Wednesday, February 24, 2016

નિવેદનબાજ આઝમ ખાનની દર્દભરી કહાની

સામાન્ય રીતે આપણા દેશમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન નિતનવા નિવેદનબાજો મેદાનમાં આવી ગયા છે. આ નિવેદનબાજો કોઈકના કોઈક મુદ્દે વાતને વહેતી મૂકી દેવામાં માહેર છે. અને મીડિયા પણ આંખો મીંચીને તે નિવેદનને ચગાવી ચગાવીને બતાવે અને લખે... પણ, જ્યારે આ નિવેદનબાજ મહાશયના ધડમાથાં વગરના વાક્‌બાણ બાદ જો ઉપરના લેવલેથી ઠપકો આવે તો આ જ નિવેદનબાજો પોતાના અગાઉના નિવેદનને ફેરવી તોળે અને બધો દોષનો ટોપલો મીડિયા પર નાંખી દે અને એવું કહે કે મેં તો આમ કહ્યું હતું, પરંતુ કેટલાંક મીડિયાવાળાઓએ મારી વાતને ટિ્‌વસ્ટ કરીને ખોટો વિવાદ ઊભો કર્યો છે. આટ આટલીવાર મીડિયાને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યું છે તો પણ મીડિયા આવા નિવેદનબાજોની આગળ પાછળ ભમરાની જેમ ફરવાનું છોડતાં નથી. તેનું કારણ માત્ર એ જ છે કે, તેમના દ્વારા જ દેશને ચકરાવે ચડાવવા માટેનું નિવેદન મળવાનું છે. અને તો જ તેમનો (એટલે કે પોતાના મીડિયાનો) વટ પડશે. આવા જ કેટલાંક નિવેદનબાજો પૈકીના એક એવા ઉત્તર પ્રદેશના બહુ બોલકા આઝમ ખાન અંગે વાત કરીએ.
રામપુરની બે વસ્તુઓ ફેમસ છે. ચાકુ અને આઝમ ખાન.
આશ્ચર્યજનક વાત એ છે કે, એવા નેતા જેણે કાયદાનું શિક્ષણ લીધું હોય, ચાર વખત પક્ષ બદલ્યા હોય, ૧૯૮૦થી આઠ વાર વિધાનસભાના સભ્ય બન્યા હોય, પાંચ વાર મંત્રી થયાં હોય, એકવાર વિપક્ષના નેતા રહ્યા હોય, અને તેમ છતાં પણ તેમને આટલું રેટિંગ કેમ જોઈએ છે કે સમાચારોમાં રહેવા માટે તે એક બ્યૂરોક્રેટને ભરી સભામાં બકવાસ બંધ કરો, બદતમીઝ કહીં કે”, કહી દે.
ચૂંટણી પંચને એ વાત પર નકારી દે કે મને મુસલમાન હોવાની સજા આપવામાં આવી રહી છે અને કહે કે અલ્લાહે સંજયને મુસલમાનોની નસબંધી કરાવવાની અને રાજીવ ગાંધીને બાબરી મસ્જિદમાં શિલાન્યાસ કરાવવાની સજા આપી છે.
ચટપટી અને સનસનીખેજ સમાચારો મીડિયાની કમજોરી છે અને આઝમ ખાન આ કમજોરીને ખૂબ જ સારી પેઠે જાણે છે. અને તેઓ એ પણ જાણે છે કે, સમાચારની દુનિયામાં આજકાલ જે પ્રકારની હરિફાઈ ચાલી રહી છે તેને જોતાં દરેક મીડિયાવાળા કંઈકને કંઈક વસ્તુને ખાસ કરીને મસાલેદાર વસ્તુને વધુ મસાલેદાર બનાવીને લોકો સુધી પહોંચાડશે. અને એટલે જ તેઓ માત્ર આઝમ ખાન જ નહિ દેશના દરેક ખાદીધારી ગાંધી ટોપી સો કૉલ્ડરાજકારણીઓ આ સારી રીતે જાણતા હોવાના કારણે મીડિયાનો દુરૂપયોગ કરીને પોતાનો રાજકીય રોટલો કે ખીચડી પકવી દેતા હોય છે. એમાં પણ આઝમ ખાન જેવા નેતાઓ તો એવા એવા રાઝ ખોલે કે દરેકના મોં ખૂલ્લાંના ખૂલ્લાં રહી જાય. આવા મોંને તો અલ્લાહ તાલા જ તાળા લગાવે તો જ લાગે એવું છે. આઝમ ખાને કરેલી વાતોમાં એવું પણ હતું કે, કારગીલની ટોચ પર હિન્દુઓએ નહિ, મુસલમાન જવાનોએ ફતેહ કરી હતી અને નેતાજીની વર્ષગાંઠનું ફંડિંગ તાલિબાન અને દાઉદ ઈબ્રાહિમે કર્યું હતું, વગેરે વગેરે...
આવા તો અનેક રાજકીય નેતાઓ તો ઠીક સાધુ સંતો પણ છે, જે ગમે તે ભોગે ચર્ચામાં રહેવા માટે કંઈકને કંઈક વાણી વિલાસ કરતાં હોય છે. જેમાં શિવ સેનાના ઉદ્ધવ ઠાકરે, મનસેના રાજ ઠાકરે, ભાજપના કેન્દ્રીય મંત્રીઓ વી. કે. સિંહ અને ગિરિરાજ સિંહ તેમ જ શંકરાચાર્ય વગેરે વગેરે... આ તમામ લોકો કંઈકને કંઈક મોં ફાટ નિવેદન કરીને ચર્ચાને ચકડોળે ચડાવી તો દે પણ લોકોને પણ ચકરાવે ચડાવી દે.
તાજા અહેવાલો અનુસાર આઝમ ખાને એવી મટકી ફોડી છે કે દાઉદ ઈબ્રાહિમ સાથે નરેન્દ્ર મોદીની મુલાકાત લાહોરમાં નવાઝ શરીફના ઘરે થઈ હતી. હવે કમ સે કમ બરખા દત્તે આટલા મોેટા સમાચાર મિસ કરવા બદલ આઝમ ખાનના ચરણ સ્પર્શ કરી લેવા જોઈએ. પરંતુ આઝમ ખાને પણ પૂરી વાત નથી કરી, કદાચ એવું વિચારીને નથી કહી કે કાલે શું કહેશે, અને પરમ દિવસે શું વેચશે.
હું કહું છું કે લાહોરમાં શું થયું? મોદી-દાઉદ ઈબ્રાહિમની મુલાકાતના સમાચાર આઈએસઆઈએ રૉને આપી રૉએ આ સમાચાર આઝમ ખાનને જણાવી દીધી, કેમ કે વડાપ્રધાન મોદીને એ જણાવવાથી કોઈ ફાયદો હતો નહિ કે તેમની મુલાકાત દાઉદ ઈબ્રાહિમ સાથે પણ થઈ છે.
આ મુલાકાતમાં મોદીએ વચન આપ્યું કે (વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી પહેલાં જેમ ભારતીય મતદારોને વચન આપ્યું હતું એમ) જો  દાઉદભાઈ ઘર વાપસીની યોજના અન્વયે ઘરે પાછા આવી જાય, તો અદાલત તેમને જે પણ સજા આપે, કોઈ ચિંતા નહિ. તેઓ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા તે સજા માફ કરાવી દેશે. સાફ સૂથરાં દાઉદ ઈબ્રાહિમને ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર રામપુરથી આઝમ ખાનની સામે જીતાડ્યાં બાદ, તેને ઉત્તર પ્રદેશમાં વરિષ્ઠ મંત્રી બનાવી દેવાશે.
જો ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં સરકાર નહિ બનાવી શકે, તો દાઉદ ઈબ્રાહિમ માટે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતાનું સ્થાન પાક્કું. તેનાથી ન માત્ર આઝમ ખાનની રાજકીય કારકિર્દીને ધક્કો લાગે પરંતુ પાકિસ્તાન સાથે સંબંધો પર પણ સારી અને શ્રેષ્ષ્ઠ અસર પડશે.
આવી આવી યોજનાઓથી કોન્ફિડન્સ બિલ્ટ અપ થશે અને ફરી બંને દેશ હસી ખુસીથી એકબીજા પર પ્રેમના વાર કરતા રહેશે. તો આ છે આખ્ખે આખ્ખું ચક્કર, જેના કારણે આઝમ ખાન મોદી સરકાર અને ખાસ કરીને મોદીની પાછળ હાથ ધોઈને પાછળ પડી ગયા છે.
આમ તો અમારી પાસે પણ આઝમ ખાનની ટક્કરના એક રાજકીય અભિનેતા ગિરિરાજ સિંહ, વી. કે. સિંહ, રાજ ઠાકરે સહિત અનેક મીડિયાની ડાર્લિંગ્સ છે. તેમના નિવેદનોના ચમત્કારોની વાત પછી ક્યારેક કરીશું, પણ અત્યારે તો ગાલિબનો આ શેર સાંભળતા જાઓ
બક રહા હું જુનુંનમેં ક્યા ક્યા કુછ,
કુછ ના સમઝે ખુદા કરે કોઈ.

-અભિજિત
24-02-2016

No comments:

Post a Comment