Wednesday, February 24, 2016

નિવેદનબાજ આઝમ ખાનની દર્દભરી કહાની

સામાન્ય રીતે આપણા દેશમાં છેલ્લાં બે વર્ષ દરમિયાન નિતનવા નિવેદનબાજો મેદાનમાં આવી ગયા છે. આ નિવેદનબાજો કોઈકના કોઈક મુદ્દે વાતને વહેતી મૂકી દેવામાં માહેર છે. અને મીડિયા પણ આંખો મીંચીને તે નિવેદનને ચગાવી ચગાવીને બતાવે અને લખે... પણ, જ્યારે આ નિવેદનબાજ મહાશયના ધડમાથાં વગરના વાક્‌બાણ બાદ જો ઉપરના લેવલેથી ઠપકો આવે તો આ જ નિવેદનબાજો પોતાના અગાઉના નિવેદનને ફેરવી તોળે અને બધો દોષનો ટોપલો મીડિયા પર નાંખી દે અને એવું કહે કે મેં તો આમ કહ્યું હતું, પરંતુ કેટલાંક મીડિયાવાળાઓએ મારી વાતને ટિ્‌વસ્ટ કરીને ખોટો વિવાદ ઊભો કર્યો છે. આટ આટલીવાર મીડિયાને ખોટી રીતે બદનામ કરવામાં આવ્યું છે તો પણ મીડિયા આવા નિવેદનબાજોની આગળ પાછળ ભમરાની જેમ ફરવાનું છોડતાં નથી. તેનું કારણ માત્ર એ જ છે કે, તેમના દ્વારા જ દેશને ચકરાવે ચડાવવા માટેનું નિવેદન મળવાનું છે. અને તો જ તેમનો (એટલે કે પોતાના મીડિયાનો) વટ પડશે. આવા જ કેટલાંક નિવેદનબાજો પૈકીના એક એવા ઉત્તર પ્રદેશના બહુ બોલકા આઝમ ખાન અંગે વાત કરીએ.
રામપુરની બે વસ્તુઓ ફેમસ છે. ચાકુ અને આઝમ ખાન.
આશ્ચર્યજનક વાત એ છે કે, એવા નેતા જેણે કાયદાનું શિક્ષણ લીધું હોય, ચાર વખત પક્ષ બદલ્યા હોય, ૧૯૮૦થી આઠ વાર વિધાનસભાના સભ્ય બન્યા હોય, પાંચ વાર મંત્રી થયાં હોય, એકવાર વિપક્ષના નેતા રહ્યા હોય, અને તેમ છતાં પણ તેમને આટલું રેટિંગ કેમ જોઈએ છે કે સમાચારોમાં રહેવા માટે તે એક બ્યૂરોક્રેટને ભરી સભામાં “બકવાસ બંધ કરો, બદતમીઝ કહીં કે”, કહી દે.
ચૂંટણી પંચને એ વાત પર નકારી દે કે મને મુસલમાન હોવાની સજા આપવામાં આવી રહી છે અને કહે કે અલ્લાહે સંજયને મુસલમાનોની નસબંધી કરાવવાની અને રાજીવ ગાંધીને બાબરી મસ્જિદમાં શિલાન્યાસ કરાવવાની સજા આપી છે.
ચટપટી અને સનસનીખેજ સમાચારો મીડિયાની કમજોરી છે અને આઝમ ખાન આ કમજોરીને ખૂબ જ સારી પેઠે જાણે છે. અને તેઓ એ પણ જાણે છે કે, સમાચારની દુનિયામાં આજકાલ જે પ્રકારની હરિફાઈ ચાલી રહી છે તેને જોતાં દરેક મીડિયાવાળા કંઈકને કંઈક વસ્તુને ખાસ કરીને મસાલેદાર વસ્તુને વધુ મસાલેદાર બનાવીને લોકો સુધી પહોંચાડશે. અને એટલે જ તેઓ માત્ર આઝમ ખાન જ નહિ દેશના દરેક ખાદીધારી ગાંધી ટોપી ‘સો કૉલ્ડ’ રાજકારણીઓ આ સારી રીતે જાણતા હોવાના કારણે મીડિયાનો દુરૂપયોગ કરીને પોતાનો રાજકીય રોટલો કે ખીચડી પકવી દેતા હોય છે. એમાં પણ આઝમ ખાન જેવા નેતાઓ તો એવા એવા રાઝ ખોલે કે દરેકના મોં ખૂલ્લાંના ખૂલ્લાં રહી જાય. આવા મોંને તો અલ્લાહ તાલા જ તાળા લગાવે તો જ લાગે એવું છે. આઝમ ખાને કરેલી વાતોમાં એવું પણ હતું કે, કારગીલની ટોચ પર હિન્દુઓએ નહિ, મુસલમાન જવાનોએ ફતેહ કરી હતી અને નેતાજીની વર્ષગાંઠનું ફંડિંગ તાલિબાન અને દાઉદ ઈબ્રાહિમે કર્યું હતું, વગેરે વગેરે...
આવા તો અનેક રાજકીય નેતાઓ તો ઠીક સાધુ સંતો પણ છે, જે ગમે તે ભોગે ચર્ચામાં રહેવા માટે કંઈકને કંઈક વાણી વિલાસ કરતાં હોય છે. જેમાં શિવ સેનાના ઉદ્ધવ ઠાકરે, મનસેના રાજ ઠાકરે, ભાજપના કેન્દ્રીય મંત્રીઓ વી. કે. સિંહ અને ગિરિરાજ સિંહ તેમ જ શંકરાચાર્ય વગેરે વગેરે... આ તમામ લોકો કંઈકને કંઈક મોં ફાટ નિવેદન કરીને ચર્ચાને ચકડોળે ચડાવી તો દે પણ લોકોને પણ ચકરાવે ચડાવી દે.
તાજા અહેવાલો અનુસાર આઝમ ખાને એવી મટકી ફોડી છે કે દાઉદ ઈબ્રાહિમ સાથે નરેન્દ્ર મોદીની મુલાકાત લાહોરમાં નવાઝ શરીફના ઘરે થઈ હતી. હવે કમ સે કમ બરખા દત્તે આટલા મોેટા સમાચાર મિસ કરવા બદલ આઝમ ખાનના ચરણ સ્પર્શ કરી લેવા જોઈએ. પરંતુ આઝમ ખાને પણ પૂરી વાત નથી કરી, કદાચ એવું વિચારીને નથી કહી કે કાલે શું કહેશે, અને પરમ દિવસે શું વેચશે.
હું કહું છું કે લાહોરમાં શું થયું? મોદી-દાઉદ ઈબ્રાહિમની મુલાકાતના સમાચાર આઈએસઆઈએ રૉને આપી રૉએ આ સમાચાર આઝમ ખાનને જણાવી દીધી, કેમ કે વડાપ્રધાન મોદીને એ જણાવવાથી કોઈ ફાયદો હતો નહિ કે તેમની મુલાકાત દાઉદ ઈબ્રાહિમ સાથે પણ થઈ છે.
આ મુલાકાતમાં મોદીએ વચન આપ્યું કે (વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી પહેલાં જેમ ભારતીય મતદારોને વચન આપ્યું હતું એમ) જો  દાઉદભાઈ ઘર વાપસીની યોજના અન્વયે ઘરે પાછા આવી જાય, તો અદાલત તેમને જે પણ સજા આપે, કોઈ ચિંતા નહિ. તેઓ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા તે સજા માફ કરાવી દેશે. સાફ સૂથરાં દાઉદ ઈબ્રાહિમને ઉત્તર પ્રદેશની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર રામપુરથી આઝમ ખાનની સામે જીતાડ્યાં બાદ, તેને ઉત્તર પ્રદેશમાં વરિષ્ઠ મંત્રી બનાવી દેવાશે.
જો ભારતીય જનતા પાર્ટી ઉત્તર પ્રદેશમાં સરકાર નહિ બનાવી શકે, તો દાઉદ ઈબ્રાહિમ માટે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં વિપક્ષના નેતાનું સ્થાન પાક્કું. તેનાથી ન માત્ર આઝમ ખાનની રાજકીય કારકિર્દીને ધક્કો લાગે પરંતુ પાકિસ્તાન સાથે સંબંધો પર પણ સારી અને શ્રેષ્ષ્ઠ અસર પડશે.
આવી આવી યોજનાઓથી કોન્ફિડન્સ બિલ્ટ અપ થશે અને ફરી બંને દેશ હસી ખુસીથી એકબીજા પર પ્રેમના વાર કરતા રહેશે. તો આ છે આખ્ખે આખ્ખું ચક્કર, જેના કારણે આઝમ ખાન મોદી સરકાર અને ખાસ કરીને મોદીની પાછળ હાથ ધોઈને પાછળ પડી ગયા છે.
આમ તો અમારી પાસે પણ આઝમ ખાનની ટક્કરના એક રાજકીય અભિનેતા ગિરિરાજ સિંહ, વી. કે. સિંહ, રાજ ઠાકરે સહિત અનેક મીડિયાની ડાર્લિંગ્સ છે. તેમના નિવેદનોના ચમત્કારોની વાત પછી ક્યારેક કરીશું, પણ અત્યારે તો ગાલિબનો આ શેર સાંભળતા જાઓ
“બક રહા હું જુનુંનમેં ક્યા ક્યા કુછ,
કુછ ના સમઝે ખુદા કરે કોઈ.”

-અભિજિત
24-02-2016

Tuesday, February 23, 2016

જેએનયુમાં વિવાદનું કારણ હિન્દુત્વ વિચારધારાની ઉપેક્ષા !


જેએનયુના નામથી વિખ્યાત જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા ભારતવાસીઓને એ જ અપેક્ષા રહી છે કે, તે લોકશાહીમાં સૌથી આગળ રહેશે, દેશ અને દુનિયામાં લોક સંમત ડાબેરી વિચારધારાના ફેલાવામાં મદદરૂપ બનશે અને તેમાં થઈ રહેલા શોધ શિક્ષણની રોશની દેશ અને દુનિયાને ઉજાગર કરશે. છેલ્લાંં કેટલાંક દિવસથી ચાલી રહેલા જેએનયુના વિવાદમાં હિન્દુત્વની વિચારધારાની ઉપેક્ષા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ આશા કંઈક એટલી પ્રબળ રહી છે કે, લોકો એ સમજી નથી શકતા કે જેએનયુ મુખ્યત્વે દેશના એસ્ટાબ્લિશમેન્ટ માટે કામ કરે છે, તેના વિરોધમાં નહિ. ત્યાંથી નીકળનારો દરેક વિદ્યાર્થી એસ્ટાબ્લિશમેેન્ટમાં મોટા મોટા પદો પર બિરાજમાન છે. હાલના દિવસોમાં એક નાની યાદી પર નજર દોડાવી લઈએ તો આપણે જાણીએ છીએ કે મોદી સરકારના સૌથી મહત્વપૂર્ણ પદો પર જેએનયુમાંથી ભણેલા લોકો જ બેઠા છે.
સીબીઆઈના ચીફ, ચીનમાં લાંબા સમય સુધી રહેનારા ભારતના રાજદૂત જે આજકાલ ભારતના વિદેશ સચિવ છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમના મુખ્ય કાર્યકરો, આ તમામ જેએનયુમાં ભણ્યાં છે. દેશના વાણિજ્ય અને ઉદ્યોગોને વધારવાનું બિડું ઉઠાવનારા મંત્રી નિર્મલા સીતારામન જ નહિ, રાજકારણના અનેક મોટા નેતા અહીંથી જ છે. મીડિયા અને શિક્ષણના ક્ષેત્રમાં તો જેએનયુમાં ભણેલા લોકોની ભારે ભરમાર છે. જો ક્યાંક જેએનયુના લોકોની કમી છે છે તો તે ક્રાંતિકારીઓની જમાતમાં. આ સ્થિતિ સદાકાળથી રહી છે.
પછી આ કેવી રીતે થયું કે લોકોમાં ગેરસમજ ફેલાઈ છે કે જેએનયુ ક્રાંતિનો ગઢ છે? સરકાર સાથે જોડાયેલા લોકો કહેતા ફરે છે કે જેએનયુ રાષ્ટ્ર વિરોધી છે, દેશ અને સમાજને તોડવામાં લાગેલું છે? લોકો વિચારતા રહે, તો રહે, જેએનયુવાળા પણ પોતાના ક્રાંતિકારી હોવાના દમ મારતા થાકતાં નથી. પરંતુ લાગે છે કે વિચાર અને ચાલચલન જો સામાન્ય રીતે સમાજમાં છૂપાવી દેવાય છે, ત્યાં સરળતાથી અભિવ્યક્તિ પામતાં રહે છે.
જ્યારે સમગ્ર દેશમાં સમલૈંગિકતાને લઈને હાહાકાર મચેલો હતો, તો આ તે બિરલે પરિસરોમાં હતો જ્યાં સમલૈંગિકતાની સ્વતંત્રતા સંદર્ભે લોકોમાં ચર્ચા નહોતી કરવી પડી. જ્યારે દેશમાં સિગરેટ પીવા પર પ્રતિબંધ લગાવાયો તો અહીં જ સિગરેટ પીવાની પરંપરા નિર્વિઘ્ને ચાલતી રહી. જ્યારે દેશ મહિલાઓ માટે સામાજિક ન્યાયની ચર્ચામાં નિરર્થક સમય પસાર કરી રહ્યો હતો, ત્યારે મહિલાઓને જેએનયુ પરિસરમાં સ્વછંદ રહેવા અને કામ કરવાની આઝાદી મળી.
જ્યારે દિલ્હીમાં કોંગ્રેસ સરકારની નાક નીચે સિખોની હત્યા થઈ રહી હતી ત્યારે જેએનયુના જ સિખોને શરણું આપ્યું. જ્યારે દેશભરમાં વિદ્યાર્થી રાજકારણના નામ પર માત્ર ગૂંડાગીરી થતી હતી, જેએનયુ વિદ્યાર્થી રાજકીય વિચારોને સંજિદા કરવાનો અખાડો બન્યું, પણ રાજકીય લડાઈઓ વૈચારિક રહી, માર-પીટ, હાથાપાઈ સુધી નહોતી પહોંચી. અહીં સુધી કે વિદ્યાર્થી રાજકારણનું સંચાલન અને વ્યવસ્થા પણ વિદ્યાર્થીઓ જ કરતા રહ્યા.
તેની આડ લઈને દેશની વિરૂદ્ધ વિચાર તૈયાર કરવા માટે અહીંની વૈચારિક ખૂલ્લાંપણાંનો ઉપયોગ કરાયો. અહીં સુધી કે જેએનયુ પરિસરમાં અનેક ભાગેડુઓએ શરણું લીધું. કેટલાંય અતિવાદીઓ અહીંથી જ પકડાઈ ચૂક્યા છે. સમસ્યા એ છે કે, વિચારોના ખૂલ્લાંપણા ભ્રામક વિચારોને ફેલાવા માટે, દેશ વિરોધી વિચારો અને પ્રવૃત્તિઓ માટે સારું વાતાવરણ તૈયાર કરે છે.
એ સાચું છે કે, સર્વહારાની પ્રતિ સંવેદના અહીંની આબોહવામાં સમાહિત રહી છે. પરિણામસ્વરૂપ અહીંની ચર્ચાનો એક મોટો હિસ્સો એ રહ્યો છે કે, કોઈ પણ રીતે એસ્ટાબ્લિશમેન્ટ લોકોના પ્રતિ પોતાની જવાબદારીઓને ઠીક રીતે નિભાવી નથી રહ્યા. એસ્ટાબ્લિશમેન્ટની ભર્ત્સના કરવી, તેને પક્ષપાતી સાબિત કરવી અને તેમાં પરિવર્તન લાવવાની જરૂરિયાત પર વિચાર કરવા જેએનયુ જ મુખ્ય નિશાન રહી છે. પરંતુ સામાન્ય પ્રજા પ્રતિ સહાનુભૂતિ હોવા છતાં જેએનયુમાં રહેનારા લોકોમાં એક ગજબ પ્રકારનું આકર્ષણ રહે છે. પોતાના પચાસ વર્ષના ઈતિહાસમાં જેએનયુએ ક્યારેય પણ સાધારણ લોકો સુધી પહોંચીને કંઈ પણ કરવાનો પ્રયાસ નથી કર્યો. ત્યાં સુધી કે અહીંથી થનારા સંશોધનો પણ કંઈક એ રીતે ગોઠવાતા જતા કે લોકો સાથે ઓછામાં ઓછો સંબંધ રહે.
તેમાં સચ્ચાઈની શોધ કરવાના વિકલ્પોનું આકલન કરવાનો કોઈ પ્રયાસ થતો ન જોવા મળ્યો. તેનું પરિણામ એ રહ્યું કે, જેએનયુ ક્યારેય પણ બહારના લોકોને એ સમજાવી ન શકી કે આ યુનિવર્સિટીના કારણે દેશને શું ફાયદો થાય છે. લોકો કેમ કરીને આ યુનિવર્સિટીને મજબૂત બનાવવામાં મદદ કરે. પરંતુ, સૌથી મોટી વાત એ છે કે, અહીં વૈચારિક અભિવ્યક્તિની આડમાં હિન્દુત્વવાદી વિચારો પર લગભગ પ્રતિબંધ લાગેલો રહ્યો છે. હિન્દુત્વવાદી વિચારોના ખંડનને જ તેનાથી વિવાદ અને વિમર્શ કરવા તૂલ્ય માની લેવામાં આવ્યું. તેમને સાંપ્રદાયિક અને જાતિવાદી ઠરાવી દઈને તેને દબાવવાનો પ્રયાસ કરાયો.
એ પણ ઠીક રહેતું કે જો કોંગ્રેસ અને ડાબેરી સરકારોની સાંપ્રદાયિકતાને પણ તે જ તત્પરતાથી ખંડન કરવામાં આવી હોત, પણ એવું ન થયું. થયું એવું કે  જેએનયુએ પોતાને આ સરકારોના સમર્થનમાં ઊભી કરી દીધી. તેનાથી એ સંભાવના વધી ગઈ અને લોકો માનવા લાગ્યા કે, જેએનયુને મળનારી તમામ સુવિધાઓ, સત્તાની સાથે જેએનયુની નિકટતા, તેના સમર્થનને કારણે આવતી રહી છે.
હવે સરકાર બદલાઈ ગઈ છે, તે સૌ જેણે અત્યાર સુધી બોલવા નહોતા દેવામાં આવતા, તે બોલવા લાગ્યા છે, તો થોડા વૈચારિક હાહાકાર તો થશે જ.
-અભિજિત
લખ્યા તારીખઃ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૬

હરિયાણા અને ગુજરાતમાં આરક્ષણની આગ

જાટ આરક્ષણનો મુદ્દો હરિયાણામાં ગંભીર બનતો જઈ રહ્યો છે. આરક્ષણની માંગ કરી રહેલા જાટોએ હરિયાણામાં ઘણાં સ્થાનો પર વાહનવ્યવહાર ઠપ્પ કરી દીધો છે, ઘણી જગ્યાએ હિંસાના પણ અહેવાલો છે. અને આ મામલામાં નિપટવા માટે હરિયાણા સરકાર આડી ખીર બનાવી રહી છે. જ્યારે પણ આરક્ષણને લઈને આંદોલન થાય છે, તો સત્તાધારી પક્ષ માટે મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે અને વિરોધી પક્ષો તેમાં પોતાનો રાજકીય લાભ ખાંટવાનો પ્રયાસ કરે છે. જ્યારે હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી, ત્યારે જાટોએ આરક્ષણ આંંદોલન તેમના માટે ગળામાં ફસાયેલા હાડકાં જેવું બની ગયું હતું અને હવે ભાજપના મુખ્યમંત્રી તેની આગમાં શેકાઈ રહ્યા છે. ઓમ પ્રકાશ ચૌટાલાની ઈન્ડિયન નેશનલ લોકદળ જાટ આંદોલનને ટેકો આપી રહ્યો છે.
જો જાટ આરક્ષણ સરળતાથી સંભવત હોત, તો અત્યાર સુધી આ મામલો સુલઝાવી શકાયો હોત. કેન્દ્રમાં પાછલી યુપીએ સરકારે કેન્દ્રીય નોકરીઓમાં જાટોના પછાત વર્ગોમાં આરક્ષણ પણ આપ્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટે તે આદેશને રદ્દ કરી દીધો. હરિયાણામાં જે ક્વોટામાં, એટલે કે વિશેષ આર્થિક રૂપથી પછાત વ્યક્તિઓની શ્રેણીમાં જાટોની ત્રણ જાતિઓ સાથે ૧૦ ટકાનું આરક્ષણ આપવામાં આવ્યું છે, તેને પણ હાઈકોર્ટે ગેરકાયદેસર ઠેરવ્યું છે અને મામલો ઉપલી અદાલતમાં છે. હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આ શ્રેણીમાં ૨૦ ટકા આરક્ષણની દરખાસ્ત મૂકી છે, જેને જાટોએ નામંજૂર કરી દીધી છે. એ સમજવું મુશ્કેલ છે કે શું જાટ ખરેખર એ વિચારે છે કે તેમને આરક્ષણ આપવા માટે સંવિધાનમાં સંશોધન જેવા પગલાં ઉઠાવવા માટે સરકારને મજબૂર કરી શકે છે? શું આ આંદોલન ખીજ અને ગુસ્સાથી નીકળેલું દિશાહીન આંદોલન છે? જાટ આરક્ષણની જાહેરાત સૌથી પહેલાં વસુંધરા રાજેએ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી દરમિયાન કરી હતી. તેનો તેમને ફાયદો પણ મળ્યો અને જાટોએ તેમને ભરપૂર ટેકો આપ્યો, પરંતુ ફરી રાજસ્થાનમાં ગૂજ્જરોનું અનુસૂચિત જનજાતિ શ્રેણીમાં આરક્ષણ આપવાની માંગણી સાથે આંદોલન શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં પટેલોનું આરક્ષણ આંદોલન પણ સરકારના ગળામાં ફાંસો બનીને અટકેલું છે. હવે સ્થિતિ એ છે કે, કોઈ જાતિ વિશેષને આરક્ષણ આપવાનું વચન કોઈને મત તો નથી અપાવી શકતું, પરંતુ આરક્ષણની માંગ કરી રહેલી જાતિ કોઈ પાર્ટીને નુકશાન જરૂર પહોંચાડી શકે છે. યુપીએ સરકાર દ્વારા આરક્ષણ આપવા છતાં જાટ બહુમતી વિસ્તારોમાં કોંગ્રેસ અને તેમના સાથીઓને કારમી હારનો સામનો કરવો પડ્યો. બીજી બાજુ, પટેલોનો વિરોધ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે ઘણો નુકશાનકારક સાબિત થયું છે. એટલે કે આરક્ષણનો રાજકારણનો ઉપયોગ હવે રાજકીય પક્ષો માટે દરેક રીતે નુકશાનકારક સાબિત થઈ રહ્યો છે, પરંતુ જે જિન્ન બોટલની બહાર આવે છે, તેને પાછો બંધ કરવો અસંભવ છે.
અપેક્ષાકૃત તાકાતવાન અને સંપન્ન જાતિઓમાં આરક્ષણની માગણી વિચિત્ર છે, પરંતુ તેના મજબૂત કારણ પણ છે. વર્ચસ્વ વધારવાની ઈચ્છાના અતિરેક્તનું એક મોટું કારણ એ છે કે જાટો અથવા પટેલોમાં તમામ સમૃદ્ધ નથી. ઉત્તર ભારતના તાકાતવાન ખેડૂત જાતિઓ પણ શિક્ષણ અને ઔદ્યોગિક સંસ્કૃતિના મામલામાં પછાત થઈ છે. જે નવી જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થા ઝડપથી વિકસિત થઈ રહી છે, તેમાં તે અંતિમ સ્થાને છે. એવામાં, તેમને લાગે છે કે આરક્ષણથી તેમના બાળકો આઈઆઈટી અથવા પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ભરતી થઈ શકશે તથા ખેતી અને જમીન પર નિર્ભરતાથી મુક્ત થઈ શકશે. તેનું નિદાન દરેકને આરક્ષણનું વચન આપવાનું નથી, પરંતુ વધારે તક ઊભી કરવાનું છે અને તંત્રને વધારે ન્યાયસંગત બનાવવાનું છે, જેથી આરક્ષણની મૂળ ભાવના બની રહે અને તે રાજકીય રમતનું મહોરું ન બને.
 
-અભિજિત

- લખ્યા તારીખઃ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૬