Thursday, June 28, 2018

સર્જિકલ સ્ટ્રાઈક પર રાજકીય ગોળીબાર


વર્ષ 2016ની 28 અને 29મી સપ્ટેમ્બરે ભારતે ઉરી સેક્ટરમાં આવેલાં પાકિસ્તાન પ્રેરિત આતંકી સંગઠનોનાં લોન્ચિંન્ગ પેડ પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. તેનાં બરાબર 636 દિવસ એટલે કે 27મી જૂન 2018નાં રોજ ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકનો અસ્સલ એટલે કે રિયલ વિડીયો જારી થયો. આ વિડીયો બહાર આવતાં જ દેશમાં આ સ્ટ્રાઈક પર રાજકીય પક્ષોનો ગોળીબાર શરૂ થઈ ગયો. દેશનાં રાજકારણમાં વરસાદી મોસમની ઠંડક વચ્ચે ગરમાવો આવી ગયો.
27મી જૂને કેટલીક ન્યૂઝ ચેનલો પર આ સર્જિકલ સ્ટ્રાઈકનો વિડીયો રજૂ થયો અને લગભગ તમામ ચેનલો પર એક જ સવાલ ઉઠાવવામાં આવ્યો કે, આ વિડીયો જોતાં સર્જિકલ સ્ટ્રાઈક ખરેખર થઈ હતી અને આ સ્ટ્રાઈક ઉપર સવાલ ઉઠાવનાર ધોળી ટોપી ખાદીધારી નેતાઓ દેશની માફી માંગે, સેનાની માફી માંગે એ પ્રકારનાં રાગ આલાપવામાં આવી રહ્યાં હતાં. મોડી સાંજે ન્યૂઝ ચેનલો પર શરૂ થયેલાં વિડીયોનાં સર્જિકલ સ્ટ્રાઈકને કારણે ભારે શોર બકોર ટીવી ચેનલોમાં જોવા મળ્યો. અને હા એક વાત ચોક્કસ કહું કે 27મી જૂનની મોડી સાંજની જીઈસી એટલે કે જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલોની ટીઆરપી આ ન્યૂઝ ચેનલો ખાઈ ગયાં. લગભગ તમામ ઘરોમાં ન્યૂઝ ચેનલો જોવાતી હતી અને લોકો પણ રાજકીય પક્ષો અને તેમનાં ટેકેદાર રાજકીય વિશ્લેષકોની વિશેષ ટિપ્પણીઓ જોતાં અને સાંભલતાં હતાં. ખાસ કરીને સત્તાધારી પક્ષનાં નેતાઓ અને સમર્થક રાજકીય વિશ્લેષકો બરાડાં પાડી પાડીને વિપક્ષનાં નેતાઓ અને તેમનાં ટેકેદાર રાજકીય વિશ્લેષકોને માફી માંગવા કહી રહ્યાં હતાં. તો બીજી બાજુ વિપક્ષી નેતાઓ અને તેમનાં સમર્થક વિશ્લેષકો પણ ગાંજ્યા જાય એવા નહોતાં તેઓ પણ પોતાનું લોજિક રજૂ કરતાં હતાં. ટૂંકમાં આ તમામ લોકોએ સર્જિકલ સ્ટ્રાઈક પર રાજકીય ગોળીબાર શરૂ કરી દીધો. અને આ બધાં ખેલ જોઈને દેશની જનતાને મફતમાં મનોરંજન લગભગ રાતનાં 12 વાગ્યા સુધી મળતું રહ્યું.
તો બીજા દિવસે સવારે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા અષાઢી બીજે નીકળવાની છે ત્યારે જગન્નાથજી અષાઢી બીજ પહેલાં પોતાનાં મોસાળ જાય છે. તેના માટે જળયાત્રા ચાલી રહી હતી, તો બીજી બાજુ સવારે બરાબર નવનાં ટકોરે દિલ્હી ખાતે આવેલાં ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી ખાતે કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલે પત્રકાર પરિષદ યોજી એટલે ગુજરાત સ્થિત કેટલીક ચેનલોએ જળયાત્રા તેમ જ ભગવાન જગન્નાથજીનાં દર્શન કરાવવાનું બાજુ પર રાખીને કોંગ્રેસની પત્રકાર પરિષદનાં દર્શન કરાવવાનું શરૂ કરી દઈને જળયાત્રા લાઈવ પર પાણી ફેરવી દીધું. કોંગ્રેસની પત્રકાર પરિષદમાં સુરજેવાલે સૌથી પહેલું વાક્ય એવું કહ્યું કે, ભાજપ ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈકનાં વિડીયો દ્વારા વર્ષ 2019માં આવનારી લોકસભાની ચૂંટણીમાં મત મેળવવા માટે રાજનીતિ કરી રહ્યું છે. તેમણે ભારત આઝાદ થયો ત્યારથી લઈને અત્યાર સુધી ભારતીય સેના દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકની વિગતો આપી. અને એવું પણ કહ્યું કે, વર્ષ 1999માં એનડીએની એટલે કે ભાજપની આગેવાનીમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી, અને એ સમયે પણ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, પરંતુ તત્કાલિન વડાપ્રધાન વાજપેયીજીએ આ સ્ટ્રાઈકને લઈને ક્યારેય રાજનીતિ કરી નહોતી. અને આમ ભાજપને ખરી ખોટી સંભળાવી દીધી. તો, ભાજપે પણ બપોર થતાં જ તેમનાં નેતા રવિશંકર પ્રસાદને ભાજપનાં દિલ્હી સ્થિત હેડક્વાટર પર બેસાડીને પત્રકારોને સંબોધવા બેસાડી દીધાં અને તેમણે પણ ભારતીય સેનાનું કોંગ્રેસ અપમાન કરી રહી હોવાનાં આરોપો સાથે કોંગ્રેસે કરેલાં આક્ષેપોનો જવાબ આપી દીધો.
આમ રાજકીય પક્ષોની હૂંસાતૂંસીમાં સૈન્યનાં જવાનો પિસાવા લાગ્યાં. આ બાબતે જ્યારે મારા મિત્ર એવા સેનાનાં નિવૃત્ત કેપ્ટન જયદેવ જોષીને પૂછ્યું કે, ભારતીય સૈનિકોને વચ્ચે રાખીને જે રાજકારણ રમાઈ રહ્યું છે તેનાં કારણે સેનાનું મોરલ ડાઉન ન થાય, આ પ્રકારનું રાજકારણ કેટલું યોગ્ય છે, તો તેમણે પોતાની અસ્સલ વળ ચડાવેલી મૂંછો પર હાથ ફેરવીને કહ્યું કે, “સેનાનાં નામે રાજકારણ ન રમાવું જોઈએ. પણ એક વાત ચોક્કસ છે કે આ પ્રકારનાં રાજકારણથી સૈનિકોનું મોરલ ડાઉન ક્યારેય થયું નથી કે થવાનું નથી, કેમ કે સૈનિકો કોઈનાં મોહતાજ નથી. તેમણે દેશની સુરક્ષા કરવાનું નક્કી કર્યું છે તો તેઓ તેને માટે અડીખમ તૈયાર જ રહેશે, પણ હા રાજકીય પક્ષોને ચોક્કસ કહીશ કે ભારતીય સેના અને સૈનિકોનાં નામે રાજકારણ ન રમો.” બસ કેપ્ટન જયદેવ જોષીની આ વાત મને ખૂબ જ ગમી ગઈ અને રાજકીય પક્ષોએ પણ આ વાત પોતાનાં મગજમાં ઉતારી લેવાની જરૂર લાગે છે.
ભારતીય સેના દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈકને રાજકીય મુદ્દો બનાવીને જે રીતે ઉછાળવામાં આવી રહ્યું છે તો એટલું ચોક્કસ કહીશ કે, હવે રાજકીય પક્ષો પાસે ચૂંટણી લડવા માટે મુદ્દાઓ નથી રહ્યાં કે ભારતીય સેના અને સૈનિકોને નામે મત મેળવવા માટે આ પ્રકારનાં નિવેદનો કે આરોપ પ્રતિ આરોપ કરવા પડે છે. રાજકીય પક્ષોએ પ્રજાને લગતાં પ્રશ્નોને વાચા આપવી જોઈએ અને પ્રજાને તકલીફ ન પડે તે માટેની યોજનાઓ પર તમામે ભેગાં થઈને કામ કરવું જોઈએ જેથી લોકોની સાથે સાથે દેશનો વિકાસ પણ થશે. જો આવી જ રાજનીતિ કરતાં રહીશું કે લડતાં રહીશું તો ફરી દેશ ગુલામીની ગર્તામાં ધકેલાઈ જશે.

-અભિજિત
28-06-2018