Thursday, March 3, 2016

શું આને કહેવાય ‘અચ્છે દિન’ ?


વર્ષ ૨૦૧૬-૧૭ માટે સામાન્ય અંદાજપત્ર આવવાના એક દિવસ પહેલાં વડાપ્રધાને કહ્યું હતું કે, તેમની પરીક્ષા થવાની છે, સવા સો કરોડ લોકોની તેમની પર નજર રહેશે. આ રીતે નાણાંમંત્રીના બદલે વડાપ્રધાન બજેટના કેન્દ્રમાં આવી ગયા. પહેલાં તેમણે બજેટને પોતાની પરીક્ષા ગણાવી, પછી પોતાને સારા ગુણોથી પાસ પણ જાહેર કરી દીધા. શું ખરેખર બજેટ એવું છે કે વડાપ્રધાન અને નાણાંમંત્રીની વાહવાહી કરાય? એવું કશું નથી કે જે નવું અને અસામાન્ય કહી શકાય. આ બજેટની સાથે તે જ ચતુરાઈ લપેટાયેલી છે જે પહેલાનાં બજેટની સાથે રહેતી આવી છે. જેમ જેમ પડ ઉઘડતાં જાય છે તેમ તેમ ચમક ફીક્કી પડતી જાય છે. ચતુરાઈ એ છે કે કોર્પોરેટ જગત પર કરાયેલી મહેરબાની પર ચૂપકીદી સાધી લ્યો, પરંતુ નબળાં વર્ગો માટે કરાયેલી હળવી જોગવાઈને ખૂબ જ વધારી ચડાવીને બતાવો. કંપની વેરા ઘટાડવાના સંકેત બજેટ પહેલા જ નાણાંમંત્રીએ આપી દીધા હતા અને બજેટમાં થયું પણ એવું જ. બાકીની કરવેરાની જોગવાઈઓને જોઈએ તો, કોઈ અન્ય વર્ગને કોઈ જ પ્રકારની રાહત નથી મળી. આ હકીકત છે કે સરકારની પ્રાથમિકતાને જ પ્રતિબિંબિત કરે છે.
આ બજેટથી મોંઘવારી વધવાની શક્યતા છે, કેમ કે સરકારે અપ્રત્યક્ષ વેરાઓમાં વધારો કરી દીધો છે. સેવા વેરો પણ વધી ગયો છે જેનાથી ઘણી ચીજવસ્તુઓ મોંઘી થઈ જશે. સેવા વેરામાં વૃદ્ધિનો સૌથી મોટો ફટકો મધ્યમવર્ગ પર પડશે. સરકારે આ વખતે તમામ સેવાઓ પર બે ઉપ વેરા થોપી દીધા છે. એક કૃષિ કલ્યાણ ઉપ વેરો અને બીજો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપ વેરો. કાચા તેલની કિંમતોના જોરદાર ઘટાડાએ સરકારને મહેસૂલીય મોરચા પર ખૂબ જ રાહત આપી છે. તેલના મદમાં મળેલા અભૂતપૂર્વ લાભનો એક ચતુર્થાંશ જ ઉપભોક્તાઓને મળી શક્યો, બાકી ફાયદો સરકારે ઉઠાવ્યો પેટ્રોલિયમ પર  વેરા વધારીને. તો પણ, આવી સ્થિતિ કેમ છે કે કૃષિ કલ્યાણ અને બુનિયાદી માળખાના વિસ્તાર માટે ઉપ વેરા લગાવવા પડ્યા.
આ વખતે જોગવાઈ બતાવે છે કે બુનિયાદી માળખામાં સરકારનું સૌથી વધારે ભાર હાઈવે પર છે. શાળા-હોસ્પિટલો તથા ગ્રામીણ વિસ્તારોના માર્ગોની દશા સુધારવાનું શું ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો તકાજો નથી? કૃષિક્ષેત્ર માટે પાંત્રીસ હજાર નવસો ચોર્યાસી કરોડ રૂપિયાની જોગવાઈથી એવો ઢંઢેરો પીટવામાં આવ્યો છે કે આ ખેડૂતોના હિતનું બજેટ છે. પરંતુ આ રકમ કેટલી મોટી છે તેનો અંદાજ લગાવવા માટે ૨૦૦૮માં ઉદ્યોગ જગતને અપાયેલા બેલઆઉટ પેકેજને યાદ કરો. ત્યારે ઉદ્યોગ જગતને ત્રણ લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું હતું. આજની કિંમતના હિસાબે તે રકમ કેટલી બેસશે?
જો વડાપ્રધાન અને નાણાંમંત્રી ખેડૂતો માટે ખૂબ જ ચિંતિત છે, તો કૃષિ આવકના વ્યાજથી દોઢ ગણું મૂલ્ય આપવાની વ્યવસ્થા કેમ નથી કરતાં, જેનું વચન તેમણે લોકસભા ચૂંટણીમાં આપ્યું હતું. મનરેગાને મોદીએ નિષ્ફળતાનું સ્મારકઠરાવ્યું હતું. એ વિચિત્ર છે કે હવે મનરેગામાં તેમણે જોગવાઈ વધારવાની જરૂરિયા મહેસૂસ થઈ છે. પણ શું મજૂરીનો દર પણ વધશે? બજેટ તેના પર ખામોશ છે. સરકારે મધ્યમવર્ગ માટે રાહતની એક જ નાનકડી ભલામણ કરી છે, તે છે પાંત્રીસ લાખ રૂપિયા સુધીની મકાન લોન પર વ્યાજમાં પચાસ હજાર રૂપિયા સુધીની રાહત. પણ આવકવેરામાં કોઈ છૂટ ન મળવા, અપ્રત્યક્ષ વેરાઓમાં વધારો અને નવા ઉપ-વેરાઓ લગાવવાથી લઈને પીએફના નાણાં નીકાળવા પર ટેક્સ લગાવવાની દરખાસ્ત જેવી મધ્યમવર્ગને નારાજ કરનારી વાત વધારે છે. શું આ બજેટ અચ્છે દિનના સંકેત આપે છે?
-અભિજિત
03-03-2016

No comments:

Post a Comment