Thursday, May 3, 2018

સરદાર પટેલનાં નામે રાજકીય રાસડો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પટેલ મતદારો ધરાવતી 59 બેઠકો પર ખાસ્સી કસ્મકસ જોવા મળી. ત્યારે સ્વાભાવિક છે કે, પટેલ પાવર સામે રાજકીય પક્ષોને ઝૂકવું જ પડે. કેમ કે, વર્ષ 2019માં આવી રહેલી લોકસભાની ચૂંટણી અને ત્યારબાદ આવી રહેલી રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી. આ બધી ચૂંટણીમાં વિધાનસભાની માફક માર ન ખાવો પડે તે માટે પટેલ પાવરને અંકે કરવા ભાજપે પટેલ પોલિટિક્સ રમવાનું શરૂ કરી દીધું. આનું તાજું ઉદાહરણ સરદાર પટેલની જન્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય ગામનો દરજ્જો અપાવવા શરૂ થયેલાં આંદોલનને ઠારી દઈને આવનારી ચૂંટણીઓમાં પટેલનાં મતો અંકે કરવા માટેની કવાયત અત્યારથી જ શરૂ કરી દીધી છે. જોકે, કોંગ્રેસ પણ આ મામલે કાંઈ ગાંજ્યું જાય એમ નથી. એણે પણ ગુજરાત વિધાનસભામાં પટેલ પાવરનો ઉપયોગ કરીને ભાજપની વર્ષો જૂની મતબેન્કને ધરાશાયી કરી દીધી. ટૂંકમાં પટેલ પાવર એન્ડ પટેલ પોલિટિક્સ જ હાલમાં ચાલે એવો મુદ્દો છે. ટૂંકમાં કહું તો કરમસદનું આંદોલન બંધ થવું એ કરમસદવાસીઓની કરમની કઠણાઈ કહીએ તો અતિશયોક્તિ નથી લાગતી.
સરદાર પટેલની જન્મભૂમિ કરમસદને રાષ્ટ્રીય ગ્રામનો દરજ્જો આપવા માટે શરૂ થયેલાં આંદોલન અચાનક જ બંધ કરી દેવામાં આવ્યું. આ આંદોલનને બ્રેક વાગી ગઈ. તેને કારણે અનેક સવાલો ઊભાં થયાં. તેનો જવાબ મેળવવા માટે ઘણી મથામણ કરી. પણ જ્યાં જ્યાં કે જેની જેની સાથે વાત કરી તેમાં એક જ વાત ઉડીને બહાર આવી. અને તે એ કે ભાજપ દ્વારા આ આંદોલનને બ્રેક મરાવવા માટે જે પ્રકારનું રાજકારણ રમાયું તેનાથી આંદોલનકર્તાઓની સાથે સાથે આખું કરમસદ હાલમાં તો મૂંઝાયેલું છે. આ બાબતમાં એવું કહેવાય છે કે ભાજપ કે વહીવટીતંત્ર દ્વારા કોઈ લેખિત બાંહેધરી નથી આપવામાં આવી. કેમ કે, જિલ્લા કલેક્ટરનાં કહેવા પ્રમાણે આપણાં સંવિધાનમાં ક્યાંય એવી જોગવાઈ નથી કે આ પ્રકારે રાષ્ટ્રીય ગામનો દરજ્જો આપી શકાય. જોકે, એક એવી વાત પણ જાણવા મળી કે હાલ પુરતું તો આ આંદોલન અટકી ગયું છે, પરંતુ આવનારા દિવસોમાં દેશની આઝાદીનાં જેટલાં પણ લડવૈયાઓ છે, તેમાં ભગતસિંહ, સુખરામ, બાળ ગંગાધર ટિળક, મંગલ પાંડે જેવાંઓનાં ગામોને પણ રાષ્ટ્રીય ગામનો દરજ્જો મળે એ રીતે આંદોલન પૂનઃ શરૂ કરવાની હિલચાલ અંદરખાનેથી શરૂ થઈ હોવાનાં એંધાણ મળી રહ્યાં છે. ચાલો એક વાત તો સારી છે કે આપણા દેશને આઝાદ કરાવવા જેઓ ફના થયાં તેમને અને તેમનાં ગામો વિશે તો લોકો જાણશે. કરમસદનાં આ આંદોલનમાં ભાજપનાં આણંદનાં સાંસદ દિલિપ પટેલની ભૂમિકા ઉપર સીધી આંગળી ચીંધીએ તો ખોટી નથી લાગતી. દિલિપ પટેલે પોતાનો રાજકીય રોટલો શેકવા માટે આ આંદોલનની શરૂઆત કરાવી. અને તેમાં તેમને ભાજપનાં મોવડી મંડળમાંથી ઠપકો મળ્યો એટલે તેમણે યેનકેન પ્રકારેણ કાવાદાવા કરીને આંદોલન રોકવા માટે ઉપવાસીઓને પારણાં કરાવી દીધાં. અને આ પારણાં બીજા કોઈએ નહિ પરંતુ ખુદ ભાજપનાં પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીએ કરાવ્યાં. આ ઘટનાક્રમ અંગે રાજકીય વિશ્લેષક ડો. હરિ દેસાઈ કહે છે કે, ભાજપ દ્વારા સરદાર પટેલનાં નામને આગળ ધરીને જે પ્રકારે રાજનીતિ કરવામાં આવી રહી છે તે માત્રને માત્ર પોતાની બેઠકો કે સત્તા માટેની સાઠમારી જ છે. તેમણે હાલનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યાં એટલે કે વર્ષ 2002થી વખતો વખત એટલે કે વર્ષ 2012 સુધી દિલ્હીમાં વડાપ્રધાનની હાજરીમાં યોજાતી રાજ્યોના મુખ્યમંત્રીની બેઠકોમાં કરમસદને રાષ્ટ્રીય ગામનો દરજ્જો આપવાની સતત માગણી કરી હતી, સાથે સાથે તેમણે આ મામલે જે તે વડાપ્રધાનને પત્રો પણ લખ્યાં હતાં. પરંતુ, જ્યારથી તેઓ વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેમણે આ વાતને અભેરાઈએ ચડાવી દીધી છે. ત્યારે કરમસદવાસીઓની આ માગણી યોગ્ય છે કેમ કે ભૂલાઈ ગયેલી વાતને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરાવી છે.
આ બાબતે કરમસદનાં રહેવાસી અને સરદાર પટેલનાં ચાહક એવાં રશેષભાઈ પટેલે કહ્યું કે, આપણાં દેશની આ કરમ કઠણાઈ છે કે આવા રાજકીય પક્ષો પોતાનો રાજકીય રોટલો શેકવામાં માહેર છે અને તેમની આ પ્રકારની નીતિને કારણે આજે દેશને તે સજા ભોગવવી પડી રહી છે. તેમણે એક વાત સરસ કરી કે, જો સરદાર પટેલ ન હોત તો આજે ભારતનો જે નકશો છે તે જ ન હોત. કેમ કે સરદાર પટેલે જ્યારે દેશ આઝાદ થયો અને ભારત પાકિસ્તાન એમ બે ભાગમાં વહેંચાયો ત્યારે ઘણાં રજવાડાંઓને ભારત સાથે રહેવા માટે હાકલ કરી હતી અને તેમનાં આ પ્રયાસના કારણે જ આજે દેશનો આ નકશો જોવા મળે છે. તેને યાદ કરવાનું બાજુ પર રાખીને રાજકીય પક્ષો જે રીતે પોતાનો રોટલો શેકી રહ્યાં છે તે જોઈને દુઃખ થાય છે.
ગમે તે હોય પણ એક વાત તો ચોક્કસ છે કે, કોઈ પણ રાજકીય પક્ષ ભાગલાં પાડીને રાજ કરવાનાં ગમે તેટલાં પેંતરા ઘડે પણ વખત આવ્યે તમામ લોકો પોતાની એકતાની તાકાત તો બતાવે જ છે. અને આ જ વાત કદાચ ભાજપને ખટકી હોય.
- અભિજિત
03-05-2018

3 comments: