Thursday, June 11, 2015

તબીબી શિક્ષણઃ ગતિશીલ ગુજરાતનું અગતિશીલ ભણતર


ગુજરાતભરમાં શાળા કોલજમાં પ્રવેશની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે. તમામ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે બેઠકોની સંખ્યા છે. પણ, મેડિકલમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા સામે માત્ર જૂજ બેઠકો હોવાના કારણે ઘણાં વિદ્યાર્થીઓને તેમના મનપસંદ એવા મેડિકલ અભ્યાસથી વંચિત રહેવું પડે છે. આવી પરિસ્થિતિ માટે જવાબદાર કોણ એવો સવાલ દરેકના મનમાં ઉઠે એ વાત સ્વાભાવિક છે. રાજ્ય સરકાર કાયમ ચિપિયા પછાડીને કહે છે કે દરેકને શિક્ષણ મળી રહે તે માટે કટિબદ્ધ છે. પણ, હકીકતમાં રાજ્ય સરકારને બાળકોના ભવિષ્યની કોઈ ચિંતા નથી, તેમને ચિંતા છે તો માત્ર તેમની સત્તાની અને પૂનઃ સત્તા પર આવવાની જ હોય છે.
મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે તેમના કાર્યકાળના એક વર્ષ પૂરા કર્યા અને એક નવું સૂત્ર આપ્યું ગતિશિલ ગુજરાત... શું આ છે આપણું ગતિશિલ ગુજરાત? ના, આ છે આપણા ગતિશીલ ગુજરાતનું અગતિશીલ ભણતર....
ગુજરાત બોર્ડના આંકડા પ્રમાણે આ વર્ષે ઘણાં વિદ્યાર્થીઓએ ગુજકેટની (મેડિકલ અને પેરા મેડિકલ માટે લેવાતી કોમન એન્ટરન્સ ટેસ્ટ) આપી. તેમાંથી લગભગ 80 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયાં. આટલી મોટી સંખ્યા સામે મેડિકલમાં માત્ર 3080 બેઠકો જ છે. આટલી મોટી સંખ્યાના વિદ્યાર્થીઓ સામે માત્ર આટલી બેઠક... યે બાત કુછ હજમ નહિ હુઈ....
રાજ્ય સરકાર એકબાજુ ગાઈ વગાડીને કહે છે કે રાજ્યના તમામ બાળકને ભણવાનો અધિકાર છે. તો શું આ રીતે તમામ બાળકોને ભણાવશે. રાજ્યમાં તબીબી ક્ષેત્રે ભણતર માટે સુવિધાઓના નામે મીંડું છે. કેમ કે, રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજની સંખ્યા માત્ર છ છે, તો સામી બાજુએ સ્વનિર્ભર કોલેજની સંખ્યા 12 છે. આ કોલેજોમાં કુલ 2780 બેઠકો છે, જેમાંથી માત્ર 1000 બેઠકો જ સરકારી કોલેજમાં છે જ્યારે 1780 બેઠકો સ્વનિર્ભર કોલેજોમાં છે. આવા સંજોગોમાં મેડિકલ ક્ષેત્રે પોતાની કારકીર્દી ઘડવા માંગતા ગરીબ-મધ્યમ વર્ગના બાળકો ક્યાં જાય? રાજ્ય સરકારે શિક્ષણની ગુણવત્તા સુધારવાના નામે સ્વનિર્ભર શાળા કોલેજને મંજૂરી આપીને ગરીબ મધ્યમ વર્ગના લોકોની ખો કાઢી નાખી છે. કેમ કે, સ્વનિર્ભર શાળા કોલેજના સત્તાધીશો કમાણીના આશયથી ફીનું ધોરણ એટલું ઊંચું રાખે છે કે, ગરીબ મધ્યમ વર્ગના લોકોને તે પરવડે તેમ ન હોવાથી આ વર્ગના બાળકો અન્ય ક્ષેત્રમાં ન જવા માંગતા હોવા છતાં પણ નાછૂટકે જાય છે. અને જિંદગીની નાવને આગળ ધપાવવા પ્રયાસ કરે છે, પણ તેમાં તે સફળ નથી થતાં. આ માટે જવાબદાર અન્ય કોઈ નહિ પણ માત્રને માત્ર રાજ્ય સરકાર જ છે. શું રાજ્ય સરકાર આવી રીતે સર્વ શિક્ષા અભિયાન ચલાવવા માંગે છે?
ગુજરાતના લાખો બાળકોના ભાવિ અત્યારે અદ્ધરતાલ છે, તો તે માત્રને માત્ર મેડિકલની બેઠકોને કારણે કેમ કે તેમણે નક્કી કરેલી કારકિર્દી થશે કે નહિ તેની દ્વિધા તેમને અને તેમના માતા-પિતાને જરૂર સતાવી રહી હશે. પણ, કોઈ ચિંતાની જરૂર નથી કેમ કે મોદીજી કહી ગયા છે ને કે અચ્છે દિન આયેંગે. હવે તે કોના માટે અને ક્યારે એતો મોદીજી અને તેમના પક્ષના નેતાઓ જ જાણે......

-અભિજિત
11-06-2015

No comments:

Post a Comment