Wednesday, April 18, 2018

સિંહને સડાવવા માટે ગિફ્ટ સિટીને સિંહની ગિફ્ટ


આજે સવારે નિત્યક્રમ પ્રમાણે દિકરી આર્યાને સ્કૂલ બસમાં મૂકીને આવીને ચ્હાની ચૂસકીની સાથે છાપું હાથમાં લીધું. અને વાંચવાનું શરૂ કર્યું. ત્યારે એક એવા સમાચાર પર નજર પડી જે વાંચીને મારા મનમાં સવાલોનું તોફાન મચી ગયું. હવે તમને એમ થતું હશે કે એવાં તો કયાં સમાચાર હતાં કે જેનાં કારણે સવાલોનું પૂર આવી ગયું. તો જણાવી દઉં કે સમાચાર હતાં કે, આખા એશિયામાં માત્ર સાસણગીરમાં દેખાતાં એશિયાટિક લાયનની ડણક હવે ગુજરાતનાં પાટનગરમાં આવેલી ગિફ્ટ સિટીની બાજુમાં પણ સાંભળવા મળશે. હવે તમને થશે કે આ સમાચારમાં એવું તો શું હતું કે સવાલો ઊભાં થયાં. તો સવાલો ઊભા થવા પાછળનું મુખ્ય કારણ હતું કે, જે વિસ્તારમાં આ એશિયાટિક લાયન જોવા મળે છે તે વાતાવરણ આ વનરાજોને ગોઠી ગયું છે અને તેમનાં માટે અનુકૂળ પણ છે. ત્યારે આ સિંહોને ત્યાંથી ગાંધીનગરનાં ગિફ્ટ સિટીની બાજુમાં લાયન સફારી પાર્ક ઊભું કરીને લાવવાનું કારણ શું? બસ આ સવાલે મારા મગજને ઘમરોળી દીધું.
સિંહોની વાત કરીએ તો વર્ષોથી વનરાજો સૌરાષ્ટ્રની ધરાં પર પોતાની ગર્જના કરી રહ્યાં છે, અને સમગ્ર એશિયામાં માત્રને માત્ર આ ધરા પર આવેલા સાસણગીરમાં જ તેઓ સ્થાયી થયાં છે. ત્યારે વર્ષોથી અહીં સ્થાયી થયેલા આ વનરાજોને સાસણગીરથી મધ્યપ્રદેશ ખસેડવાની રાજ્ય સરકારે કેટલાંક વર્ષો પહેલાં હિલચાલ કરી ત્યારે પ્રાણી પ્રેમીઓ અને ગુજરાતની જનતાએ આ વિચારણાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. અને આ વિચારણા માત્ર કાગળ પર જ રહી. જે તે સમયે આ મામલે ભારે ચર્ચાએ જોર પકડ્યું હતું. અને તે સમયે વાઈલ્ડ લાઈફનાં એક્સપર્ટ્સ પણ એવું કહી રહ્યાં હતાં કે, એશિયાટિક સિંહોને અનુરૂપ સાસણગીરનું વાતાવરણ છે ત્યારે તેમને અહીંથી મધ્યપ્રદેશ શિફ્ટ ન કરવા જોઈએ. તેનું કારણ એવું છે કે, દરેક પ્રાણીને અનુકૂળ હોય એવા વાતાવરણમાં જ તેઓ રહી શકે છે અને ત્યાં જ સ્થાયી થતાં હોય છે. જો તેઓને અન્ય વાતાવરણમાં લઈ જવામાં આવે તો તે પ્રજાતિ ઓછી થવા માંડે છે. આ ઉપરાંત દેશની સર્વોચ્ચ અદાલતે પણ જે તે સમયે સાસણગીરનાં સિંહોને મધ્યપ્રદેશ ન ખસેડવા અંગે ચુકાદો આપ્યો છે. વર્ષોથી સિંહ ગુજરાતની શાનમાં વધારો કરી રહ્યાં છે અને દેશ વિદેશનાં પ્રવાસીઓ પણ આ સિંહને જોવા માટે સાસણગીરમાં આવે છે. અને તેમને સાચવવા માટે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા પૂરતાં પ્રયાસ પણ કરાઈ રહ્યાં છે ત્યારે સાસણગીરમાં વસતાં સિંહોની સંખ્યામાં છેલ્લાં કેટલાંક વર્ષોથી જોવા મળ્યો છે. હવે જ્યારે આ જ સિંહોને તેમનાં અનુકૂળ વાતાવરણથી દૂર લઈ જઈ અન્ય વિસ્તારમાં સેટલ કરવામાં આવે તો આ સિંહની ગર્જના આવનારા દિવસોમાં ચોક્કસ ઓછી થઈ જશે અથવા તો માત્ર એક ઈતિહાસ બનીને રહી જશે.
હવે, તમે જ કહો, આ પ્રકારનાં સમાચાર વાંચીને કોઈનાં પણ  મગજમાં સવાલોનું ઘોડાપૂર આવે કે નહિ....

અભિજિત
18-04-2018