Wednesday, October 5, 2016

સાચું કોણ, ખોટું કોણ?



ઉરીમાં સૈન્ય શિબિર પર આતંકવાદી હુમલા બાદ ભારતીય સેના દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઈક અને પછી પાકિસ્તાનના વલણ પર દેશના લગભગ તમામ નેતા પોતાના તમામ મતભેદોને હાંસિયામાં ધકેલીને એકજૂથ દેખાઈ રહ્યા હતા. એવામાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે પોતાના એક ગૂંચવાડાભર્યા નિવેદન દ્વારા પાકિસ્તાનને રાહત પહોંચાડવામાં મદદ કરી છે. આમ જોવા જઈએ તો પ્રથમ દ્રષ્ટિએ તેમનું આ નિવેદન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વલણને સમર્થન આપતું હોય એમ લાગે છે, જેમાં તેમણે મોદીની ઈચ્છાશક્તિના વખાણ કરતાં તેમને સલામ કરવાની વાત કરી છે. પરંતુ ત્યારબાદ જે રીતે પાકિસ્તાનના ખોટા પ્રચારને બેનકાબ કરવા માટે અપીલ કરી જેને મોટાભાગની ટીવી ચેનલોએ ટ્વીસ્ટ કરીને એવું ઠરાવ્યું કે કેજરીવાલે સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા જાહેર કરવાની અપીલ કરી છે અને તેઓ આ ન્યૂઝ ચેનલ્સ માટે પાકિસ્તાનના પ્રવક્તા બની ગયા. આ વિડિયો જૂઓ અને પછી નક્કી કરો કે શું ખરેખર કેજરીવાલે કોઈ માગણી કરી છે કે નહિ?
 
                                (સૌજન્યઃ યુટ્યૂબ અને એનડીટીવી)
જોકે તેમના આ નિવેદનનો લાભ પાકિસ્તાને પણ ભરપૂર ઉઠાવ્યો. અને કોઈ પણ લાંબો વિચાર કર્યા વગર અરવિંદ કેજરીવાલના આ અભિપ્રાયને પોતાના અભિપ્રાયની સાથે જોડી દઈને રજૂ કરવાનું શરૂ કરી દીધું. હવે કેજરીવાલ પોતે વિચારે કે તેમણે જે કહ્યું તેનાથી ભારતીય સેનાનો જૂસ્સો વધારવા અને સરકારની ઈચ્છાશક્તિની સાથે ઊભા રહેવામાં કેટલી ભૂમિકા નિભાવી અને કેટલા તેઓ પાકિસ્તાનના મદદગાર બની ગયા. કેજરીવાલ ઉપરાંત કોંગ્રેસના નેતા પી. ચિદંબરમે પણ સેનાના અભિયાન ઉપર શંકા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના તરફથી પાકિસ્તાનની સરહદમાં સર્જિકલ સ્ટ્રાઈકના અહેવાલ આવ્યા તો દેશમાં એ શંકા કરાઈ કે જો આતંકવાદીઓ અને તેમના સંરક્ષકોએ દેશના જવાનોને નિશાન બનાવ્યા છે, તો તેમને વળતો જવાબ આપવામાં આવશે. ત્યાં સુધી કે લગભગ તમામ રાજકીય પક્ષોના નેતાઓએ એકસૂરમાં ભારતીય સેના અને સરકાર પ્રતિ પોતાનો ટેકો જાહેર કર્યો અને દુનિયાભરમાં આતંકવાદને ઉત્તેજન આપવાના સવાર પર પાકિસ્તાન અલગ-થલગ પડી ગયું. પણ એ સમજવું મુશ્કેલ છે કે આવા સમયમાં કેજરીવાલે એવું તો શું કહ્યું કે પાકિસ્તાન માટે સહારો બની ગયો.
 
એ સાચું છે કે સર્જિકલ સ્ટ્રાઈક જેવા અભિયાનો જે રીતે ખોટી રીતે વધારી-ચડાવીને પ્રસારિત કરાયા, તેનો ખોટો બિનજરૂરી ઉત્સાહની દ્રષ્ટિએ જોવો જોઈએ. દેશની સુરક્ષા કે પછી આતંકવાદીઓની ઘૂસણખોરી જેવી સ્થિતિથી નિપટવા માટે આવા સૈન્ય અભિયાન સમય-સમય પર કરાય છે. પરંતુ કદાચ જ ક્યારેક તેનો આ પ્રકારે પ્રચાર કરાયો હોય. આ દેશ અને અહીંના નાગરિકોની સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે અને આ મુદ્દાની ગંભીરતાને સમજવી જોઈએ. જે સૈન્ય અભિયાનના પુરાવા જાહેર કરવાની વાત કરાઈ રહી છે, તેને જાહેર કરવા રાજકીય અને રણનીતિ રૂપથી દેશ માટે જોખમ ઉઠાવવા જેવું સાબિત થઈ શકે છે. પણ આ સમગ્ર મામલાની સંવેદનશીલતાને સમજ્યા વગર જો તેની વિગતો અને પુરાવા જાહેર કરવાની માગ કરાઈ રહી છે, તો તેને એક અત્યંત અપરિપક્વ વલણ કહી શકાય છે. ખાસ કરીને એટલા માટે કે અરવિંદ કેજરીવાલ અને પી. ચિદંબરમ જેવા ચહેરાઓ ભારતીય રાજકારના પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ વ્યક્તિત્વના રૂપમાં જોવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી જેવા મહત્વના પદની જવાબદારી નિભાવી રહ્યા છે અને ચિદંબરમ દેશના ગૃહમંત્રી અને નાણાં મંત્રી જેવા મહત્વના પદો પર રહી ચૂક્યાં છે. એટલે તેમણે ન કેવલ દેશ અને તેના તંત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, પણ પોતાના પદ અને કદનો ખ્યાલ પણ રાખવો જોઈએ એવું મીડિયા કહી રહ્યું છે, પણ જો તેમના નિવેદનોને શાંતિથી જોવામાં કે સાંભળવામાં આવે અને પછી તેનો અર્થ કાઢવામાં આવે તો દેશની પ્રજાને ખ્યાલ આવશે કે સાચું કોણ છે અને ખોટું કોણ છે?