Saturday, February 27, 2016

આંદોલન અને તોડફોડ સામે અદાલતની લાલ આંખ

આંદોલનના નામે જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડનારા વિરૂદ્ધ અદાલતે સખત વલણ અપનાવી લીધું છે, હવે કાયદા ઘડનારાઓએ આગળ આવીને એક એવા કાયદાની વ્યવસ્થા બનાવવી જોઈએ, જેનાથી દેશને આ અભિશાપથી બહાર નીકાળી શકાય. પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની અરજી પર સુનાવણી કરતાં ૨૪મી ફેબ્રુઆરી ૨૦૧૬માં સર્વોચ્ચ અદાલતે કહ્યું કે આંદોલનના નામે તોડફોડ કરનારાઓ વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવી જોઈએ અને તેમની પાસેથી નુકશાનનું વળતર વસૂલવું જોઈએ. અદાલતે એ પણ કહ્યું કે, જાહેર સંપત્તિને નુકશાન પહોંચાડનારા વિરૂદ્ધ કાર્યવાહી માટે ઝડપથી દિશા-નિર્દેશ જાહેર કરશે.
ગયા વર્ષે અનામતની માગણી લઈને પટેલોએ ગુજરામાં જે આંદોલન કર્યું હતું, તેનાથી ત્યાં કરોડોનું નુકશાન પહોંચ્યું હતું અને હાલમાં જ હરિયાણામાં થયેલા જાટ આંદોલનથી ૩૪ હજાર કરોડ રૂપિયાનું નુકશાન બતાવવામાં આવી રહ્યું છે. આ આંદોલનને તો સરકાર જ નહિ, અન્ય સમાજોની ખાનગી સંપત્તિને પણ ભારે નુકશાન પહોંચ્યું છે. દેશમાં ગયા કેટલાંક સમયથી એક સામાન્ય પ્રકૃત્તિ બની ગઈ છે કે લોકો પોતાની માગણીઓને લઈ માર્ગો ઉપર ઉતરે છે, તોડફોડ કરે છે, ત્યારબાદ જ સરકારો તેમની સાથે વાત કરે  છે અને પછી તેમની માગણી માની લેવામાં આવે છે.
આ પ્રકારના વિધ્વંસને એક રીતે કાયદેસરતા મળી ગઈ છે અને લોકોને ખાતરી થઈ ગઈ છે કે તેના વગર તેમની વાત નહિ સાંભળવામાં આવે. આ રીતે સમય-સમય ઉપર થનારા આંદોલનોથી વિકાસ પ્રક્રિયાને ઊંડો ઘા લાગે છે અને દુનિયામાં ભારતની છાપ એક અશાંત અને ઉપદ્રવગ્રસ્ત દેશની બની છે. તેના કારણે ઘણાં રોકાણકારો ઈચ્છતા હોવા છતાં ભારત નથી આવતાં. આજે આપણે વિકાસનું જે નવું માળખું અપનાવ્યું છે, તે ચૂસ્ત-દૂરસ્ત ગવર્નન્સની માગણી કરે છે.
બહુ દુરોગામી લક્ષ્ય મેળવવા માટે કેટલાંક નાના-મોટા તાત્કાલિક ફાયદાથી મોં મચકોડવું પડશે. કેટલીક આધારભૂત ચીજો દેશની ખૂશહાલી માટે આવશ્યક છે અને મજબૂત કાયદો વ્યવસ્થા તેમાં સૌથી ઉપર છે. એટલા માટે દરેક રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ. તેનો અર્થ ક્યારેય એ નથી કે વિરોધનો અવાજ દબાવી દેવામાં આવે. આપણે ન ભૂલવું જોઈએ કે ભારતે લાંબા સંઘર્ષ બાદ જ અંગ્રેજોની ચૂંગાલમાંથી મુક્તિ મેળવી હતી. પરંતુ, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન અરાજકતાની જે પણ એકલ-દોકલ તક આવી, આપણા રાષ્ટ્રીય નેતાઓ વગર કોઈ દ્વિધાએ આ પ્રવૃત્તિની વિરૂદ્ધ ઊભાં થયાં.
આપણે આપણો સ્વતંત્રતા સંગ્રામ સત્યાગ્રહ અને અહિંસાના બળ પર જીત્યો હતો. એટલા માટે આપણી લોકશાહી વ્યવસ્થા આપણી સાથે આઝાદ થયેલા તમામ દેશોથી ઘણી વધારે મજબૂત છે. કોઈ પણ વ્યક્તિ કે સમૂહની ફરીયાદો ત્યારે દૂર થઈ જાય છે જ્યારે વ્યવસ્થા મજબૂત રહે. તેના ઉપર આઘાત કરીને, તેને તંગ-તબાહ કરીને કશું પણ મેળવી શકાતું નથી. આશા છે, જ્યારે ભાવનાઓથી રમનારા લોકો આ વાતને સમજશે અને સમજવી જરૂરી પણ છે.
-અભિજિત
27-02-2016

1 comment:

  1. Our democratic system is strong but some peoples make it week by their activity

    ReplyDelete