Monday, March 28, 2016

ગુજરાતના શિક્ષણના ઢોલની પોલ !


ગુજરાતના વિકાસનું ઢોલ પીટી પીટીને હંમેશા એવો રાગ આલાપવામાં આવે છે કે અન્ય રાજ્યોએ તેને પોતાનું રોલ મોડેલ સ્ટેટ બનાવવું જોઈએ. સ્વયં વડાપ્રધાન દેશ-વિદેશના વિભિન્ન મંચો પરથી ગુજરતના વિકાસનો પોતાના નાટકીયભાવૂક અંદાજમાં ગુણગાન ગાતા રહે છે. પરંતુ શિક્ષણના મામલે તેમના ગૃહ રાજ્યના વિકાસની પોલ ખુદ ગુજરાતની સરકારે પોલ ખોલી નાંખી છે. તેણે વિધાનસભામાં સ્વીકાર્યું છે કે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં તેર હજારથી વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે. આ સ્વીકૃતિ રાજ્યમાં શિક્ષકોના અભાવમાં શિક્ષણના સ્તરમાં આવેલા ઘટાડાના કોંગ્રેસના આરોપોના જવાબમાં સામે આવી છે. આવા સંજોગોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિક્ષકમાંથી રાજકારણી બનેલા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આ મુદ્દે ચૂપકીદી સેવી રહ્યા છે.
તેના મુજબ ગુજરાતની શાળાઓમાં માત્ર એક લાખ સડસઠ હજાર ચારસો એકસઠ પ્રાથમિક શિક્ષક છે જ્યારે તેમના માટે સ્વીકૃત જગ્યાઓની સંખ્યા એક લાખ એંસી હજાર છસ્સો એક છે. અર્થાત પ્રાથમિક શિક્ષકોની તેર હજાર એકસો ચાલીસ જગ્યાઓ ખાલી છે. એક સાધન સંપન્ન રાજ્યમાં આટલી મોટી સંખ્યામાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની નિમણૂંક ન થવી એ ભારે ચિંતાનો વિષય છે. આ શાળાઓમાં શિક્ષકોની ઘટનો મુદ્દો વિધાનસભા અને તેની બહાર ઘણી વાર ઉઠ્યો, પણ સરકારના બહેરા કાનો પર તે પહોંચતી નથી. ગયા દિવસોમાં રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું કે સરકાર પ્રાથમિક શિક્ષકોની નિમણૂંક એટલા માટે નથી કરી શકતી કેમ કે તેમને યોગ્ય શિક્ષકનથી મળતાં.
જો એવું છે તો આ ખૂબ જ અફસોસજનક અને દુઃખદ છે અને તે રાજ્યમાં શિક્ષક-પ્રશિક્ષણની દયનીય સ્થિતિ તરફ ઈશારો કરે છે. એક તરફ તમામ રાજ્યોમાં બેરોજગારોમાં સૌથી વધુ સંખ્યા પ્રશિક્ષિત શિક્ષકોની છે ત્યાં ગુજરાતમાં પ્રાથમિક શાળાઓ માટે યોગ્ય શિક્ષક ન મળી શકવું એ પહેલી સીડી પર જ વર્તમાન શિક્ષણની દરિદ્રતાની તરફ ઈશારો કરે છે જેને ઝડપથી દૂર કરવાની જરૂરિયાત છે.
આ દરિદ્રતા દેશમાં એક એપ્રિલ ૨૦૧૦થી લાગૂ શિક્ષણના અધિકારમાં પણ પલિતો ચાંપી રહી છે. ઉલ્લેખનીય છે કે મૌલિક અધિકારની સમકક્ષ આ અધિકાર અન્વયે છથી ચૌદ વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરાઈ છે. તેમાં મફતઅને ફરજિયાતની પરિભાષા કરતાં સરકાર માટે આ શિક્ષણ પૂરું પાડવાની ફરજ પણ માનવામાં આવે છે. પરંતુ તેના પર અમલની દેશવ્યાપી હકીકત આ ફરજનું મોં ચિડાવી રહી છે.
લગભગ તમામ રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટના મામલામાં એકબીજાથી બાજી મારતા નજરે આવી રહ્યા છે. શિક્ષણ અધિકાર અધિનિયમના નિષ્ણાતો મુજબ વિદ્યાલયોમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની સરેરાશ એક સામે ત્રીસ હોવી જોઈએ પણ ઘણાં રાજ્યોમાં તે એક સામે બસ્સોથી પણ વધારે જોવામાં આવી છે. પ્રાથમિક શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે કેટલાંક રાજ્યોમાં શિક્ષણ મિત્ર, શિક્ષણ કર્મચારી, શિક્ષણ સેવક વગેરે નામોથી અગિયાર મહિનાના કરાર પર ઉપશિક્ષકો (પેરા ટીચર્સ)ની નિમણૂંક કરાઈ પરંતુ તેનાથી પણ સમસ્યાનું સમાધાન નથી થઈ શક્યું. શિક્ષક મિત્રોની શૈક્ષણિક અયોગ્યતા, પ્રશિક્ષણની ઘટ અને નિમણૂંકમાં ભ્રષ્ટાચારનું કારણ પણ આ પ્રકારની ભરતીઓ વિવાદમાં રહી છે. અસ્થાયી શિક્ષકોની નિમણૂંકની સમસ્યાનું સ્થાયી સમાધાન સમજવાની ભૂલ સ્થિતિને વધુ વિકરાળ બનાવી રહી છે. પ્રાથમિક શિક્ષણ જ નવા ફાલના ભવિષ્ય માટે મૂળનું કામ કરે છે. જો આ મૂળ જ કમજોર હશે તો કલ્પના કરી શકાય છે કે આપણે કેવું ભારત બનાવી રહ્યા છીએ!
-અભિજિત
28-03-2016

No comments:

Post a Comment