Wednesday, August 26, 2015

અનામતની આંધીમાં વિસરાયા ગાંધી



25મી તારીખે સાંજે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની ક્રાંતિ રેલીના સ્થળેથી કરાયેલી ધરપકડ બાદ તેની આંધી એટલી બધી ફેલાઈ કે શાંતિપ્રિય ગુજરાતમાં અશાંતિનો માહોલ ઊભો થઈ ગયો. આ ઘટના માટે કોણ જવાબદાર? કોને કારણે આ હિંસા ફેલાઈ? કોણ ગુજરાતની શાંતિનો દુશ્મન છે? એવા સવાલો લોકોને થવા લાગ્યા. અને આવા સવાલો થવા જ જોઈએ. કેમ કે ગાંધીના ગુજરાતમાં અહિંસાને બદલે હિંસાનો માર્ગ અપનાવીને પોતાનો રોટલો શેકવો કેટલો વ્યાજબી છે? આ બધા સવાલોના જવાબ તો મળતા મળશે પણ, એક વાત ચોક્કસ છે કે, અનામતની આંધીએ ગાંધીને વિસરાવી દીધા. મહાત્મા ગાંધીજીએ અહિંસાનો માર્ગ અપનાવીને જેમ અંગ્રેજોને ખદેડ્યા હતા, તેમ તેમના ચિંધેલા માર્ગે ચાલીને કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવી શકે એવું હોવા છતાં પણ, કેટલાંક રાજકીય પક્ષોની હુંસાતુંસીએ ગઈકાલે ગુજરાતની શાંતિપ્રિય પ્રજાની શાંતિ હણી લીધી છે. ગુજરાતની પ્રજાએ આવા તત્વોને ઓળખી લેવા જોઈએ અને તેમને પાઠ ભણાવવા માટે ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવવો જોઈએ એવું લાગે છે.
ગઈકાલને ઘટનાએ ત્રીસ વર્ષ પહેલા બનેલી આવી જ ઘટનાની યાદ તાજી કરાવી. વર્ષ 1985માં અનામત વિરોધી આંદોલનની આંધીએ સમગ્ર અમદાવાદ અને રાજ્યમાં અરાજકતા સર્જી હતી. તો વર્ષ 2015માં અનામત આંદોલનની આંધીએ ગુજરાતની શાંતિને ડહોળી નાખી છે. આ બધામાં બિચ્ચારી નિર્દોષ પ્રજાની ખો નીકળી રહી છે. જે રીતે છમકલાં થયા તેમાં જાહેર સંપત્તિને જ નુકશાન થયું છે. આવા તોફાનો કરનાર તોફાની તત્વોને માલૂમ નથી કે આવી રીતે જાહેર સંપત્તિને નુકશાન એ આપણું પોતાનું જ નુકશાન છે. કેમ કે, જો આવી સંપત્તિને નુકશાન કરીએ એટલે એને પૂર્વવત કરવા માટે ખર્ચ કરવો પડે અને જે ખર્ચ થાય તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર ટેક્સ નાંખે અને એ ટેક્સ આખરે પ્રજાએ જ ભરવો પડે છે. આમ આ પ્રકારના નુકશાનથી રાજ્ય સરકારનું બજેટ તો બગડે જ છે, પણ ટેક્સ વધવાના કારણે પ્રજાની કમર પણ તૂટી જાય છે. આ બધું આવા તત્વોએ સમજવું જોઈએ અને કોઈ પણ પ્રકારના તોફાનો કે જાહેર સંપત્તિને નુકશાન કરતાં પહેલાં વિચારવું જોઈએ. શાંતિના હિમાયતી એવા ગાંધીના ગુજરાતમાં જ જો અશાંતિનો માહોલ સર્જાય તો આપણા ગુજરાતીઓની છાપ સમગ્ર દેશ અને વિશ્વમાં કેવી પડે એ પણ વિચારવું જોઈએ. જો આવો જ માહોલ રહે તો વિદેશી રોકાણકારો છેલ્લાં કેટલાંક વર્ષોથી ગુજરાતમાં રોકાણ કરવા આવી રહ્યા છે અને તેના કારણે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, તેમાં બ્રેક લાગી જાય. એક દિવસના આવા છમકલાંથી ગુજરાતને જ નુકશાન થાય છે એ સમજવું જરૂરી છે.
ગઈકાલની ઘટના બાદ બીજા દિવસે એટલે કે 26મી ઓગસ્ટે સમગ્ર અમદાવાદ શહેરમાં બધું જ ઠપ્પ થઈ ગયું છે, એએમટીએસ, બીઆરટીએસ પણ બંધ છે. લોકોના ધંધા રોજગાર બંધ છે. રોજે રોજ કમાઈને બે ટંકનો રોટલો રળતા લોકોના ઘરમાં આજે ચૂલો પણ સળગશે કે કેમ એ એક યક્ષ પ્રશ્ન છે. આ બધું કોણ કરાવે છે તેને ઓળખી લેવાની પ્રજાએ જરૂર છે. અને આવા તત્વોને પ્રોત્સાહન આપવાના બદલે તેમને સમજાવવાની જરૂર છે, કે હિંસાથી કોઈનો ઉદ્ધાર નથી થતો પણ ઉલ્ટાનું નુકશાન આપણે જ ભોગવવું પડે છે. દરેક સમસ્યાનો ઉકેલ હિંસાથી જ આવે એ માનસપટમાંથી ડિલિટ કરી દેવું જોઈએ અને જે કોઈ સમસ્યા છે તેના માટે ચર્ચા કરીને તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરવા જોઈએ.
પાટીદારોની ક્રાંતિ રેલી બાદ રાત્રે રાજ્ય સરકારે પાટીદાર નેતા હાર્દિક પટેલની ધરપકડ મામલે પોલીસને કોઈ આદેશ આપ્યા નથી એવું કહીને પોતાના હાથ ખંખેરી લીધા. જે બતાવે છે કે રાજ્ય સરકાર પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ કરાવીને પોતાની રાજકીય ખીચડી પકવવા માંગે છે. પ્રજાએ આવા નેતાઓને ઓળખી લેવા જોઈએ અને તેમને આવનારી ચૂંટણીમાં પાઠ ભણાવવો જોઈએ. હિંસાના માર્ગે કશું ન મળે પણ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં તેનો પરચો બતાવીને આવા તત્વોને ઘેર બેસાડવાનો માર્ગ વિચારવો જોઈએ.
આટલું ઓછું હોય એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈરાત્રે સમગ્ર ગુજરાતમાં ફાટી નીકળેલી હિંસા બાદ આજે બપોરે પ્રજાને શાંતિ જાળવવા અપીલ કરી. આ અપીલ પાછળનો તેમનો આશય સ્પષ્ટ છે કે તેઓ આ ઘટનાથી નારાજ તો છે પણ સાથોસાથ તેમના રાજ્યના વિકાસ માર્ગમાં કોઈ વિઘ્ન ન આવે તેની ચિંતા પણ સતાવી રહી હોય એવું તેમના નિવેદન દરમિયાનના ચહેરા પરના હાવભાવ પરથી ફલિત થતું હતું.
ટૂંકમાં પ્રજાએ આ વાત સમજીને શાંતિ જાળવવી જોઈએ અને ગુજરાતના વિકાસમાં ખભે ખભા મિલાવીને દરેક ગુજરાતીનું સપનું સાકાર થાય એવા પ્રયાસો કરવા જોઈએ.
-અભિજિત
26-08-2015

No comments:

Post a Comment