મિત્રો, આજે એક કહાની આપને કહેવા જઈ રહ્યો છું. નવા ભારતની.. બદલાતા ભારતની કહાની... આપણે સમગ્ર દુનિયામાં ચીપિયા પછાડી પછાડીને કહી રહ્યા છીએ કે અમે વિશ્વગુરુ બનવા જઈ રહ્યા છીએ, વિકસિત ભારત બનવા જઈ રહ્યા છીએ. હાલમાં જ નીતિ આયોગે આપણે ચોથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા હોવાની મોટેપાયે જાહેરાત કરી દીધી... જો કે, બાદમાં IMFની સ્પષ્ટતા આવી એટલે યુ ટર્ન મારીને એવું કહેવાયું કે 2025ના અંત સુધીમાં ચોથી મોટી અર્થવ્યવસ્થા બનીશું... તો દોસ્તો આજે એવા કેટલાંક કિસ્સાઓ જે ઓપરેશન સિંદૂર અને ત્યારબાદ બન્યા છે તે આપની સમક્ષ રજૂ કરીશ જેમાં વર્તમાન સરકારની બેધારી નીતિ છતી થાય છે.
ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે પોતાની તાકાતનો પરચો સમગ્ર દુનિયાને બતાવી દીધો. પરંતુ, દેશના મોટાભાગના રાજ્યોમાં સત્તા પર બેઠેલી ભાજપ સરકારના જ કેટલાંક મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા એવા પ્રકારના નિવેદનો કરવામાં આવી રહ્યા છે જેના કારણે ભારતીય સૈન્યના મનોબળને ક્યાંક હાનિ પહોંચી રહી છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત અનિલચંદ્ર શાહ આંખ આડા કાન કરી રહ્યા છે. આટલું ઓછું હોય એમ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જગતપ્રકાશ નારાયણલાલ નડ્ડા દ્વારા પણ તેમના જ પક્ષના નેતાઓ જે બેફામ નિવેદનો કરી રહ્યા છે તેમ છતાં તેમને છાવરી રહ્યા હોય એવું લાગે છે. અહીં જે વિચારો વ્યક્ત કરવામાં આવ્યા છે તે સામાન્ય પ્રજાના મનમાં ઉઠતા સવાલોને ધ્યાનમાં રાખીને રજૂ કરવામાં આવ્યા છે. તેના દ્વારા કોઈનું અપમાન કે બદનામ કરવાનો કોઈ જ ઈરાદો નથી એ સ્પષ્ટતા પહેલેથી જ કરી દેવી યોગ્ય છે.
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી મામલે મધ્યપ્રદેશના મંત્રી જે પોતાને કુંવર ગણાવે છે એવા વિજય શાહે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. આટલું ઓછું હોય એમ તેમની સામે મધ્યપ્રદેશની સરકારે કે પોલીસે કોઈ FIR ના નોંધી. વિપક્ષો દ્વારા આ મામલે ભારે હોબાળો મચાવતા મધ્યપ્રદેશ હાઈકોર્ટે સુઓ મોટો કરીને મધ્યપ્રદેશ પોલીસને સો કોલ્ડ કુંવર એવા વિજય શાહ વિરૂદ્ધ FIR દાખલ કરવા આદેશ કર્યો. હાઈકોર્ટના આદેશ બાદ મધ્યપ્રદેશ પોલીસે લૂલી-લંગડી, અડધી-પડધી અને જે ભારતીય ન્યાય સંહિતાની કલમો લગાવવી જોઈએ એ ન લગાવી અને FIR કરી. જે મામલે હાઈકોર્ટે પોલીસનો ઉધડો તો લઈ લીધો પણ વિજય શાહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. તો સુપ્રીમ કોર્ટે પણ ઠમઠોરી નાંખ્યા. તેમને જામીન આપી દીધા અને સાથે સાથે SITની રચના કરી દીધી અને 28મી મેએ તપાસનો અહેવાલ આપવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો. જોકે, 28મીએ SITએ પોતાનો અહેવાલ રજૂ ન કરી શકી, પણ વધુ ત્રણ સપ્તાહનો સમય માંગી લીધો તપાસમાં. આ કેસમાં વિજય શાહની મધ્યપ્રદેશ પોલીસે ધરપકડ તો ન કરી અને સાથે ભાજપ કે મધ્યપ્રદેશ સરકારે પણ તેમની સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી ન કરી.
ઓપરેશન સિંદૂર 6 મેની મોડી રાત્રે કર્યું અને તેની એક એક વિગત મીડિયા સમક્ષ આપણા દેશના વિદેશ સચિવ વિક્રમ મિસરી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘ અને કર્નલ સોફિયા કુરેશી આપતા હતા. ભારતના ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં આવેલા 9 જેટલા આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કર્યો અને તેનાથી પાકિસ્તાન ડરી ગયું અને તેણે ભારત પર વળતો પ્રહાર શરૂ કર્યો. જે 10મી મે સુધી ચાલ્યો. 10મી મેએ જ્યારે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાવાની હતી, પરંતુ બપોરે 3.35 વાગ્યે ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે વાતચીત થઈ અને સાંજની પત્રકાર પરિષદમાં વિદેશ સચિવ વિક્રમ મિસરી આવ્યા અને તેમણે સીઝ ફાયરની જાહેરાત કરી. આ જાહેરાત બાદ ભાજપના જ ચવન્ની છાપ આઈટી સેલના પાલતુ ટ્રોલર્સે વિક્રમ મિસરી વિશે એલફેલ પોસ્ટ કરી પાકિસ્તાની કહેવાનું શરૂ કરી દીધું. આટલું ઓછું હોય આ ટ્રોલર્સે મિસરીની પુત્રીને પણ ન છોડી અને તેના વિશે પણ ગમે તેમ લખવાનું શરૂ કરી દીધું. સતત આવી પોસ્ટથી કંટાળીને વિક્રમ મિસરીએ પોતાનું સોશ્યલ મીડિયા Xનું એકાઉન્ટ પ્રાઈવેટ કરી દેવું પડ્યું. તેમ છતાં વડાપ્રધાને એક શબ્દ પણ ન બોલ્યા અને કેન્દ્રીય ગૃહમંત્રીના ગૃહમંત્રાલયે પણ આવા સડકછાપ ટ્રોલર્સ સામે કોઈ કાર્યવાહી ન કરી એના કારણે અનેક સવાલો ઊભા થયા.
તો બીજી બાજુ હરિયાણાના સિરસામાં અશોકા યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના હેડ એવા પ્રોફેસર અલી ખાન મહમૂદાબાદને તેમની ઓપરેશન સિંદૂરને લઈને ફેસબૂક પર કરેલી પોસ્ટ મામલે કેસ કરીને તાત્કાલિક અસરથી તેમની ધરપકડ કરીને જેલમાં પૂરી દીધા. આ મામલો જ્યારે સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે સર્વોચ્ચ અદાલતે પ્રોફેસર મહેમુદાબાદને શરતી જામીન આપ્યા પણ સાથે સર્વોચ્ચ અદાલતે પોલીસ અને વહિવટીતંત્રને પણ કેટલીક ટકોર કરી.
હજુ આ વિવાદ શાંત નહોતો થયો ત્યાં મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી જગદીશ દેવડાએ ભારતીય સેનાનું અપમાન કરતું નિવેદન આપ્યું. એક સભામાં તેમણે એવું કહ્યું કે, ભારતીય સેના અને જવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણોમાં નતમસ્તક છે. આ પ્રકારનું વિવાદાસ્પદ નિવેદન કરીને તેમણે પણ ભારતીય સેનાનું અપમાન કર્યું હોવા છતાં ભાજપના મોવડીમંડળે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કોઈ કાર્યવાહી ન કરી. હજુ આ મામલે કોઈ કાર્યવાહી થવાના એંધાણ પણ જોવા નથી મળી રહ્યા ત્યાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના એવા રાજ્યસભાના સાંસદ રામચંદ્ર જાંગરાએ વિવાદાસ્પદ નિવેદન કર્યું જેમાં તેમણે કહ્યું કે, ‘જો મહિલાઓ હાથ જોડવાને બદલે લડી હોત તો ઓછા લોકો મૃત્યુ પામ્યા હોત.’ આવા પ્રકારના નિવેદનો પોતાના જ પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે. પી. નડ્ડા દ્વારા કોઈ પ્રકારના પગલાં નથી લેવાતાં. પરંતુ જો વિપક્ષ કે સામાન્ય વ્યક્તિ દ્વારા કોઈ નિવેદન કે પોસ્ટ કરવામાં આવે તો તેની સામે પગલાં ભરવામાં આવે છે. અને ભાજપનું પાવલીછાપ આઈટી સેલ અને તેના ટ્રોલર્સ સતત ટ્રોલ કરીને પ્રહારો કરે છે
આ ઉપરાંત પૂણેની એન્જિનિયરિંગ કોલેજની એક છાત્રાએ સાતમી મેના રોજ ઓપરેશન સિંદૂર બાદ ઈન્સ્ટાગ્રામ પર થઈ રહેલી પોસ્ટમાંથી ભૂલથી પાકિસ્તાનની કેટલીક પોસ્ટ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી દીધી. પરંતુ, તેને જ્યારે ખ્યાલ આવ્યો કે ભૂલ થઈ ગઈ છે તો તેણે બે કલાકમાં તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી અને જાહેર માફી પણ માંગી લીધી. આ છાત્રાએ જે કર્યું એ ભૂલ હતી. આટલું કરવા છતાં આ છાત્રાને કોલેજે સસ્પેન્ડ કરવા કે નોટિસ આપ્યા વગર જ રસ્ટિગેટ કરી દેવામાં આવી.... અને પૂણેની પોલીસે તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 152, 196 અને 197 લગાવીને ફરીયાદ દાખલ કરીને 9મી મેએ ધરપકડ કરી લીધી. આ છાત્રાએ નીચલી અદાલતમાં જામીન માટે અરજી કરી તો તેની અરજી નામંજૂર કરવામાં આવી અને તેને યરવડા જેલમાં મોકલી દેવાઈ. આ છાત્રાની ધરપકડ બાદ આઈબી, NIA સહિતની તપાસ એજન્સીઓ તપાસ માટે પહોંચી ગઈ. જામીન અરજી નામંજૂર થતાં આ છાત્રાએ મુંબઈ હાઈકોર્ટનો સહારો લીધો ત્યારે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને પોલીસને આકરો ઠપકો આપ્યો. અને કહ્યું કે 19 વર્ષીય છાત્રાને કઈ રીતે તમે સીધી જેલમાં પૂરી દો. શું તેને પોતાનો પક્ષ રાખવાનો અધિકાર નથી. શું આ છાત્રાની કારકિર્દી ખતમ કરીને તેને પણ ગુનાની દુનિયામાં ધકેલી દેવી છે. હાઈકોર્ટે છાત્રાની કોલેજને પણ આડેહાથ લીધી અને કહ્યું કે, છાત્રાની વાત જાણ્યા વગર કે કોઈ નોટિસ આપ્યા વગર સીધી રસ્ટિગેટ કઈ રીતે કરી શકો.
હજુ તો આ તમામની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ભાજપના ઉધમપુર પૂર્વના ધારાસભ્ય રણવીર સિંહ પઠાનિયાએ ઓપરેશન સિંદૂર અંગે એવું નિવેદન આપ્યું છે, જે વિવાદમાં આવ્યું છે. 'ઓપરેશન સિંદૂર દરમિયાન વાયુસેનાના પાઇલટ્સ સૂઈ રહ્યા હતા. ભૂલ આપણી છે, અમે લોકોએ તેમને અમારી પાંપણ પર બોસાડી રાખ્યા છે.' પઠાનિયાએ ભારતીય વાયુસેનાને 'નાલાયક' ગણાવી. તેમણે વધુમાં કહ્યું કે ઓપરેશન સિંદૂર દરમિયાન, ઉધમપુર એરફોર્સ સ્ટેશનને પાકિસ્તાન દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું. 'ઓપરેશન સિંદૂર દરમિયાન એરફોર્સ સ્ટેશન પર શું થયું હતું તે બધા જાણે છે.' એ તેમની અક્ષમતા હશે, આ લોકો સૂતા હશે, એ આપણી કોઈ ભૂલ નથી.' એક તરફ ભારતીય સુરક્ષા દળોએ ઓપરેશન સિંદૂર હેઠળ હિંમત અને બહાદુરી દર્શાવી, તો બીજી તરફ, ભાજપના ધારાસભ્યના આ નિવેદનથી લશ્કરી દળોના મનોબળ પર અસર થવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલમાં, આ નિવેદન પર ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ વિપક્ષી પક્ષોએ તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ભાજપનું મોવડીમંડળ આ નેતા સામે કોઈ કાર્યવાહી નહિ કરે. કેમ કે, તે પોતાની પાર્ટીનો છે ને....
મિત્રો, આ તો વાત થઈ વિવિધ કિસ્સાઓની જેમાં ભાજપની બેધારી નીતિના દર્શન થાય છે. ભાજપ પોતના પક્ષના નેતાઓને છાવરી રહી છે, તો સામાન્ય વ્યક્તિ કે વિપક્ષી નેતા સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેને પરેશાન કરે છે. અને પોતાના પક્ષના નેતાઓને છાવરી રહ્યા છે. ભાજપના આ નેતાઓના નિવેદનો મામલે ન્યૂઝ ચેનલમાં બેસતા ભાજપના પ્રવક્તાઓ એવું કહે છે કે, આ નેતાઓએ માફી માંગી લીધી છે. તો શું સામાન્ય વ્યક્તિએ માફી માંગી લીધી હોવા છતાં તેને જેલમાં નાખી દેવામાં આવે એ યોગ્ય છે. આ બધું ચાલી રહ્યું છે ત્યારે આપણા દેશમાં અઘોષિત કટોકટી હોય એવું લાગે એ ખોટું નથી. દરેક વ્યક્તિને આપણા સંવિધાનના આધારે વાણી સ્વતંત્રતાનો હક્ક છે. હા, જો કોઈ એવી ટિપ્પણી કે નિવેદન હોય તો ચોક્કસ કાર્યવાહી થવી જોઈએ. પણ તમામ માટે કાયદો સમાન છે તો એ પ્રમાણે જ કાર્યવાહી થવી જોઈએ. પરંતુ ભાજપની સરકાર સામાન્ય વ્યક્તિ કે વિપક્ષની સામે જ કાયદેસરની કાર્યવાહી કરે છે અને તેમના પક્ષના નેતાઓ સામે ભારતીય ન્યાયસંહિતાની કલમો પ્રમાણે કાર્યવાહી નથી કરતી. જો કાયદો તમામ માટે સમાન હોય તો કેન્દ્રીય ગૃહમંત્રાલય જે તે રાજ્યના DGPને આદેશ આપી જે નેતાઓએ કર્નલ સોફિયા કુરેશી, વિક્રમ મિસરી અને સૈન્યના મનોબળને તોડતાં નિવેદનો કરનાર ભાજપના આ નેતાઓ અને સડકછાપ ટ્રોલર્સ સામે પણ ભારતીય ન્યાય સંહિતાની કલમ 152, 196 અને 197 લગાવીને કેસ કરીને જેલમાં ધકેલી દેવાના નિર્દેશ આપી શકે છે. પણ કેન્દ્ર સરકાર કે કેન્દ્રીય ગૃહમંત્રાલય એવું નહિ કરે, કેમ કે, આવા તમામ લોકો ભાજપ સાથે સંકળાયેલા છે. અને તેના કારણે અહીં કહેવું અતિશયોક્તિ નહિ હોય કે, ભાજપ એવું માને છે કે, પોતે કરે એ લીલા અને બીજા કરે એ પાપ...
- અભિજિત
30/05/2025