Sunday, March 13, 2016

મહિલા અનામતનો સંઘર્ષ મંઝિલ પર ક્યારે પહોંચશે ?

સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે તેત્રીસ ટકા અનામતનો સંઘર્ષ પોતાની મંઝિલ પર ક્યારે પહોંચશે, એ કહેવું હજુ પણ મુશ્કેલ છે. દર વર્ષે મહિલા દિવસ પર તમામ મહિલા સંગઠન આ અનામતનો મુદ્દો ઉઠાવતા રહે છે. રાજકીય પક્ષો મીઠી મીઠી વાતો કરે છે કાં તો બણગાં ફૂંકે છે, અને પછી બધું અભેરાઈએ ચડી જાય છે. આ વખતે પણ મહિલા દિવસ પર સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતિયાંશ અનામતનો મુદ્દો ઉઠ્યો. તમામ પક્ષોની મહિલા સાંસદોએ તેની માગણી ઉઠવાી. તમામ મહિલા સંગઠન પણ આગળ આવ્યા. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ સરકારને આગ્રહ કર્યો કે તે લોકસભામાં સંબંધિત વિધેયક લાવે, કોંગ્રેસ સમર્થન માટે તૈયાર છે. ડાબેરીઓ તો હંમેશા આ આરક્ષણના પક્ષમાં રહે છે. પણ વડાપ્રધાને કોઈ સ્પષ્ટ આશ્વાસન નથી આપ્યું.
આ મુદ્દાને તે મોટી ચતૂરાઈથી ટાળી ગયા. વિપક્ષમાં રહેતા ભાજપે કાયમ એ જતાવવાનો મોકો નહોતું છોડતું કે તે મહિલા અનામત માટે પ્રબળ સમર્થક છે. તે એ પણ પૂનરોચ્ચાર કરતો હતો કે જો તેમને સત્તામાં આવવાની તક મળી, તો તેઓ આ મુદ્દે કાયદો બનાવવામાં કોઈ કસર નહિ છોડે. પણ કેન્દ્રમાં સત્તા પર આવ્યાને બાવીસ મહિના બાદ પણ તે આ મામલે ચૂપકીદી સાધી રહી છે. સ્પષ્ટ છે, હજુ પણ તે ખેલ ચાલી રહ્યો છે જે યુપીએ સરકારના સમયે ચાલી રહ્યો હતો. યુપીએ સરકાર દરમિયાન ૨૦૧૦માં મહિલા અનામત વિધેયક રાજ્યસભામાં પસાર થઈ ગયું હતું. પણ લોકસભામાં મંજૂરી ન મળી શકી. પરિણામ સ્વરૂપ આ વિધેયક નક્કામું થઈ ગયું. હવે નવા પ્રકારે વિધેયક લાવવું પડશે. તેમાં મુશ્કેલી શું છે, જ્યારે ભાજપની લોકસભામાં પોતાના દમ પર બહુમતી છે, જેણે મહિલા અનામતનું વચન આપી રાખ્યું છે. હકીકતમાં, મુશ્કેલ એ છે કે તમામ પુરૂષ સાંસદો નથી ઈચ્છતા કે સંસદ અને વિધાનસભામાં મહિલા અનામતનો કાયદો બને, કેમ કે તેમને ડર સતાવે છે કે પછી ખબર નહિ કોને કોને પોતાનો મતવિસ્તાર ગુમાવવો પડે. જોકે, પુરૂષ સાંસદોમાં કેટલાંક અપવાદ હોઈ શકે છે, પણ મોટા ભાગે તેમનું વલણ એ જ રહ્યું છે.
બીજી કઠિણાઈ વિધેયકના સ્વરૂપ પર સર્વ સંમતિનો અભાવની રહેલી છેે. સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ અને બહુજન સમાજ પાર્ટી એવી માગણી કરી રહ્યા છે કે પ્રસ્તાવિત અનામત બેઠકોમાં સત્તાવીસ ટકા પછાત વર્ગોની, પંદર ટકા અનુસૂચિત જાતિ વર્ગની અને સાડા સાત ટકા અનુસૂચિત જનજાતિ વર્ગની મહિલાઓ માટે આરક્ષિત હોય. કોંગ્રેસ અને ભાજપ આ માંગનો વિરોધ કરતા આવ્યા છે. પણ આ માંગને જ એકમાત્ર વિઘ્ન બતાવીને વિધેયકને ટાળતા રહેવાનો ખેલ ક્યાં સુધી ચાલતો રહેશે? કોઈ અન્ય મામલામાં ભાજપનો આ તર્ક સાચો હોઈ શકે કે રાજ્યસભામાં તેની પાસે બહુમતી નથી. પણ મહિલા અનામતના મામલામાં તે આ દલીલ નથી આપી શકતો. જ્યારે કોંગ્રેસ સમર્થન માટે તૈયાર છે, ડાબેરીઓ તેના પર રાજી છે જ, પછી રાજ્યસભામાં મુશ્કેલી ક્યાં રહી જાય છે? પંચાયતો અને નગરપાલિકાઓમાં મહિલા અનામતને તેંત્રીસ ટકાથી વધારીને પચાસ ટકા કરવાની જોગવાઈ હવે સમગ્ર દેશમાં થઈ ગઈ છે. સંસદ અને વિધાનસભાઓમાં મહિલા અનામત માટે રાજકીય સર્વ સંમતિ ક્યારે બનશે?
-અભિજિત
13-03-2016

No comments:

Post a Comment