Tuesday, August 25, 2015

પાટીદારો અને સરકારની હુંસાતુંસી એટલે અનામત આંદોલન



છેલ્લાં કેટલાંક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત છેવટે 25મી તારીખે સવારે આવી ગયો. પાટીદાર અનામત આંદોલનની રેલી સોરી રેલો સવારથી શરૂ થયો અને છેક સાંજ સુધી ચાલુ રહ્યો. જેના કારણે પશ્ચિમ અમદાવાદના ધંધા રોજગાર બંધ રહ્યાં અને રસ્તાઓ પણ પોલીસે અગમચેતી રૂપે બંધ કરી દીધા હતા. જેના કારણે પશ્ચિમ અમદાવાદના રહીશોને પોત પોતાના ઘરમાં પૂરાઈ રહેવું પડ્યું હતું. આ પ્રકારે રસ્તા અને ધંધા રોજગાર બંધ કરાવીને સરકાર અને પાટીદારો શું સાબિત કરવા માંગે છે. પાટીદારોના અનામત આંદોલન અને રાજ્ય સરકારની હુંસાતુંસી વચ્ચે બિચ્ચારી પશ્ચિમ અમદાવાદની પ્રજાની ખો નીકળી ગઈ.


સવારે નિયત સમય કરતાં વહેલાં જ આ આંદોલનના પ્રણેતા અને યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ તેમના કાફલા સાથે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલી ક્રાંતિ રેલીના સ્થળ પર પહોંચી ગયા. જેવા તે સ્ટેજ પર આવ્યા કે આખા ગ્રાઉન્ડ અને ગ્રાઉન્ડ બહાર 132 ફૂટ રીંગ રોડ પર ઉમટી રહેલા પાટીદારો જોશમાં આવી ગયા અને જય સરદારના નારાથી વાતાવરણ ગજવી મૂક્યું. હાર્દિક પટેલે સતત દોઢ કલાક સુધી ભાષણ આપ્યું અને પાટીદારોમાં જુસ્સો અને જોમ રેડ્યું.

આ સભા ચાલુ હતી ત્યાં વધુ એક ડિંડક આવ્યું. અને એ હતું પાટીદારના પીઢ અગ્રણી લાલજીભાઈ પટેલ અને તેમના કાર્યકર્તાઓએ લાલજીભાઈને સ્ટેજ પર લાવવાની માગણી કરી ત્યારે એક સમયે તો એવું લાગ્યું કે આ સભામાં જ બે ભાગ પડી જશે અને અફરાતફરી મચી જશે. પણ, એવું ન થયું. લાલજીભાઈ પણ સ્ટેજ પર બિરાજમાન થયા અને શરૂ થઈ સામસામી જીભાજોડી. અને ટકરાયા બન્ને નેતાઓના અહમ્. આ અહમ્ નહોતો પણ, ગુજરાત સરકારની ચાલ હોય એવું લાગી રહ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની જૂની અને જાણીતી નીતિ રીતિ પ્રમાણે એક જ સમાજમાં તડાં પાડીને અંદર અંદર ઝઘડાવી મૂકવાનો કારસો રચાયો.


આ મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ ગ્રુપ ગઈકાલ રાતથી જ એકબીજાની સામે આવી ગયા હતા. ગઈકાલે રાત્રે બેનરની બબાલથી શરૂ થયેલો આ વિવાદ આજે સવારે સભા બાદ તે ચરમસીમાએ પહોંચી ગયો હતો. હાર્દિક પટેલના ભાષણ અને તેમાં ભૂખ હડતાળ પર ઉતરવાની જાહેરાત સાથે જ સરદાર પટેલ ગ્રુપ (એસપીજી)ના નેતા લાલજીભાઈ પટેલે પત્રકાર પરિષદમાં પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે ભૂખ હડતાળના હાર્દિકના નિર્ણયની જાણ સ્ટેજ પર પહોંચ્યા બાદ તેમને થઈ હતી. અને તેમણે આ ભૂખ હડતાળ પર બેસવાના હાર્દિકના નિર્ણય તેમ જ સરકાર વિરોધી નિવેદનોથી પોતાને અલગ કરી દીધા હતા.

અનામત માટે પાટીદારોની રેલી અમદાવાદ કલેક્ટરની કચેરીએ જવાના હતા, પણ આ રેલી શરૂ થાય એ પહેલાં જ શહેરના કલેક્ટર પોતે જીએમડીસી ગ્રાઉન્ડ આવી પહોંચ્યા આવેદન પત્ર સ્વીકારવા. જોકે, હાર્દિક પટેલ આણિ કંપનીએ તેમને આવેદન પત્ર આપવાની ધરાર ના પાડી દીધી અને અચાનક જ તેમણે એવી જાહેરાત કરી દીધી કે, જ્યાં સુધી મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ખૂદ જીએમડીસી ગ્રાઉન્ડના મંચ પર આવીને આવેદન પત્ર ન સ્વીકારે ત્યાં સુધી ભૂખ હડતાળનું એલાન કરી દીધું. આ જાહેરાત થતાં જ લાલજીભાઈ પટેલ આણિ કંપનીને પણ જાણે જોર કા ઝટકા જોર સે લગા હોય એવી લાગણી ફેલાઈ ગઈ.

સભામાં તડાં ન પડતાં જ રાજ્ય સરકારના પેટમાં પણ તેલ રેડાયું અને બીજી બાજુ ગાંધીનગરમાં તાકીદની વરિષ્ઠ મંત્રીઓની બેઠક મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે તેમના નિવાસસ્થાને બોલાવી અને સરકારી નીતિ પ્રમાણે ચર્ચા શરૂ કરી. પાટીદારોની આ રેલીએ રાજ્ય સરકાર અને ખાસ કરીને ભાજપની નેતાગીરીને વિમાસણમાં મૂકી દીધા છે. રેલીને કારણે પશ્ચિમ વિસ્તારમાં ધંધા-રોજગાર બંધ હતાં. પણ જ્યાં જ્યાં દુકાનદારોએ પોતાની રોજી કમાવા દુકાનો શરૂ કરી હતી તેઓને રેલીમાં આવેલા પાટીદારોએ ઝપેટમાં લીધા અને જબરજસ્તીથી દુકાનો બંધ કરાવી. જેમાં થોડાં ઘણાં છમકલાં એટલે કે પથ્થરમારો થયો અને પછી પોલીસ પણ તાનમાં આવી ગઈને અને તેમણે શરૂ કરી ડંડાવાળી. આ પરિસ્થિતિ વણસતી જોઈને રાજ્ય સરકાર પણ ગભરાઈ ગઈ અને તેઓએ શાંતિની અપીલ કરવાનું શરૂ કર્યું, તો બીજી બાજુ પાટીદારોના કહેવાતા નેતાઓએ પણ શાંતિ જાળવવા અપીલ કરી. તો કેટલાંક પાટીદાર નેતાઓએ સુફિયાણી વાતો કરવા લાગ્યા કે રેલીના આગલા દિવસે કેમ અપીલ ન થઈ એવા સવાલો પોતાના જ સમાજના કહેવાતા આગેવાનોને પૂછવા લાગ્યા. પણ, એ લોકો કેમ ભૂલી જાય છે, કે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો જોડાયા હોય ત્યારે કોણ કાંકરીચાળો કરશે તેની ખબર થોડી હોય છે, અને આટલી મોટી સંખ્યાને શાંત રાખવા પણ મુશ્કેલ હોય છે. પણ ભગવાન સૌનું ભલું કરે કે પોલીસે થોડી ડંડાવાળી કરીને પરિસ્થિતિને કાબૂમાં લઈ લીધી. આ કાંકરીચાળાને કારણે ગાંધીનગરમાં ગાદી પર બેઠેલા રાજકીય નેતાઓને પણ ડર લાગવા માંડ્યો અને તેમના નિવાસસ્થાનની આસપાસ પોલીસ બંદોબસ્ત વધુ મજબૂત કરાવી દીધો.

પાટીદારોની આ રેલી અને તેમાં ભાજપની તડાં પાડવાની વૃત્તિ ઉઘાડી પડી ગઈ ત્યારે આવનારા દિવસોમાં જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આ પાટીદારો ભાજપને તમામ મહાનગરપાલિકામાંથી ઘેર બેસાડે તો નવાઈ નહિ.

આજની આ રેલી ઉપર મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ સવારથી જ નજર માંડીને બેઠા હતાં તો, દિલ્હીમાં બેઠેલા સાહેબ એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ થોડા થોડા સમયે અમદાવાદની રેલી અંગે જાત માહિતી મેળવીને તેમના જ પક્ષની રાજ્ય સરકારને માર્ગદર્શન આપી રહ્યા હતા. અને તેમની સૂચના મૂજબ કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાયો કે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પાટીદાર નેતા હાર્દિક પટેલનું આવેદન પત્ર સ્વીકારવા જીએમડીસી ગ્રાઉન્ડ નહિ જાય અને પીએમઓમાંથી પણ તેમને થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો.

આટલું ઓછું હોય એમ પાટીદારોનો જુસ્સો જોઈને અન્ય સમાજના લોકો પણ હવે અનામત લેવા માટે રેલીઓ કાઢવા તૈયાર થઈ ગયા છે. આગામી 30 તારીખે ગુલબાઈ ટેકરાથી લો ગાર્ડન સુધી વૈષ્ણવ સમાજે રેલી કાઢવાનો નિર્ણય કરી લીધો છે, તો અન્ય સમાજ પણ તેમાં પાછળ પડે એવા નથી અને આવનારા દિવસોમાં ક્યાંકને ક્યાંક આવી રેલીઓ જોવા મળી શકે છે.

ટૂંકમાં કહીએ તો, પાટીદારોના આ આંદોલન અને રેલીને કારણે એક વાત ચોક્કસ છે કે, આટલા મોટા આંદોલન પાછળ જરૂરથી કોઈકનો દોરી સંચાર છે. કેમ કે ચોક્કસ દોરી સંચાર વગર આટલી મોટી રેલી યોજવી હાર્દિક પટેલ કે લાલજીભાઈ પટેલ જેવા નેતાઓની તાકાત નથી.

-અભિજિત
25-08-2015

No comments:

Post a Comment