Thursday, February 25, 2016

મોદી સરકાર અને કેમ્પસની આગ એકબીજાના પર્યાય !

દિલ્હીની જૂની અને જાણીતી એવી જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી (જેએનયુ)માં અફઝલ ગુરૂની વરસીના કાર્યક્રમને લઈને ભડકેલા વિવાદની પાછળ ઘણાં સળગતાં મુદ્દા છે, જેનો ઉકેલ લાવવો આવશ્યક છે. આ મુદ્દા ન માત્ર આપણી શિક્ષણ વ્યવસ્થા પરંતુ કેમ્પસને લઈને રાષ્ટ્રીય રાજકારણ સુધી અસર કરે છે. ૯મી ફેબ્રુઆરીએ જેએનયુમાં ડાબેરીઓ અને દલિત સંગઠનો સાથે જોડાયેલા કેટલાંક વિદ્યાર્થીઓએ સંસદ પર હુમલાના આરોપી અફઝલ ગુરૂને આપવામાં આવેલી ફાંસીના વિરોધમાં એક આયોજન કર્યું હતું, જેમાં કાશ્મીરના વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. આ પ્રસંગે કેટલાંક સાંસ્કૃતિક કાર્યક્રમ થયા અને કેટલાંક વિદ્યાર્થીઓએ દેશ વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યાં. પોલીસે રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરવાના આરોપમાં જેએનયુના વિદ્યાર્થી સંગઠનના પ્રમુખ અને કેટલાંક અન્ય વિદ્યાર્થીઓની ધરપકડ કરી. ધરપકડ કરાયેલાં વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ન તો તેમની વ્યક્તિગત કે સંગઠનાત્મક નીતિ દેશ વિરોધી છે, ન તેમણે આ પ્રકારના કોઈ સૂત્રોચ્ચાર કર્યા.
સવાલ એ છે કે, આ સૂત્રો કોણે લગાવ્યા અને તેઓ છૂપાયેલા કેમ છે? જો તેઓ પોતાને રેડિકલ અથવા વિદ્રોહી જેવું કંઈક માનતા હોય તો તેમણે ખૂલીને બહાર આવવું જોઈએ. તેઓ પોતાના વિચારોને લઈને પ્રતિબદ્ધ છે તો તેમણે તેની કિંમત ચૂકાવવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. તેના બદલે તેમનું પતલી ગલીથી ભાગી જવું એ બતાવે છે કે, તે રાજકારણ રમનારા તકવાદી લોકો છે જે પોતાના નાના-મોટા ફાયદા માટે શિક્ષણ સંસ્થાઓનું વાતાવરણ ડહોળી રહ્યા છે.
છેલ્લાં કેટલાંક સમયથી દેશના કેમ્પસમાં રાજકીય કાવાદાવા તેજ થઈ ગયા છે. વિદ્યાર્થી રાજકારણની વિભિન્ન ધારાઓમાં જોરદાર હરિફાઈ ચાલી રહી છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં સત્તા પર આવવાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું મનોબળ આકાશને આંબી રહ્યું છે. તેને લાગે છે કે, વિદ્યાર્થી રાજકારણમાં જે પણ ઉદારવાદી જમીન બચી છે, તેને આંચકી લેવાનો આ જ સાચ્ચો સમય છે. બીજી તરફ ડાબેરી વિદ્યાર્થી સંગઠનો અને હાલમાં આગળ આવેલા દલિત વિદ્યાર્થી સંગઠનોની વચ્ચે પણ એક વણજાહેર ચડસા-ચડસી છે. ઉપરના ભાગેથી તેમના એજન્ડા આપસમાં મળે છે, પરંતુ દલિત સંગઠનોને લાગે છે જો કે, દેશના રાજકારણમાં ડાબેરીઓ હાંશિયા પર ચાલ્યા ગયા છે, જેથી તેમની જમીન તેઓ સરળતાથી આંચકી લઈ શકે છે. એવામાં તેમની દિલચશ્પી રાષ્ટ્રીય સવાલો પર વધારેને વધારે વિવાદ ઊભો કરી રહી છે, જેથી તેઓ સતત ચર્ચામાં રહી શકે.
આ કાવા-દાવાનું અંતિમ પરિણામ એ જોવા મળી રહ્યું છે કે, મોદી સરકાર ન માત્ર દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં નિમણૂંકોના સ્તર પર સીધો હસ્તક્ષેપ કરી રહી છે, પરંતુ વિદ્યાર્થીહિતોની વિરૂદ્ધ જનારા એવા-એવા પગલાં ઉઠાવી રહી છે, જેની કાલ સુધી કલ્પના પણ નહોતી કરી શકાતી. પોતાની આ ઝૂંબેશમાં તે ભૂલી ગઈ છે કે વૈચારિક ખૂલાપણું અને લોકશાહી ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની ઓળખ રહી છે. કેન્દ્ર સરકારનું કામ તમામ અસંમતિઓને સાથે લઈને ચાલવાનું હોય છે. પરંતુ જો તેઓ અસંમતિઓ વધારવાના જ પોતાનો કાર્યભાર માની લેશે તો વ્યવસ્થાની દૃષ્ટિથી આ કોઈ સારો સંકેત નથી લાગતો.
-અભિજિત
25-02-2016

No comments:

Post a Comment