Wednesday, April 20, 2016

ચારેબાજુ પાણી તો પણ દેશ તરસ્યોને તરસ્યો

દેશમાં પાણીની અછત નથી. એક બાજુ હિમાલયથી નીકળનારી નદીઓ છે, તો બીજી બાજુ સમુદ્રથી ઘેરાયેલો દેશ છે. તો પણ અડધાથી વધારે દેશના લોકો તરસ્યાં છે. મહારાષ્ટ્રના લાતૂર અને દિલ્હીના કેટલાંક ભાગોમાં પીવાના પાણીનું વિતરણ કાયદો વ્યવસ્થા માટે પણ એક પડકાર સમાન છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં પાણીની વિકટ સમસ્યા મોંઢું ફાડીને ઊભી છે. બીજા રાજ્યોમાં ઘણાં શહેરોની બદથી પણ બદતર સ્થિતિ છે. આપણે ત્યાં પાણીનું સંકડ બેવડું છે. એક તો ઘણાં રાજ્યોના મોટા ભાગોમાં પીવાના પાણીનું સંકટ છે તો બીજી ખાસ વાત એ છે કે જ્યાં પાણી છે ત્યાં પણ તે પીવા લાયક નથી. ઘણાં રાજ્યો પાણીની વ્યવસ્થાનો દાવો છાતી ઠોકીને કરતાં રહે છે, પણ ગરમી આવતાંની સાથે જ તેમના દાવા પોકળ સાબિત થાય છે. તેના માટે અત્યારસુધીમાં લગભગ કરોડો રૂપિયા ખર્ચી કાઢવામાં આવ્યા છે. પણ આ સમસ્યા ઠેની ઠે છે. ઉત્તર ભારતના ત્રણ ચાર રાજ્યોની વાત કંઈક અલગ જ છે. અહીં દર ત્રીજા વર્ષે દુષ્કાળ અને તે પછીના વર્ષે ભયંકર પૂરની સ્થિતિ ઊભી થઈ જાય છે. દર વર્ષે સરકાર યુદ્ધના ધોરણે કામ કરતી હોવાનો દાવો કરે છે, પણ મામલો ત્યાંનો ત્યાં અટકેલો જોવા મળે છે. હવે ચૂંટણીને જોતાં ઉત્તર પ્રદેશની અખિલેશ યાદવની સરકારને બુંદેલખંડની યાદ આવી છે. વિશ્વ બેન્કના તાજેતરના અહેવાલ પ્રમાણે ભૂજળ સંકટનું ચિત્ર એકદમ ખતરનાક બહાર આવ્યું છે. તેમાં ચેતવણી આપી છે કે જલવાયુ પરિવર્તન અને અંધાધૂંધ જલ દોહન જો આવું જ રહ્યું તો આગામી દાયકામાં ભારતના સાંઈઠ ટકા બ્લોક દુષ્કાળની ઝપટમાં આવી જશે. ત્યારે પાકની સિંચાઈ તો દૂર, પીવાના પાણી માટે પણ મારામારી શરૂ થઈ શકે છે.
રાષ્ટ્રીય સ્તર પર ૫૭૨૩ બ્લોકોમાંથી ૧૮૨૦ બ્લોકોમાં પાણીનું સ્તર ખતરનાક મોડ પાર કરી ચૂક્યું છે. જલ સંરક્ષણ ન હોવાના કારણે અને સતત દોહનના કારણે બસ્સોથી વધારે બ્લોક એવા પણ છે, જે સંદર્ભે કેન્દ્રીય ભૂજલ પ્રાધિકરણે સંબંધિત રાજ્ય સરકારોને તાત્કાલિક અસરથી જલ દોહન પર પ્રતિબંધ લગાવવાનું સૂચન કર્યું છે. પરંતુ ઘણાં રાજ્યોએ આ દિશામાં કોઈ અસરકારક પગલાં નથી ઉઠાવ્યા. ઉત્તરના રાજ્યોમાં હરિયાણાના પાંસઠ ટકા અને ઉત્તર પ્રદેશના ત્રીસ ટકા બ્લોકોમાં પાણીનું સ્તર ચિંતાજનક સ્થિતિમાં પહોંચી ગયું છે. જંગલોની આડેધડ કાપણીથી આ સમસ્યા વધુ ગંભીર બની છે. પણ ત્યાંની સરકારો આંખ આડા કાન કરી રહી છે. આ રાજ્યોમાં જલ સંશાધન મંત્રાલયે આડેધડ દોહન રોકવાના ઉપાય પણ સૂચવ્યા છે. તેમાં સામુદાયિક ભૂજલ પ્રબંધન પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. તેના અન્વયે ભૂજલ દોહન પર કાબૂની સાથે જલ સંરક્ષણ અને સંચયનની પણ જોગવાઈ કરાઈ છે.
આપણા દેશમાં વર્ષે ચાર હજાર અરબ ઘન મીટર પાણી ઉપલબ્ધ છે. આ પાણીનો મોટો ભાગ સમુદ્રમાં બેકાર ચાલ્યો જાય છે. એટલા માટે વરસાદમાં પૂરની, તો ગરમીમાં દુષ્કાળનું સંકટ ઊભું થઈ જાય છે. ક્યારેક-ક્યારેક તો દેશના એક ભાગમાં દુષ્કાળ પડી જાય છે તો બીજા ભાગમાં વિનાશક પૂર આવી જાય છે. તેને ઓછું કરવા માટે જરૂરી છે કે આપણે ઉપલબ્ધ પાણીનો સંગ્રહ કરીએ. ગંગા-યમુનાના મેદાની વિસ્તારોમાં તો પાણીનો સંગ્રહ કરીને દુષ્કાળની સમસ્યાથી સરળતાથી બચી શકાય છે. પણ તેના માટે જે કટિબદ્ધતાથી નીતિઓ બનાવીને અમલી કરવી જોઈતી હતી, તે નથી થઈ શક્યું.
ભારતમાં વર્ષોથી ઘણું પાણી મળે છે. તેને બંધ અને જળાશય બનાવીને એકત્ર કરી શકાય છે. બાદમાં આ પાણીનો ઉપયોગ સિંચાઈ અને વીજ ઉત્પાદનમાં કરી શકાય છે. તેના માટે સૌથી પહેલા એ વિસ્તારોની યાદી તૈયાર કરવી પડશે, જ્યાં ગરમી શરૂ થતાં જ તળાવો અને કૂવા સૂકાઈ જાય છે અને ભૂગર્ભમાં પણ પાણીનું સ્તર ઘટવા માંડે છે. એવા વિસ્તારોમાં કેટલાંક મોટા-મોટા જળાશય બનાવીને ભૂગર્ભ જળસ્તરને ઘટતા પણ રોકી શકાય છે અને સિંચાઈ માટે પણ પાણી ઉપલબ્ધ કરાવી શકાય છે. ભારતની વસ્તી જે ગતિથી વધી રહી છે, તેના માટે આ બધું ખૂબ જ જરૂરી છે.
વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતની વસ્તી વધીને એકસો ચાલીસ કરોડ થઈ જશે. આટલી મોટી જનસંખ્યા માટે લગભગ પાંત્રીસ કરોડ ટન ખાદ્યાન્નની જરૂરિયાત ઊભી થશે, જે આપણા વર્તમાન ઉત્પાદનથી લગભગ દોઢ ગણું વધારે છે. એટલે સિંચાઈ સુવિધાોના વિસ્તારની સાથે-સાથે ઉપલબ્ધ પાણીનો ભરપૂર ઉપયોગ જરૂરી હશે.
દેશમાં વર્તમાન પાણીના સંકટનું એક મોટું કારણ એ છે કે જેમ જેમ સિંચિત ભૂમિનું ક્ષેત્રફળ વધતું ગયું છે, તેમ તેમ ભૂગર્ભના પાણીના સ્તરમાં પણ ઘટાડો થયો છે. દેશમાં સુનિયોજિત વિકાસ પૂર્વે સિંચિત ક્ષેત્રોનું ક્ષેત્રફળ ૨.૨૬ કરોડ હેક્ટર હતું. આજે લગભગ ૬.૮ કરોડ હેક્ટર જમીનની સિંચાઈ થાય છે. સિંચાઈ ક્ષેત્રના વધવાની સાથે-સાથે પાણીનો ઉપયોગ પણ વધ્યો છે, એટલે ભૂગર્ભમાં તેનું સ્તર ઘટ્યું છે. ગરમી આવતાં જ જમીનમાં પાણીનું સ્તર ઘટવાથી ઘણાં બધાં કૂવા અને તળાવો સૂકાઈ જાય છે અને નળ પણ બેકાર થઈ જાય છે. વરસાદ ઓછો થયો તો આ સંકટ ખૂબ જ વધી જાય છે. આબાદી વધવાની સાથે-સાથે ગામોના તળાવો પણ ઓછાં થતાં ગયા છે અને એટલે તેના પાણી સંગ્રહની ક્ષમતા પણ ખતમ થઈ ગઈ છે કે ઘટી ગઈ છે. એટલે નવા જળાશયોના નિર્માણની સાથે સાથે જૂના તળાવોને પણ ઊંડા કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
ભારતમાં પાણીની ખામીયુક્ત નીતિ તેની ભૌગોલિક વ્યવસ્થાનું કારણ છે. ભોપાલની પાસેથી પસાર થનારી કર્ક રેખાની ઉત્તર વિસ્તારની નદીઓમાં આ પાણી કુલ બે તૃતિયાંશ છે, જ્યારે કર્ક રેખા દક્ષિણના વિસ્તારોમાં એક તૃતિયાંશ છે. દક્ષિણ ભારતમાં કુલ પાણીનો માત્ર ચોથો ભાગ ઉપલબ્ધ છે. ઉત્તરમાં પણ અલ્હાબાદની પશ્ચિમમાં આવશ્યકતાથી ઓછું ઉપલબ્ધ છે. પણ તે ગંગાથી આગળ જઈને જરૂરિયાતથી વધારે પાણી પ્રાપ્ત થાય છે. એવી જ રીતે બ્રહ્મપુત્રના પાણીની સમસ્યા છે. તે સંકરી ઘાટીથી પસાર થવાના કારણે ઉપયોગમાં નથી આવતું. એવી જ રીતે સિંધ નદીમાં જળ સંધિને કારણે તેનું પાણી ભારત તરફ નથી વધી શકતું. જો આ સંદર્ભમાં એક રાષ્ટ્રીય યોજના બનાવવામાં આવે તો આ પાણીનો યોગ્ય ઉપયોગ થઈ શકે છે. ભારતમાં જળ સંશાધન મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર નિર્ભર છે. ઉત્તર-પૂર્વ ચોમાસાથી ભારતમાં થોડું ઘણું પાણી મળે છે. દક્ષિણ-પૂર્વી ચોમાસુ, બર્મા, થાઈલેન્ડ વગેરે તરફ ચાલ્યું જાય છે. ક્યારેક ક્યારેક આ ચોમાસાના કેટલાંક વાદળ હિમાલય તરફ ફરીને ભારતના ઉત્તર ભાગમાં વરસાદ કરે છે. વિશ્વના ઘણાં દેશોમાં એક નદીનું પાણી બીજી તરફ વાળીને પાણીની સમસ્યા ઉકેલાઈ છે. ભારતમાં પણ આ દિશામાં કેટલુંક કામ થયું છે અને તેમાં ઝડપ લાવવાની જરૂરિયાત છે.
તામિલનાડુમાં પૂર્વ ભાગોમાં પાણી પેરિયારની તરફ વળી ગયું છે. યમુનાનું પાણી પણ પશ્ચિમ ભાગમાં વળી ગયું છે. સિંધુ નદીને રાજસ્થાન તરફ પ્રવાહિત કરાયું છે, પણ આ યોજનાઓ અત્યંત નાના સ્તરની રહી છે. રાષ્ટ્રીય સ્તર પર પાણીની અસમાનતાઓ અને સમસ્યા દૂર કરવા માટે કશું જ નથી કરાયું. ભારતમાં સંયુક્ત રાષ્ટ્રથી પાણીની સમસ્યા સંદર્ભે અભ્યાસ કરવા આવેલી એક ટીમે ઘણાં સૂચનો કર્યા છે. એક, બ્રહ્મપુત્રથી ફરક્કા સુધી એક પ્રણાલિ બનાવીને તેના પાણીને ગંગામાં ભેળવીને પાણીની સમસ્યા દૂર કરી શકાય છે.
એવી જ રીતે ગંગાના પાણીને સોન નદીથી લઈને એક નહેર દ્વારા કાવેરી સુધી લાવી શકાય છે. તેનાથી જ્યાં ઉત્તરથી દક્ષિણ માટે સસ્તો સંચાર ઉપલબ્ધ થશે, ત્યાં દક્ષિણને પર્યાપ્ત માત્રામાં પાણી મળી જશે. એ રીતની નહેર ભારતની મુખ્ય નદીઓને જોડી દેશે, જેનાથી કેટલીક નદીઓનો વિશાળ અને પરેશાન કરનારો પાણીનો સંગ્રહ કામમાં આવશે. એક નહેર ચંબલને રાજસ્થાન નહેરથી બાંધી શકે છે. એટલા માટે નાગોર પર બંધની જરૂરિયાત ઊભી થશે. આપણી હજુ સુધી સમુદ્રના ખારા પામીને પણ પીવા લાયક નથી બનાવી શક્યા, જ્યારે ઈઝરાયેલે પોતાના પાણીની તમામ જરૂરિયાત સમુદ્રમાંથી પૂરી કરે છે. ઈઝરાયેલ સમજૂતી કરીને આપણે આ ટેકનોલોજી મેળવી શકીએ છીએ.
સંયુક્ત રાષ્ટ્રની ટીમે કહ્યું છે કે આગામી ત્રીસ વર્ષોમાં ભારતમાં પાણીની સમસ્યા ખૂબ જ મોટી થઈ જશે. આ સંકટ શરૂ થઈ ગયું છે. એટલે પાણીના સંકટ માટે ઘણાં તાત્કાલિક પગલાં ઉઠાવવા જોઈએ અને તેના માટે ગ્રામીણ વિસ્તારોમાં નાના નાના જળાશયોનું નિર્માણ કરવું જોઈએ, જેથી તે વિસ્તારના કુવાઓ સૂકાતા બચાવી શકાય અને પશુઓને પણ પાણી મળી શકે. હવા પછી પાણીની પહેલી જરૂરિયાત છે. આ કામને સૌથી વધારે પ્રાથમિકતા આપવી જોઈએ. પરંતુ અત્યાર સુધી આપણે એવું તંત્ર વિકસિત નથી કરી શક્યા, જે આપણી પીવાના પાણીની અને સિંચાઈની યોજનાઓને યોગ્ય રીતે લાગુ કરી શકે.
રાજકીય પક્ષો એક-બીજાને ઉખાડવા-પછાડવા માટે જે રીતે જાતિ-બિરાદરી અને અનામતનું નિમ્ન કક્ષાનું રાજકારણ કરે છે, તેનાથી આપણી રાષ્ટ્રીય સમસ્યાઓ ક્યારે રાજકારણનો હિસ્સો નથી બની શકતી અને સમસ્યા ઠેની ઠે રહે છે. દેશની જાગૃત પ્રજા જ રાજકીય પક્ષોને પાણી અને વિકાસની સમસ્યાઓ પર કામ કરવા માટે મજબૂર કરી શકે છે.
-અભિજિત
20-04-2016

No comments:

Post a Comment