Monday, March 21, 2016

પહેરવેશની સાથે વિચારોમાં પણ પરિવર્તનની જરૂર


તો શું પોતાના વિચાર અને તેની ધારાને લઈને સંવેદનશીલ રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નો હવે ચહેરો બદલાવા જઈ રહ્યો છે...! ગણવેશમાંથી ચડ્ડીને બદલીને ફૂલ પેન્ટ કરીને નિર્ણયને આરએસએસની સફરમાં એક મોટાં પરિવર્તનના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. એક ખાસ ઓળખમાં ઘડાઈ જવા અને એક સ્થિર વિચાર પ્રતિ પ્રતિબદ્ધ હોવાના કારણથી પરિવર્તનની આ જાહેરાત ઘણી મહત્વની છે. પરંતુ ઈતિહાસ ઘણી વાર પરિવર્તનના ચહેરાને લઈને આપણને આગાહ કરતો રહે છે...!
પણ જ્યાં સુધી સંઘનો સવાલ છે, ત્યાં પરિવર્તનની આહટ સંભળાવા લાગી છે. હજુ શરૂઆત થઈ છે તો સંભવ છે કે ઝડપથી તેના પર આગળ પ્રગતિ થાય અને આ વેશભૂષાથી આગળ વધારીને તેના ચિંતન અને દર્શન સુધી પહોંચી જાય! એવું હોય તો આ દેશના લગભગ નેવુ વર્ષ જૂના અને પૂરાતનપંથીરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે ચોક્કસપણે ક્રાંતિકારી હશે. મશહૂર ચીની કહેવત- એકસો માઈલની સફર પણ પહેલા પગલે જ શરૂ થાય છે’, ચરિતાર્થ થાય અને સંઘ કટ્ટરતા અને રૂઢિચૂસ્તતાના બંધનને પણ એ રીતે સાઈડ પર કરી નવા સ્વરૂપમાં રજૂ થાય. આખરે આ દેશના સો કરોડથી વધારે લોકોની આશાઓ અને આકાંક્ષાઓ આમ જ આપણા સંગઠનો સાથે જોડાયેલી હોય છે. સંઘની સાથે ખાસ વાત એ છે કે ન માત્ર તેના સમર્થકો, પણ હાલના દિવસોમાં તેમના કટ્ટર વિરોધીઓને પણ તેનામાં પરિવર્તનની અપેક્ષા દેખાઈ ગઈ છે. આશા એ છે કે પરિવર્તનની આ આહટ નિકરનું પાટલૂન બનવાથી ક્યાંક આગળ વધીને તેની માન્યતાઓ અને તેની સ્વીકાર્યતા ઉપર પણ પહેલાં લચીલું કરવામાં મદદરૂપ થશે.
સંઘના સ્વયંસેવકોના પહેરવેશમાં પરિવર્તનની જાહેરાત કરતા સહ-સંઘ કાર્યવાહક ભૈય્યાજી જોશીનું આ નિવેદન મહત્વપૂર્ણ છે કે સંઘને સમયની સાથે ચાલવામાં વિશ્વાસ છે. પણ મુદ્દો એ છે કે આ વિશ્વાસ હવે આગળ વધે. બ્રિટિશ શાસનકાળમાં સમયની જરૂરિયાતમુજબ હિન્દુ ધર્મની સુરક્ષા અને લોકોની એક સંગઠિત તાકાતના રૂપમાં ઊભા કરવાની જરૂરિયાત આજે યોગ્ય નથી. એક ગુલામ દેશમાં સંગઠિત થવાની જરૂરિયાત અલગ છે, તે ક્રાંતિ માટે કે વિરોધ કરવા માટે થઈ શકે છે. પણ એક આઝાદ દેશમાં આવા રાષ્ટ્રવ્યાપી સંગઠન પાસેથી અપેક્ષાઓ અલગ છે. અહીં સંગઠનની તાકાદ દેશના વિકાસ, પ્રગતિ તથા સમાજના કલ્યાણ માટે મહત્વપૂર્ણ હોઈ શકે છે. સમજવાની જરૂરિયાત મહત્વની છે કે આ દેશ હવે એક સંવિધાનની અવધારણાને અનુરૂપ ચાલે છે, જે સંવિધાન સર્વસંમત અને સર્વોપરી છે. એવામાં તેમની માન્યતાઓનો સ્વીકાર કરી તેમનું અનુકરણ કરવા માટે દરેક ભારતીય બાધ્ય છે.
આ જ સંવિધાનો હવાલો આપતાં ભારત માતાની જયનો સૂત્રોચ્ચાર ન કરનારા એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ કહે છે કે સંવિધાનમાં નથી લખ્યું કે તે ભારત માતાની જયનો નારો લગાવે. સ્પષ્ટ છે કે તેમનું કહેવું છે કે લખ્યું હોત તો તે આ નારો લગાવી દેત. ઓવૈસીનો આ તર્ક કેટલો નબળો છે, તેનો જવાબ તો જાવેદ અખ્તરે આપી જ દીધો કે સંવિધાન તો તમને શેરવાની પહેરવાનું પણ નથી કહેતું. હેડલાઈનમાં ચમકવા માટે ઓવૈસીએ આવો વાણીવિલાસ કર્યો હોય એ કોઈ નવી વાત નથી. તે એક શ્વાસમાં ભારત માતાની જયન કહેવા માટે સંઘના પ્રમુખ મોહન ભાગવતને લલકારે છે તો બીજા શ્વાસમાં (જ્યારે આ મુદ્દો બની જાય અને તેનું ખોખલાપણું જાહેર થઈ જાય) તેઓ જય હિન્દનો નારો પણ બૂલંદ કરી દે છે.
બેશક વાત સંવિધાનની છે જેની પ્રસ્તાવનામાં જ દેશને એક ધર્મનિરપેક્ષ દેશ જાહેર કરવામાં આવ્યો છે. સ્પષ્ટ છે કે એવામાં એક હિન્દુ દેશની પરિકલ્પના પર જ પૂનર્વિચારની જરૂરિયાત છે. જો લાંબા સમયથી અહીં સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત માન્ય રહ્યો, તો હવે તે એક એવો બગીચો કેમ ન હોય, જ્યાં તમામ પ્રકારના ફૂલો ખીલતા હોય. સાચું છે કે જે બાગમાં તમામ પ્રકારના પુષ્પ હોય ત્યાં કેટલાંક કાંટા પણ હશે જ. પરંતુ એ પણ જોવામાં આવ્યું છે કે પુષ્પોને ખીલવા માટે કાંટાનું યોગદાન પણ ઓછું નથી.
અંતે ફૂલોનું મહત્વ પણ છે તો કાંટાના મુકાબલે નક્કી કરાય છે. એક ધર્મનિરપેક્ષ દેશમાં તમામ ધર્મ પોતાની માન્યતાઓ અનુસાર ચાલે અને પોતાની અંદરની વિષમતાઓને પોતાની રીતે હલ કરી દે તો વાંધો શું છે? આખરે શિંગણાપુર મંદિર અને હાજી અલીની દરગાહ બંનેમાં મહિલાઓનાના પ્રવેશ પર પ્રતિબંધ છે અને બંનેની આ વ્યવસ્થાની આ ધર્મોની મહિલાઓએ પડકારી છે. તે પોતાની રીતે હલ કરે તો તેમાં વાંધો શું છે? હોવું એ જોઈએ કે તમામ ધર્મ પોતાની રીતે પોતાની અંદરની સમસ્યાઓ સામે ઝઝૂમે, તેનું કોઈ આદર્શ નિવારણ લાવે અને એક-બીજાને માન્યતા આપે. ત્યારે એક ધર્મનિરપેક્ષ દેશની જમીન વધુ મજબૂત થશે.
સ્વાભાવિક છે, સંઘના પહેરવેશમાં પરિવર્તનના સમાચાર આવવાની સાથે જ ટિકાકારોના નિવેદનોના પૂર આવવા લાગ્યા કે પહેરવેશ બદલવાથી શું થશે, વિચાર તો એ જ છે. જરૂરિયાત વિચારો બદલવાની છે. આપણું એ માનવું છે કે વિચારમાં ક્યારેય ક્યાંકને ક્યાંક પરિવર્તન આવશે, ત્યારે જ પહેરવેશમાં પરિવર્તન આવ્યું છે. જરૂરિયાત હવે આ બદલાયેલા વિચારને વધુ વિસ્તરણ કરવાની છે, જે આજે દેશ-દુનિયાની પરિસ્થિતિને જોવાનું અસંભવ નથી લાગતું. હકીકતમાં, સંઘ અને વિચારનો સવાલ ઉઠે છે કદાચ એટલા માટે કે સંઘની અંદર ઘણીવાર વિચારમાં પરિવર્તન જોવામાં આવે છે, પણ તે લાંબાગાળાનું નથી હોતું. એ વિડંબણા છે. પોતાના ગઠનથી અત્યારસુધી આ સંગઠન ઉપર ત્રણવાર પ્રતિબંધનો સામનો કરી ચૂક્યું છે.
પહેલાં ૧૯૪૮માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા બાદ, પછી ૧૯૭૫માં કટોકટી દરમિયાન અને પછી ૧૯૯૨માં બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ. જોકે, આ તમામ પ્રતિબંધ બાદમાં હટાવી લેવાયા. સ્પષ્ટ છે કે કોઈ પણ શાસને સંઘને દેશ માટે ખતરારૂપ નથી માન્યો કે તેના ઉપર કે તેની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ જારી રહે. એવામાં એ વધારે જરૂરી છે કે સંઘ પોતાની સાર્થકતા અને પ્રાસંગિકતાને બચાવવા માટે પોતાના વિચારોમાં પહેરવેશની તર્જ પર જ સમયની જરૂરિયાત મુજબ પરિવર્તન કરે.
એ ધ્યાન રાખવાની જરૂર છે કે મોદી સરકારના ગઠનમાં સંઘના સ્વયંસેવકોની ભૂમિકા મહત્વની રહી છે. અને સંઘ માટે આ એક ગૌરવશાળી ઉપલબ્ધિ રહી કે સંગઠનના એક પ્રતિબદ્ધ સ્વયંસેવકે દેશની કમાન સંભાળી. જોત જોતામાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં પણ સંઘના સ્વયંસેવકો દેવેન્દ્ર ફડણવીસ અને મનોહર લાલ ખટ્ટર સત્તારૂઢ થયાં.
આઝાદી બાદ આ પહેલી તક હતી કે સંઘનો પરચમ આટલાં ઊંચા શિખર પર લહેરાયો. સંઘ જે વૈભવશાળી રાષ્ટ્રની પરિકલ્પના કરીને તેના ગઠનને સમર્પિત છે તે તેની એક મોટી ઉપલબ્ધિ છે. પણ પોતાના વિચારને કટ્ટરતાની પાસે ગિરવે રાખવાના કારણે સંઘ તેને લાંબાગાળાનું બનાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું છે. પરિણામસ્વરૂપ, ભાજપને દિલ્હી અને બિહારના પરાજયથી બેબાકળા થવું પડ્યું. એટલે જમીની ચૂંટણી મોરચા પર સંઘને એટલી સફળતા ન સાંપડી, જેટલી લોકસભા ચૂંટણીમાં મળી હતી. હવે આગળની વિધાનસભા ચૂંટણીઓમાં પહેલાં પાંચ પશ્ચિમ બંગાળ, આસામ, તામિલનાડુ, કેરલ અને પુડ્ડુચેરી છે. જેમાં આસામ સિવાય ક્યાંય આશા નથી. અને આગળના બે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પણ ભાજપનું ભવિષ્ય ધૂંધળું દેખાઈ રહ્યું છે. તો આખરે શું છે સંઘની ભૂમિકા...!
હકીકતમાં, સંઘને રાજકારણથી અલગ કરીને જોવાનું એટલું પણ સરળ નથી. જે પોતાના હાથમાં રિમોટ રાખીને તેનાથી પોતાના રાજકારણને નિયંત્રિત કરે તો પણ રાજકીય જ કહેવાશે.
ટેકનીકલ રૂપથી તે ભલે મહજ સાંસ્કૃતિક સંગઠન હોવાનો દાવો કરે. તે કોનાથી છૂપું છે કે આખરે દેશની સરકાર જ સંઘના દિશા-સૂચનથી ચાલી રહી છે. પણ સંઘના પરંપરાગત વિચારની કસોટી પર જોઈએ તો દેશ સંઘની અવધારણાથી ખૂબ જ દૂર છે. એટલે આ સમયનો તકાજો સમજીને સંઘે પણ પોતાના વિચારમાં સમગ્રતા લાવે. એ ભૂલવું ન જોઈએ કે જો આ દેશમાં ભારત માતાની જયનો નારો લગાવની જૂઠના નાયકત્વના દાવેદાર અસદુદ્દીન ઓવૈસી છે તો આ દેશમાં જાવેત અખ્તર પણ છે જે ભારત માતાની જયનો નારો બુલંદ કરે છે. સંઘે પોતાના વિચારોના દાયરામાં તેમને સ્થાન આપવું જોઈએ. તે પણ મહત્વપૂર્ણ છે. ત્યારે એવું થશે કે આવી તાકાતો અલગ-થલગ હશે જે દેશમાં રહીને પણ અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામ ઉપર અને પોતાના કેટલાંક વ્યક્તિગત સ્વાર્થ પર અને રાજકીય પ્રેરિત સૂત્રોચ્ચાર કરશે, જેમનો હેતુ વાહવાહી બટોરવા સિવાય કશું જ નથી.
સંઘ હિન્દુ સંસ્કૃતિની સુરક્ષા અને તેના સંરક્ષણ માટે કામ કરે તો તેનાથી કદાચ કોઈને વાંધો ન હોય. અંતે તમામ ધર્મની પોતાની સંસ્કૃતિની સુરક્ષા, વિસ્તાર, વિશ્વાસ અને સંરક્ષણનો અધિકાર છે. પરંતુ દેશના સંવિધાન અને તેની વ્યવસ્થાની રૂહમાં હિન્દુ રાષ્ટ્રની સ્થાપનાનો ખ્યાલ એક અતિશયોક્તિભર્યો વિષય છે અને એ કહવાનું ન હોય કે તેના પર પૂનર્વિચાર કરવાની જરૂરિયાત છે. સંઘ સ્પષ્ટતઃ ન પણ કહે, પરંતુ તેમના વિચારક અને પ્રચારક હજુ આભાસ આપે છે કે તેમના તમામ પ્રયાસ હિન્દુ રાષ્ટ્રની સ્થાપના તરફ છે. આ જ જો સંઘ એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રના સિદ્ધાંતને માનીને પોતાના દરવાજા તમામ લોકો માટે ખૂલ્લાં કરીને સમગ્ર સમાજને સાથે લઈને એક આદર્શ રાષ્ટ્રની કલ્પનાને સાકાર કરવા તરફ આગળ હશે તો તમામ તેમની સાથે કતારબદ્ધ નજરે પડશે.
કટ્ટરવાદી વિચારધારાને કારણે સંઘના સામાજિક કાર્ય પણ ગૌણ થઈ જાય છે અને તેમની વિરોધી તાકાતોનું સમગ્ર ધ્યાન તેમની કટ્ટરતા તરફ કેન્દ્રિત થઈ જાય છે. દેશમાં એવાં ઘણાં મોકા આવ્યા ચે જ્યારે સંઘે પોતાની સામાજિક ભૂમિકાને મોટા સ્વરૂપમાં રજૂ કર્યું. એવામાં જ્યારે વિચારમાં પરિવર્તનની શરૂઆત થઈ ચૂકી છે તો તેને આગળ વધારવામાં વાંધો શું છે? એ સર્વવિદિત તથ્ય છે કે તમે બીજાના સન્માન ત્યારે જ હક્કદાર બનો જો તમે તેમનું પણ સન્માન કરશો. દેશમાં જો પોતાના વિચારની વિપરિત કોઈ ઉગ્ર પ્રતિક્રિયા થાય પણ છે તો તેને તેનાથી પણ તીવ્ર ઉગ્રતાથી જવાબ દેવાની જરૂરિયાત શું છે! તેને તમે પોતાના તર્કોથી પણ પરાસ્ત કરી શકો છો.
ખાસ વાત તો એ છે કે સંઘ જે કરી શકે છે તે તેના ઈશારે નાચનારી ભારતીય જનતા પાર્ટી નથી કરી શકતી. ભાજપ એ કરી શકે છે કે કાળાં નાણાં પર પોતાનું વલણ બદલી નાંખે અથવા રામ મંદિર પર પીઠ બતાવી દે અને તેમને ચૂંટણી જંગનો દરજ્જો આપી દે, પછી તે ભલે પાર્ટીના સર્વશક્તિમાન અધ્યક્ષ અમિત શાહના મોંઢેથી નીકળેલા શબ્દો જ કેમ ના હોય. પણ સંઘ એવું નથી કરી શકતું. એ કારણ છે કે અનામત અંગે સંઘે પોતાનું વલણ કાયમ રાખ્યું. ભલે તેનું નુકશાન બિહારની શરમજનક હારના સ્વરૂપમાં ચૂકવવું પડ્યું હોય. સંપન્ન વર્ગને અનામત છોડવી પડશે, આ તર્ક કાયમ રહ્યો. આ અપેક્ષા સંઘ પાસેથી જ કરી શકાય છે, નહિ કે ચૂંટણી ગણિત બેસાડતી ભારતીય જનતા પાર્ટી પાસે. પણ જો સંઘના વિચારની સીધી અસર ભાજપના રાજકારણ અને તેના ચૂંટણી ગણિત પર પડશે તો સવાલ ઉઠશે.
સંઘ માટે સમાજ અને દેશના નિર્માણમાં પોતાની મહત્વની ભૂમિકાની દિશામાં આ દૂર્લભ તક છે. ઝડપથી પોતાની લોકપ્રિયતા ગૂમાવી રહેલી ભાજપ સરકાર પાસે તેની અપેક્ષા ઓછી છે. એ હેરાનગીની વાત છે કે સંભવિત ચૂંટણી નુકશાન પણ પાર્ટીને ડરાવી નથી રહી અને તેના મંત્રીઓ અને અન્ય નેતાઓનો વાણીવિલાસ વધી રહ્યો છે. જે ઓછો પણ કેમ થાય, જ્યારે ખુદ શાહ કહે છે, ‘જો ભૂલથી ભાજપનો પરાજય થયો તો પરિણામ બિહારમાં આવશે અને ફટાકડાં પાકિસ્તાનમાં ફૂટશે.
વિરોધાભાસ તો ત્યાં છે કે એક બાજુ જ્યાં શાહ એવું બોલે છે અને તેમના વરિષ્ઠ નેતાઓ તમામ કૂટનીતિક શિષ્ટાચારને કોરાણે મૂકીને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે ગળામાં હાથ નાંખવા લાહોર ઉતરી જાય છે. તો સવાલ છે કે એક સ્વયંસેવક કરી ચૂકેલા નરેન્દ્ર મોદીનો આ વ્યવહાર પણ સંઘના બદલાઈ રહેલા વિચારની સાથે કોઈ પ્રકારનો સંબંધ તો રાખે છે...!
હકીકતમાં, પરિવર્તનનું મહત્વ ત્યારે છે જ્યારે બુનિયાદી અને મજબૂત જમીન પર ઊભા હોઈએ. સંઘની પ્રવૃત્તિઓથી એવું જરૂર લાગે છે કે લાંબા સમયથી વિચારના મોરચા પર જામેલો બરફ હવે પીગળી રહ્યો છે. પણ જો આ પરિવર્તન માત્ર પહેરવેશ સુધી જ સિમિત રહ્યું તો એટલું નક્કી છે કે સંઘ ફરી એકવાર પોતાના પૂરાતન વિચારોની ચાર દિવાલોમાં કેદ થઈ જશે.
સંઘને લાગે છે કે તેનો દાયરો અને સ્વીકાર્યતા વધુ ફેલાય, તો તેને બુનિયાદી અને મજબૂત પરિવર્તનો માટે પણ સાહસ કરવું પડશે. ખાસ કરીને ત્યારે જ્યારે સંઘ પોતાને રાજકીય નહિ, સાંસ્કૃતિક સંગઠન કહે છે તો તે સમાજ અને તેના માળખામાં સંબંધોના સમીકરણ અને બરાબરીના સિદ્ધાંતો પર પોતાની વાસ્તવિક વિચાર સ્પષ્ટ કરવા પડશે. 
એવું ન થઈ શકે કે મોહન ભાગવત કહે કે મહિલાઓએ રસોડામાં કામ કરવું જોઈએ... કે પછી તે સામાજિક સ્વરૂપથી વંચિત જાતિઓ માટે અનામતની વ્યવસ્થા પર સમીક્ષાની માંગણના સંકેત સાથે અનામત ખતમ કરવાની વકાલત કરે અને સંઘના ચહેરામાં પરિવર્તનની વાત કરવામાં આવે...! સમાજમાં સ્ત્રી અને દલિત-વંચિત જાતિઓની બરાબરીના અધિકારોની લડાઈ જો ખૂદને એક સાંસ્કૃતિક કહેનારું સંગઠન લડે છે, ત્યારે જઈને પરિવર્તનને લઈને તેમની પ્રતિબદ્ધતા પર વિશ્વાસ ઊભો થશે. નહિ તો તાત્કાલિક ગોબાવાળા ચહેરામાં કોઈ સ્થાયી પરિવર્તન નહિ લાવી શકાય...! 
-અભિજિત 
21-03-2016 

No comments:

Post a Comment