Tuesday, March 1, 2016

દેશભરમાં શરૂ થઈ પરીક્ષાની હવા

આજકાલ ઘરોમાં રાત્રે લાઈટ મોડે સુધી ચાલતી દેખાય છે. ચાલી રહેલી લાઈટ બતાવે છે કે, બાળકો ભણી રહ્યાં છે. કોઈનો કોર્સ પૂરો નથી થયો, કોઈ પોતે યાદ કરેલા પાઠને ફરી યાદ કરી રહ્યાં છે, કોઈ સવાલોના જવાબ માટે સંભવિત પ્રશ્નપત્ર અને અન્ય સામગ્રીઓનો સહારો લઈ રહ્યા છે. હકીકતમાં, પરીક્ષા તેમના માથે સવાર છે. કદાચ એટલા માટે જ બગીચાઓમાં બાળકોનો શોરબકોર પણ નથી સંભળાતો. લગ્નો અને અન્ય સમારંભોમાં તેઓ ડીજે એટલે કે સંગીતની ઝડપી ધૂન પર મોડી રાત સુધી નાચતા પણ દેખાતા નથી. હા, મંદિરો અને પૂજાઘરોમાં તેમની ભીડ વધી રહી છે. અભ્યાસની સાથે સાથે કદાચ ભગવાનને પણ પ્રસન્ન કરવા જરૂરી છે, જેનાથી તેઓ જ્યાં નબળાં પડી રહ્યા છે, ત્યાં પૂજા કામ આવી જાય અને ભગવાન ડૂબતી નૈયાને પાર લગાવી દે. જોકે, આખરે કામમાં તો એ જ આવે છે જેમાં તેઓ જેટલું ભણ્યાં અને યાદ રાખી શક્યા છે.

ઘણી વાર આવતા જતાં દેખાઈ પણ જાય છે તો ચિંતાની ઢગલાબંધ રેખાઓ તેમના ચહેરા ઉપર તણાયેલી જોવા મળે છે. પણ તેમના પગલાં ધીમે ધીમે ઉઠે છે. તેમનો ખિલખિલાટ, હસી-મજાક આ દિવસોમાં એક ગંભીર ચૂપકીદી અને ઉદાસીમાં બદલાઈ જાય છે. જમાનો ભલે ગમે તેટલો બદલાઈ જાય, પરંતુ પરીક્ષા હંમેશા પોતાની સાથે એક અજાણ્યો ડર લઈને આવે છે. આ બાળકોની અંદર તેની ચિંતા હોય છે કે આગળ શું થશે, પરિણામ કેવું આવશે, પણ તેના અંગે ક્યારેય ખબર નથી હોતી.
મોસમને અનુરૂપની હવાનું તેવર પણ આજકાલ બદલાઈ જાય છે. દરેક ડાળી પર પાંદડા એટલી ઝડપથી થિરકે છે જેમ કોઈ નૃત્ય સ્પર્ધા ચાલી રહી હોય. પાંદડા માટે પણ સ્પર્ધાની કદાચ આ અંતિમ તક હોય છે, કેમ કે પાનખરમાં સુકાઈને તે નીચે પડે છે, ઉડીને ક્યાંકને ક્યાંક ચાલ્યા જાય છે અથવા ચાલતાં-ફરતાં પગની નીચે કચડાઈ જાય છે. કાલ સુધી જે વૃક્ષો પર ઝૂલી રહ્યા હતા અને કદાચ પોતાના સૌંદર્ય પર મુગ્ધ થઈ રહ્યા હતા, તેમની તરફ કોઈ અન્ય તો શું વૃક્ષ પણ નહિ જુએ. એ તો નવી કૂંપણોનું સ્વાગત કરવા અને તેમને ખોરાક પહોંચાડીને મજબૂત કરી રહ્યું હશે. આ દિવસોમાં દરેક વૃક્ષ, છોડ અને ડાળી ફૂલોથી ભરેલી છે. વસંતનું સ્વાગત તમામ વૃક્ષ અને વનસ્પતિઓ આ રીતે કરે છે. નવાની સૂરત, ચમક, ઊર્જા, અને તેજસ્વિતા કોઈ જૂનાને યાદ નથી રાખવા દેતી. શું ખબર, મનુષ્યોની જેમ જમીન પર પડેલા પાંદડાને પણ આ વાતનો અફસોસ હોય છે કે તેમના પોતાનાએ જ તેમને કેટલાં જલ્દી ભૂલાવી દીધાં.
આજકાલ બીજા વૃક્ષોની સાથે સેમલના વૃક્ષ લાલ અને નારંગી ફૂલોથી ભરેલાં હોય છે. પાંદડા ક્યાંય દેખાતા જ નથી. તેમને જોઈને લાગે છે, જેમ સેમલને પાંદડા હોતા જ નથી, ફૂલ જ ફૂલ લાગે છે. પણ આ ફૂલોના વૃક્ષોની આવરદા ખૂબ જ ઓછા દિવસોની હોય છે. તે ખૂબ જ ઝડપથી અને મોટી સંખ્યામાં ખરીને જમીન પર લાલ-નારંગી રંગની જાજમ બિછાવી દે છે. તેના પર લાગનારા દરેક ફળ સૂકાઈને ફાટી જાય છે. રૂ હવામાં ઉડે છે. હવામાં ઉડતા રૂ જેવા સફેદ મંકોડા જેવા દેખાય છે. લોકો તેના ફળોને એકત્ર કરીને રૂ નીકાળીને વેચે છે. સેમલના રૂથી બનેલો તકીયો ગરમ માનવામાં આવે છે. લોક વિશ્વાસ અનુસાર તેણે વધારે દિવસ સુધી ન લાગવું જોઈએ.
આ દિવસોમાં હવા કદાચ વધારે ઝડપથી એટલા માટે ચાલે છે કે તેને માલૂમ છે કે આજકાલ ફૂલોનું જીવન તો બસ થોડાં દિવસ જ બચેલું છે. ગરમીનો ટકોરો આવતાં જ તે ઘૂમરાવા લાગે છે. પણ હવા તો હંમેશા રહેશે. હાલની ન ઠંડી, ન ગરમ હવા થોડા દિવસો બાદ તેજ લૂમાં તબદીલ થઈ જશે, જેનાથી સૌ લોકો બચીને ચાલશે. આપણા જીવનમાં હવાના ન જાણે કેટલાં રૂપ છે. કેટલાં નામ છે. ગોસ્વામી તુલસીદાસે તો સુંદરકાંડમાં ઓગણપચાસ પ્રકારના પવન એટલે કે હવાનો ઉલ્લેખ કર્યો છે. સામાન્ય લોકોને તો પૂર્વ અને પશ્ચિમ ઉપરાંત કદાચ બીજી હવાઓ ઉપરાંત ખૂબ જ જાણકારી પણ ન હોય.
બાળપણમાં મોટાં સાથે એ રીતે ચાલતી હવાને પરીક્ષાની હવા કહેતાં હતાં. હું પણ સમગ્ર જીવન તેને આ નામથી જ ઓળખતો આવ્યો છું. ખબર નહિ આજે બાળકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તેનું નામ શું છે. કે પછી તેમણે હવાના આ રીતે બદલાયેલા રૂખ ઉપર પરીક્ષાઓની ચિંતાઓને કારણે ક્યારેય ધ્યાન જ નથી આપ્યું. શું આ પરીક્ષાની હવાની વચ્ચે દુનિયામાં યથાર્થની ધરા પર વહેનારી સમગ્ર હવા ગૂમ થઈ જાય છે? શું આપણા માટે દુનિયાના સવાલોથી પરિચિત થવાં કરતાં શાળા અને વર્ગમાં આગળ વધવા માટે આયોજિત પરીક્ષા એટલી સર્વોપરી બની ગઈ છે?
-અભિજિત
01-03-2016

No comments:

Post a Comment