Friday, May 25, 2018

પ્રજા પેટ્રોલમાં ત્રસ્ત, સરકાર ફિટનેસમાં વ્યસ્ત

સવારે ઉઠીને રોજનાં ક્રમ પ્રમાણે અખબાર હાથમાં લીધું. છાપું ખોલતાં જ પહેલાં પાને સમાચાર હતાં કે, કર્ણાટકની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં ઉછાળો આવવા લાગ્યો. હદ તો ત્યારે થઈ જ્યારે ગુરૂવારે પેટ્રોલનાં ભાવ અમદાવાદમાં 76થી 77 રૂપિયે પ્રતિ લિટર થઈ ગયો. તો મહારાષ્ટ્રમાં તો હદની પણ હદ બહાર પેટ્રોલનો ભાવ થઈ ગયો. ત્યાં તો 85 રૂપિયે પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ છે. આટઆટલાં ભાવ વધી રહ્યાં છે તેમ છતાં આખ્ખાબોલાં આપણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ સુધી આ મામલે મગનું નામ મરી નથી પાડ્યું અને હવે તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનું તખલ્લુસ મૌની બાબા પોતાના માટે રાખી લીધું હોય એવું લાગે છે. મને યાદ છે કે વર્ષ 2012માં જ્યારે યુપીએ સરકાર હતી ત્યારે પેટ્રોલ-ડિઝલની સાથે સાથે મોંઘવારી મુદ્દે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે ખૂબ જ માછલાં ધોયેલાં અને એવું કહેલું કે પેટ્રોલ-ડિઝલનાં વધી રહેલાં ભાવ એ કેન્દ્ર સરકારની નિષ્ફળતાનો પુરાવો છે. તો મારો સવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને છે કે જો તે સમયે આ ભાવ વધારો યુપીએ સરકારની નિષ્ફળતાનો પુરાવો હતો તો અત્યારે શું કહેવાય? કેમ કે, છેલ્લાં ચાર ચાર વર્ષથી આપની સરકાર સત્તા પર છે અને આજ દિન સુધી એવું નથી બન્યું કે, પેટ્રોલ-ડિઝલનાં ભાવ 65 રૂપિયાથી નીચે આવ્યાં હોય. આપને યાદ કરાવી દઉં તો જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ 140 ડોલર પ્રતિ બેરલ હતો, ત્યારે પણ દેશમાં પેટ્રોલનો ભાવ 70 રૂપિયા પ્રતિ લિટરથી વધારે નહોતો. જ્યારે આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ લગભગ 70 ડોલર પ્રતિ બેરલ છે ત્યારે ભાવ 76ની પાર છે.

છેલ્લાં કેટલાંક સમયથી પેટ્રોલ-ડિઝલનાં ભાવ એટલાં વધી રહ્યાં છે કે સામાન્ય પ્રજા તેલમાં વ્યસ્ત થઈ ગઈ છે તો લોકોનું ધ્યાન ચોક્કસ જગ્યાએથી ભટકાવવા માટે જાણીતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના રમતગમત રાજ્ય મંત્રી રાજ્યવર્ધન જેઓ પોતે ઓલિમ્પિકનાં શૂટિંગ કમ્પિટિશનનાં સિલ્વર મેડલિસ્ટ પણ છે, તેમણે પોતાની ઓફિસમાં કામકાજ બાજુ પર મૂકીને પોતાની ફિટનેસનો ઢંઢેરો પીટવા માટે પુશ અપ્સ કર્યાં અને સાથે ટીમ ઈન્ડિયાનાં ક્રિકેટર વિરાટ કોહલી, ફિલ્મ સ્ટાર હ્રિતિક રોશન વગેરેને ચેલેન્જ આપી દીધી. તો આ સેલિબ્રિટિસ પણ કાંઈ ઓછી નથી તેમણે પણ આ ચેલેન્જિસ ઉપાડી લીધી અને અન્યને પડકાર ફેંક્યો. કોહલીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાની ફિટનેસ સાબિત કરવા માટે ચેલેન્જ આપી દીધી. ટ્વિટરનાં માધ્યમથી ચાલી રહેલી આ ચેલેન્જની નવી ગેમમાં વડાપ્રધાન મોદીએ કોહલીની ચેલેન્જને સ્વીકારી અને ટ્વિટ કર્યું કે તારી ચેલેન્જ સ્વીકારું છું અને ટૂંક સમયમાં જ મારો ફિટનેસનો વિડીયો શેર કરીશ. રાજ્યવર્ધન દ્વારા શરૂ કરાયેલાં આ ગતકડાએ એટલું જોર પકડ્યું કે, કેન્દ્ર સરકારનાં કેટલાંક મંત્રીઓ કામકાજ સાઈડ પર કરીને આ ચેલેન્જમાં ભાગ લેવા મંડી પડ્યાં. સોરી,,, કામ કરતાં હોય તો સાઈડમાં મૂકવું પડે ને? અને આ સરકારમાં તો ક્યાંય એવું દેખાતું નથી કે મંત્રીઓ બહુ કામ કરતાં હોય. અરે, રાજ્યવર્ધનભાઈને કોઈ સમજાવો કે પૂશઅપ્સ કરવાથી ફિટનેસ નથી આવતી. આપણાં દેશની પ્રજા મહેનતકશ પ્રજા છે અને એ પોતાની ફિટનેસ કેવી રીતે રાખવી એ સારી પેઠે જાણે છે. અને જે રીતે પેટ્રોલ-ડિઝલનાં ભાવ દરરોજ વધી રહ્યાં છે તે જોતાં એવું લાગે છે કે, ભાવ જો કાબૂમાં નહિ આવે તો ચોક્કસ દેશની પ્રજા પોતાનાં વાહનોને “પુશ અપ્સ” કરીને પણ ફિટ રહેશે, મગર આપકા ક્યા હોગા મંત્રીજી? પુશ અપ્સ કરીને ફિટનેસનાં વિડીયો બનાવીને બીજાને ચેલેન્જ આપવાનાં દેખાડા કરવાનાં બદલે પ્રજાકીય કામ પર ધ્યાન રાખો તો તમારી સરકાર ફિટ રહેશે અને આવનારી 2019ની લોકસભાની ચૂંટણીમાં જીતશે નહિ તો, પછી પ્રજા તમને પીટશે...

-અભિજિત
25-05-2018

1 comment: