Sunday, April 10, 2016

મફત શિક્ષણનો કાયદો બિન અસરકારક !

ભારતમાં મફત અને ફરજિયાત શિક્ષણ કાયદો લાગુ થયાને છ વર્ષ વિતી ગયા. આ કાયદાને બનાવવામાં આપણે પૂરાં સો વર્ષ લગાવી દીધા. ૧૯૧૦માં ગોપાલ કૃષ્ણ ગોખલેએ તમામ બાળકો માટે બુનિયાદી શિક્ષણના અધિકારની માંગણી કરી હતી. ત્યારબાદ ૧૯૩૨માં વર્ધામાં યોજાયેલા સંમેલનમાં મહાત્મા ગાંધીએ આ માંગણીનો પૂનરોચ્ચાર કર્યો હતો પણ વાત નહોતી બની. આઝાદી બાદ શિક્ષણને સંવિધાનની નીતિ નિર્દેશક તત્વોમાં જ સ્થાન મળી શક્યું, જે અનિવાર્ય નહોતું અને આ સરકારોની મંશા પર નિર્ભર હતું. ૨૦૦૨માં ભારતની સંસદે ૮૬માં સંવિધાન સંશોધન દ્વારા આ મૂળ અધિકારના રૂપમાં સામેલ કરી લીધું. આ પ્રકારે શિક્ષણને મૂળ અધિકારનો દરજ્જો મળી શક્યો. એપ્રિલ ૨૦૧૦માં શિક્ષણના અધિકાર કાયદો-૨૦૦૯ સમગ્ર દેશમાં લાગુ થયો. હવે આ એક અધિકાર છે જેના અન્વયે રાજ્ય સરકારોએ એ સુનિશ્ચિત કરવું છે કે તેમના રાજ્યમાં ૬થી ૧૪ વર્ષના તમામ બાળકોને નિઃશૂલ્ક અને ફરજિયાત શિક્ષણની સાથે સાથે અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને તેના માટે તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ખર્ચ નહિ લેવામાં આવે.
આ કાયદાને લાગુ કરતાં પહેલા પણ ભારતમાં માળખાગત શિક્ષણને લઈને ઘણી સમસ્યાઓ હતી અને કાયદો આવ્યા બાદ પણ તેમાં કેટલીક નવી મુશ્કેલીઓ જોડાયેલી છે, જેમ પર્યાપ્ત અને પ્રશિક્ષિત શિક્ષકોની અછત, શિક્ષકો પાસે અન્ય બીજું કામ કરાવવું, સતત અને વ્યાપક મૂલ્યાંકન વ્યવસ્થાને લઈને જટિલતાઓ, નામાંકન બાદ શાળામાં બાળકોમાં વિઘ્નો અને બાળકોને વચ્ચેથી અભ્યાસ છોડી દેવાના હજુ મોટા પડકારો છે, પરંતુ તેનો સકારાત્મક પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. આજે લગભગ સો ટકા નામાંકન થઈ ગયું છે, જે એક મોટી સિદ્ધિ છેે અને હવે શહેરથી લઈને દૂરસુદૂરના ગામોમાં લગભગ દરેક વસાહત કે તેની આસપાસના વિસ્તારોમાં શાળાઓ ખૂલી ગઈ છે.
સિદ્ધિઓ હોવા છતાં આપણી જાહેર શિક્ષણ વ્યવસ્થા સતત આલોચનાઓની વચ્ચે ઘેરાયેલી રહી છે. આ દરમિયાન ભારતમાં માળખાગત શિક્ષણને લઈને જેટલા પણ અહેવાલ આવ્યા છે તે હંમેશા નકારાત્મક રહ્યા છે. મીડિયામાં પણ તેની બદહાલીના જ અહેવાલો પ્રસિદ્ધ થાય છે. સવાલ ઉઠે છે કે આખરે તેનું કારણ શું છે? શું કાયદમાં કોઈ કમી રહી ગઈ છે કે પછી આપણે તેને યોગ્ય રીતે લાગુ જ નથી કરી શકતા? એ વાતની પણ શક્યતા છે કે આ કાયદાની વિરૂદ્ધ જાણીજોઈને તેને નકામો સાબિત કરવા માટે દુષ્પ્રચાર કરાઈ રહ્યો હોય જેનાથી તેને એક એવા નિષ્ક્રિય અને બિન જરૂરી વ્યવસ્થાના રૂપમાં સ્થાપિત કરી શકાય જેમાં સુધારો કરવો અશક્ય છે.
આલોચનાઓ અને દુષ્પ્રચારના કારણથી સરકારી શાળાઓ પરથી લોકોનો વિશ્વાસ સતત ઓછો થયો છે અને નાના શહેરો, કસ્બા તેમ જ ગામડાંઓમાં મોટી સંખ્યામાં ખાનગી શાળાઓ ખૂલી છે અને વધુને વધુ ખૂલી રહી છે. તેમાં વધારે ખાનગી શાળાઓની સ્થિતિ સરકારી શાળાઓથી પણ ખરાબ છે અને તેમનું મુખ્ય ધ્યાન શિક્ષણ નહિ પણ વધુમાં વધુ નફો કમાવા તરફ જ છે. એસોચેમના એક હાલના અભ્યાસ પ્રમાણે વિતેલાં દસ વર્ષો દરમિયાન ખાનગી શાળાઓએ પોતાની ફીમાં લગભગ ૧૫૦ ટકાનો વધારો કર્યો છે. શિક્ષણ ક્ષેત્ર એક વેપારના રૂપમાં સ્થાપિત થઈ ચૂક્યું છે જે સફળ પણ છે, આ સફળતાનું કારણ એ છે કે ખાનગી શાળાઓ જે લોકો ચલાવી રહ્યા છે તેમાં સમાજના સૌથી પ્રભાવશાળી વર્ગના લોકો સામેલ છે. ત્યાં સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા સતત ઘટી રહી છે જ્યારે ખાનગી શાળાઓમાં તેનાથી વિપરિત થઈ રહ્યું છે. દેશના ક્રોમ્પ્ટ્રોલર એકાઉન્ટ અને ઓડિટર જનરલ (કેગ)ના તાજેતરના અહેવાલ અનુસાર સરકારી શાળાઓમાં વર્ષ ૨૦૧૦-૧૧માં કુલ નામાંકન ૧ કરોડ ૧૧ લાખ હતા, જે ૨૦૧૪-૧૫માં ૯૨ લાખ ૫૧ હજાર થઈ ગયું છે, જ્યારે ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૦૧૧-૧૨થી ૧૪-૧૫માં ૩૮ ટકા વધારો થયો છે. આ તમામ બાબતો છતાં ભારતની ૬૬ ટકા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થી સરકાર શાળા કે સરકારી સહાયતા મેળવતી શાળાઓમાં જાય છે.
કાયદાની પણ કેટલીક મર્યાદાઓ છે જેનો દુષ્પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે, આ કાયદો ૬થી ૧૪ વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક્ક આપે છે અને તેમાં ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની કોઈ વાત નથી કરવામાં આવી એટલે બાળકોના પ્રી-એજ્યુકેશનને નજર અંદાજ કરવામાં આવ્યું છે. ૧૫થી ૧૮ વર્ષના સમૂહના બાળકોને પણ કાયદાના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે. તે રીતે જ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો પર ઓછી આવક વર્ગના બાળકોના આરક્ષણની વ્યવસ્થા કરાઈ છે. આ એક પ્રકારથી ગેર બરાબરી અને શિક્ષણના વેપારીકરણને ઉત્તેજન આપે છે અને સરકારી શાળાઓમાં ભણનારા લોકોનું જોર ખાનગી શાળાઓ તરફ વધતું જોવા મળી રહ્યું છે. જો પરિવાર થોડો-ઘણો સક્ષમ છે તો તે પોતાના બાળકોને પહેલેથી જ ખાનગી શાળાઓમાં મોકલી રહ્યા છે પણ જે પરિવારોની આર્થિક સ્થિતિ કમજોર છે, તેમને પણ આ તરફ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
કાયદાને લાગુ કરવામાં પણ ભારે બેદરકારી જોવા મળી રહી છે. વીસ ટકા શાળાઓ તો એક જ શિક્ષણના ભરોસે ચાલી રહી છે અને તેમનો પણ વધારે સમય રજિસ્ટર ભરવામાં અને મિડ-ડે મીલની વ્યવસ્થા કરવામાં ચાલ્યો જાય છે. આ પ્રકારતી શાળાને મહેમાન શિક્ષકોના હવાલે કરી દેવામાં આવી છે જે શિક્ષક ઓછા અને કોઈ ઠેકાનો કર્મચારી વધારે લાગે છે. આ બધાની સીધી અસર શિક્ષણની ગુણવત્તા અને શાળામાં બાળકો ઉપર જોવા મળે છે. બજેટને લઈને પણ સમસ્યાઓ છે. નવા બજેટમાં સર્વ શિક્ષા અભિયાન માટે બાવન ટકા રકમની જોગવાઈ કરાઈ છે, પણ સૌથી મોટી સમસ્યા તો સરકારના વલણમાં છે. કાયદો બની ગયા બાદ તે તેને સબસિડી યોજનાની દૃષ્ટિથી જોઈ રહી છે.
લોકભાગીદારી અને નિરીક્ષણની વાત કરીએ તો શિક્ષણ કાયદા અન્વયે શાળાઓના વ્યવસ્થાપનમાં સ્થાનિક નિગમો અને શાળા વ્યવસ્થા સમિતિઓને મોટી ભૂમિકા આપવામાં આવી છે. કાયદા અનુસાર સ્થાનિક નિગમ શાળાના વિકાસ માટે યોજનાઓ બનાવશે અને સરકાર દ્વારા અપાયેલા અનુદાનો ઉપયોગ કરશે અને આખી શાળાના વાતાવરણને નિયંત્રિત કરશે પણ એવું નથી થઈ શક્યું, તેની પાછળ કારણ એ છે કે લોકો પર્યાપ્ત માહિતી અને તાલિમના અભાવમાં નિષ્ક્રિય છે અથવા તો એકબીજા પર દોષારોપણ અને પોતાનો વ્યક્તિગત ફાયદો જોવામાં વ્યસ્ત છે. ગુણવત્તા સહિત તમામ પહેલુઓ પર નજર માટે રાષ્ટ્રીય અને રાજ્ય બાળ અધિકાર પંચને ભૂમિકા સોંપાઈ હતી. પંચ પણ બની ગયું છે, પણ નજર રાખવા માટે તંત્ર હજુ સુધી વિકસિત નથી થઈ શક્યું.
આ તમામ વિઘ્નો છતાં કેટલીક એવી વાર્તાઓ અને પ્રયોગ છે જે આશાઓને બનાવી રાખે છે. આપણે સમજવું પડશે કે શિક્ષણ માત્ર રાજ્યનો વિષય નથી અને માત્ર ઠિકરા ફોડવાથી મામલો વધુ બગડી શકે છે. શાળાને સરકાર અને સમાજ એકસાથે મળીને જ સુધારી શકે છે.
-અભિજિત
10-04-2016

1 comment:

  1. Fantastic Abhijitsir. This will increase awareness in general public about primary education. Hope BJP takes hint from here and improve situation for Gujarat and India.

    ReplyDelete