Monday, June 23, 2025

ધર્મના નામે ધતિંગ બાદ હવે ભાષાના નામે ભાંજગડ

 અગિયાર વર્ષમાં દેશમાં વિકાસની હરણફાળે આપણી છાતી ગદગદ થઈ જાય છે. પણ સાથે જ્યારે કોઈ સત્તાધારી પક્ષ પોતાનો રાજકીય રોટલો શેકવા માટે આ બધી વાતો ઉપરાંત ધર્મના નામે ધતિંગ કરે અને સાથે સાથે લોકો વચ્ચે વૈમનસ્ય ઊભું થાય એવા પ્રયાસો પણ થાય ત્યારે આપણો દેશ અને આપણા રાજનેતાઓ હજુ પણ પછાત હોય એવું કહીએ તો અતિશયોક્તિ નહિ કહેવાય. કેમ કે, અગિયાર વર્ષમાં ભાજપના રાજમાં ભાજપના નેતાઓ અને તેમના અંધભક્તો દ્વારા લોકો વચ્ચે ભેદભાવ ઊભા થાય એવા નિવેદનો કરીને કેટલાક રાજ્યોમાં અજંપાભરી સ્થિતિ ઊભી કરી દીધી હતી. અને આનો ઉપયોગ 2024ની લોકસભાની ચૂંટણી દરમિયાન તેનો ભરપૂર લાભ લેવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો. પરંતુ તેઓ ન ફાવ્યા અને તેમનો ‘અબ કી બાર ચારસો કે પાર’નો નારો ફૂસ્સ થઈ ગયો. ધર્મના નામે ભાગલા પડાવવાના પ્રયાસ સફળ ન થયા તો હવે નવો એજન્ડા બજારમાં આવ્યો છે. અને આ એજન્ડા છે ભાષા. તો આવો જાણીએ ભાષાના નામે હાલમાં શું ચાલી રહ્યું છે.

સામાન્ય રીતે 21મી સદી સ્પર્ધાત્મક સદી કહેવાય છે અને વિશ્વમાં એક ભાષા એવી છે જે દુનિયાના કોઈપણ દેશમાં સરળતાથી બોલીએ તો કોઈ તકલીફ નથી પડતી. આટલું ઓછું હોય એમ અંગ્રેજી ભાષા સામાન્ય રીતે જિંદગીમાં આગળ વધવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. આ ભાષા દુનિયાના કોઈ દેશમાં તો ચાલે જ છે પણ ભારતમાં પણ મોટાભાગની મોટી કંપનીઓ, મોટા કોર્પોરેટ હાઉસીસ, આપણા દેશની સર્વોચ્ચ અદાલત ઉપરાંત વિવિધ રાજ્યોની હાઈકોર્ટમાં પણ અંગ્રેજી ભાષાનો ઉપયોગ જ થાય છે. આજના જમાનામાં અંગ્રેજી ભાષા શીખવી અનિવાર્ય બની ગઈ છે. સ્પર્ધાત્મક જમાનામાં દરેક માતા પિતા પોતાના સંતાનને નાનપણથી જ અંગ્રેજી માધ્યમમાં ભણવા મુકે છે. જેથી ભવિષ્યમાં તેને કોઈ તકલીફ ન પડે.

એ વાત સાચી છે કે હિન્દી એ આપણી રાષ્ટ્રભાષા છે. અને આપણાં દેશમાં દરેક રાજ્યમાં પોતાની માતૃભાષા છે. ત્યારે દરેક રાજ્યના શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત હિન્દી અને અંગ્રેજી વિષય ફરજિયાત હોય છે. પરંતુ આપણા દેશના કેટલાંક રાજ્યો અને ખાસ કરીને દક્ષિણના રાજ્યો અને તેમાં પણ તમિલનાડુમાં તમિલ ભાષા ઉપરાંત અંગ્રેજીનું જ ચલણ છે. અને તેના કારણે અનેક વિવાદ પણ આપણા ખાદીધારી નેતાઓએ ઊભા કર્યા છે. છેલ્લાં કેટલાંક સમય પહેલા તમિલનાડુમાં જ ભાષાને લઈને મોટા ભવાડા થયા હતા અને હજુ તમિલનાડુ સિવાય અન્ય રાજ્યમાં પણ ક્યાંક ક્યાંક ભાષાના નામે છમકલાં સોશ્યલ મીડિયા X પર જોવા મળી જાય છે. આ બધી હિલચાલ વચ્ચે હાલમાં જ નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં આપણા દેશના સન્માનનીય ગૃહમંત્રી અને ભાજપના ચાણક્ય કહેવાતા (જેમની ગણતરી 2024ની લોકસભા ચૂંટણીમાં ઊંધા માથે પટકાઈ હતી.) અમિત અનિલચંદ્ર શાહે એક નિવેદન કર્યું અને તેના કારણે ચર્ચાનું જોર વધી ગયું. તેમણે એવું કહ્યું કે, આપણા દેશમાં અંગ્રેજીમાં બોલતા લોકોને શરમ આવશે એ દિવસો હવે દૂર નથી. બસ તેમના આ નિવેદનના કારણે સોશ્યલ મીડિયા પર તો તેમના નિવેદનની ટીકા થઈ સાથોસાથ વિવિધ પક્ષના નેતાઓ અને રાજ્યોની જનતાએ પણ ટીકા કરવાનું ન છોડ્યું.

હવે સવાલ એ થાય છે કે માનનીય અમતિભાઈને એવું તો શું સૂઝ્યું કે આ પ્રકારનું નિવેદન કરી દીધું. કેમ તેઓ ભૂલી ગયા કે, 22 એપ્રિલ 2025માં પહલગામમાં આતંકવાદી હુમલો થયો હતો ત્યારબાદ વિદેશ પ્રવાસે ગયેલા આપણા સાહેબ નરેન્દ્ર દામોદરદાસ મોદી પરત આવી ગયા અને થોડા દિવસો બાદ બિહારમાં ચૂંટણી રેલી કરી તેમાં અંગ્રેજીમાં નિવેદન કરીને દુનિયાને સંદેશો આપ્યો હતો. અને માનનીય આપનો પુત્ર જય શાહ જે ICCમાં ચીફ છે તે પણ અંગ્રેજીમાં વાંચીને જ બોલે છે. તો શું આ બન્નેને પણ શરમ આવશે. અંગ્રેજી બોલનારને કેમ શરમ આવશે? એવું તો કયું ગતકડું છે જેનાથી અંગ્રેજી બોલનારો વર્ગ શરમમાં મુકાઈ જશે?

આપણો દેશ વિવિધ ક્ષેત્રોમાં દુનિયાના અન્ય દેશોની સરખામણીમાં અવ્વલ છે ત્યારે આ પ્રકારના વાણીવિલાસને કારણે એવું લાગે છે કે અમિતભાઈ દેશની જનતાનું ભલુ થાય એ નથી ઈચ્છતા. અમિતભાઈ આપના જ પક્ષના મોટાભાગના નેતાઓએ પોતાના બાળકોને વિદેશમાં અભ્યાસ કરવા મોકલ્યા છે, અને આપણા અધિકારીઓના બાળકો પણ અભ્યાસ કરવા ગયા છે. અને તે તમામ અંગ્રેજી માધ્યમમાં જ અભ્યાસ કરી રહ્યા છે તો શું એ તમામને શરમ આવશે. આપણા દેશમાં અંગ્રેજીમાં અખબારો અને ન્યૂઝ ચેનલ્સ પણ છે તો શું આ અખબારો અને ન્યૂઝ ચેનલ્સમાં અંગ્રેજીમાં બોલતા પત્રકારો એન્કર્સને પણ શરમ આવશે. પણ સવાલ એ થાય છે કે, શેના માટે અંગ્રેજી બોલનારાને શરમ આવશે એ વાતનો ફોડ તેમણે પાડ્યો જ નથી.

જ્યારથી આપણો દેશ આઝાદ થયા તે સમયથી RSS તેમ જ પહેલા જનસંઘ અને હવે ભાજપ દ્વારા જે વિચારધારાને વેગ આપવામાં આવી રહ્યો છે તે આપણા દેશની એકતા અને અખંડિતતાની વિપરિત છે. આપણા દેશમાં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઈસાઈ ઉપરાંત અનેક કોમના લોકો રહે છે અને આઝાદી પહેલાથી આ તમામ હિન્દુસ્તાનમાં જ રહેતા આવ્યા છે અને આઝાદી બાદ પણ રહી રહ્યા છે. ત્યારે આ ત્રણ સંગઠનો દ્વારા કોમી એખલાસમાં ભાગલા પડે તેવા પ્રયાસો અવારનવાર કરવામાં આવ્યા છે. બે ધર્મના લોકો વચ્ચે ભેદભાવ ઊભો કરીને કે ખોટી વાતો ફેલાવીને ધર્મ ધર્મ વચ્ચે ધમાસાણ કરાવવાના પ્રયાસો આ લોકો અને તેમના અંધભક્તો દ્વારા કરાયા અને છેલ્લા અગિયાર વર્ષોથી આવા બળતામાં ઘી હોમવાનું કામ ગોદી મીડિયાએ કર્યું. ગોદી મીડિયામાં છેલ્લાં અગિયાર વર્ષથી રોજ સાંજ પડે ડિબેટ દરમિયાન ધર્મના નામ પર વેરઝેર ઊભા થાય એ પ્રકારના નિવેદનો કરવામાં આવી રહ્યા છે અને તેને બળ પણ આપવામાં આવી રહ્યું છે. જો વિરોધ પક્ષ આવી ડિબેટમાં વિરોધ કરે તો તેમને આ ગોદી મીડિયાના એન્કર્સ અને અંધભક્ત પ્રવક્તાઓ તેમને ભારત છોડીને ચાલ્યા જવું જોઈએ કે ફલાણા ઢીકણા દેશની ભાષા બોલી રહ્યા છો એવું લાઈવ ડિબેટમાં કહેવામાં આવે છે. અને તેના કારણે ધર્મ ધર્મ વચ્ચે ઘણીવાર તણાવ વધી જાય છે. આ તણાવ પર 2024ની લોકસભાની ચૂંટણી જીતવાનો અથાગ પ્રયાસ કર્યો પણ તેમાં સફળતા ન મળી અને ભાજપ માત્ર 240 બેઠકો જ જીતી શક્યું. એટલે હવે સન્માનનીય ગૃહમંત્રી અંગ્રેજી ભાષાનું નવું ગતકડું લઈને આવી ગયા છે.

આ સંજોગોમાં સન્માનનીય ગૃહમંત્રી અમિતભાઈના આ પ્રકારના નિવેદનથી એવું લાગે છે કે, સ્પર્ધાત્મક યુગમાં આ પ્રકારના ગતકડાં લાવીને આપણા દેશને પથ્થરયુગમાં પાછો લઈ જવાનું આયોજન કરી રહ્યા હોય એવું લાગે છે. આ ઉપરાંત આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને 2047 સુધીમાં વિકસિત કરવાનું સપનું જોયું છે અને તેમણે તેમની મનની વાત દરેક ચૂંટણીની રેલીઓમાં કે કાર્યક્રમોમાં સંબોધન દરમિયાન વ્યક્ત કરી છે ત્યારે તમે લોકો તેમની જ પાર્ટીના નેતાઓ થઈને તેમના સપનાં તોડવાનું બીડું ઝડપ્યું હોય એવું લાગે છે.

- અભિજિત

23 જૂન 2025

Saturday, June 14, 2025

પત્રકારત્વ ક્યાં?

સૌથી પહેલા તો આપણી ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાન પ્રેરિત આતંવાદીઓના અડ્ડા અને તેમના એરબેઝને જે તબાહ કરી દીધા એના માટે આપણી સેનાના વીર જવાનોને સો સો સલામ... અને 12મી જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાના બોઈંગ ડ્રીમલાઈને AI171 મેઘાણીનગરમાં આવેલા ઘોડા કેમ્પના IGP કમ્પાઉન્ડમાં ડોક્ટર્સની હોસ્ટેલ પર ક્રેશ થયું અને તેમાં પ્લેનમાં સવાર 242 પૈકી 241 યાત્રીઓ અને હોસ્ટેલમાં જે ડોક્ટર્સના મોત થયા તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અને હા ખાસ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં લંડન જઈ રહ્યા હતા તેમનું પણ દુઃખદ અવસાન થયું છે ત્યારે એમને પણ શ્રદ્ધાસુમન અર્પણ અને જે લોકો ઘાયલ છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના...

હવે મુદ્દાની વાત પર આવું.... છેલ્લાં કેટલાંક સમયથી એટલે કે લગભગ એક દાયકા જેટલો સમય ગણીએ તો પત્રકારત્વનું અધઃપતન થયું હોય એવું લાગી રહ્યું છે. પત્રકારત્વની સાચી પરિભાષા આજના પત્રકારો અને મીડિયા હાઉસના માલિકો ભૂલી ગયા હોય એવું લાગે છે. પહેલાના સમયમાં એટલે કે 1990 અને તેના પહેલાનું જે પત્રકારત્વ હતું તે એકદમ સંવેદનશીલ અને ગંભીર અને સમાજને ઉપયોગી પત્રકારત્વ હતું. પરંતુ આજનું પત્રકારત્વ અસંવેદનશીલ, ગંભીરતાના અભાવવાળું અને રાજકીય પક્ષોને માટે ઉપયોગી સાધન બની ગયું છે. રાજકીય પક્ષો માટે ઉપયોગી એટલા માટે આજે દેશના લગભગ તમામ મીડિયા હાઉસના માલિકો અને તંત્રીઓ સત્તાપક્ષ કે વિપક્ષની પીપૂડી વગાડવામાંથી ઊંચા આવતા નથી. જેમાં વિપક્ષોની પીપૂડી વગાડતા મીડિયા હાઉસ કે તંત્રીઓ આંગળીના વેઢે ગણાય એટલા રહી ગયા છે. કેમ કે લગભગ તમામ ન્યૂઝ ચેનલ્સ, અખબારો સત્તાપક્ષની તરફેણમાં અને એ કહે એ પ્રમાણે જ રીપોર્ટિંગ કરે છે. 90 અને તેના પહેલાના દાયકામાં પત્રકારો રાજકીય નેતાઓ અને તેમાં પણ સત્તાપક્ષના એટલે કે મુખ્યમંત્રી કે વડાપ્રધાનને સીધા સવાલ પૂછતા હતા. આજે મુખ્યમંત્રી કે વડાપ્રધાન સવાલોનો સામનો કરતા જ નથી. તેમના બદલે તેમની સરકારના પ્રવક્તા અથવા તેમના પક્ષના પ્રવક્તા આવીને પત્રકાર પરિષદને સંબોધીને જતા રહેશે અને આજનો પત્રકાર પણ મૂક પ્રેક્ષક બનીને જે બોલ્યા એ જ છાપવાનું કે પછી ન્યૂઝ ચેનલ પર ચલાવી દે છે. આ સાચ્ચું પત્રકારત્વ નથી અને પત્રકારત્વનો ધર્મ પણ નથી.

1990ના દાયકામાં હું જ્યારે આ ક્ષેત્રમાં આવ્યો ત્યારે એક અસલી પત્રકારત્વ જોયું છે અને કર્યું છે. મારા પત્રકારત્વ પહેલાના સમયમાં પણ એટલે કે મારા પિતા સ્વ. તુષાર ભટ્ટના સમયમાં પણ મજબૂત પત્રકારત્વ હતું અને તેમની વિશ્વસનીયતા હતી. એ સમયમાં પણ આવી ઘણી ઘટનાઓ ઘટી હતી, પરંતુ અમે ક્યારેય આવા સમયે કોઈ પીડિતને આ પ્રકારે પ્રતાડિત નથી કર્યા. એક સ્વજન ગુમાવ્યાનું દુઃખ જ્યારે કોઈ વ્યક્તિને હોય ત્યારે અમે લોકોએ એ સમયે એક પત્રકાર તરીકે માનવતા અને ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને એવું પત્રકારત્વ ક્યારેય નથી કર્યું જેવું આજે પત્રકારત્વ કરવામાં આવી રહ્યું છે. એ સમયે પત્રકારત્વ એટલે સમાજ સુધી સાચી વાત પહોંચાડવાનો હેતુ હતો. પરંતુ આજે પત્રકારત્વ જો ન્યૂઝ ચેનલ હોય તો TRP તેમ જ સરકારી જાહેરખબરો અને અખબાર હોય તો સરકારી જાહેરખબરો માટે જ કરવામાં આવતું હોય એવું લાગી રહ્યું છે. 90ના દાયકામાં પણ રાજકીય પક્ષો હતા, અને એ વખતે માત્ર અખબારો હતા, જાણીતા પત્રકારો અને જેમની કલમથી રાજકીય નેતાઓ તેમ જ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વડાપ્રધાનો પણ ફફડતા. એ સમયે ઈન્વેસ્ટિગેશન જર્નાલિઝમ થતું હતું. પરંતુ આજે સિન્ડિકેટ જર્નાલિઝમ અને ફટાફટ ન્યૂઝ આપવાની લ્હાયમાં ખોટા સમાચારોને પણ બ્રેકિંગ ન્યૂઝમાં આપી દેવામાં આવે છે અને પછી આ પ્રકારના સમાચાર આપીને જે તે પત્રકાર પોરસાય કે જોયું આપણે બ્રેકિંગ કરી દીધું. પણ એ પત્રકાર મિત્રને ખબર નથી કે ઉતાવળમાં કાચું કાપી દીધું હોય છે.

આનું ઉત્તમ ઉદાહરણ હાલમાં જ 22મી એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલો થયો અને આપણા દેશના નિર્દોષ એવા 26 લોકોને મોતને ઘાટ ઉતાર્યા અને તેના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર કર્યું, ત્યારે 6ઠ્ઠી મેની મોડી રાત્રે અને 7મી મેની વહેલી સવારે દેશની તમામ નામાંકિત દરેક ભાષાની ચેનલોના પોતાને તુર્રમખાં સમજતા એન્કર્સ ટીવી સ્ક્રિન્સ પર અને પત્રકારો મેદાનમાં આવી ગયા અને એ સમયે મોટાભાગના જે વિઝ્યૂઅલ્સ દરેક ચેનલોએ ચલાવ્યા એ જૂના અને ખોટા હતા. અને સાથે યુદ્ધની સાયરનો સાથે મોટા બ્રેકિંગ અને બરાડા પાડી પાડીને રજૂઆત કરતા હતા. સ્ટુડિયોમાં એન્કર્સ પત્રકારત્વ નહિ પણ પોતાની ચેનલનું TRP વધારવા માટે જ્ઞાન પણ પિરસવા લાગ્યા. આ ઉપરાંત ફિલ્ડના પત્રકારોએ આવા સમયે ખૂબ જ સંયમતા તેમ જ ગંભીરતાપૂર્વક રીપોર્ટિંગ કરવું જોઈએ એ ન કર્યું. આટલું ઓછું હોય એમ ઓપરેશન સિંદૂરના જવાબમાં પાકિસ્તાને બીજા દિવસે વળતો પ્રહાર કર્યો ત્યારે આપણી સેનાએ તેને નિષ્ફળ બનાવ્યા. એ સમયે પણ આ ચેનલ્સ દ્વારા પાકિસ્તાનના કરાચી, ઈસ્લામાબાદ પર હુમલો. કરાચી બંદરને ઉડાવી દેવાયું. ઈસ્લામાબાદ પર ભારતે કબ્જો મેળવી લીધો એવા સમાચારો આપી દીધા. હકીકતમાં જ્યારે બીજા દિવસે ભારતીય વિદેશ મંત્રાલયના વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે વાસ્તવિક ચિત્ર રજૂ કર્યું ત્યારે ખબર પડી કે રાત્રે ચેનલ્સ દ્વારા જે બતાવાયું તે તદ્દન ખોટું હતું. આટલું થયા પછી પણ લગભગ કોઈ ચેનલે માફી ન માંગી એક બે ને બાદ કરતાં.

હવે વાત, અમદાવાદમાં એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર 12 જૂને બપોરે 1.38 વાગ્યે ટેકઓફ કર્યાની બીજી જ મિનીટે બી. જે. મેડિકલ કોલેજની ડોક્ટર્સ હોસ્ટેલ પર ક્રેશ થયું. આ પ્લેનમાં 12 ક્રૂ મેમ્બર્સ સહિત 242 યાત્રીઓ સવાર હતા. જેમાંથી એકમાત્ર પ્રવાસનીનો ચમત્કારિક બચાવ થયો. આ ઘટનાના કારણે આખા દેશમાં શોકની લાગણી ફેલાઈ ગઈ. પણ બીજી બાજુ દેશના મીડિયાએ પોતાની તમામ હદ પાર કરી દીધી. આ એટલા માટે લખવું પડે છે કે, જે લોકોએ પોતાના પરિજનને ગુમાવ્યા છે તેમની પાસે કે તેમના નિવાસસ્થાને જઈને તેમના મોંઢામાં માઈક ઠુંસી દઈને જે અસંવેદનશીલતા બતાવી છે તે એક પત્રકારને છાજે એવી વાત નથી. પત્રકારત્વનો ધર્મ આજના જમાનાના પત્રકારો, મીડિયા હાઉસીસના માલિકો ભૂલી ગયા હોય એવું લાગે છે.

અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના ડ્રીમલાઈનરની. તો આ ઘટનામાં પ્લેનમાં સવાર 242 (ક્રૂ મેમ્બર્સ સહિત) 241 પ્રવાસીઓના મોત થયા. આ પ્લેન ટેકઓફ થયાની બીજી જ મીનિટે ક્રેશ થયું હોવાથી મોટા ભાગના પ્રવાસીઓ જે પ્લેનમાં સવાર હતા તેમના સ્વજનો અને પરિજનો હજુ તો એરપોર્ટના પાર્કિંગમાંથી બહાર પણ નહિ નીકળ્યા હોય અને આ મોકાણના સમાચાર આવ્યા. આ સમાચાર મળતાં જ પાનના ગલ્લાની માફક ફાટી નીકળેલી ન્યૂઝ ચેનલો પોતાના કેમેરા અને બૂમ માઈક લઈને પ્લેન ક્રેશ સાઈટ, એરપોર્ટ તેમ જ સિવિલ હોસ્પિટલ પર પહોંચી ગયા અને પછી એ ઉછળકૂદ કરી કરીને પહેલા સમાચાર અને વિઝ્યૂઅલ્સ બતાવવાની હોડ શરૂ કરી દીધી. દરમિયાનમાં હજુ મુસાફરોની યાદી કે વિગતો આવી નહોતી પણ એરપોર્ટ પર પોતાના સ્વજનને લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મૂકવા આવેલા પરિજનો પણ ભીની આંખે પોતાના સ્વજનની વાટ જોઈ રહ્યા હતા ત્યારે સ્થળ પર પહોંચેલા પત્રકારોએ પોતાના બૂમ માઈક ધરી ધરીને આ તમામ લોકોને સવાલો પૂછવાનું શરૂ કરી દીધું. અને એ લોકો ના પાડે તો પણ તેમને સવાલો પૂછી પૂછીને પરેશાન કર્યા. ત્યારે આ બધું જોઈને મારું લોહી ઉકળી ઉઠ્યું, અને મને પણ મારા પત્રકાર હોવા પર શરમ આવી. કેમ કે, 90ના દાયકામાં અમે કરેલું પત્રકારત્વ એ સાચા અર્થમાં સમાજોપયોગી હતું અને લોકો સુધી સાચી વાત પહોંચતી હતી. અને પત્રકાર તરીકે અમે પણ લોકોનો અવાજ બનીને સત્તા અને વહીવટીતંત્રને બેબાક સવાલો પૂછતા હતા. પણ આવી ઘટના સમયે અમે સંવેદનશીલતા દાખવીને એ પ્રકારે રીપોર્ટિંગ કરતા હતા કે, પીડિત વ્યક્તે કે પરિજનની લાગણી પણ ન દૂભાય. પણ પ્લેન ક્રેશમાં જે પ્રકારે પત્રકારોએ રીપોર્ટિંગ કર્યું એમાં તમામની લાગણી દૂભાતી હોય એવું એ તમામના ચહેરા પરથી ફલિત થતું હતું.

છેલ્લે એક પત્રકાર તરીકે એટલું જ કહેવાનું કે, આપણે આપણો સાચ્ચો ધર્મ નીભાવવાનો છે. આપણે પત્રકારત્વમાં આવ્યા છીએ તો આપણે સમાજને સાચી વાત પહોંચાડવાની છે અને સમાજને પડતી તકલીફો અને સમસ્યા માટે રાજકીય નેતાઓના કાન આમળવા પડે તો આમળવાના છે. અને આપણે એવું પત્રકારત્વ કરીએ છીએ ખરા, એ શાંતિથી વિચારવું જરૂરી છે. અને હા, પણ જો કોઈ રાજકીય પક્ષની ખુશામત કરવી હોય તો પત્રકારત્વ છોડીને જે તે પક્ષમાં જોડાઈ જવું જોઈએ એવી વણમાંગી સલાહ આપું છું. આજના પત્રકારો અને તંત્રીઓને કે પછી મીડિયા હાઉસના માલિકોને આ વાત કડવી જરૂર લાગશે પણ જે વાસ્તિવકતા છે તે આ જ છે અને તેનો સ્વીકાર કરવો જ પડશે.

- Abbijit

14-06-2025