Thursday, March 3, 2016

અર્થવ્યવસ્થાની તસવીર થઈ વધુ ખરાબ !


દર વર્ષે સામાન્ય બજેટ પહેલા આવનારી આર્થિક સમીક્ષામાં કોઈ એવી જાણકારી નથી હોતી જે પહેલેથી ખબર જ ન હોય. તો પણ સમીક્ષામાં કોઈ મહત્વ હોય છે. ખાસ કરીને બે કારણોથી. દેશની અર્થવ્યવસ્થાની વસ્તુસ્થિતિ અંગે આ એક સત્તાવાર દસ્તાવેજ હોય છે. તેનાથી હાલની સ્થિતિ અંગે ખ્યાલ આવે છે, આગામી નાણાંકીય વર્ષની બાબતે આશા તથા પડકારો અને સરકારની દૃષ્ટિનો પણ ઈજહાર થાય છે. શુક્રવારે સંસદમાં રજૂ કરાયેલા વાર્ષિક આર્થિક સમીક્ષાએ વર્તમાન નાણાંકીય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિ દર ૭.૬ ટકા પર રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. જ્યારે ૨૦૧૪-૧૫માં ૭.૨ ટકા હતો. સમીક્ષામાં સરકારે આશા વ્યક્ત કરી છે કે, આગામી નાણાંકીય વર્ષમાં વૃદ્ધિ દર સાતથી સાડા સાત ટકાની વચ્ચે રહેશે, અને તે બે  વર્ષમાં આઠ ટકાના સ્તર પર પણ જઈ શકે છે. વૃદ્ધિ દરના હિસાબથી જોઈએ તો ભારતીય અર્થવ્યવસ્થાની હાલત સંતોષકારક કહી શકાય છે. પરંતુ શું વૃદ્ધિ દર જ એકમાત્ર પાયો છે? 
ખૂદ નાણાંમંત્રીએ આર્થિક સમીક્ષામાં સ્વીકાર કર્યો છે કે, દેશની અર્થવ્યવસ્થા સામે ઘણાં પડકારો છે. મતલબ, નિકાસમાં સતત ઘટાડાનું વલણ રહ્યું છે. જ્યાં વિશ્વભરમાં મંદીનો માહોલ છે ત્યાં ઘરેલુ માગમાં પણ સૂસ્તીનું વાતાવરણ સર્જાયેલું છે. આ દૌર ક્યારે ખત્મ થશે, આ અંગે આર્થિક સમીક્ષામાં પણ ખામોશી રાખવામાં આવી છે. પછી આગામી નાણાંકીય વર્ષમાં વૃદ્ધિ દરનું પાક્કું અનુમાન કેવી રીતે લગાવાઈ શકાય છે? હમણાં જીડીપીના વૃદ્ધિ દરના કારણે અર્થવ્યવસ્થાની સંતોષકારક સ્થિતિ જરૂર છે, પણ આપણે ન ભૂલવું જોઈએ કે, તેમાં સરકારી ખર્ચનું યોગદાન છે. ખાનગી રોકાણ વધારવાની આશાને સતત ઝાટકા લાગી રહ્યા છે. વિડંબણા એ છે કે, આગામી ત્રણ વર્ષમાં વૃદ્ધિ દરને જ્યાંથી પ્રોત્સાહન મળવાની વાત આર્થિક સમીક્ષામાં કરાઈ છે તે સાતમા પગાર પંચની ભલામણો પર થનારા અમલ છે, જેનો બોજ સરકારી ખજાના ઉપર જ પડવાનો છે. ખાનગી ક્ષેત્રનું રોકાણ વધારવા માટે અપાઈ રહેલી રાહત અને પ્રોત્સાહન કેમ રંગ નથી લાવી રહી? 
સરકારને જે ખાસ મોર્ચા પર સફળતા મળી છે તે છે રાજકોષીય નુકશાનમાં ઘટાડો લાવવો. પણ તેનો શ્રેય કુશળ નાણાંકીય વ્યવસ્થાપનને નહિ, કાચા તેલની કિંમતોમાં આવેલા અભૂતપૂર્વ ઘટાડાને જાય છે. લોકસભાની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીએ રૂપિયાના અવમૂલ્યનને લઈને યુપીએ સરકારને કોસવામાં કોઈ કસર છોડી નહોતી. પણ આજે તેઓ આ મામલે ચૂપકીદી સાધીને બેઠા છે. ડૉલરના મુકાબલે રૂપિયાની કિંમત તેમના વડાપ્રધાન બનવાના સમયે હતી, આજે તેનાથી પણ ઓછી છે. સૌથી ખરાબ હાલત રોજગાર પેદા કરવાના મોરચે છે. લોકસભા ચૂંટણી સમયે મોદીએ નવી નોકરીઓની આશાઓ જગાડી હતી. પણ સંગઠિત ક્ષેત્રમાં તો નોકરીઓ વધી જ નહિ, અસંગઠિત ક્ષેત્રોમાં પણ રોજગારીની અસુરક્ષા પહેલાથી વધારે વધી છે. રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણના તાજા આંકડાઓ પણ આ અંગે સાબિતી આપે છે. સૌથી ચિંતાજનક હાલત સરકારી બેંકોની છે, જેનું એનપીએ ખૂબ જ ખતરનાક સ્તર ઉપર પહોંચી ગયું છે. રિઝર્વ બેંકના ગવર્નર રઘુરામ રાજને વારંવાર સાવચેત કરવા છતાં સરકારે હજુ સુધી એનપીએથી નિપટવા માટે કોઈ સખત પગલાં નથી ઉઠાવ્યા. એવામાં એકમાત્ર આશા સુપ્રીમ કોર્ટથી રહી ગઈ છે જેણે ગયા દિવસોમાં એક અરજી પર સુનાવણી કરતાં સરકારી બેંકોને તે ડિફોલ્ટર્સની યાદી માંગી જેના પર પાંચ સો કરોડથી વધારેની બાકી હોય.
-અભિજિત
03-03-2016

No comments:

Post a Comment