Sunday, May 20, 2018

કરવા ગયાં કંસાર ને થઈ ગઈ થૂલીઃ કર્ણાટકનાં નાટકમાં ભાજપનાં બેઉ બગડ્યાં


રાજકીય નાટકો માટે પ્રખ્યાત કર્ણાટકનું વધુ એક નાટક

ભાજપ દ્વારા દિગ્દર્શિત, કોંગ્રેસ અને જનતા દળ (એસ) અભિનિત ત્રિઅંકી સસ્પેન્સ નાટક...

અંક ત્રીજો અને છેલ્લો...

છેવટે કર્ણાટકનાં નાટકનો નાટકીય અંત આવ્યો. કેમ કે, સુપ્રીમ કોર્ટે 18મી મેનાં રોજ કોંગ્રેસ-જેડી (એસ) દ્વારા કરાયેલી અરજીની સુનાવણીમાં ભાજપનો અને તેમનાં તરફથી હાજર રહેલાં એટર્ની જનરલ મુકુલ રોહતગીનો ઉઘડો લીધો હતો અને કહ્યું કે, ભાજપ બહુમત કેવી રીતે પુરવાર કરશે. ત્યારે ભાજપે જવાબ આપ્યો કે અમારી પાસે પૂરતી સંખ્યા છે અને તે અમે ફ્લોર પર પુરવાર કરીશું. તો સુપ્રીમ કોર્ટે ટકોર કરી કે જો તમારી પાસે બહુમત છે તો તે પુરવાર કરવા માટે 15 દિવસનો સમય શા માટે શનિવારે જ કરો. તો ભાજપ તરફથી એવી રજૂઆત કરાઈ કે, સાત દિવસનો સમય આપવો જોઈએ. પરંતુ સુપ્રીમ કોર્ટ એકની બે ન થઈ અને અંતે 19મી મે એટલે કે શનિવારે સાંજે 4 વાગે કર્ણાટકનાં સિંહાસન પર ત્રીજી વખત આરૂઢ થયેલાં અને ક્યારેય પાંચ વર્ષ સુધી પદ પર નહિ ટકેલાં ભાજપનાં મુખ્યમંત્રી બુકાનકેરે સિદ્ધલિંગપ્પા યેદિયુરપ્પાને પોતાની બહુમત પુરવાર કરવાં માટે આદેશ કરી દીધો. હજુ આ બાબતની ભાજપને કળ વળે ત્યાં કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ કર્ણાટકનાં વિધાનસભાનાં પ્રોટેમ સ્પીકર તરીકે બી. જી. બોપૈયાની નિમણૂંક કરી. આ નિમણૂંકનાં કારણે હાલમાં જ દેશભરમાં ધૂમ મચાવનાર મલાયલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરની આંખોનાં ભવાંની માફક ફરી કોંગ્રેસનાં આંખનાં ભવાં ઊંચા નીચા થવા માંડ્યા. અને ફરી સુપ્રીમ કોર્ટમાં આ નિમણૂંકને પડકારતી અરજી કરી દીધી. આમ માત્ર એક જ સપ્તાહમાં કોંગ્રેસ પક્ષ દ્વારા બીજી કે ત્રીજી અરજી કરી દેવામાં આવી. મને લાગે છે કે કોંગ્રેસ પક્ષે એક કમિટી જ તૈયાર કરી છે જે સમગ્ર દેશમાં જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ત્યાં તેમની વિરૂદ્ધની વિગતો મેળવીને જે તે કોર્ટમાં અરજીઓ કરે. કેમ કે, કોંગ્રેસના કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, પી. ચિદમ્બરમ્ જેવા દિગ્ગજ નેતાઓ પાસે આજકાલ કોઈ કામ નથી લાગતું અને કામ ન હોય ત્યારે માણસ નખ્ખોદ વાળે એટલે કોંગ્રેસ પક્ષ અને તેમનાં પ્રમુખ રાહુલ ગાંધીએ આ નેતાઓને કામમાં વ્યસ્ત રહે એ માટે માઇઈક્રો પ્લાનિંગ કર્યું હોય એવું લાગે છે જેથી આ નેતાઓ નવરાં બેસીને ક્યાંક ભાંગરો વાટીને ભાજપને કોંગ્રેસ વિરૂદ્ધ કોઈ મુદ્દો ન આપી દે. અરે, આપણે તો નાટકનાં ત્રીજા અંકમાં છીએ અને નાટકની સ્ક્રિપ્ટ ક્યાંક આડે પાટે જતી રહી. તો ચાલો પાછાં આપણાં ઓરિજિનલ નાટક તરફ આગલ વધીએ. કોંગ્રેસે પ્રોટેમ સ્પીકરની નિમણૂંકને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે 19મી મે એટલે કે શનિવારે સવારે ફગાવી દીધી. આ અરજી જ્યારે ફગાવાઈ ત્યારે કર્ણાટક વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર બોપૈયા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવી રહ્યાં હતાં અને તેની ઉપર સતત આપણાં દેશની રાષ્ટ્રીય અને પ્રાદેશિક ન્યૂઝ ચેનલોમાં રાજકીય વિશ્લેષકો અને ભાજપ-કોંગ્રેસના નેતાઓ સતત ચર્ચા કરીને કર્ણાટકમાં શું થશે તેનો ચિતાર દર્શકો સુધી પહોંચાડ્યો.
તમામ ધારાસભ્યોનાં શપથ લેવાઈ ગયાં ત્યાં સુધીમાં એવા અહેવાલ આવ્યાં કે, કોંગ્રેસનાં બે ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં પહોંચ્યા નથી અને તેમનું અપહરણ કરાયું છે અને તેમને બંધક બનાવવામાં યેદિયુરપ્પાનાં પુત્રનું નામ ઉછળ્યું. આ ખરેખર આપણી લોકશાહી છે, જેમાં બાપ મુખ્યમંત્રી કે સાંસદ કે મંત્રી હોય એટલે બાપ કાંઈ ખોટું કરે એટલે એમનાં પરિવાર અને સૌથી પહેલાં તેમનાં નબીરાનું નામ જ બહાર આવે. આટલું ઓછું હોય એમ આવા કહેવાતા જનપ્રતિનિધિઓનાં નબીરાંઓ પણ ઓછા નથી, તેઓ પણ પોતાનાં બાપની ઉલ આપીને લોકોને સતત દાબમાં રાખતાં હોય છે. તો યેદિયુરપ્પાનાં પુત્રનું નામ ખૂલ્યું આ બે ધારાસભ્યોને ગૂમ કરવા બાબતે. જોકે, ધારાસભ્યોએ શપથ લીધાં ત્યાં સુધીમાં યેદિયુરપ્પા તેમ જ ભાજપનાં હાઈકમાન્ડ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી અને ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત અનિલચંદ્ર શાહે પણ અંદરખાનેથી સ્વીકારી લીધું હતું કે, કર્ણાટકનાં સિંહાસન પર ભાજપને બેસવું અતિ મુશ્કેલ બની ગયું છે. એટલે તેમણે યેદિયુરપ્પાનો સંપર્ક કરીને તેમને કહ્યું કે, બહુમત પુરવાર કરવો હોય તો પુરવાર કરવો અને રાજીનામું આપવું હોય તો રાજીનામું આપી દે. અને અંતિમ નિર્ણય તેમની ઉપર છોડી દીધો. જોકે, ભાજપનાં યેદિયુરપ્પાએ પણ સ્વીકારી લીધું હતું કે, તેમની પાસે બહુમત પુરવાર કરી શકાય એ મેજિક ફિગર થઈ શકે એમ નથી એટલે તેમણે 13 પાનાંની લાંબી પોતાની ઈમોશનલ સ્પીચ તૈયાર કરાવી અને લગભગ 3 વાગ્યા પછી મળેલાં વિધાનસભા ગૃહમાં તે વાંચવાની શરૂઆત કરી. અને અંતે જેમ 1996માં તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લોકસભામાં બહુમત પુરવાર ન કરી શક્યાં ત્યારે જે રીતે લાગણીશીલ થઈને સદનને સંબોધ્યું હતું એમ જ યેદિયુરપ્પાએ પણ સદનને સંબોધ્યું અને રાજીનામું આપવાની જાહેરાત કરી. જોકે, યેદિયુરપ્પા ભૂલી ગયાં કે આ પ્રકારની ઈમોશનલ સ્પીચ આપવાથી કાંઈ વાજપેયી ન બની જવાય. કેમ કે અટલ બિહારી વાજપેયી રાજકારણી હતાં પણ હાલનાં રાજકારણીઓની માફક હલ્કી રાજનીતિ નહોતાં કરતાં અને એટલે જ તેમને શ્રેષ્ઠ રાજનેતા કહેવામાં આવે છે.
ટૂંકમાં, કર્ણાટકનાં આ નાટકમાં ભાજપ તો સફળ ન થતાં એવું કહી શકાય કે કરવાં ગયાં કંસાર અને થઈ ગઈ થૂલી. ટૂંકમાં ભાજપનાં આ ખોટાં નાટકને કારણે ભાજપની છાપ તો બગડી પણ સાથે સાથે ત્રણ ગુજરાતી નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી, ભાજપનાં અધ્યક્ષ અમિત અનિલચંદ્ર શાહ અને કર્ણાટકનાં રાજ્યપાલ વજુભાઈ રૂડાભાઈ વાળાની ઈજ્જતનો ફાલૂદો થઈ ગયો એવું ચોક્કસ કહી શકાય? આ યક્ષ પ્રશ્નનો જવાબ તો વાચકો જ આપી શકશે.
ભારતને વિશ્વનાં શ્રેષ્ઠ લોકશાહી દેશ તરીકે ગણવામાં આવે છે ત્યારે છેલ્લાં કેટલાંક સમયથી દેશનું લોકતંત્રને કોઈકની બૂરી નજર લાગી ગઈ હોય એવું લાગે છે કેમ કે, દેશમાં ક્યાંય લોકશાહી જેવું દેખાઈ નથી રહ્યું. અને કર્ણાટકમાં ભાજપનાં થયેલાં ફજેતાં બાદ ભાજપનાં નેતાઓ લાજે છે કે ગાજે છે તે જોવું રહ્યું.

અભિજિત
20-05-2018

1 comment: