Monday, August 24, 2015

ખરેખર આંદોલન કે ખુરશીની ખેંચતાણ!!!!



છેલ્લાં કેટલાંક મહિનાઓથી ગુજરાતમાં પાટીદારોનું અનામત આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલન કરવા પાછળ પટેલોનું માનવું છે કે, તેમના સમાજને વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે. અને તેમના બાળકોને સારું શિક્ષણ કે નોકરી મળતી નથી. પણ, આ આંદોલન એ યુવા પટેલો પ્રેરિત છે કે કોઈના દોરીસંચાર હેઠળ યુવા પટેલોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ એ તો સમય જ કહેશે.
ભારત દેશ એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. અંગ્રેજો આવ્યા અને તેમણે 200 વર્ષ સુધી જે પ્રકારે રાજ કર્યું તે રીતે જ આજે આઝાદીના 69 વર્ષ પૂર્ણ થયા છતાં પણ ચાલી રહ્યું છે. પહેલાં કોંગ્રેસે દેશ પર રાજ કર્યું અને હવે ભાજપ (એનડીએ)નું રાજ છે. કોંગ્રેસે જે રીતે વર્ષો સુધી લઘુમતી સમાજના મત મેળવવા માટે મતોનું ધ્રુવીકરણ કર્યું તે રીતે જ ભાજપ પણ આગળ વધી રહ્યું છે. કોંગ્રેસે લઘુમતીઓના મસીહા બનીને કોમ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવ્યું તો, ભાજપ પણ સવર્ણ અને અન્ય કોમોને ઉશ્કેરીને પોતાની સત્તા ટકાવી રાખવા માટે ધમપછાડા કરી રહ્યો છે.
અંગ્રેજોએ 200 વર્ષ સુધી દેશમાં ભાગલા પાડો અને રાજ કરો (Divide and Rule)ની નીતિ અપનાવી રાજ કર્યું તે જ માર્ગે આજે ભાજપ પણ ચાલી રહ્યો હોય એવું લાગે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે પણ તેમણે કેટલીક સવર્ણ જાતિઓને અંદર અંદર લડાવીને પોતાનો અને પોતાના પક્ષનો રાજકીય રોટલો શેક્યો હતો, એવી જ રીતે આજે પણ તેઓ જ્યારે વડાપ્રધાન બન્યા છે, ત્યારે તેમની નજીકના કેટલાંક રાજકીય નેતાઓ પટેલોને અને ખાસ કરીને યુવા પટેલોને ઉશ્કેરીને આંદોલન કરવા પ્રેરી રહ્યા છે. આ આંદોલન કરાવીને ભાજપ અધર બેકવર્ડ ક્લાસ (ઓબીસી)ને પણ ઉશ્કેરે છે અને તેમને પણ આ પાટીદાર આંદોલન દ્વારા પટેલો તેમની અનામતમાં ભાગ પડાવી રહ્યા હોવાનું ખપાવીને તેમને પણ આ પટેલોની વિરુદ્ધ આંદોલન કરવા ઉશ્કેરી રહ્યાં છે. રવિવારે આ ઓબીસીની એક સભા અમદાવાદના આરટીઓ પાસે યોજાઈ હતી અને મંગળવારે અમદાવાદમાં જ જીએમડીસી મેદાન ખાતે પાટીદારોની ક્રાંતિ રેલી યોજાવાની છે. આ રેલીમાં રાજ્યભરમાંથી પાટીદારો મોટી સંખ્યામાં ઉમટી પડવાના છે, ત્યારે આવનારા દિવસોમાં આ આંદોલનો કેવો રંગ લાવશે એ તો સમય જ કહેશે.
ગુજરાતમાં ભૂતકાળમાં જ્યારે ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ પટેલે શપથ લીધા ત્યારે પણ ખજૂરાહો કાંડ અને પછી વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં રાહત કામગીરીમાં કૌભાંડોનો સહારો લઈને ભાજપના જ કેટલાંક નેતાઓએ રાષ્ટ્રીય નેતાઓને ફરીયાદ કરી હતી અને તેના ભાગરૂપે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા મજબૂર કરી દીધા હતા. આવી જ પરિસ્થિતિ આજે ફરી એકવાર સર્જાઈ રહી છે.
વર્ષ 2001થી સાહેબે ગુજરાતમાં શાસનની ધૂરા સંભાળી અને વર્ષ 2014માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે ભગવો લહેરાવ્યો અને સાહેબે દેશના વડાપ્રધાનની ગાદી સંભાળી. સાહેબની ગુજરાતમાંથી વિદાય થતાં પહેલાં રાજ્યમાં કોણ મુખ્યમંત્રી બનશે તેની દ્વિધા લોકોને સતાવતી હતી. અને ઘણાં નેતાઓ પોતાને મુખ્યમંત્રી બનાવવામાં આવશે એવા સ્વપ્ન પણ જોવા લાગ્યાં, પણ સાહેબે તેમના સ્થાને પટેલ અને રાજ્યના પહેલા મહિલા મુખ્યમંત્રીના માન સાથે બહેન એટલે કે આનંદીબહેન પટેલને બનાવ્યા. આ વાત ઘણાં નેતાઓને ખૂંચી અને પછી શરૂ થઈ સત્તાની સાઠમારી.
વર્ષ 2001થી લઈને 2015ના જુલાઈ મહિના સુધી કોઈ પ્રકારના આંદોલન ન થયાં અને એકદમ જ પાટીદારોનું અનામત આંદોલન ઊભું થયું. આ જ બતાવે છે કે આ સમગ્ર આંદોલન પાછળ ભાજપના જ કોઈ મોટા નેતાનો દોરી સંચાર છે. આ આંદોલન કરાવીને ભાજપનો એક વર્ગ મુખ્યમંત્રી તરીકે આનંદીબહેન પટેલ નિષ્ફળ રહ્યા છે એવા દાવા કરવા સજ્જ થઈ ગયાં છે. અને આવનારા દિવસોમાં બહેનની ખુરશી ચાલી જાય એ માટે માસ્ટર સ્ટ્રોક લગાવવા તૈયાર થાય તો નવાઈ નહિ.

-અભિજિત
24-08-2015

1 comment:

  1. If bhajapa is involved than its good bcz they want to change the system bt most of the ministers are from reservation so they can not do this officially so they are trying to do this indirectly..

    ReplyDelete