Friday, March 4, 2016

મત બેંક માટે ભાજપનો અનામતનો સહારો !

ઉગ્ર આંદોલનથી ગભરાયેલા ભાજપના નેતૃત્વએ બે નિર્ણય કર્યા. એક એ કે હરિયાણામાં જાટોને અનામત સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્રમાં વિધેયક લાવશે. ભીજું, કેન્દ્રીય સેવાઓમાં ઓબીસી અનામતની જાટોની માગણી પર વિચાર કરવા માટે કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરાઈ છે. બંને જાહેરાતો હિંસક રૂપ ધારણ કરી ચૂકેલા આંદોલનની સામે સરકારનો ઝૂકવાનો સંકેત આપે છે. 
એટલે, એ સવાલ ઉઠવો સ્વાભાવિક છે કે અનામતનું નિર્ધારણ રાજકીય દબાણ ઊભું કરી શકવાની તાકાતથી થશે, અથવા ગણતરી પૂર્વક? જાટોને અનામતના હકદાર બનાવવાનો પ્રયાસ સુપ્રીમ કોર્ટે પહેલા રદ્દ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૪માં યુપીએ સરકારે જાટોને કેન્દ્રીય સેવાઓમાં ઓબીસી અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. તેને રાજકીય દૃષ્ટિકોણથી તેને સમજી શકાય છે કે લોકસભાની ચૂંટણી પહેલા જાહેરાતના એક દિવસ પહેલાં આ બાબતનું જાહેરનામું જાહેર થયું હતું. તમામ સમાજવૈજ્ઞાનિકો તથા કાયદા નિષ્ણાતોએ એ વાત ઉપર હેરાનગી વ્યક્ત કરી હતી. ન્યાયિક સમીક્ષમાં પણ તે નિર્ણય ટકી ન શક્યો. 
વર્ષ પછી સર્વોચ્ચ અદાલતે આ જાહેરનામાને રદ્દ કરી દીધું, એવું કહ્યું કે, જાટ પછાત વર્ગોમાં નથી માની શકાતા. અદાલતે એ પણ સવાલ પૂછ્યો હતો કે, એક નવા સમાજના લાભાર્થી બનાવવાને નિર્ણય કરતાં પહેલાં રાષ્ટ્રીય પછાત વર્ગ પંચની ભલામણ કેમ નહોતી લેવામાં આવી? જે ભૂલ યુપીએ સરકારે કરી હતી, શું તે એનડીએ સરકાર પણ કરવા જઈ રહી છે? સપ્ટેમ્બર ૧૯૯૨માં જ રાષ્ટ્રીય પછાત વર્ગ પંચને કહી દીધું હતું કે જાટ પછાત વર્ગમાં નથી આવતાં. આ ઉપરાંત, હરિયાણામાં રાજ્ય પછાત વર્ગ પંચ, બે વાર, ૧૯૯૫માં અને ૨૦૧૧માં, જાટો માટે ઓબીસી અનામતની માગણીનો અસ્વીકાર કરી ચૂક્યું છે. 
જાટ અનામત માટે યુપીએ સરકારની અધિસૂચનાને રદ્દ કરતાં સર્વોચ્ચ અદાલતે એ સવાલ પણ ઉઠાવ્યો હતો કે ઓબીસીની યાદીમાં લાભાર્થી સમાજોની સંખ્યા જરૂર વધી છે, પણ કોઈને તેનાથી બહાર નથી કરવામાં આવ્યો? શું યાદીમાં સામેલ સમાજોમાંથી કોઈ પછાતપણાથી બહાર નથી આવી શક્યો? પછી, ઓબીસી અનામત શરૂ થવાના સમયથી દેશમાં થયેલી પ્રગતિ અંગે આપણે શું કહીશું? હકીકતમાં, જરૂરિયાત ઓબીસીનો દાયરો વધારવાનો નથી, તે સમાજોના અસંતોષને સમજવાની છે જે પહેલાં ક્યારેક પોતાને પછાત નહોતા માનતા, પણ આજે અનામત માટે પછાત વર્ગમાં સામેલ થવા તલપાપડ છે. જાટો પહેલાં, ગયા વર્ષે ગુજરાતમાં પાટીદાર અને ગયા મહિને આંધ્ર પ્રદેશમાં કાપુ સમાજના લોકો ઓબીસી અનામત માટે ઉગ્ર આંદોલન કરી ચૂક્યા છે. 
આ રીતે જ ગુર્જર, પોતાને ઓબીસીથી અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવા માટે માગણીને લઈને ઘણી વાર રસ્તા ઉપર ઉતરી ચૂક્યા છે. જોકે, આ મોટી સંખ્યાની જાતિઓ છે અને પોત-પોતાના વિસ્તારોમાં ચૂંટણીનું વલણ બદલવાની તાકાત ધરાવે છે, એટલા માટે રાજકીય પક્ષ તેમની માગણીને ખોટી કહેવાની હિમ્મત નથી કરી શકતાં. પણ તેમની જાતિઓના અસંતોષને અનામત તરફ લઈ જવાના બદલે તેના મૂળમાં જવાની જરૂર છે. ખેતી-ખેડૂતો સાથે જોડાયેલા ખરાબ સ્થિતિવાળા સમાજ પણ આજે ક્ષુબ્ધ છે, કેમ કે ખેતી નુકશાનનો ધંધો બની ગઈ છે અને તેમાં તે પોતાનું ભવિષ્ય નથી જોઈ શકતા. આપણાં રાજકારણની સમસ્યા એ છે કે, તેમાં વાસ્તવિકતા સમસ્યાઓ સાથે ઝઝૂમવાના બદલે ભાવનાત્મક મુદ્દાના સહારે લેવાનો અને તેને તૂલ આપવાનું વલણ આજે વધુ જોર પકડી રહ્યું છે.
-અભિજિત
04-02-2016

1 comment:

  1. Reservation sould be destroy from all casts.all are eual.do work and go ahead.

    ReplyDelete