Saturday, September 13, 2014

ધરતીના સ્વર્ગને લાગી કોની નજર....


(ગુલમર્ગ)   
કિતની ખૂબસૂરત યે તસ્વીર હૈ,
મૌસમ બેમિસાલ, બેનઝીર હૈ,
યે કશ્મીર હૈ, યે કશ્મીર હૈ....

ઉક્ત ગીતોની પંક્તિઓ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અભિનિત ફિલ્મ "બેમિસાલ"ની છે. ખરેખર વર્ષો પહેલા આવેલી આ ફિલ્મનું ગીત આજે પણ સાંભળું કે જોવું કશ્મીરની એ હસીન વાદીઓ યાદ આવી જાય, જ્યાં ગયા વર્ષે પરિવાર સાથે જવાનું થયું.. આ એ જ કશ્મીરને સંબોધીને ગીત લખવામાં આવ્યું છે જેને લોકો ધરતીનું સ્વર્ગ કહે છે. અને સાચે જ ધરતી પર સ્વર્ગ ક્યાંય છે તો તે કશ્મીરમાં જ છે. દેશ આઝાદ થયો ત્યારથી અહીંના કુદરતી સૌન્દર્યને માણવાનું હરકોઈ પોતાની જિંદગીમાં ઈચ્છે અને ઘણાની એ ઈચ્છા ફળે અને ઘણાની મનમાંને મનમાં જ રહી જાય. કશ્મીરના સૌન્દર્યની વાત જ નિરાળી છે. અને ખરેખર તે ધરતી પરનું સ્વર્ગ જ છે. દેશ આઝાદ થયો ત્યારથી પાકિસ્તાનની નાપાક નજર આ આપણા સ્વર્ગ પર લાગી ગઈ છે. છેલ્લા કેટલાય વખતથી આતંકવાદે કશ્મીર પર ભરડો લીધો હતો. અને તેને કારણે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યા દિનપ્રતિદિન ઘટવા લાગી હતી. પણ ધીમે ધીમે આ સમસ્યામાંથી કશ્મીર મુક્ત થયું, જોકે સંપૂર્ણપણે હજુ આતંક્વાદમાંથી કશ્મીરને મુક્તિ નથી મળી. પણ આશા છે કે કશ્મીરમાંથી આતંકવાદનો ખાત્મો બહુ ઝડપથી થશે. હાલમાં થોડે અંશે આતંકવાદના ભરડામાંથી મુક્ત થયેલા કશ્મીરમાં ફરી એકવાર પ્રવાસીઓની લાઈન લાગવા માંડી. અને એનું સૌન્દર્ય સોળે  કળાએ ખીલી ઉઠ્યું હતું... કુદરતી સૌન્દર્યથી ભરપૂર એવા કશ્મીરમાં ફરવા ગયા હોઈએ અને બરફવર્ષા ના જોઈએ તો કશ્મીરનો ફેરો અસફળ ગણાય... કેમકે, આ જ બરફવર્ષા જોવાની અને માણવાની મઝા જ કંઇક ઓર છે.
ગઈ દિવાળીમાં કશ્મીર ગયા તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે બરફવર્ષા થશે અને માનીશું.. કેમકે, સામાન્ય રીતે ડિસેમ્બરમાં બરફવર્ષા થતી હોય છે, એવું અમે પહેલગામમાં જયારે આરુ વેલીથી ચંદનવાડી જઈ રહ્યા હતા ત્યારે અમારી કારના ડ્રાઈવર નાસીરભાઈએ કહ્યું. આરુ વેલીથી ચંદનવાડીના માર્ગે જયારે હિમવર્ષા શરૂ થઇ અને તે માત્ર ફિલ્મોમાં જોઇને સંતોષ માનતા હતા એ દ્રશ્યો નજરોનજર નિહાળીને એવું લાગ્યું કે આ સપનું કે કોઈ ફિલ્મ તો નથી જોઈ રહ્યા ને....!!!!! રસ્તાની બંને બાજુ પર આવેલ વૃક્ષો અને જે રસ્તા પરથી કાર જઈ રહી હતી તે રસ્તા પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ, અને તે જોઇને ખરેખર મઝા પડી ગઈ. આવા સમયે એમ લાગ્યું કે, ખરેખર જીવન સાર્થક થઇ ગયું.
(ચંદનવાડી માર્ગ)
આવો માહોલ તે સમયે જોઇને ખરેખર માન્યું કે, હિમવર્ષાને કારણે જ આ કશ્મીરની સુંદરતા માણવાનો અને એનો લુફ્ત ઉઠાવવાનો મસ્ત મોકો મળી ગયો.
જોકે, 2 સપ્ટેમ્બરના રોજ આ સુંદરતાને જાણે કોઈની નજર લાગી ગઈ હોય એમ કહો અથવા તો કુદરત રૂઠી હોવાના કારણે આખી કશ્મીરની વાદીમાં મેઘરાજાના પ્રકોપે ખૂબસૂરત કશ્મીરને બદસૂરત બનાવી દીધું... આખી કશ્મીર ઘાટીમાં આવેલા વિનાશક પૂરને કારણે આખું કશ્મીર જાને થંભી ગયું હોય એમ લાગે છે. કશ્મીર પ્રવાસ વખતે જ્યાં પણ ફર્યા ત્યાં જે લોકો આટલી હિમવર્ષામાં પણ હસતા મોંઢે અમારી સાથે રહીને વિસ્તાર કે જગ્યાની જાણકારી આપી હોય એવા એ માસૂમ અને નિર્દોષ લોકો આજે કુદરતની થપાટ ખાધા બાદ કેવી સ્થિતિમાં હશે તે વિચારમાત્રથી ધ્રુજારી છૂટી જાય છે. કેમ, કે આ એ લોકો છે જેમને હિમવર્ષામાં ગાત્રો થીજાવી દે તેવી ઠંડીમાં થીજી ગયેલા શરીરમાં કેવી રીતે ગરમાવો પાછો લાવવો તે બતાવ્યું. બરફવર્ષામાં થીજી ગયેલા હાથને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવા માટે કશ્મીરી પ્રજાની પ્યારી "કાંગરી" પર હાથ મુકવાનું શીખવાડ્યું.. એ લોકો સહી સલામત હોય એવી દુવા કરું છું.

 (દલ લેક)
સુંદરતાની મિસાલ સમા બેમિસાલ કશ્મીરમાં આજે આવકનો સ્રોત અટકી ગયો છે, ઠેર ઠેર પાણી અને પાણીની વચ્ચે કશ્મીરની પ્રજા સહાય માટે ફાંફા મારતી જોઇને કઠણ કાળજાનો માનવી પણ પોતાની આંખના આંસુ રોકી ના શકે એવી હાલત થઇ છે. અને આમ મેઘરાજાના પ્રકોપ સામે સોળે કળાએ ખીલેલું કશ્મીર કરમાઈ ગયું...

અભિજિત
12/09/2014

No comments:

Post a Comment