અગિયાર વર્ષમાં દેશમાં વિકાસની હરણફાળે આપણી છાતી ગદગદ થઈ જાય છે. પણ સાથે જ્યારે કોઈ સત્તાધારી પક્ષ પોતાનો રાજકીય રોટલો શેકવા માટે આ બધી વાતો ઉપરાંત ધર્મના નામે ધતિંગ કરે અને સાથે સાથે લોકો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એવા પ્રયાસો પણ થાય ત્યારે આપણો દેશ અને આપણા રાજનેતાઓ હજુ પણ પછાત હોય એવું કહીએ તો અતિશયોક્તિ નહિ કહેવાય. કેમ કે, અગિયાર વર્ષમાં ભાજપના રાજમાં ભાજપના નેતાઓ અને તેમના અંધભક્તો દ્વારા લોકો વચ્ચે ભેદભાવ ઊભા થાય એવા નિવેદનો કરીને કેટલાક રાજ્યોમાં અજંપાભરી સ્થિતિ ઊભી કરી દીધી હતી. અને આનો ઉપયોગ 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન તેનો ભરપૂર લાભ લેવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો. પરંતુ તેઓ ન ફાવ્યા અને તેમનો ‘અબ કી બાર ચારસો કે પાર’નો નારો ફૂસ્સ થઈ ગયો. ધર્મના નામે ભાગલા પડાવવાના પ્રયાસ સફળ ન થયા તો હવે નવો એજન્ડા બજારમાં આવ્યો છે. અને આ એજન્ડા છે ભાષા. તો આવો જાણીએ ભાષાના નામે હાલમાં શું ચાલી રહ્યું છે.
સામાન્ય રીતે 21મી સદી સ્પર્ધાત્મક સદી કહેવાય છે અને વિશ્વમાં એક ભાષા એવી છે જે દુનિયાના કોઈપણ દેશમાં સરળતાથી બોલીએ તો કોઈ તકલીફ નથી પડતી. આટલું ઓછું હોય એમ અંગ્રેજી ભાષા સામાન્ય રીતે જિંદગીમાં આગળ વધવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. આ ભાષા દુનિયાના કોઈ દેશમાં તો ચાલે જ છે પણ ભારતમાં પણ મોટાભાગની મોટી કંપનીઓ, મોટા કોર્પોરેટ હાઉસીસ, આપણા દેશની સર્વોચ્ચ અદાલત ઉપરાંત વિવિધ રાજ્યોની હાઈકોર્ટમાં પણ અંગ્રેજી ભાષાનો ઉપયોગ જ થાય છે. આજના જમાનામાં અંગ્રેજી ભાષા શીખવી અનિવાર્ય બની ગઈ છે. સ્પર્ધાત્મક જમાનામાં દરેક માતા પિતા પોતાના સંતાનને નાનપણથી જ અંગ્રેજી માધ્યમમાં ભણવા મુકે છે. જેથી ભવિષ્યમાં તેને કોઈ તકલીફ ન પડે.
એ વાત સાચી છે કે હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા છે. અને આપણાં દેશમાં દરેક રાજ્યમાં પોતાની માતૃભાષા છે. ત્યારે દરેક રાજ્યના શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત હિન્દી અને અંગ્રેજી વિષય ફરજિયાત હોય છે. પરંતુ આપણા દેશના કેટલાંક રાજ્યો અને ખાસ કરીને દક્ષિણના રાજ્યો અને તેમાં પણ તમિલનાડુમાં તમિલ ભાષા ઉપરાંત અંગ્રેજીનું જ ચલણ છે. અને તેના કારણે અનેક વિવાદ પણ આપણા ખાદીધારી નેતાઓએ ઊભા કર્યા છે. છેલ્લાં કેટલાંક સમય પહેલા તમિલનાડુમાં જ ભાષાને લઈને મોટા ભવાડા થયા હતા અને હજુ તમિલનાડુ સિવાય અન્ય રાજ્યમાં પણ ક્યાંક ક્યાંક ભાષાના નામે છમકલાં સોશ્યલ મીડિયા X પર જોવા મળી જાય છે. આ બધી હિલચાલ વચ્ચે હાલમાં જ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં આપણા દેશના સન્માનનીય ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય કહેવાતા (જેમની ગણતરી 2024ની લોકસભા ચૂંટણીમાં ઊંધા માથે પટકાઈ હતી.) અમિત અનિલચંદ્ર શાહે એક નિવેદન કર્યું અને તેના કારણે ચર્ચાનું જોર વધી ગયું. તેમણે એવું કહ્યું કે, આપણા દેશમાં અંગ્રેજીમાં બોલતા લોકોને શરમ આવશે એ દિવસો હવે દૂર નથી. બસ તેમના આ નિવેદનના કારણે સોશ્યલ મીડિયા પર તો તેમના નિવેદનની ટીકા થઈ સાથોસાથ વિવિધ પક્ષના નેતાઓ અને રાજ્યોની જનતાએ પણ ટીકા કરવાનું ન છોડ્યું.
હવે સવાલ એ થાય છે કે માનનીય અમતિભાઈને એવું તો શું સૂઝ્યું કે આ પ્રકારનું નિવેદન કરી દીધું. કેમ તેઓ ભૂલી ગયા કે, 22 એપ્રિલ 2025માં પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો ત્યારબાદ વિદેશ પ્રવાસે ગયેલા આપણા સાહેબ નરેન્દ્ર દામોદરદાસ મોદી પરત આવી ગયા અને થોડા દિવસો બાદ બિહારમાં ચૂંટણી રેલી કરી તેમાં અંગ્રેજીમાં નિવેદન કરીને દુનિયાને સંદેશો આપ્યો હતો. અને માનનીય આપનો પુત્ર જય શાહ જે ICCમાં ચીફ છે તે પણ અંગ્રેજીમાં વાંચીને જ બોલે છે. તો શું આ બન્નેને પણ શરમ આવશે. અંગ્રેજી બોલનારને કેમ શરમ આવશે? એવું તો કયું ગતકડું છે જેનાથી અંગ્રેજી બોલનારો વર્ગ શરમમાં મુકાઈ જશે?
આપણો દેશ વિવિધ ક્ષેત્રોમાં દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં અવ્વલ છે ત્યારે આ પ્રકારના વાણીવિલાસને કારણે એવું લાગે છે કે અમિતભાઈ દેશની જનતાનું ભલુ થાય એ નથી ઈચ્છતા. અમિતભાઈ આપના જ પક્ષના મોટાભાગના નેતાઓએ પોતાના બાળકોને વિદેશમાં અભ્યાસ કરવા મોકલ્યા છે, અને આપણા અધિકારીઓના બાળકો પણ અભ્યાસ કરવા ગયા છે. અને તે તમામ અંગ્રેજી માધ્યમમાં જ અભ્યાસ કરી રહ્યા છે તો શું એ તમામને શરમ આવશે. આપણા દેશમાં અંગ્રેજીમાં અખબારો અને ન્યૂઝ ચેનલ્સ પણ છે તો શું આ અખબારો અને ન્યૂઝ ચેનલ્સમાં અંગ્રેજીમાં બોલતા પત્રકારો એન્કર્સને પણ શરમ આવશે. પણ સવાલ એ થાય છે કે, શેના માટે અંગ્રેજી બોલનારાને શરમ આવશે એ વાતનો ફોડ તેમણે પાડ્યો જ નથી.
જ્યારથી આપણો દેશ આઝાદ થયા તે સમયથી RSS તેમ જ પહેલા જનસંઘ અને હવે ભાજપ દ્વારા જે વિચારધારાને વેગ આપવામાં આવી રહ્યો છે તે આપણા દેશની એકતા અને અખંડિતતાની વિપરિત છે. આપણા દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ઉપરાંત અનેક કોમના લોકો રહે છે અને આઝાદી પહેલાથી આ તમામ હિન્દુસ્તાનમાં જ રહેતા આવ્યા છે અને આઝાદી બાદ પણ રહી રહ્યા છે. ત્યારે આ ત્રણ સંગઠનો દ્વારા કોમી એખલાસમાં ભાગલા પડે તેવા પ્રયાસો અવારનવાર કરવામાં આવ્યા છે. બે ધર્મના લોકો વચ્ચે ભેદભાવ ઊભો કરીને કે ખોટી વાતો ફેલાવીને ધર્મ ધર્મ વચ્ચે ધમાસાણ કરાવવાના પ્રયાસો આ લોકો અને તેમના અંધભક્તો દ્વારા કરાયા અને છેલ્લા અગિયાર વર્ષોથી આવા બળતામાં ઘી હોમવાનું કામ ગોદી મીડિયાએ કર્યું. ગોદી મીડિયામાં છેલ્લાં અગિયાર વર્ષથી રોજ સાંજ પડે ડિબેટ દરમિયાન ધર્મના નામ પર વેરઝેર ઊભા થાય એ પ્રકારના નિવેદનો કરવામાં આવી રહ્યા છે અને તેને બળ પણ આપવામાં આવી રહ્યું છે. જો વિરોધ પક્ષ આવી ડિબેટમાં વિરોધ કરે તો તેમને આ ગોદી મીડિયાના એન્કર્સ અને અંધભક્ત પ્રવક્તાઓ તેમને ભારત છોડીને ચાલ્યા જવું જોઈએ કે ફલાણા ઢીકણા દેશની ભાષા બોલી રહ્યા છો એવું લાઈવ ડિબેટમાં કહેવામાં આવે છે. અને તેના કારણે ધર્મ ધર્મ વચ્ચે ઘણીવાર તણાવ વધી જાય છે. આ તણાવ પર 2024ની લોકસભાની ચૂંટણી જીતવાનો અથાગ પ્રયાસ કર્યો પણ તેમાં સફળતા ન મળી અને ભાજપ માત્ર 240 બેઠકો જ જીતી શક્યું. એટલે હવે સન્માનનીય ગૃહમંત્રી અંગ્રેજી ભાષાનું નવું ગતકડું લઈને આવી ગયા છે.
આ સંજોગોમાં સન્માનનીય ગૃહમંત્રી અમિતભાઈના આ પ્રકારના નિવેદનથી એવું લાગે છે કે, સ્પર્ધાત્મક યુગમાં આ પ્રકારના ગતકડાં લાવીને આપણા દેશને પથ્થરયુગમાં પાછો લઈ જવાનું આયોજન કરી રહ્યા હોય એવું લાગે છે. આ ઉપરાંત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 2047 સુધીમાં વિકસિત કરવાનું સપનું જોયું છે અને તેમણે તેમની મનની વાત દરેક ચૂંટણીની રેલીઓમાં કે કાર્યક્રમોમાં સંબોધન દરમિયાન વ્યક્ત કરી છે ત્યારે તમે લોકો તેમની જ પાર્ટીના નેતાઓ થઈને તેમના સપનાં તોડવાનું બીડું ઝડપ્યું હોય એવું લાગે છે.
- અભિજિત
23 જૂન 2025