Thursday, May 17, 2018

રાજકીય નાટકો માટે પ્રખ્યાત કર્ણાટકનું વધુ એક નાટક

ભાજપ દ્વારા દિગ્દર્શિત, કોંગ્રેસ અને જનતા દળ (એસ) અભિનિત ત્રિઅંકી સસ્પેન્સ નાટક...

અંક પહેલો...
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી 12મી મેનાં રોજ યોજાઈ અને તેનાં પરિણામ પણ 15મી મેનાં રોજ જાહેર થઈ ગયાં. દર ચૂંટણીની માફક આ વખતે પણ દેશની તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક ચેનલોએ પોત પોતાની રીતે એજન્સીઓ રોકીને કર્ણાટક ચૂંટણી પછી એક્ઝિટ પોલ કર્યાં. અને આ એક્ઝિટ પોલમાં લગભગ સરેરાશ એવું તારણ આવ્યું કે, કર્ણાટકમાં ત્રિશંકુ સરકાર એટલે કે હન્ગ એસેમ્બલી રચાશે. 16મી મેએ સવારથી શરૂ થયેલી મતગણતરીમાં લગભગ 11 વાગ્યાની આસપાસ જે વલણો સામે આવ્યાં તેમાં ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારો લગભગ 120થી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યાં હતાં અને આ વલણોને જોતાં દેશભરમાં ભાજપનાં જે તે પ્રદેશનાં એકમો ઉપરાંત કર્ણાટક ભાજપે પણ ઉત્સાહનાં અતિરેકમાં જીતની ઉજવણી શરૂ કરી દીધી. જોકે જેમ જેમ સમય પસાર થતો ગયો અને મતગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ પરિણામો પણ બદલાતાં ગયાં અને લગભગ ત્રણ વાગ્યાની આસપાસ તો ભાજપની સરસાઈ માત્ર 103થી 104 બેઠકો સુધી સિમિત થઈ ગઈ. બપોરે દોઢ વાગ્યાની આસપાસથી જ આ વલણ શરૂ થતાં કર્ણાટકની ચૂંટણીમાં જે ત્રણ પક્ષો વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો તે કોંગ્રેસ, ભાજપ અને જનતા દળ (સેક્યુલર) એટલે કે જનતા દળ (એસ)ની તોડ-જોડની રાજનીતિ કામ કરવા લાગી. અને આ તોડ-જોડની નીતિમાં કોંગ્રેસનાં સોનિયા ગાંધીએ જનતા દળ (એસ)નાં સર્વેસર્વા એવા હરદન્નલી ડોડેગોવડા દેવેગોવડાને ફોન કરીને તેમનાં સુપુત્ર કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવાની દરખાસ્ત કરીને બિનશરતી ટેકો આપવાની વાત કરી. આ પ્રકારની દરખાસ્તનો તેમણે તરત જ સ્વીકાર કરી લીધો. અને પછી શરૂ થઈ કર્ણાટકનાં રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કરવાની સ્પર્ધા. રીતસરની સ્પર્ધા જ કહી શકાય એ રીતે રાજકારણનાં તમામ અઠંગ ખેલાડીઓએ એડીચોટીનું જોર લગાવ્યું. જોકે, કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળા જે પોતે ગુજરાતનાં છે અને તે પણ પાછાં આપણાં રાજકોટનાં. તેમણે પહેલાં ભાજપનાં આગેવાના યેદિયુરપ્પાને મળવાં બોલાવ્યાં અને પછી કોંગ્રેસ-જનતા દળ (એસ)નાં નેતાઓને બોલાવ્યાં. બન્ને પક્ષે પોતપોતાનાં ધારાસભ્યોનાં લિસ્ટ આપ્યાં. આટલું ઓછું હોય એમ દરેક રાજકીય પક્ષો પોતાનાં તમામ ધારાસભ્યોને લઈને રાજભવન પહોંચી ગયાં ઓળખ પરેડ માટે. અને આમ શરૂ થયું રાજકીય નાટકો માટે પ્રખ્યાત કર્ણાટકનાં ત્રિઅંકી નાટકનો પહેલો અંક. પહેલો અંક 15મી મેએ પૂરો થયો. અને રાત થતાં તમામ પોતપોતાનાં ધારાસભ્યોને સાચવવા માટે ગુપ્ત સ્થાને લઈ ગયાં જેથી કોઈ તૂટી ના જાય અથવા વેચાઈ ના જાય. આ છે આપણાં દેશની રાજનીતિ. પ્રજા પોતાનાં પ્રતિનિધિને ચૂંટીને વિધાનસભા કે લોકસભામાં મોકલે અને પછી આ જ જનપ્રતિનિધિ પોતાનાં વિકાસને આગળ વધારવા માટે જે તે પક્ષ સાથે સાંઠગાંઠ કરવા માટે કરોડોની ઓફર સ્વીકારી લે. આમ પ્રજાનાં મતનો તે અવિશ્વાસ કરે અને બિચ્ચારી પ્રજા મૂંગા મોંઢે આ બધા ખેલ જોયાં કરે.

અંક બીજો...
બીજા દિવસે એટલે કે 16મી મેએ આખ્ખો દિવસ રાજ્યપાલ વજુભાઈ વાળાનાં જવાબની રાહ જોવાતી રહી. અને દેશની તમામ ચેનલો પર આ નાટકનાં કલાકારો એટલે કે જે તે પક્ષનાં ધારાસભ્યો અને નેતાઓ પોતાની ભૂમિકા ભજવતાં રહ્યાં અને તેમનાં વતી તેમનાં કોમેન્ટેટર્સ સતત કોમેન્ટરી આપતાં રહ્યાં અને દાવા કરતાં રહ્યાં. આખ્ખો દિવસ ચડભડમાં પૂરો થયો અને સાંજ સુધી રાજભવનમાંથી રાજ્યપાલ વજુભાઈ વાળાએ કોઈને કોઈ સંદેશો ન મોકલાવ્યો. એકબાજુ ભાજપને વિશ્વાસ હતો કે રાજ્યપાલ વજુભાઈ વાળા તેમને સરકાર રચવાનું આમંત્રણ આપશે. અને આશા કેમ ન હોય... રાજ્યપાલ વજુભાઈ વાળા મૂળ તો ભાજપનાં જ ને. અને એ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ખાસમખાસ... તો બીજી બાજુ કોંગ્રેસ અને જનતા દળ (એસ)ને પણ રાજ્યપાલનું વલણ ખબર જ હોવાનાં કારણે સુપ્રીમ કોર્ટનાં દરવાજો ખટખટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી. અને છેવટે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ રાજભવનનાં દૂતે જાહેરાત કરી અને ભાજપનાં યેદિયુરપ્પાને સરકાર રચવા તેમ જ મુખ્યમંત્રી તરીકે 17મી મેએ સવારે 9 વાગે શપથ લેવાનો પત્ર પાઠવ્યો અને સાથે જ વિધાનસભામાં પોતાની બહુમતી પૂરવાર કરવા માટે 15 દિવસનો સમય આપી દીધો. પછી તો પૂછવું જ શું... કોંગ્રેસ અને જનતા દળ (એસ) દ્વારા સુપ્રીમ કોર્ટનાં દરવાજા અડધી રાત્રે ખટખટાવવામાં આવ્યાં અને સુપ્રીમ કોર્ટે પણ રાતનાં 2 વાગ્યાની આસપાસ સુનાવણીની શરૂઆત કરી. અને લગભગ 4.30 વાગે આ સુનાવણી પૂર્ણ કરી, ત્યારે એક જ સાર નીકળ્યો કે હાલ પૂરતો કોઈ સ્ટે આ કેસમાં આપી શકાય એમ નથી. અને 18મીએ વધુ સુનાવણી નક્કી કરવામાં આવી. પણ, હા, ભાજપને 18મી તારીખે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ ચોક્કસ આપી દીધો.
કર્ણાટકનાં રાજ્યપાલનાં ભાજપને સરકાર રચવાનાં આમંત્રણ અને સુપ્રીમ કોર્ટ દ્વારા આ કેસમાં સ્ટે આપવાનાં ઈનકાર બાદ 17મી મેનાં રોજ સવારે કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપનાં યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદનાં શપથ લેવડાવી દીધાં. જોકે, હવે 18મી મેનાં રોજ સુપ્રીમ કોર્ટમાં જ્યારે સુનાવણી હાથ ધરાવવાની છે ત્યારે કોંગ્રેસ અને જનતા દળ (એસ)ને અંદરખાનેથી એવી આશા છે કે સુપ્રીમ કોર્ટ તેમની ફેવરમાં ચુકાદો આપશે. અને જો તેમની ફેવરમાં ચુકાદો નહિ આપે તો પણ ભાજપની સરકારને પંદર દિવસમાં નહિ પણ માત્ર 48 કલાકમાં પોતાની બહુમતી પુરવાર કરવાનો આદેશ તો ચોક્કસ કરશે જ.
જોકે, રાજ્યપાલ વજુભાઈ વાળાનાં આ વલણ મામલે રાજકીય વિશ્લેષક ડો. હરિ દેસાઈ કહે છે કે ભારતનાં સંવિધાનમાં પણ ક્યાંય ચોક્કસ જોગવાઈ નથી કરાઈ અને તેનો લાભ કેન્દ્રમાં જે પક્ષની સરકાર હોય તે લેતી હોય છે. પહેલાં કોંગ્રેસે પણ આવા લાભો લીધાં અને હવે ભાજપ લઈ રહી છે એમાં કશું ખોટું નથી. પરંતુ, ભૂતકાળમાં કેટલાંક રાજ્યો સંદર્ભે આવેલાં ચુકાદાને ટાંકીને જે તે રાજ્યપાલ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણય કરતાં હોય છે અને કર્ણાટકમાં પણ હાલમાં જે થઈ રહ્યું છે તેમાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લીધો હોય એવું લાગે છે. તેમણે ચુકાદાને ટાંકતાં જણાવ્યું કે, જે રાજ્યમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમત ન મળે ત્યારે રાજ્યપાલ ચૂંટણી પહેલાં જો કોઈ પક્ષોનાં જોડાણ હોય અને તેમનું સંખ્યાબળ વિધાનસભામાં જરૂરી બહુમત કે તેથી વધુ હોય તો તેમને સરકાર રચવા આમંત્રણ આપવામાં આવવું જોઈએ. જો ચૂંટણી પહેલાં કોઈ રાજકીય પક્ષોનું જોડાણ ન હોય તેવા સંજોગોમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને સરકાર રચવા આમંત્રણ આપે છે અને જો સિંગલ લાર્જેસ્ટ પાર્ટી પાસે પણ બહુમત પુરવાર કરી શકે એટલું સંખ્યાબળ ન હોય તેવા સંજોગોમાં ચૂંટણીનાં પરિણામ બાદ રાજકીય પક્ષોનાં થયેલાં જોડાણને પ્રાધાન્ય આપીને તેમને સરકાર રચવાનું આમંત્રણ આપવું જોઈએ.
આ ચુકાદા પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ (એસ)નું જોડાણ ચૂંટણી પૂર્વેનું નહોતું અને ચૂંટણી બાદનું જોડાણ હતું એટલે સ્વાભાવિક છે કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે ભાજપ છે એટલે રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું. જોકે, કોંગ્રેસનાં એક વરિષ્ઠ નેતાનાં કહેવા પ્રમાણે ભાજપ દ્વારા ખોટી રીતે સત્તા મેળવવાનાં પ્રયાસો થઈ રહ્યાં છે. તેમણે ગોવાનો દાખલો આપતાં જણાવ્યું કે, ગોવામાં ભાજપની પાસે કોઈ સંખ્યાબળ પણ નહોતું અને જે બે પક્ષોનાં સમર્થનથી સરકાર બનાવી તે પણ ચૂંટણી બાદનું જોડાણ જ હતું. ત્યારે ગોવાનાં રાજ્યપાલે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે કોંગ્રેસને તક આપવી જોઈતી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતાની તાકાત બતાવવા માટે જે પ્રકારે લોકશાહીનું હનન કરી રહ્યાં છે તે દેશ અને આપણી લોકશાહી માટે ખતરાં સમાન છે.
જે હોય એ, પણ એક વાત ચોક્કસ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ મુક્ત ભારતની વાત લઈને આગળ વધી રહ્યાં છે અને કર્ણાટકને સર કરીને ભાજપ શાસિત રાજ્યોની સંખ્યા 21 સુધી પહોંચાડી દીધી છે. પરંતુ એ ત્યારે કહેવાશે જ્યારે 18મી તારીખે સુપ્રીમ કોર્ટનો ચુકાદો શું આવે છે અને કર્ણાટક વિધાનસભામાં ભાજપનાં યેદિયુરપ્પા પોતાની બહુમતી સાબિત કરે છે કે નહિ.

શું થશે યેદિયુરપ્પા સરકારનું, શું થશે કોંગ્રેસ અને જનતા દળ (એસ)નાં સપનાનું... તે જાણવા માટે ત્રીજા અંક સુધી રાહ જોવી પડશે....

-અભિજિત
17-05-2018

No comments:

Post a Comment