધી સૂત્રોચ્ચારના ઓથાં હેઠળ જેએનયુના વિદ્યાર્થી સંઘના પ્રમુખ કનૈયા કુમારની ધરપકડ કરીને તેની વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ ઠોકી દેવામાં આવ્યો. એક બાજ જ્યારે કનૈયાની ધરપકડ કરાઈ ત્યારે તે ચીપીયા પછાડી પછાડીને કહેતો રહ્યો કે, દેશ વિરોધી સૂત્રોચ્ચાર નહોતા કર્યા, પણ સત્તાના નશામાં ભાન ભૂલેલી મોદી સરકારે અને ખાસ કરીને તેના ઈશારે કામ કરતી દિલ્હી પોલીસે તેની એક વાત ન સાંભળી કે ધરપકડ કરતાં પહેલાં કોઈ પ્રકારની તપાસ કરવાની દરકાર સુદ્ધાં ન કરી. હશે, જે થવા કાળે હતું તે થઈ ગયું. છેવટે દિલ્હી હાઈકોર્ટે કનૈયા કુમારને છ મહિનાના વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો, પણ સાથે સાથે હિમાયત પણ કરી કે એવી કોઈ પ્રવૃત્તિ ન કરે અથવા તેમાં તે સામેલ ન થાય જેનાથી તેની મુશ્કેલી વધી જાય. તિહાર જેલમાંથી મુક્ત થઈને શુક્રવારે કનૈયા કુમાર જેએનયુ કેમ્પસમાં આવ્યો તો તેનું સ્વાગત એક હીરો તરીકે કર્યું, અને કેમ ન કરે. કેમ કે તેણે જે કંઈ વેઠ્યું તે ઓછું નહોતું. તો આવો આજે આપને બતાવીએ કે વિવિધ ક્ષેત્રો કનૈયા કુમારને કઈ દૃષ્ટિએ જોવામાં આવી રહ્યો છે.
દેશવિરોધી સૂત્રો લગાવવાના આરોપમાં ધરપકડ કરાયેલા અને હવે જામીન પર મુક્ત થયેલા દેશદ્રોહના આરોપી જવાહરલાલ નહેરૂ (જેએનયુ)ના પ્રમુખ કનૈયા કુમાર આજે હીરો છે. પણ દેશને આવા હીરોઈઝ્‌મ કે હીરોની જરૂરિયાત નથી, કેમ કે તે ક્ષણિક છે. આ નાયકત્વ વ્યક્તિની શખ્સિયત કે તેના કામથી ઉપજતું નથી હોતું. આ નેતાઓની ઓછું રાજકારણ, મીડિયા અને આપણે-તમે જેવા લોકો દ્વારા થોપવામાં આવેલું નાયકત્વ છે. કનૈયાને પણ અહેસાસ છે કે આ નાયકત્વના ચાર દિવસ જ હોય છે. કદાચ ત્યારે તેણે પોતાના ભાષણમાં કહ્યું કે ભારતમાં લોકો વાતો જલ્દીથી ભૂલી જાય છે.
રાજકારણ - કનૈયાએ જેલમાંથી આવ્યા બાદ જેએનયુ કેમ્પસમાં આપેલા પોતાના ભાષણમાં એવું કશું નથી કહ્યું જે ક્રાંતિકારી કે નવું હોય. પણ અરવિંદ કેજરીવાલે તેને જબરદસ્ત ગણાવવામાં ક્ષણભરની પણ વાર ન લગાવી. ત્યાં, નીતિશ કુમાર પણ પાછળ ન રહ્યા. તેમણે પણ કનૈયાને શુભેચ્છાઓ આપી દીધી. સ્પષ્ટ છે, કનૈયાના વખાણ કે તેની સાથે હમદર્દીની પાછળ આ નેતાઓનું મૂળ નિશાન નરેન્દ્ર મોદી છે. અસલમાં નેતાઓએ (સત્તાધારી અને વિપક્ષ બંનેના) કનૈયાના મામલાને કાયદા તોડનારા સામાન્ય મામલો નથી રહેવા દીધો. તેને ડાબેરી વિરૂદ્ધ જમણેરી બનાવી દીધો છે. નેતાઓની જૂથબંધી આ રૂપમાં થઈ ગઈ અને જે સીધે-સીધા ડાબેરી કે જમણેરી નથી, તેમણે પણ મુદ્દાને છોડવાના બદલે કોઈએક જૂથનું પૂંછડું પકડી લીધું છે.
મીડિયા - કનૈયાના મામલે એક રીતે મીડિયામાં પણ સ્પષ્ટ જૂથબંધી જોવા મળી. સમગ્ર એપિસોડનું કવરેજ પણ જોરદાર કરવામાં આવ્યું. કનૈયાને લગભગ ૫૦ મિનિટના ભાષણને ટીવી ચેનલોએ લાઈવ બતાવ્યું. કદાચ પહેલી વાર જેએનયુના કોઈ અધ્યક્ષનું ભાષણ (અને એ પણ આટલું લાંબું...) તમામ ચેનલો પર એક સાથે લાઈવ ચાલ્યું. લગભગ તમામ અખબારોએ પણ તેને પહેલી હેડલાઈન બનાવી. અને, સોશ્યલ મીડિયા અંગે તો કહેવું જ શું. મીડિયા (ખાસકરીને ટીવી) અને સોશ્યલ સાઈટ્‌સ માટે આજે કનૈયાનો દિવસ હતો. તેને હીરો બનાવવાનો. કેટલાંક દિવસો પહેલાં આ લોકો જ તેને દેશદ્રોહીનું લેબલ આપતાં નહોતાં થાકતાં.
જનમાનસ - કનૈયાનું ભાષણ સારું જરૂર હતું, પણ તેમાં કશું નવું નહોતું. તેણે જે કહ્યું તે વામપંથ (ડાબેરી)ના રાજકારણનો આધાર રહેલો છે. પણ સોશ્યલ મીડિયા પર તારીફોના પૂલ બંધાઈ ગયા. ન માત્ર ભાષણની, પણ કનૈયાની. કોઈ કહેવા લાગ્યું- હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી’, તો કેટલાંકે લખ્યું- આજે ચૂંટણી લડે તો નરેન્દ્ર મોદી પણ કનૈયા સામે હારી જાય. આ અમારી આદત છે કે અમે કોઈને જેટલી જલ્દી કનૈયા બનાવીએ છીએ, એટલી જ જલ્દી કંસ પણ બનાવી દઈએ છીએ. ઉદાહરણોની ભરમાર છે. અન્ના હજારે અને અરવિંદ કેજરીવાલ આ કડીમાં તાજા નામ ગણાવી શકાય છે.
ભાષણમાં શું હતું -  કનૈયાના ભાષણમાં સબક શીખવવા જેવી કોઈ વાત હતી તો તે ડાબેરીઓ માટે હતી. તેણે કહ્યું, ‘જેએનયુમાં આપણે તમામને સેલ્ફ ક્રિટિસિઝમની જરૂરિયાત છે કેમ કે આપણે જે રીતે અહીં વાત કરીએ છીએ તે સામાન્ય પ્રજાની સમજમાં નથી આવતી. આપણે તેના અંગે વિચારવું જોઈએ.દેશમાં ડાબેરી રાજકારણ વર્ષોથી આ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તે પ્રજાના હિતોની વાત કરે છે, તો પણ પ્રજા તેમનું નથી સાંભળતી. કનૈયાએ પોતાના જેલના અનુભવ ગણાવતા સંકેત આપ્યો કે ડાબેરીઓએ દલિતોને સાથે લઈને ચાલવું પડશે. ડાબેરી પાર્ટીઓ તેના ઉપર વિચાર જરૂર કરી શકે છે.
-અભિજિત
07-03-2016

No comments:

Post a Comment