Saturday, April 9, 2016

નેતાઓ વિવાદને હવા આપવાનું બંધ કરશે?

છેલ્લાં કેટલાંક દિવસોથી કે મહિનાઓથી કહો પણ દેશની યુનિવર્સિટીઓ અને ટેકનીકલ સંસ્થાઓને કોઈકની કાળી નજર લાગી ગઈ હોય એવું લાગે છે. આ યુનિવર્સિટીઓ અને ટેકનીકલ સંસ્થાઓમાં એક અજબનો તણાવપૂર્ણ માહોલ બનેલો છે. કારણો અલગ-અલગ છે પરંતુ દરેક જગ્યાએ એક કોમન ફેક્ટર જરૂર છે કે કેન્દ્ર સરકાર આ તમામ ઠેકાણે જરૂરિયાત કરતાં વધારે પડતી દખલગીરિ કે ચંચૂપાત કરી રહી છે. તેના કારણે બીજી રાજકીય તાકાતો પણ સક્રિય થઈ ગઈ છે અને કુલ મળીને દેશની લગભગ તમામ યુનિવર્સિટી કે મોટા શૈક્ષણિક સંકુલો કે સંસ્થાઓ રાજકીય અખાડો બની ગયા છે. દરેક રાજકીય પક્ષ પોતાની ખીચડી પકવવા માટે અહીં અખતરા કરીને ખતરા ઊભા કરી રહ્યા છે. જેને કારણે શાંત ગણાતા અને શિક્ષણનું ધામ કહેવાતી આ સંસ્થાઓમાં ચારેબાજુ અશાંતિ જ અશાંતિ છે અને આટલું ઓછું હોય એમ જો કોઈ એક રાજકીય પક્ષની પકડમાં વિદ્યાર્થીઓ ન આવે તો તેમના નેતાઓને સત્તાધારી પક્ષો દ્વારા ખોટા કેસોમાં ફસાવી દેવડાવીને વાતાવરણને વધુ કલુષિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓને કારણે છેલ્લાં કેટલાંક વખતથી શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસનું પ્રમાણ ઓછું અને આંદોલનોનું પ્રમાણ વધી ગયું છે. અને તે અંગે કોઈ વાત સુદ્ધાં કરતું નથી કે વિરોધ પણ નથી કરતું.
આ પ્રકારની હલકી રાજકીય પ્રવૃત્તિની શરૂઆત થઈ હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીથી. જ્યાં પોતાના હક્ક માટે રજૂઆત કરનાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટી અને હોસ્ટેલમાંથી કાઢી મૂકાયા. કારણ માત્ર એટલું હતું કે એક મોટી કહેવાતી રાજકીય હસ્તીના અને મોટી પાર્ટીની વિદ્યાર્થી પાંખનું આ યુનિવર્સિટીમાં કાણી પૈ પણ ઉપજતી નહોતી અને હવે કેન્દ્રમાં તેમની સરકાર બની છે ત્યારે તો લાજ રાખવા માટે પણ આવી મોટી યુનિવર્સિટીમાં પોતાનો પડ્યો બોલ ઝીલે એવા નેતાઓ ઊભા કરવા પડેને. એટલે એ રાજકીય હસ્તીએ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી (જેઓ પોતે ગ્રેજ્યુએટ છે કે નહિ તે એક સવાલ દેશવાસીઓના મનમાં ઊઠી રહ્યો છે, તેમને લોકલાડીલા અને લોકોને હથેળીમાં ચાંદ દેખાડનાર નરેન્દ્ર મોદીએ શિક્ષણ સાથે સંકળાયેલા વિભાગના વડાં બનાવી દીધાં) સ્મૃતિ ઈરાનીને પત્ર લખીને પગલાં ભરવાની માગણી કરી દીધી અને માનવ સંશાધન મંત્રીએ પણ આંખો મીંચીને યુનિવર્સિટીના સત્તાવાળાઓને આદેશ છોડી દીધો કે તાત્કાલિક પગલાં ભરો અને પછી તો શરૂ થઈ રામાયણની મહાભારત. અને છેવટે આ ખેંચ પકડમાં દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાએ આત્મહત્યા કરી લીધી. અને તેના કારણે ઊભી થઈ મોટી બબાલ.
આ મામલો હજુ શાંત થાય એ પહેલાં જ દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં દેશ વિરોધી નારેબાજી થઈ અને મામલો બિચક્યો. અને દિલ્હી પોલીસે નારેબાજી કરી રહેલા સિવાયના વિદ્યાર્થીઓની ધરપકડ કરીને  તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરી દીધો. આ મામલે પણ દેશભરમાં વિદ્યાર્થી આલમમાં રોષની લાગણી ફેલાઈ અને ઠેર ઠેર વિરોધ શરૂ થઈ ગયો. આ વિવાદમાં વળી દેશભક્તિનો જુવાળ ઊભો કરીને ઠેર ઠેર ભારત માતા કી જયનો નારો બુલંદ કરવામાં આવ્યો. અને સાથે જ આ મામલામાં દિલ્હીના કેટલાંક કેસરીયા ધ્વજને માનનારા વકીલો પણ મેદાનમાં ઉતરી પડ્યાં અને જેએનયુના વિદ્યાર્થી નેતા કનૈયા કુમારની સાથે સાથે કોર્ટમાં આ કેસના કવરેજ માટે આવેલા પત્રકારોને પણ લપેટમાં લઈને મારઝૂડ કરી. અને કેન્દ્ર સરકાર એક મૂક પ્રેક્ષકની જેમ તેમના દ્વારા શરૂ કરાયેલા તમાશાને જોતી રહી. જેમ તેમ જેમ તેમ કરીને દેશદ્રોહના કેસમાં ફસાયેલા વિદ્યાર્થીઓને જામીન તો મળ્યાં. પણ આ મામલાની હવા દેશની અન્ય યુનિવર્સિટીઓમાં પણ લાગી.
શ્રીનગર એનઆઈટી વિવાદને જ લઈએ. સ્થાનિક અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપની એક મેચને લઈને વિવાદ થયો હતો, જે સરળતાથી પૂરો થઈ શકતો હતો અને થઈ પણ રહ્યો હતો. પણ ફરી દેશના ઘણાં નેતાઓ અને ખાસ કરીને શિક્ષણનું ભગવાકરણ કરવા માંગતા લોકોએ સોશ્યલ મીડિયા પર નિવેદનબાજી કરવાના કારણે મામલાને ગરમાવાનો પ્રયાસ કર્યો અને બહારના વિદ્યાર્થીઓએ એનઆઈટી કેમ્પસમાં તિરંગો ફરકાવવાની પહેલ કરવાના મામલાને એક નવો મોડ આપી દેવાયો. તેનાથી એ સંદેહ થાય છે કે ક્યાંક તેમને કોઈ વિદ્યાર્થી સંગઠન તરફથી આવું કરવાનો નિર્દેશ તો નથી મળ્યો ને. આ શકનો આધાર જ છે. આપણે કેન્દ્રમાં સત્તાધીન પક્ષ સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠનની અતિ સક્રિયતાને કારણે જ હૈદરાબાદ યુનિવર્સિટી અને જેએનયુમાં રાઈનો પહાડ બનતા જોયા છે. બંને જગ્યાના મામલાને રાષ્ટ્રવ્યાપી સ્વરૂપ કેન્દ્ર સરકારની દખલગીરી અને ચંચૂપાતને કારણે મળ્યું. હવે શ્રીનગર એનઆઈટીના મામલામાં પણ કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલય પોતાનો ટાંટિયો ઘૂસાડવા જઈ રહ્યું છે.
આપણા દેશમાં ક્રિકેટ નેશનલિઝમે પહેલાં પણ સમાજને ઘણું નુકશાન કર્યું છે. ઘણી વાર તે રમખાણોનું કારણ પણ બની જાય છે. પરંંતુ ટોળાં મહોલ્લામાંથી નીકળીને કેમ્પસમાં તેની દખલ નવી વાત છે. કેટલાં સમય પહેલા ઉત્તર પ્રદેશની એક ટેકનીકલ સંસ્થામાં પાકિસ્તાનની જીત પર કથિત રૂપથી ઉત્સવ મનાવવાના કારણે કાશ્મીરી વિદ્યાર્થીઓની મારપીટ કરાઈ હતી. પછી છોકરીઓની એક સંસ્થામાં પણ આવો જ વિવાદ થયો હતો. ક્રિકેટ એક એવી રમત છે, જેમાં ચાલી રહેલા ઘપલાંને સુલઝાવવા માટે સુપ્રીમ કોર્ટ પણ એડી ચોટીનું જોર લગાવવું પડી રહ્યું છે - ભારતમાં રાષ્ટ્રવાદનું પ્રતીક બની જાય, તેનાથી મોટી બીજી દૂર્ભાગ્યપૂર્ણ વાત કઈ હોઈ શકે? પણ મૂળ સમસ્યા કંઈક બીજી જ છે?
મામલો ગંભીર રૂપ ત્યારે લે છે જ્યારે સમાજ અને રાજકારણના ઠેકેદાર રમતને લઈને થનારા ઝઘડાંનો ઉપયોગ પોતાના સ્વાર્થ સાધવામાં છે. વિદ્યાર્થીઓના દિમાગ કાચાં હોય છે અને વિચારીને નિર્ણય કરવાની ક્ષમતા તેમનામાં ઓછી હોય છે. પરંતુ તેમના ઝઘડા સરળતાથી સૂલઝી પણ જાય છે, પણ એમાં જો કાઈ કહેવાતી મોટી તોપ (સોરી, હસ્તી) ટાંગ ન અડાડે. હવે શ્રીનગરમાં જે કંઈ થયું છે, તેને હવા દેવાના બદલે ઠંડું કરવાની જરૂરિયાત છે. રાષ્ટ્રીય સંસ્થાઓના એવો રસ્તો પણ જરૂર શોધવો જોઈએ કે અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ હળી-મળીને રહે. પરંતુ એ ત્યારે જ શક્ય બને જ્યારે કેન્દ્ર સરકાર આ સંસ્થાઓના આંતરિક કામકાજોમાં ચંચૂપાત કરવાની ઉતાવળ ન કરે. પણ કહેવાય છે ને કે કૂતરાંની પૂંછડી ભોં માં સો વર્ષ દાટો તો પણ તે વાંકીને વાંકી એવું જ કંઈક છે અહીં.
-અભિજિત
09-04-2016

No comments:

Post a Comment