Thursday, September 20, 2018

આતંકવાદ છે એક વિવાદ, ન થવો જોઈએ સંવાદ


પાકિસ્તાન પ્રેરિત આતંકવાદે ખરેખર હવે માથું ઊંચક્યું છે. જમ્મુ સરહદ પર ફરજ બજાવી રહેલા બીએસએફનાં જવાનની ક્રૂર હત્યા કર્યા બાદ બેશરમ પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાન ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ભારત પાકિસ્તાન વચ્ચે દ્વીપક્ષીય મંત્રણા કરવાની વાત કરી અને ભારત સરકારે તેનો સ્વીકાર પણ કરી દીધો. આ બેઠક 25મી સપ્ટેમ્બરે ન્યૂ યોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલી દરમિયાન થવાની શક્યતાઓ હાલમાં જોવાઈ રહી છે. જોકે, આ દ્વીપક્ષીય મંત્રણા ભારત અને પાકિસ્તાનનાં વિદેશ મંત્રીઓની વચ્ચે યોજાશે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો ભોગ બની રહેલાં ભારત અને ખાસ કરીને સેનાનાં જવાનોની શહાદતને નજર અંદાજ કરીને હાલની ભાજપ સરકારનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે એક સમયે એટલે કે 2014માં સત્તા પર આવવા માટે દેશભરમાં સભાઓ ગજવીને પાકિસ્તાનને અને તેના દ્વારા ફેલાવાતાં આતંકવાદને ચપટી વગાડતાં જ મસળી નાંખશે એવી મોટી મોટી વાતો કરી અને દેશની પ્રજાનાં ખોબલે ખોબલે મત મેળવીને સત્તા પર આવી ગયાં. પરંતુ તેમની સત્તા આવતાં જ 2014માં કરેલી વાતો ભૂલાવી દઈને પાકિસ્તાનનાં તત્ત્કાલિન વડાપ્રધાન નવાઝ શરીફ સાથે ઈલૂ ઈલૂ કરવા વગર આમંત્રણે લાહોર અને ઈસ્લામાબાદ જઈ પહોંચ્યા અને તેની રિટર્ન ગિફ્ટમાં પાકિસ્તાને પઠાણકોટનો હુમલો આપ્યો. આટ આટલાં ઘા વાગવા છતાં પણ પાકિસ્તાન સાથે સારા સંબંધો માટે પહેલ કરવાની હિલચાલ ચાલુ જ રાખી. અને પાકિસ્તાને બદલામાં વાટાઘાટો કરવાના બદલે આપણાં જવાનોની ક્રૂરતાપૂર્વકની હત્યાઓ કરી દીધી. અગાઉ જમ્મુ કાશ્મીરનાં પૂંચ સેક્ટરમાં 8મી જાન્યુઆરી 2013માં બે જવાનોનાં માથાં વાઢીને પાકિસ્તાની સૈનિકો ચાલ્યા ગયાં હતાં. ત્યારે વિપક્ષમાં ભાજપ હતું અને યુપીએ સરકારની આકરી ટીકા કરી હતી. સાથે સાથે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી જે તે સમયે ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં તેમણે પણ ખરી ખોટી સંભળાવીને શહીદ સૈનિકોની બર્બર હત્યા માટે કેન્દ્રની ડો. મનમોહન સિંઘની યુપીએ સરકારને જવાબદાર ઠેરવીને આક્ષેપોનો મારો ચલાવ્યો હતો. એ સમયે મોટા ઉપાડે તેમણે એવું એલાન કર્યું હતું કે, કેન્દ્રમાં ભાજપની સરકાર આવશે તો એક માથાની સામે દસ માથાં લાવીને બદલો વાળીશું. ક્યાં ગઈ એ વાતો?
ભાજપનાં શાસનમાં આતંકવાદી ગતિવિધિઓ ઘણી તેજ બની હતી અને છાસવારે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ થતાં રહ્યાં સાથે સાથે ભારતીય સૈન્યનાં જવાનોનાં અપહરણ કરીને તેમની હત્યા કરવાનાં બનાવો પણ ઓછાં નથી બન્યાં. આવા સંજોગોમાં દોસ્તીનો હાથ લંબાવીને હંમેશા પીઠમાં ખંજર ભોંકવામાં માહેર પાકિસ્તાનની વાતમાં આવીને ફરી બેઠકો યોજીને શાંતિની શોધ કરવા આગળ વધવાનાં ભારત સરકારનાં નિર્ણયની ચોતરફ ટીકા થઈ રહી છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન માર્યા ગયેલાં આપણાં જવાનોનાં પરિવારજનોની આંખનાં આંસૂ હજુ સુકાયાં નથી ત્યાં પાકિસ્તાન સાથે ભાઈચારાનાં સંબંધો વધારવા માટે અમેરિકાનાં ન્યૂ યોર્કમાં બેઠક યોજવી કેટલી યોગ્ય છે એ સવાલ દરેક ભારતીય પૂછી રહ્યો છે.
ભારતનાં બીએસએફનાં જવાનની ક્રૂર હત્યાનાં દિવસે જ પાકિસ્તાનનાં ક્રિકેટર ટર્ન વઝીર-એ-આઝમ ઈમરાન ખાને પોતાનાં પત્રમાં લખ્યું કે, ‘અમે ઇચ્છીએ છીએ કે બંન્ને દેશોની વચ્ચે એક આંતરિક સંબંધ બનેલા અને શાંતિ જળવાઇ રહે. એટલા માટે હું પાકિસ્તાનનાં વિદેશ મંત્રી મખદૂમ શાહ મહમદ કુરૈશી અને ભારતનાં વિદેશમંત્રી સુષમા સ્વરાજ વચ્ચે મીટિંગનો પ્રસ્તાવ મુકુ છું. આ મીટિંગ ન્યૂયોર્કમાં યોજવાની છે યુએન જનરલ એસેમ્બલી ઉપરાંત હોય. આ મીટિંગમાં આગળનાં રસ્તાઓ નિકળી શકે છે. ખાસ કરીને ઇસ્લામાબાદમાં થનારા સાર્ક સમિટ પહેલા આ એક મોટી પહેલ હશે. આ સમિટની તક હશે, જ્યારે તમે પાકિસ્તાનની યાત્રા કરે અને વાતચીત આગળનો રસ્તો ખુલ્લે. હું તમારી સાથે મળીને બંન્ને દેશોનાં લોકોનાં ફાયદા માટે કામ કરવા માંગુ છું. કૃપા તેનો સ્વીકાર કરો.’
ભારત સરકારે આ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો અને હવે શરૂ થયું છે તેનાં પર રાજકારણ. આ પ્રકારની વાટાઘાટો ક્યાં સુધી સરકાર કરશે અને ક્યાં સુધી આપણાં જવાનોની શહાદતને સાંખી લઈશું. શું આ બધાનો કાયમી અંત નથી? ભારતીય સેનાનાં નિવૃત્ત અધિકારીઓ અને શહીદ થયેલાં જવાનોનાં પરિવારજનો પણ નથી ઈચ્છતાં કે ભારત પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે વાટાઘાટો કરે. દરેકનાં મોંઢે એક જ વાત છે ‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ!’

Wednesday, September 5, 2018

મોકે પે ચોક્કા...

સમગ્ર રાજ્યમાં હાલમાં હાર્દિકનાં આમરણાંત ઉપવાસનો મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. કેમ કે આ યુવાનને દેશભરમાંથી જે રીતે સમર્થન મળી રહ્યું છે તેને જોતાં આવનારી 2019ની લોકસભાની ચૂંટણીમાં તેનાં પડઘાં જરૂર પડશે. અને આ માટે રાજ્ય સરકારે 11 દિવસ બાદ જાગીને હાર્દિક મામલે પ્રતિક્રિયા આપી. સામાન્ય રીતે પાટીદાર કે હાર્દિક મામલે દર વખતે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ પ્રતિક્રિયા આપતાં હોય છે, પરંતુ મંગળવારે બપોરે એકદમ જ રાજ્યનાં ઊર્જા મંત્રી સૌરભ પટેલે પોતના ગાંધીનગર સ્થિત કાર્યાલય ખાતે પત્રકારોને બોલાવીને હાર્દિકના આમરણાંત ઉપવાસ મામલે સરકાર તરફથી પ્રતિક્રિયા આપી. ત્યારે ભાજપનાં પાટીદાર અને પાણીદાર નેતા નિતીન પટેલ જે હાલમાં વાઈબ્રન્ટ ગુજરાતનાં પ્રમોશન માટે જાપાનની મુલાકાતે ગયાં છે ત્યારે ભાજપ દ્વારા એક ચોક્કસ રાજકીય ચાલ ચાલવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. કેમ કે હંમેશા હાર્દિક મામલે નિતીન પટેલ સરકાર વતી જવાબ આપતાં હતાં પરંતુ 2019ની ચૂંટણીમાં ભાજપને પોતાને થનારા નુકસાનની ભીતિ લાગી હશે એટલે ભાજપનાં ચાણક્ય સાથે પ્રદેશ ભાજપનાં વરિષ્ઠ નેતાઓએ ચર્ચા કરી એટલે ચાણક્યએ નવી ચાલ ચાલી પાટીદારોમાં ખૂબ જ વખણાયેલાં અને પાણીદાર નેતા નિતીન પટેલની ગેરહાજરીનો લાભ ઉઠાવીને સૌરભ પટેલને પાટીદાર સમાજમાં આગળ ધરવાનું નક્કી કર્યું. કેમ કે, જો ભાજપ આવું ન કરે તો હાર્દિક જે હાલમાં આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે આ આંદોલનની અસર 2019ની ચૂંટણી પર ન પડે. અને સાથે સાથે મજબૂત પાટીદાર નેતા નિતીન પટેલને પણ સાઈડ ટ્રેક કરી દેવાય. સૌરભ પટેલને હાર્દિકની માંગણીઓ સંદર્ભે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ સાથે વાટાઘાટો કરી અને ઉકેલ લાવવાની દિશામાં આગળ વધવાની શરૂઆત કરી છે ત્યારે મંગળવારે રાત્રે બીજા એક વાવડ આવ્યાં અને એ પણ નિતીન પટેલનાં મતવિસ્તાર મહેસાણા તરફનાં. સમાચાર એવાં આવ્યાં કે 2017ની ચૂંટણીમાં મહેસાણા વિધાનસભા બેઠક પરથી ભાજપનાં નિતીન પટેલ સામે કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે જીવાભાઈ પટેલ ઊભા હતાં, અને તેઓ હારી ગયાં. છેલ્લાં કેટલાંય સમયથી જીવાભાઈ પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડવાની વિચારણા કરી રહ્યાં હતાં. અને હાર્દિક પટેલ દ્વારા શરૂ કરાયેલાં આમરણાંત ઉપવાસ અને રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલનાં જાપાન પ્રવાસનો લાભ લઈને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મોટો ખેલ પાડી દીધો. અને તેમણે જીવાભાઈને મંગળવારે કેસરિયો ધારણ કરાવી દીધો. આમ ભાજપનાં ચાણક્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહથી શતરંજની બાજીમાં કોંગ્રેસ તેમ જ પાટીદાર માટે આંદોલન કરી રહેલાં હાર્દિક પટેલને ચેક મેટ આપી દીધું છે. ત્યારે હવે આ મામલે રાજ્યમાં રાજકારણ વધુ ગરમાશે એ નક્કી છે.
હવે, જ્યારે રાજ્ય સરકારે બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે હાર્દિક પટેલે પણ પોતાની માંગણી સંદર્ભે રાજ્ય સરકાર સાથે વાટાઘાટો કરીને કોઈ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. હાર્દિકની જે બે માંગણીઓ છે તેમાં પાટીદારોને અનામત આપવાની બાબતે તો એ બાબતે પહેલાં પણ સ્પષ્ટતા થઈ ચૂકી છે ત્યારે આ મામલે વધારે કોઈ નિરાકરણ આવે એવી શક્યતા નથી. ત્યારે ખેડૂતોના દેવા માફીની વાત તો એ બાબતે રાજ્ય સરકારને પણ વિચારણા કરવાનો સમય આપવો જોઈએ કેમ કે જો ખેડૂતોનાં દેવા માફી કરવાની જાહેરાત કરે તો રાજ્ય સરકારની તિજોરી પર બોજ પડે અને તેની સીધી અસર ગુજરાતની પ્રજા પર પડે. ટૂંકમાં, હાર્દિક પટેલનાં આ આંદોલન પાછળ જે કોઈ ભેજું ચાલે છે તેમાં આવનારી 2019ની ચૂંટણીમાં પોતાનો ફાયદો કઢાવવા માટે કોંગ્રેસનો હાથ હોય એવું ફલિત થાય છે. કેમ કે, વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકોમાંથી એકપણ બેઠકો કોંગ્રેસને નથી મળી ત્યારે આ વખતની લોકસભાની ચૂંટણીમાં થોડી ઘણી બેઠકો મેળવવા માટેની તૈયારી કોંગ્રેસે પાટીદાર આંદોલન સમિતિને હાથો બનાવીને કરી હોય એવું લાગી રહ્યું છે.
11 દિવસ સુધી સતત વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા કે નેતાઓ દ્વારા સરકારને હાર્દિક સાથે વાટાઘાટ કરીને આ મામલે ઉકેલ લાવવાની અપીલ કરવામાં આવી. પરંતુ, સરકારનાં પેટનું પાણી પણ હાલ્યું નહિ. અને 11 દિવસ બાદ સરકારે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી એટલે ચોક્કસ આ આખા ઘટનાક્રમમાં મજબૂત રાજકારણ રમાઈ રહ્યું હોય એવું નકારી શકાય નહિ. આટલું ઓછું હોય એમ છેલ્લાં ત્રણ ચાર દિવસથી પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ જેમણે હાર્દિકથી મોંઢું ફેરવી લીધું હતું તેઓને અચાનક હાર્દિક પ્રત્યે કેમ પ્રેમ જાગ્યો એ પણ એક વિચારવા જેવો સવાલ છે. તમામ સંસ્થાઓનાં વડા અને તેમનાં પ્રતિનિધિઓ પણ મંગળવારે જ અમદાવાદના ઉમિયા કેમ્પસમાં મળ્યાં અને તાત્કાલિક ગાંધીનગર રાજ્ય સરકાર સાથે ચર્ચા કરવા પહોંચી ગયાં. ત્યારે આ તમામ સંસ્થાઓનાં વડાઓ એક યા બીજી રીતે પોતાનો લાભ કઢાવવા માટે પણ રાજ્ય સરકાર અને ભાજપ સાથે હાર્દિક પટેલની માંગણી સંદર્ભે મળવા ગયા હોય એવી શક્યતાઓ નકારી પણ ન શકાય.
-અભિજિત
05-09-2018