Saturday, June 20, 2015

વિશ્વ યોગ દિનની ઉજવણીઃ નિષ્ફળતા ઢાંકવાનો કારસો કે ખરેખર જાળવવો છે યોગનો વારસો



આવતીકાલે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. યુનોએ ભારતીય લોકોની લાગણી અને માગણીને માન આપીને દર વર્ષની 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આ જાહેરાત થતાં જ કેટલાંક લોકોએ આ માટેની પ્રસિદ્ધિ લેવાની તક ઉપાડી લીધી અને પોતાના ટ્વીટર તેમ જ ચેલાઓ દ્વારા જાહેરાત કરાવી દીધી કે દરેક સરકારો દ્વારા અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા જાહેરમાં યોગ કરવા લોકોએ ભેગા થઈને આ દિવસની ભવ્ય ઉજવણી કરવી. આ વાતને જી સાહેબ જી સાહેબ કરનારા લોકોએ ઉપાડી લીધી અને સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરવા માટે કરોડોનો ધૂમાડો કરવાની શરૂઆત કરી દીધી. આ પ્રકારે આંતરરાષ્ટ્રીય યોગ દિનના દિને સામૂહિક યોગના કાર્યક્રમો યોજાવીને કેન્દ્ર સરકારે હાલમાં કેન્દ્ર સરકાર અને ખાસ કરીને ભાજપના નેતાઓ વિરોધ દેશભરમાં ચાલી રહેલા વિવાદો પર પડદો પાડવા અને લોકોનું ધ્યાન બીજે ડાયવર્ટ કરવાનો પ્રયાસ ચોક્કસ કામ કરી ગયો.
દેશમાં હાલમાં કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે સિંધિયાની ભૂતપૂર્વ આઈપીએલ ચેરમેન લલિત મોદીને મદદ કરવાનો આરોપ લાગ્યો છે અને તેની આગ સમગ્ર દેશમાં ફેલાઈ છે. આ ઉપરાંત મોટા ઉપાડે સત્તા પર આવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી દરમિયાન કહી તો દીધું હતું કે અચ્છે દિન આયેંગે. પણ અચ્છે દિન તો આવ્યા જ નહિ અને ઉલ્ટાનું મોંઘવારી વધીને આસમાને પહોંચવા લાગી. આ ઉપરાંત સ્વીસ બેન્કોમાં ભારતીયોના કાળા નાણાં લાવવાના વચનને પણ ભૂલાવી દેવા માટે આંતરરાષ્ટ્રીય યોગ દિનની સામૂહિક ઉજવણી કરાવવાનો પેંતરો રચી દીધો.
આ દિવસની ઉજવણી શા માટે યોગ તો લોકો રોજ કરે છે. આ કોઈ નવી વાત નથી. પણ હંમેશા પ્રસિદ્ધિ મેળવવા માટે તલપાપડ રહેતા વડાપ્રધાન મોદીજીએ આ દિવસને પણ પોતાના નામે કરાવવા માટે ઠેર ઠેર દરેક રાજ્યોમાં અને રાજધાની દિલ્હીમાં રાજપથ પર સામૂહિક યોગનું આયોજન કરવાનું ફરમાન કરી દીધું. અને રાજ્ય સરકારો પણ (ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યો)એ તો આંખે પાટા જ બાંધી દેવાના અને ભલેને પોતાના રાજ્યની પ્રજાને સવલતો વગર ભલેને સબડવું પડે પણ કરોડો રૂપિયા આ યોગ દિવસની ઉજવણી પાછળ ખર્ચ કરી દેવા તૈયારી કરી દીધી.
અમદાવાદમાં પણ ઠેર ઠેર આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી માટે મસમોટા પાટિયાં લગાવી દેવાયા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યોગમુદ્રામાં બેઠેલા દર્શાવી જાણે તેઓ મોટા યોગ ગુરૂ હોય એવું સાબિત કરવાનો પ્રયાસ ભાજપ અને રાજ્યની સરકાર દ્વારા થઈ રહ્યો હોય એવું લાગે છે. રાજ્યમાં ઘણાં એવા સારા યોગ ગુરૂ છે જેઓ આ માટે હકદાર છે. તેમને સાઈડ પર રાખીને પોતાની તસ્વીર સાથેના હોર્ડિંગ્સ મૂકાવવા પાછળનું કારણ શું હોઈ શકે? એ તો ખૂદ નરેન્દ્ર મોદી અને તેમના પક્ષના લોકો જ કહી શકે.
વિપક્ષોએ પણ જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામૂહિક યોગ કાર્યક્રમની જાહેરાત કરી છે, ત્યારથી તેમના કાન આમળવાનું શરૂ કરી દીધું છે. વિપક્ષોનો સૂર કહે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પોતાની નિષ્ફળતાઓને છૂપાવવા માટે આવી નૌટંકી કરી રહી છે. અગાઉ અનેક યોગ ગુરૂઓએ રાજ્યોમાં યોગ કરાવ્યા છે, પણ ક્યારેય આવી પ્રસિદ્ધિ કરવામાં આવી નથી જેટલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21મી જૂનના રોજ વિશ્વ યોગ દિને સામૂહિક યોગનો કાર્યક્રમ યોજીને પ્રસિદ્ધિ મેળવીને ભારતીય પ્રજામાં પોતાની છબિને યોગપુરૂષ તરીકે ઊભી કરવાનો પ્રયાસ જે રીતે કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારની પ્રચારની નીતિ જોતાં ભાજપના વરિષ્ઠ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય ગુરૂ લાલકૃષ્ણ અડવાણીએ જે આગાહી કરી છે કે જે લોકો સત્તાનો દુરુપયોગ કરનારને મતદારો પાઠ ભણાવશે. તે આ સંદર્ભમાં તો નથી ને!!!!!!!
ટૂંકમાં કહીએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિનની મહાઉજવણી એ કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓ ઢાંકવાનો કારસો છે કે ખરેખર યોગનો વારસો છે તે સાબિત કરવું છે તે પ્રજાએ નક્કી કરવાનું છે.

- અભિજિત

20-06-2015

No comments:

Post a Comment