Wednesday, April 20, 2016

ચારેબાજુ પાણી તો પણ દેશ તરસ્યોને તરસ્યો

દેશમાં પાણીની અછત નથી. એક બાજુ હિમાલયથી નીકળનારી નદીઓ છે, તો બીજી બાજુ સમુદ્રથી ઘેરાયેલો દેશ છે. તો પણ અડધાથી વધારે દેશના લોકો તરસ્યાં છે. મહારાષ્ટ્રના લાતૂર અને દિલ્હીના કેટલાંક ભાગોમાં પીવાના પાણીનું વિતરણ કાયદો વ્યવસ્થા માટે પણ એક પડકાર સમાન છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં પાણીની વિકટ સમસ્યા મોંઢું ફાડીને ઊભી છે. બીજા રાજ્યોમાં ઘણાં શહેરોની બદથી પણ બદતર સ્થિતિ છે. આપણે ત્યાં પાણીનું સંકડ બેવડું છે. એક તો ઘણાં રાજ્યોના મોટા ભાગોમાં પીવાના પાણીનું સંકટ છે તો બીજી ખાસ વાત એ છે કે જ્યાં પાણી છે ત્યાં પણ તે પીવા લાયક નથી. ઘણાં રાજ્યો પાણીની વ્યવસ્થાનો દાવો છાતી ઠોકીને કરતાં રહે છે, પણ ગરમી આવતાંની સાથે જ તેમના દાવા પોકળ સાબિત થાય છે. તેના માટે અત્યારસુધીમાં લગભગ કરોડો રૂપિયા ખર્ચી કાઢવામાં આવ્યા છે. પણ આ સમસ્યા ઠેની ઠે છે. ઉત્તર ભારતના ત્રણ ચાર રાજ્યોની વાત કંઈક અલગ જ છે. અહીં દર ત્રીજા વર્ષે દુષ્કાળ અને તે પછીના વર્ષે ભયંકર પૂરની સ્થિતિ ઊભી થઈ જાય છે. દર વર્ષે સરકાર યુદ્ધના ધોરણે કામ કરતી હોવાનો દાવો કરે છે, પણ મામલો ત્યાંનો ત્યાં અટકેલો જોવા મળે છે. હવે ચૂંટણીને જોતાં ઉત્તર પ્રદેશની અખિલેશ યાદવની સરકારને બુંદેલખંડની યાદ આવી છે. વિશ્વ બેન્કના તાજેતરના અહેવાલ પ્રમાણે ભૂજળ સંકટનું ચિત્ર એકદમ ખતરનાક બહાર આવ્યું છે. તેમાં ચેતવણી આપી છે કે જલવાયુ પરિવર્તન અને અંધાધૂંધ જલ દોહન જો આવું જ રહ્યું તો આગામી દાયકામાં ભારતના સાંઈઠ ટકા બ્લોક દુષ્કાળની ઝપટમાં આવી જશે. ત્યારે પાકની સિંચાઈ તો દૂર, પીવાના પાણી માટે પણ મારામારી શરૂ થઈ શકે છે.
રાષ્ટ્રીય સ્તર પર ૫૭૨૩ બ્લોકોમાંથી ૧૮૨૦ બ્લોકોમાં પાણીનું સ્તર ખતરનાક મોડ પાર કરી ચૂક્યું છે. જલ સંરક્ષણ ન હોવાના કારણે અને સતત દોહનના કારણે બસ્સોથી વધારે બ્લોક એવા પણ છે, જે સંદર્ભે કેન્દ્રીય ભૂજલ પ્રાધિકરણે સંબંધિત રાજ્ય સરકારોને તાત્કાલિક અસરથી જલ દોહન પર પ્રતિબંધ લગાવવાનું સૂચન કર્યું છે. પરંતુ ઘણાં રાજ્યોએ આ દિશામાં કોઈ અસરકારક પગલાં નથી ઉઠાવ્યા. ઉત્તરના રાજ્યોમાં હરિયાણાના પાંસઠ ટકા અને ઉત્તર પ્રદેશના ત્રીસ ટકા બ્લોકોમાં પાણીનું સ્તર ચિંતાજનક સ્થિતિમાં પહોંચી ગયું છે. જંગલોની આડેધડ કાપણીથી આ સમસ્યા વધુ ગંભીર બની છે. પણ ત્યાંની સરકારો આંખ આડા કાન કરી રહી છે. આ રાજ્યોમાં જલ સંશાધન મંત્રાલયે આડેધડ દોહન રોકવાના ઉપાય પણ સૂચવ્યા છે. તેમાં સામુદાયિક ભૂજલ પ્રબંધન પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. તેના અન્વયે ભૂજલ દોહન પર કાબૂની સાથે જલ સંરક્ષણ અને સંચયનની પણ જોગવાઈ કરાઈ છે.
આપણા દેશમાં વર્ષે ચાર હજાર અરબ ઘન મીટર પાણી ઉપલબ્ધ છે. આ પાણીનો મોટો ભાગ સમુદ્રમાં બેકાર ચાલ્યો જાય છે. એટલા માટે વરસાદમાં પૂરની, તો ગરમીમાં દુષ્કાળનું સંકટ ઊભું થઈ જાય છે. ક્યારેક-ક્યારેક તો દેશના એક ભાગમાં દુષ્કાળ પડી જાય છે તો બીજા ભાગમાં વિનાશક પૂર આવી જાય છે. તેને ઓછું કરવા માટે જરૂરી છે કે આપણે ઉપલબ્ધ પાણીનો સંગ્રહ કરીએ. ગંગા-યમુનાના મેદાની વિસ્તારોમાં તો પાણીનો સંગ્રહ કરીને દુષ્કાળની સમસ્યાથી સરળતાથી બચી શકાય છે. પણ તેના માટે જે કટિબદ્ધતાથી નીતિઓ બનાવીને અમલી કરવી જોઈતી હતી, તે નથી થઈ શક્યું.
ભારતમાં વર્ષોથી ઘણું પાણી મળે છે. તેને બંધ અને જળાશય બનાવીને એકત્ર કરી શકાય છે. બાદમાં આ પાણીનો ઉપયોગ સિંચાઈ અને વીજ ઉત્પાદનમાં કરી શકાય છે. તેના માટે સૌથી પહેલા એ વિસ્તારોની યાદી તૈયાર કરવી પડશે, જ્યાં ગરમી શરૂ થતાં જ તળાવો અને કૂવા સૂકાઈ જાય છે અને ભૂગર્ભમાં પણ પાણીનું સ્તર ઘટવા માંડે છે. એવા વિસ્તારોમાં કેટલાંક મોટા-મોટા જળાશય બનાવીને ભૂગર્ભ જળસ્તરને ઘટતા પણ રોકી શકાય છે અને સિંચાઈ માટે પણ પાણી ઉપલબ્ધ કરાવી શકાય છે. ભારતની વસ્તી જે ગતિથી વધી રહી છે, તેના માટે આ બધું ખૂબ જ જરૂરી છે.
વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતની વસ્તી વધીને એકસો ચાલીસ કરોડ થઈ જશે. આટલી મોટી જનસંખ્યા માટે લગભગ પાંત્રીસ કરોડ ટન ખાદ્યાન્નની જરૂરિયાત ઊભી થશે, જે આપણા વર્તમાન ઉત્પાદનથી લગભગ દોઢ ગણું વધારે છે. એટલે સિંચાઈ સુવિધાોના વિસ્તારની સાથે-સાથે ઉપલબ્ધ પાણીનો ભરપૂર ઉપયોગ જરૂરી હશે.
દેશમાં વર્તમાન પાણીના સંકટનું એક મોટું કારણ એ છે કે જેમ જેમ સિંચિત ભૂમિનું ક્ષેત્રફળ વધતું ગયું છે, તેમ તેમ ભૂગર્ભના પાણીના સ્તરમાં પણ ઘટાડો થયો છે. દેશમાં સુનિયોજિત વિકાસ પૂર્વે સિંચિત ક્ષેત્રોનું ક્ષેત્રફળ ૨.૨૬ કરોડ હેક્ટર હતું. આજે લગભગ ૬.૮ કરોડ હેક્ટર જમીનની સિંચાઈ થાય છે. સિંચાઈ ક્ષેત્રના વધવાની સાથે-સાથે પાણીનો ઉપયોગ પણ વધ્યો છે, એટલે ભૂગર્ભમાં તેનું સ્તર ઘટ્યું છે. ગરમી આવતાં જ જમીનમાં પાણીનું સ્તર ઘટવાથી ઘણાં બધાં કૂવા અને તળાવો સૂકાઈ જાય છે અને નળ પણ બેકાર થઈ જાય છે. વરસાદ ઓછો થયો તો આ સંકટ ખૂબ જ વધી જાય છે. આબાદી વધવાની સાથે-સાથે ગામોના તળાવો પણ ઓછાં થતાં ગયા છે અને એટલે તેના પાણી સંગ્રહની ક્ષમતા પણ ખતમ થઈ ગઈ છે કે ઘટી ગઈ છે. એટલે નવા જળાશયોના નિર્માણની સાથે સાથે જૂના તળાવોને પણ ઊંડા કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.
ભારતમાં પાણીની ખામીયુક્ત નીતિ તેની ભૌગોલિક વ્યવસ્થાનું કારણ છે. ભોપાલની પાસેથી પસાર થનારી કર્ક રેખાની ઉત્તર વિસ્તારની નદીઓમાં આ પાણી કુલ બે તૃતિયાંશ છે, જ્યારે કર્ક રેખા દક્ષિણના વિસ્તારોમાં એક તૃતિયાંશ છે. દક્ષિણ ભારતમાં કુલ પાણીનો માત્ર ચોથો ભાગ ઉપલબ્ધ છે. ઉત્તરમાં પણ અલ્હાબાદની પશ્ચિમમાં આવશ્યકતાથી ઓછું ઉપલબ્ધ છે. પણ તે ગંગાથી આગળ જઈને જરૂરિયાતથી વધારે પાણી પ્રાપ્ત થાય છે. એવી જ રીતે બ્રહ્મપુત્રના પાણીની સમસ્યા છે. તે સંકરી ઘાટીથી પસાર થવાના કારણે ઉપયોગમાં નથી આવતું. એવી જ રીતે સિંધ નદીમાં જળ સંધિને કારણે તેનું પાણી ભારત તરફ નથી વધી શકતું. જો આ સંદર્ભમાં એક રાષ્ટ્રીય યોજના બનાવવામાં આવે તો આ પાણીનો યોગ્ય ઉપયોગ થઈ શકે છે. ભારતમાં જળ સંશાધન મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર નિર્ભર છે. ઉત્તર-પૂર્વ ચોમાસાથી ભારતમાં થોડું ઘણું પાણી મળે છે. દક્ષિણ-પૂર્વી ચોમાસુ, બર્મા, થાઈલેન્ડ વગેરે તરફ ચાલ્યું જાય છે. ક્યારેક ક્યારેક આ ચોમાસાના કેટલાંક વાદળ હિમાલય તરફ ફરીને ભારતના ઉત્તર ભાગમાં વરસાદ કરે છે. વિશ્વના ઘણાં દેશોમાં એક નદીનું પાણી બીજી તરફ વાળીને પાણીની સમસ્યા ઉકેલાઈ છે. ભારતમાં પણ આ દિશામાં કેટલુંક કામ થયું છે અને તેમાં ઝડપ લાવવાની જરૂરિયાત છે.
તામિલનાડુમાં પૂર્વ ભાગોમાં પાણી પેરિયારની તરફ વળી ગયું છે. યમુનાનું પાણી પણ પશ્ચિમ ભાગમાં વળી ગયું છે. સિંધુ નદીને રાજસ્થાન તરફ પ્રવાહિત કરાયું છે, પણ આ યોજનાઓ અત્યંત નાના સ્તરની રહી છે. રાષ્ટ્રીય સ્તર પર પાણીની અસમાનતાઓ અને સમસ્યા દૂર કરવા માટે કશું જ નથી કરાયું. ભારતમાં સંયુક્ત રાષ્ટ્રથી પાણીની સમસ્યા સંદર્ભે અભ્યાસ કરવા આવેલી એક ટીમે ઘણાં સૂચનો કર્યા છે. એક, બ્રહ્મપુત્રથી ફરક્કા સુધી એક પ્રણાલિ બનાવીને તેના પાણીને ગંગામાં ભેળવીને પાણીની સમસ્યા દૂર કરી શકાય છે.
એવી જ રીતે ગંગાના પાણીને સોન નદીથી લઈને એક નહેર દ્વારા કાવેરી સુધી લાવી શકાય છે. તેનાથી જ્યાં ઉત્તરથી દક્ષિણ માટે સસ્તો સંચાર ઉપલબ્ધ થશે, ત્યાં દક્ષિણને પર્યાપ્ત માત્રામાં પાણી મળી જશે. એ રીતની નહેર ભારતની મુખ્ય નદીઓને જોડી દેશે, જેનાથી કેટલીક નદીઓનો વિશાળ અને પરેશાન કરનારો પાણીનો સંગ્રહ કામમાં આવશે. એક નહેર ચંબલને રાજસ્થાન નહેરથી બાંધી શકે છે. એટલા માટે નાગોર પર બંધની જરૂરિયાત ઊભી થશે. આપણી હજુ સુધી સમુદ્રના ખારા પામીને પણ પીવા લાયક નથી બનાવી શક્યા, જ્યારે ઈઝરાયેલે પોતાના પાણીની તમામ જરૂરિયાત સમુદ્રમાંથી પૂરી કરે છે. ઈઝરાયેલ સમજૂતી કરીને આપણે આ ટેકનોલોજી મેળવી શકીએ છીએ.
સંયુક્ત રાષ્ટ્રની ટીમે કહ્યું છે કે આગામી ત્રીસ વર્ષોમાં ભારતમાં પાણીની સમસ્યા ખૂબ જ મોટી થઈ જશે. આ સંકટ શરૂ થઈ ગયું છે. એટલે પાણીના સંકટ માટે ઘણાં તાત્કાલિક પગલાં ઉઠાવવા જોઈએ અને તેના માટે ગ્રામીણ વિસ્તારોમાં નાના નાના જળાશયોનું નિર્માણ કરવું જોઈએ, જેથી તે વિસ્તારના કુવાઓ સૂકાતા બચાવી શકાય અને પશુઓને પણ પાણી મળી શકે. હવા પછી પાણીની પહેલી જરૂરિયાત છે. આ કામને સૌથી વધારે પ્રાથમિકતા આપવી જોઈએ. પરંતુ અત્યાર સુધી આપણે એવું તંત્ર વિકસિત નથી કરી શક્યા, જે આપણી પીવાના પાણીની અને સિંચાઈની યોજનાઓને યોગ્ય રીતે લાગુ કરી શકે.
રાજકીય પક્ષો એક-બીજાને ઉખાડવા-પછાડવા માટે જે રીતે જાતિ-બિરાદરી અને અનામતનું નિમ્ન કક્ષાનું રાજકારણ કરે છે, તેનાથી આપણી રાષ્ટ્રીય સમસ્યાઓ ક્યારે રાજકારણનો હિસ્સો નથી બની શકતી અને સમસ્યા ઠેની ઠે રહે છે. દેશની જાગૃત પ્રજા જ રાજકીય પક્ષોને પાણી અને વિકાસની સમસ્યાઓ પર કામ કરવા માટે મજબૂર કરી શકે છે.
-અભિજિત
20-04-2016

Thursday, April 14, 2016

આતંકવાદના પોષક પાકના નાપાક ઈરાદા

પઠાણકોટ હુમલાની બેતરફી તપાસ પર થયેલી સંમતિમાંથી ગુલાંટી મારીને પાકિસ્તાને બંને દેશોની વચ્ચે જારી શાંતિ પ્રક્રિયા પર ફરી પલિતો ચાંપી દીધો છે. તેનાથી સરહદની બંને બાજુ ઉપસ્થિત અમનના ચાહકોમાં માયૂસી ફેલાવી સ્વાભાવિક છે, પરંતુ પાકિસ્તાનના જૂના રેકર્ડને જોઈએ તો તેમાં આશ્ચર્યજનક કશું જ નથી. તેનાથી દરેક વખતે એ સાબિત થયું છે કે તેનો રસ સંબંધ સુધારવા કે સંવાદનો સિલસિલો આગળ વધારવામાં નથી, ઉલ્ટાનું ભારત પર આરોપોનો ટોપલો ઢોળીને પોતાની આંતક-પોષી નીતિઓ-કારસ્તાનોથી વિશ્વ સમુદાયનું ધ્યાન હટાવી રાખવામાં વધારે છે. દિલ્હીમાં ગયા ગુરૂવારે પાકિસ્તાની ઉચ્ચાયુક્ત અબ્દુલ બાસિતના નિવેદનથી તેના નાપાક ઈરાદાની સ્પષ્ટ પૂષ્ટિ થઈ જાય છે. બાસિતે ન માત્ર પઠાણકોટ હુમલાની તપાસ માટે ભારતીય દળને પાકિસ્તાન જવા પર બનેલી સંમતિથી અંતર કરીને, વિદેશ સચિવોની કોઈ પણ સંભવિત બેઠકનો પણ ઈનકાર કરી દીધો. તેમણે કાશ્મીરનો રાગ આલાપીને એ સનાતન પાકિસ્તાની આરોપ પણ દોહરાવ્યો કે ભારત બલૂચિસ્તાનમાં અડચણો ઊભું કરી રહ્યું છે. આ સંબંધે બાસિતે ભારતીય નૌસેના અધિકારી કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં જાસૂસીના આરોપમાં પકડી લેવાનો હવાલો પણ આપ્યો, જ્યારે આ ધરપકડ અને જાસૂસીના આરોપને ખૂદ પાકિસ્તાની મીડિયાનો એક વર્ગ માત્ર શંકા ગણાવી રહ્યું છે. બાસિતના નિવેદનને ભારતીય પક્ષ માટે જોરદાર ઝાટકો ગણાવવું જોકે થોડી ઉતાવળ કહેવાશે પણ પઠાણકોટ હુમલાની તપાસ માટે ભારત આવેલી પાક. તપાસ ટીમની ત્યાંના મીડિયામાં લીક અહેવાલમાં ઉલ્ટું ભારત પર થોપી દેવાયેલા આરોપોથી મોદી સરકારની પાકિસ્તાન-નીતિ સવાલોના ઘેરામાં આવી ગઈ છે. એ અફસોસની વાત છે કે વિદેશ નીતિના જે મોરચા પર તે પોતાની ઉપલબ્ધિના ઢંઢેરા પીટતા કે ડંકા વગાડવાથી નથી થાકતી, એ મોરચા પર નજીકના પડોશી નેપાળ અને હવે પાકિસ્તાનના મામલે તેમને ઉલ્ટા મોંની ખાવી પડી છે. તેમાં શંકા નથી કે વિભાજન બાદથી જ પાકિસ્તાન ભારત માટે દુખતી નસ અને સંવેદનશીલ વિષય બનેલો છે. જ્યાં ભારતની આઝાદી બાદ એક મજબૂત અને પરિપક્વ લોકશાહી રાષ્ટ્ર તરીકે વિકસિત થવામાં સફળ રહ્યું છે ત્યાં મઝહબના આધાર ઉપર કૃત્રિમ વિભાજનની કૂખથી જન્મેલું પાકિસ્તાન આજે પણ વિભિન્ન ઉગ્ર પ્રદેશ ઓળખ માટે ઝઝૂમતું, ધર્માંધતા, આતંકવાદ, કસ્બાની ટક્કરોથી લોહી લૂહાણ, રાજકીય, સેના અને ઈસ્લામી સત્તા-કેન્દ્રની રસ્સાખેંચમાં ફસાયેલું એક નિષ્ફળ રાષ્ટ્ર બની ગયું છે. એક કષ્ટમાંથી બીજું કષ્ટ એ છે કે વિશ્વમાં થયેલા મોટાભાગની આતંકી ઘટનાઓના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા મળ્યાં છે જેનાથી તેની છબિ આતંકવાદના નિકાસકાર તરીકેની બની ગઈ છે. તેને ધ્યાનમાં રાખીને ખુદને શાંતિના ચાહક બતાવવા માટે જ્યાં તે ભારત સાથે શાંતિ-સંવાદ માટે પગે પડવાની મુદ્રા અપનાવી લે છે ત્યાં જ અવામનું ધ્યાન દેશની બદહાલીથી ભટકાવી રાખવા માટે કાશ્મીરની આઝાદીની આડમાં ભારત વિરૂદ્ધ દુશ્મનભાવને પાળી પોષી રહ્યું છે. એ પણ રસપ્રદ છે કે અહીં બાસિતે દિલ્હીમાં શાંતિ પ્રક્રિયાની રદ્દ બતાવી તો ત્યાં ઈસ્લામાબાદમાં પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે બંંને દેશ વિદેશ સચિવોની વાટાઘાટો માટે એકબીજાના સંપર્કમાં છે. આ વિરોધાભાસ પાકિસ્તાનમાં નિર્ણયકારી તાકાતોના આંતરિક વિરોધોની અભિવ્યક્તિ છે જે એક રાષ્ટ્ર તરીકે તેની વિશ્વસનીયતાને શંકાસ્પદ બનાવે છે. આ એક ગંભીર સ્થિતિ છે અને પોતાની પાકિસ્તાન નીતિમાં ભારતે તેનું ગંભીરતાપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. આખરે સંબંધ સુધારતા કે શાંતિદૂત કબૂતરો ઉડાડીને આપણે વારંવાર ઊંડી ખીણમાં ક્યાં સુધી પડતાં રહીશું?
-અભિજિત
14-04-2016

Monday, April 11, 2016

મંદિરમાં સ્ત્રીઓના પ્રવેશનો અધિકાર

મહારાષ્ટ્રના શનિ શિંગણાપુર મંદિરના ન્યાસી મંડળે મહિલાઓના પ્રવેશની પરવાનગી આપી દીધી છે. સ્પષ્ટ છે, આ મહિલાઓના સંઘર્ષની જીત છે અને સમાનતાના તેમના અધિકારનો વધુ એક મુકામ છે. પણ તેમની આ ઉપલબ્ધિ ન્યાસી મંડળની પહેલનું પરિણામ નથી, પણ તેનો શ્રેય ભૂમાતા બ્રિગેડના આંદોલન અને મુંબઈ હાઈકોર્ટના નિર્ણયને જાય છે. ગયા દિવસોમાં પોતાના એક નિર્ણયમાં અદાલતે કહ્યું હતું કે પૂજાસ્થળમાં પ્રવેશ પુરૂષોની જેમ મહિલાઓનો પણ માળખાગત અધિકાર છે અને તે સરકારની જવાબદારી છે કે તે તેમના આ અધિકારને લાગુ કરે અને તેમને સુરક્ષા પૂરી પાડે.
ઉચ્ચ અદાલતના આ નિર્ણય બાદ રાજ્ય સરકાર પર પણ દબાણ વધી ગયું હતું અને મંદિરના ન્યાસી મંડળ પર પણ. ન્યાસીઓનું તાજું વલણ તે દબાણનું પરિણામ છે. ન્યાસી મંડળને એ અહેસાસ થઈ ગયો કો સદીઓથી ચાલી આવતો પ્રતિબંધ જારી રાખવો હવે સંભવ નહિ બની શકે. સમાજનો એક વર્ગ પરંપાર માટે કે પરંપરાના નામ પર એવા પ્રતિબંધને બનાવી રાખવાનો હિમાયતી હોઈ શકે છે, પણ હવે તેમને તેના માટે એટલું વ્યાપક સમર્થન નહિ મળી શકે જેને સામાન્ય સામાજિક સંમતિ કહી શકે. હકીકતમાં, મંદિરોમાં પ્રવેશ સંબંધિત આ નિયમ-કાયદા ત્યારે બન્યા અથવા વિકસિત થયા જ્યારે સંવિધાન, કાયદો, નાગરિક અધિકાર વગેરે આપણા જાહેર જીવનના નિર્ધારક તત્વ નહોતા. પણ હવે એ જાહેર જીવનની મહત્વની કસોટીઓ છે. એટલા માટે તેને નજરઅંદાજ ન કરી શકાય.
આસ્થાના તર્કથી પૂજાસ્થળોની એક સ્વાયત્તતા હોઈ શકે છે, હોવી પણ જોઈએ, પણ સમાનતા તથા નાગરિક અધિકારના મૂલ્યોની સાથે પણ તેણે પોતાનો મેળ બેસાડવો પડશે. શનિ શિંગણાપુર મંદિરમાં સ્ત્રીઓનો પ્રવેશ વર્જિત હોવાની વાતને ઘણાં સમર્થકોની દલીલ હતી કે આ જગ્યાને સ્ત્રીઓની પ્રતિ ભેદભાવના રૂપમાં નહિ, પણ તેમને અમંગલથી બચાવવા માટે એક ધાર્મિક વિધાનના રૂપમાં જોવું જોઈએ. પણ જ્યારે શનિના તમામ મંદિરોમાં સ્ત્રીઓ જાય છે તો માત્ર શનિ શિંગણાપુરને અપવાદ બનાવી રાખવાનો તેમનો તર્ક બચાવ ન કરી શક્યો. કેટલાંક લોકો કેરલના સબરીમાલા મંદિરનું પણ ઉદાહરણ આપે છે, જ્યાં માસિક ધર્મની ઉંમરની સ્ત્રીઓનો પ્રવેશ પ્રતિબંધિત છે. સબરીમાલાનો મામલો પણ અદાલતમાં છે.
સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ વિરૂદ્ધ દાખલ અરજી પર સુનાવણી કરતાં ત્રણ મહિના પહેલાં સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે સંવૈધાનિક આધાર ઉપર એવું ન કરી શકાય, મંદિરમાં ધાર્મિક આધાર ઉપર (એટલે કે અન્ય ધર્માવલંબિઓ માટે) તો પ્રતિબંધ લગાવી શકાય છે, પણ લૈંગિક આધાર પર નહિ. સબરીમાલામાં અંતિમ નિર્ણય હજુ આવ્યો નથી, પણ સ્પષ્ટ છે કે શનિ શિંગણાપુર મામલામાં મુંબઈ ઉચ્ચ અદાલતનો નિર્ણય સર્વોચ્ચ અદાલતના વલણથી એકદમ મેળ ખાતો છે.
બે ધારાઓની વચ્ચે દ્વંદ્વમાં શરૂમાં જરૂર ખટાસ દેખાય છે, પણ ઘણી વાર સકારાત્મક પરિણામ આવે છે, પરંપરા આપણે જ બદલવાની છે, નવીકૃત પણ કરે છે. શનિ શિંગણાપુરમાં જમાનાથી ચાલી આવી રહેલો પ્રતિબંધ હટવાને તેની વ્યાપક પરિપ્રેક્ષ્યમાં જોવી જોઈએ. આ પ્રકારે બીજા અનેક ઉપાસના સ્થળ પણ છે, અન્ય સમુદાયોના પણ છે જ્યાં સ્ત્રીઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. આશા રાખવી જોઈએ કે આ પ્રતિબંધ ત્યાંથી પણ હટાવી લેવાશે.
-અભિજિત
11-04-2016

Sunday, April 10, 2016

મફત શિક્ષણનો કાયદો બિન અસરકારક !

ભારતમાં મફત અને ફરજિયાત શિક્ષણ કાયદો લાગુ થયાને છ વર્ષ વિતી ગયા. આ કાયદાને બનાવવામાં આપણે પૂરાં સો વર્ષ લગાવી દીધા. ૧૯૧૦માં ગોપાલ કૃષ્ણ ગોખલેએ તમામ બાળકો માટે બુનિયાદી શિક્ષણના અધિકારની માંગણી કરી હતી. ત્યારબાદ ૧૯૩૨માં વર્ધામાં યોજાયેલા સંમેલનમાં મહાત્મા ગાંધીએ આ માંગણીનો પૂનરોચ્ચાર કર્યો હતો પણ વાત નહોતી બની. આઝાદી બાદ શિક્ષણને સંવિધાનની નીતિ નિર્દેશક તત્વોમાં જ સ્થાન મળી શક્યું, જે અનિવાર્ય નહોતું અને આ સરકારોની મંશા પર નિર્ભર હતું. ૨૦૦૨માં ભારતની સંસદે ૮૬માં સંવિધાન સંશોધન દ્વારા આ મૂળ અધિકારના રૂપમાં સામેલ કરી લીધું. આ પ્રકારે શિક્ષણને મૂળ અધિકારનો દરજ્જો મળી શક્યો. એપ્રિલ ૨૦૧૦માં શિક્ષણના અધિકાર કાયદો-૨૦૦૯ સમગ્ર દેશમાં લાગુ થયો. હવે આ એક અધિકાર છે જેના અન્વયે રાજ્ય સરકારોએ એ સુનિશ્ચિત કરવું છે કે તેમના રાજ્યમાં ૬થી ૧૪ વર્ષના તમામ બાળકોને નિઃશૂલ્ક અને ફરજિયાત શિક્ષણની સાથે સાથે અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થાય અને તેના માટે તેમની પાસેથી કોઈ પણ પ્રકારનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ખર્ચ નહિ લેવામાં આવે.
આ કાયદાને લાગુ કરતાં પહેલા પણ ભારતમાં માળખાગત શિક્ષણને લઈને ઘણી સમસ્યાઓ હતી અને કાયદો આવ્યા બાદ પણ તેમાં કેટલીક નવી મુશ્કેલીઓ જોડાયેલી છે, જેમ પર્યાપ્ત અને પ્રશિક્ષિત શિક્ષકોની અછત, શિક્ષકો પાસે અન્ય બીજું કામ કરાવવું, સતત અને વ્યાપક મૂલ્યાંકન વ્યવસ્થાને લઈને જટિલતાઓ, નામાંકન બાદ શાળામાં બાળકોમાં વિઘ્નો અને બાળકોને વચ્ચેથી અભ્યાસ છોડી દેવાના હજુ મોટા પડકારો છે, પરંતુ તેનો સકારાત્મક પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે. આજે લગભગ સો ટકા નામાંકન થઈ ગયું છે, જે એક મોટી સિદ્ધિ છેે અને હવે શહેરથી લઈને દૂરસુદૂરના ગામોમાં લગભગ દરેક વસાહત કે તેની આસપાસના વિસ્તારોમાં શાળાઓ ખૂલી ગઈ છે.
સિદ્ધિઓ હોવા છતાં આપણી જાહેર શિક્ષણ વ્યવસ્થા સતત આલોચનાઓની વચ્ચે ઘેરાયેલી રહી છે. આ દરમિયાન ભારતમાં માળખાગત શિક્ષણને લઈને જેટલા પણ અહેવાલ આવ્યા છે તે હંમેશા નકારાત્મક રહ્યા છે. મીડિયામાં પણ તેની બદહાલીના જ અહેવાલો પ્રસિદ્ધ થાય છે. સવાલ ઉઠે છે કે આખરે તેનું કારણ શું છે? શું કાયદમાં કોઈ કમી રહી ગઈ છે કે પછી આપણે તેને યોગ્ય રીતે લાગુ જ નથી કરી શકતા? એ વાતની પણ શક્યતા છે કે આ કાયદાની વિરૂદ્ધ જાણીજોઈને તેને નકામો સાબિત કરવા માટે દુષ્પ્રચાર કરાઈ રહ્યો હોય જેનાથી તેને એક એવા નિષ્ક્રિય અને બિન જરૂરી વ્યવસ્થાના રૂપમાં સ્થાપિત કરી શકાય જેમાં સુધારો કરવો અશક્ય છે.
આલોચનાઓ અને દુષ્પ્રચારના કારણથી સરકારી શાળાઓ પરથી લોકોનો વિશ્વાસ સતત ઓછો થયો છે અને નાના શહેરો, કસ્બા તેમ જ ગામડાંઓમાં મોટી સંખ્યામાં ખાનગી શાળાઓ ખૂલી છે અને વધુને વધુ ખૂલી રહી છે. તેમાં વધારે ખાનગી શાળાઓની સ્થિતિ સરકારી શાળાઓથી પણ ખરાબ છે અને તેમનું મુખ્ય ધ્યાન શિક્ષણ નહિ પણ વધુમાં વધુ નફો કમાવા તરફ જ છે. એસોચેમના એક હાલના અભ્યાસ પ્રમાણે વિતેલાં દસ વર્ષો દરમિયાન ખાનગી શાળાઓએ પોતાની ફીમાં લગભગ ૧૫૦ ટકાનો વધારો કર્યો છે. શિક્ષણ ક્ષેત્ર એક વેપારના રૂપમાં સ્થાપિત થઈ ચૂક્યું છે જે સફળ પણ છે, આ સફળતાનું કારણ એ છે કે ખાનગી શાળાઓ જે લોકો ચલાવી રહ્યા છે તેમાં સમાજના સૌથી પ્રભાવશાળી વર્ગના લોકો સામેલ છે. ત્યાં સરકારી શાળાઓમાં બાળકોની સંખ્યા સતત ઘટી રહી છે જ્યારે ખાનગી શાળાઓમાં તેનાથી વિપરિત થઈ રહ્યું છે. દેશના ક્રોમ્પ્ટ્રોલર એકાઉન્ટ અને ઓડિટર જનરલ (કેગ)ના તાજેતરના અહેવાલ અનુસાર સરકારી શાળાઓમાં વર્ષ ૨૦૧૦-૧૧માં કુલ નામાંકન ૧ કરોડ ૧૧ લાખ હતા, જે ૨૦૧૪-૧૫માં ૯૨ લાખ ૫૧ હજાર થઈ ગયું છે, જ્યારે ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૦૧૧-૧૨થી ૧૪-૧૫માં ૩૮ ટકા વધારો થયો છે. આ તમામ બાબતો છતાં ભારતની ૬૬ ટકા પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થી સરકાર શાળા કે સરકારી સહાયતા મેળવતી શાળાઓમાં જાય છે.
કાયદાની પણ કેટલીક મર્યાદાઓ છે જેનો દુષ્પ્રભાવ પણ જોવા મળી રહ્યો છે, આ કાયદો ૬થી ૧૪ વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક્ક આપે છે અને તેમાં ૬ વર્ષથી ઓછી ઉંમરના બાળકોની કોઈ વાત નથી કરવામાં આવી એટલે બાળકોના પ્રી-એજ્યુકેશનને નજર અંદાજ કરવામાં આવ્યું છે. ૧૫થી ૧૮ વર્ષના સમૂહના બાળકોને પણ કાયદાના દાયરાની બહાર રાખવામાં આવ્યા છે. તે રીતે જ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા બેઠકો પર ઓછી આવક વર્ગના બાળકોના આરક્ષણની વ્યવસ્થા કરાઈ છે. આ એક પ્રકારથી ગેર બરાબરી અને શિક્ષણના વેપારીકરણને ઉત્તેજન આપે છે અને સરકારી શાળાઓમાં ભણનારા લોકોનું જોર ખાનગી શાળાઓ તરફ વધતું જોવા મળી રહ્યું છે. જો પરિવાર થોડો-ઘણો સક્ષમ છે તો તે પોતાના બાળકોને પહેલેથી જ ખાનગી શાળાઓમાં મોકલી રહ્યા છે પણ જે પરિવારોની આર્થિક સ્થિતિ કમજોર છે, તેમને પણ આ તરફ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
કાયદાને લાગુ કરવામાં પણ ભારે બેદરકારી જોવા મળી રહી છે. વીસ ટકા શાળાઓ તો એક જ શિક્ષણના ભરોસે ચાલી રહી છે અને તેમનો પણ વધારે સમય રજિસ્ટર ભરવામાં અને મિડ-ડે મીલની વ્યવસ્થા કરવામાં ચાલ્યો જાય છે. આ પ્રકારતી શાળાને મહેમાન શિક્ષકોના હવાલે કરી દેવામાં આવી છે જે શિક્ષક ઓછા અને કોઈ ઠેકાનો કર્મચારી વધારે લાગે છે. આ બધાની સીધી અસર શિક્ષણની ગુણવત્તા અને શાળામાં બાળકો ઉપર જોવા મળે છે. બજેટને લઈને પણ સમસ્યાઓ છે. નવા બજેટમાં સર્વ શિક્ષા અભિયાન માટે બાવન ટકા રકમની જોગવાઈ કરાઈ છે, પણ સૌથી મોટી સમસ્યા તો સરકારના વલણમાં છે. કાયદો બની ગયા બાદ તે તેને સબસિડી યોજનાની દૃષ્ટિથી જોઈ રહી છે.
લોકભાગીદારી અને નિરીક્ષણની વાત કરીએ તો શિક્ષણ કાયદા અન્વયે શાળાઓના વ્યવસ્થાપનમાં સ્થાનિક નિગમો અને શાળા વ્યવસ્થા સમિતિઓને મોટી ભૂમિકા આપવામાં આવી છે. કાયદા અનુસાર સ્થાનિક નિગમ શાળાના વિકાસ માટે યોજનાઓ બનાવશે અને સરકાર દ્વારા અપાયેલા અનુદાનો ઉપયોગ કરશે અને આખી શાળાના વાતાવરણને નિયંત્રિત કરશે પણ એવું નથી થઈ શક્યું, તેની પાછળ કારણ એ છે કે લોકો પર્યાપ્ત માહિતી અને તાલિમના અભાવમાં નિષ્ક્રિય છે અથવા તો એકબીજા પર દોષારોપણ અને પોતાનો વ્યક્તિગત ફાયદો જોવામાં વ્યસ્ત છે. ગુણવત્તા સહિત તમામ પહેલુઓ પર નજર માટે રાષ્ટ્રીય અને રાજ્ય બાળ અધિકાર પંચને ભૂમિકા સોંપાઈ હતી. પંચ પણ બની ગયું છે, પણ નજર રાખવા માટે તંત્ર હજુ સુધી વિકસિત નથી થઈ શક્યું.
આ તમામ વિઘ્નો છતાં કેટલીક એવી વાર્તાઓ અને પ્રયોગ છે જે આશાઓને બનાવી રાખે છે. આપણે સમજવું પડશે કે શિક્ષણ માત્ર રાજ્યનો વિષય નથી અને માત્ર ઠિકરા ફોડવાથી મામલો વધુ બગડી શકે છે. શાળાને સરકાર અને સમાજ એકસાથે મળીને જ સુધારી શકે છે.
-અભિજિત
10-04-2016

Saturday, April 9, 2016

નેતાઓ વિવાદને હવા આપવાનું બંધ કરશે?

છેલ્લાં કેટલાંક દિવસોથી કે મહિનાઓથી કહો પણ દેશની યુનિવર્સિટીઓ અને ટેકનીકલ સંસ્થાઓને કોઈકની કાળી નજર લાગી ગઈ હોય એવું લાગે છે. આ યુનિવર્સિટીઓ અને ટેકનીકલ સંસ્થાઓમાં એક અજબનો તણાવપૂર્ણ માહોલ બનેલો છે. કારણો અલગ-અલગ છે પરંતુ દરેક જગ્યાએ એક કોમન ફેક્ટર જરૂર છે કે કેન્દ્ર સરકાર આ તમામ ઠેકાણે જરૂરિયાત કરતાં વધારે પડતી દખલગીરિ કે ચંચૂપાત કરી રહી છે. તેના કારણે બીજી રાજકીય તાકાતો પણ સક્રિય થઈ ગઈ છે અને કુલ મળીને દેશની લગભગ તમામ યુનિવર્સિટી કે મોટા શૈક્ષણિક સંકુલો કે સંસ્થાઓ રાજકીય અખાડો બની ગયા છે. દરેક રાજકીય પક્ષ પોતાની ખીચડી પકવવા માટે અહીં અખતરા કરીને ખતરા ઊભા કરી રહ્યા છે. જેને કારણે શાંત ગણાતા અને શિક્ષણનું ધામ કહેવાતી આ સંસ્થાઓમાં ચારેબાજુ અશાંતિ જ અશાંતિ છે અને આટલું ઓછું હોય એમ જો કોઈ એક રાજકીય પક્ષની પકડમાં વિદ્યાર્થીઓ ન આવે તો તેમના નેતાઓને સત્તાધારી પક્ષો દ્વારા ખોટા કેસોમાં ફસાવી દેવડાવીને વાતાવરણને વધુ કલુષિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓને કારણે છેલ્લાં કેટલાંક વખતથી શૈક્ષણિક સંકુલોમાં અભ્યાસનું પ્રમાણ ઓછું અને આંદોલનોનું પ્રમાણ વધી ગયું છે. અને તે અંગે કોઈ વાત સુદ્ધાં કરતું નથી કે વિરોધ પણ નથી કરતું.
આ પ્રકારની હલકી રાજકીય પ્રવૃત્તિની શરૂઆત થઈ હૈદરાબાદની સેન્ટ્રલ યુનિવર્સિટીથી. જ્યાં પોતાના હક્ક માટે રજૂઆત કરનાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટી અને હોસ્ટેલમાંથી કાઢી મૂકાયા. કારણ માત્ર એટલું હતું કે એક મોટી કહેવાતી રાજકીય હસ્તીના અને મોટી પાર્ટીની વિદ્યાર્થી પાંખનું આ યુનિવર્સિટીમાં કાણી પૈ પણ ઉપજતી નહોતી અને હવે કેન્દ્રમાં તેમની સરકાર બની છે ત્યારે તો લાજ રાખવા માટે પણ આવી મોટી યુનિવર્સિટીમાં પોતાનો પડ્યો બોલ ઝીલે એવા નેતાઓ ઊભા કરવા પડેને. એટલે એ રાજકીય હસ્તીએ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી (જેઓ પોતે ગ્રેજ્યુએટ છે કે નહિ તે એક સવાલ દેશવાસીઓના મનમાં ઊઠી રહ્યો છે, તેમને લોકલાડીલા અને લોકોને હથેળીમાં ચાંદ દેખાડનાર નરેન્દ્ર મોદીએ શિક્ષણ સાથે સંકળાયેલા વિભાગના વડાં બનાવી દીધાં) સ્મૃતિ ઈરાનીને પત્ર લખીને પગલાં ભરવાની માગણી કરી દીધી અને માનવ સંશાધન મંત્રીએ પણ આંખો મીંચીને યુનિવર્સિટીના સત્તાવાળાઓને આદેશ છોડી દીધો કે તાત્કાલિક પગલાં ભરો અને પછી તો શરૂ થઈ રામાયણની મહાભારત. અને છેવટે આ ખેંચ પકડમાં દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાએ આત્મહત્યા કરી લીધી. અને તેના કારણે ઊભી થઈ મોટી બબાલ.
આ મામલો હજુ શાંત થાય એ પહેલાં જ દિલ્હીની જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં દેશ વિરોધી નારેબાજી થઈ અને મામલો બિચક્યો. અને દિલ્હી પોલીસે નારેબાજી કરી રહેલા સિવાયના વિદ્યાર્થીઓની ધરપકડ કરીને  તેમની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરી દીધો. આ મામલે પણ દેશભરમાં વિદ્યાર્થી આલમમાં રોષની લાગણી ફેલાઈ અને ઠેર ઠેર વિરોધ શરૂ થઈ ગયો. આ વિવાદમાં વળી દેશભક્તિનો જુવાળ ઊભો કરીને ઠેર ઠેર ભારત માતા કી જયનો નારો બુલંદ કરવામાં આવ્યો. અને સાથે જ આ મામલામાં દિલ્હીના કેટલાંક કેસરીયા ધ્વજને માનનારા વકીલો પણ મેદાનમાં ઉતરી પડ્યાં અને જેએનયુના વિદ્યાર્થી નેતા કનૈયા કુમારની સાથે સાથે કોર્ટમાં આ કેસના કવરેજ માટે આવેલા પત્રકારોને પણ લપેટમાં લઈને મારઝૂડ કરી. અને કેન્દ્ર સરકાર એક મૂક પ્રેક્ષકની જેમ તેમના દ્વારા શરૂ કરાયેલા તમાશાને જોતી રહી. જેમ તેમ જેમ તેમ કરીને દેશદ્રોહના કેસમાં ફસાયેલા વિદ્યાર્થીઓને જામીન તો મળ્યાં. પણ આ મામલાની હવા દેશની અન્ય યુનિવર્સિટીઓમાં પણ લાગી.
શ્રીનગર એનઆઈટી વિવાદને જ લઈએ. સ્થાનિક અને અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓની વચ્ચે ટી-૨૦ વર્લ્ડ કપની એક મેચને લઈને વિવાદ થયો હતો, જે સરળતાથી પૂરો થઈ શકતો હતો અને થઈ પણ રહ્યો હતો. પણ ફરી દેશના ઘણાં નેતાઓ અને ખાસ કરીને શિક્ષણનું ભગવાકરણ કરવા માંગતા લોકોએ સોશ્યલ મીડિયા પર નિવેદનબાજી કરવાના કારણે મામલાને ગરમાવાનો પ્રયાસ કર્યો અને બહારના વિદ્યાર્થીઓએ એનઆઈટી કેમ્પસમાં તિરંગો ફરકાવવાની પહેલ કરવાના મામલાને એક નવો મોડ આપી દેવાયો. તેનાથી એ સંદેહ થાય છે કે ક્યાંક તેમને કોઈ વિદ્યાર્થી સંગઠન તરફથી આવું કરવાનો નિર્દેશ તો નથી મળ્યો ને. આ શકનો આધાર જ છે. આપણે કેન્દ્રમાં સત્તાધીન પક્ષ સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠનની અતિ સક્રિયતાને કારણે જ હૈદરાબાદ યુનિવર્સિટી અને જેએનયુમાં રાઈનો પહાડ બનતા જોયા છે. બંને જગ્યાના મામલાને રાષ્ટ્રવ્યાપી સ્વરૂપ કેન્દ્ર સરકારની દખલગીરી અને ચંચૂપાતને કારણે મળ્યું. હવે શ્રીનગર એનઆઈટીના મામલામાં પણ કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રાલય પોતાનો ટાંટિયો ઘૂસાડવા જઈ રહ્યું છે.
આપણા દેશમાં ક્રિકેટ નેશનલિઝમે પહેલાં પણ સમાજને ઘણું નુકશાન કર્યું છે. ઘણી વાર તે રમખાણોનું કારણ પણ બની જાય છે. પરંંતુ ટોળાં મહોલ્લામાંથી નીકળીને કેમ્પસમાં તેની દખલ નવી વાત છે. કેટલાં સમય પહેલા ઉત્તર પ્રદેશની એક ટેકનીકલ સંસ્થામાં પાકિસ્તાનની જીત પર કથિત રૂપથી ઉત્સવ મનાવવાના કારણે કાશ્મીરી વિદ્યાર્થીઓની મારપીટ કરાઈ હતી. પછી છોકરીઓની એક સંસ્થામાં પણ આવો જ વિવાદ થયો હતો. ક્રિકેટ એક એવી રમત છે, જેમાં ચાલી રહેલા ઘપલાંને સુલઝાવવા માટે સુપ્રીમ કોર્ટ પણ એડી ચોટીનું જોર લગાવવું પડી રહ્યું છે - ભારતમાં રાષ્ટ્રવાદનું પ્રતીક બની જાય, તેનાથી મોટી બીજી દૂર્ભાગ્યપૂર્ણ વાત કઈ હોઈ શકે? પણ મૂળ સમસ્યા કંઈક બીજી જ છે?
મામલો ગંભીર રૂપ ત્યારે લે છે જ્યારે સમાજ અને રાજકારણના ઠેકેદાર રમતને લઈને થનારા ઝઘડાંનો ઉપયોગ પોતાના સ્વાર્થ સાધવામાં છે. વિદ્યાર્થીઓના દિમાગ કાચાં હોય છે અને વિચારીને નિર્ણય કરવાની ક્ષમતા તેમનામાં ઓછી હોય છે. પરંતુ તેમના ઝઘડા સરળતાથી સૂલઝી પણ જાય છે, પણ એમાં જો કાઈ કહેવાતી મોટી તોપ (સોરી, હસ્તી) ટાંગ ન અડાડે. હવે શ્રીનગરમાં જે કંઈ થયું છે, તેને હવા દેવાના બદલે ઠંડું કરવાની જરૂરિયાત છે. રાષ્ટ્રીય સંસ્થાઓના એવો રસ્તો પણ જરૂર શોધવો જોઈએ કે અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા વિદ્યાર્થીઓ હળી-મળીને રહે. પરંતુ એ ત્યારે જ શક્ય બને જ્યારે કેન્દ્ર સરકાર આ સંસ્થાઓના આંતરિક કામકાજોમાં ચંચૂપાત કરવાની ઉતાવળ ન કરે. પણ કહેવાય છે ને કે કૂતરાંની પૂંછડી ભોં માં સો વર્ષ દાટો તો પણ તે વાંકીને વાંકી એવું જ કંઈક છે અહીં.
-અભિજિત
09-04-2016

Monday, April 4, 2016

શોધ્યું જડતું નથી ‘ભારત માતા’નું સરનામું !

ભારત માતાની જયને લઈને સૌથી યોગ્ય અને સુંદર ટિકા એક ન્યૂઝ ચેનલ પર આવી. ત્યાં નહેરૂની ભારત એક ખોજપર બનાવાયેલી બેનેગલની સીરિયલનો તે ટૂકડો દર્શાવાયો, જેમાં નહેરૂના નેતૃત્વમાં કેટલાંક સ્વતંત્રતા સંગ્રામીઓના એક પ્રદર્શનમાં નેતૃત્વ કરતાં બતાવ્યા છે. લોકો ભારત માતાની જયના સૂત્રો લગાવતા એક જાહેર સભા કરે છે, જેમાં નહેરૂજી પૂછે છે કે તમે લોકો જે ભારત માતાની જય બોલી રહ્યા છો તે કોણ છે? ક્યાં રહે છે? શું તમે જાણો છો? લોકો ચૂપ અને ચકિત થઈને તેમનું મોં તાકવા લાગ્યા. ત્યારે એક ગભરાયેલી વ્યક્તિએ કહ્યું કે આ ધરતી આપણી ભારત માતા છે। નહેરૂ તેને પ્રેરિત કરીને આગળ પૂછે છે અને જણાવતા જાય છે આ ગામ આ ધરતી સમગ્ર હિન્દુસ્તાનની ધરતી, વૃક્ષ, પશુ, પક્ષી, નદી, પહાડ, મેદાન, વન અને સૌથી ઉપર તેમાં રહેનારા લોકો-આ બધા મળીને ભારત માતા છે અને આપણે તેની જ જય બોલીએ છીએ, જે આપણને પાલે છે, આપણી રક્ષા કરે છે. આ એક ટૂકડામાં જેટલી વ્યાખ્યા આવી ગઈ એટલી દસ ચેનલોની બકવાસી ચર્ચામાં ન આવી શકી.
ન્યૂઝ ચેનલો પણ શું કરે? તે ઉત્તેજક વાતને ઉઠાવી લેવા તત્પર જ હોય છે. આ બાજુ ભાગવતજીએ ભારત માતાની જયની વાત કરી, ત્યાં અસદુદ્દીન ઓવૈસી તેને પર્સનલી લઈ બેઠા, જાણે આ તેમને જ કહેવાયું હોય. પ્રતિક્રિયામાં તેમણે પોતાના ગળું ખેંચી ખેંચીને એક જાહેરસભામાં કહી દીધુંઃ મોહન ભાગવત સાહેબ। હું ભારત માતાની જય નથી કહેતો, શું કરશો તમે? સામેની ભીડે તાલ ઠોકતી બહાદૂરીને સાંભળીને બાંવરી થઈ ગી અને સીટી, તાળી વગાડવા લાગ્યા. તાળી જોઈને તેઓ વધારે તાડૂક્યા કે ગળાં પર છરી રાખીને પણ બોલવા કહેશો તે પણ નહિ બોલવાનુંતો વધારે તાળીઓ... અને એક મુદ્દો ઊભો થઈ ગયો.
ત્યારબાદ ભારત માતાની જય બોલાવવાની જવાબદારી મહારાષ્ટ્રએ લઈ લીધી. તેમની વાત વિધાનસભામાં ગઈ અને વારિસ પઠાણને, ઓવૈસીની લાઈન પર નહિ, તેમની અભદ્ર ભાષાના ઉપયોગ પર આખાં સત્ર માટે વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવાયા. આ મુદ્દે ફરી દરેક ઠેકાણે ચર્ચા. એક બાજુ વારિસ પઠાણ, બીજી બાજુ પ્રેમ શુક્લ. ત્યારબાદ ભારત માતાની જય બોલાવવાનું એટલે સુધી જરૂરી થઈ ગયું કે તેના માટે દરેક ન્યૂઝ ચેનલ પર રાત સુધી રાષ્ટ્રીય પ્રવક્તા સુધીના લોકો આવી પહોંચ્યા! એક બાજુ ઓવૈસી કે કેટલાંક મૌલવીઓ અને બીજી બાજુ ભારત માતાની જય બોલનારા લોકો. કેટલું સરળતાથી થઈ ગયું ધ્રુવીકરણ!
આટલી બધી ચર્ચાફર્ચામાં સૌથી શ્રેષ્ઠ હસ્તક્ષેપ રહ્યો તો જાવેદ અખ્તરનો, જેમણે પોતાની રાજ્યસભાના સભ્યપદના અંતે કેટલીક મિનીટોમાં ઓવૈસી સાહેબને એ કહીને ઢેર કરી દીધા કે જો સંવિધાનમાં ભારત માતાની જય બોલવાનું નથી લખ્યું, તો શેરવાની અને ટોપી પહેરવાનું પણ ક્યાં લખ્યું છે, અને ભારત માતાની જય બોલવું મારું કર્તવ્ય જ નહિ, મારો અધિકાર પણ છે... પરંતુ ભારત માતાની જય બોલવાથી પણ મોટા મુદ્દા સામે આવ્યા છે...
ચેનલો માટે તો તે મુદ્દા બિકાઉ છે, જે ઉલઝાવે છે. ચેનલ સુલઝાવનાર થઈ તો તેને કોણ પૂછશે? ‘દુનિયાના સૌથી મોટા ડેટા બેઝએટલે કે આધાર કાર્ડને અંતે આધાર મળી ગયો, નાણાં બિલની જેમ અંતે પાસ થઈ ગયું બે પાટન વચ્ચે માત્ર આધાર કાર્ડ રહ્યો, જે સાબૂત બચી ગયા, નહિ તો આવ્યું ત્યારે ભાજપે પીટ્યું, હવે ભાજપ લાવી તો કોંગ્રેસ પોતે પીટવા લાગી. આપણી સકલ રાજકારણનો સાર એટલો જ છેઃ તેં મને જશ ન લેવા દીધો તો હું તને કેવી રીતે જશ લેવા દઉં?
જેએનયુનું પણ શું કહેવું! રાજદીપે જેએનયુના ગુરુજીને બોલાવ્યા તો એટલે હતું કે યુનિવર્સિટીના અહેવાલ પર ચર્ચા કરશે, પણ ગુરુજીએ પહેલાં જ રાઉન્ડમાં કહી દીધું કે દેશદ્રોહનો નારો લગાવનારા પ્લાન્ટેડ હતા! જ્યારે પૂછ્યું કે સભાના આયોજક વિદ્યાર્થીને ઓળખી લેશો કે તેઓ કોણ હતા? તો ગુરુજી બોલી ગયાઃ તેઓ ઓળખી નહિ શકે! ગુરુ હોય તો એવા કે ચેલાને દરેક સંજોગોમાં બચાવે, ચેલા હોય તો એવા કે વાત-વાત પર ક્રાંતિ ક્રાંતિ પોકારે.
નારદજીનું કેમેરા વર્ક એટલું ખરાબ હતું કે તેમને નોકરીમાંથી હાંકી કઢાય એવી શક્યતાઓ છે. એકદમ ધૂંધળું સ્ટિંગ અને ટાઈમિંગ પણ એટલું ખરાબ કે બે વર્ષ બાદ રીલને હવા આપવામાં આવી. નારદજી સ્ટિંગની થિયરી સમજી લોઃ સ્ટિંગના ટાઈમિંગમાં જ સ્ટિંગની જાન છે. થોડુંંક પણ ખોટું ટાઈમિંગ થયું કે સ્ટિંગ પર ખૂદ કાઉન્ટર સ્ટિંગબની ગયું! સ્ટિંગ પણ એ રીતે બે કોડીનું હતું કે એકદમ સ્પષ્ટ કશું હતું જ નહિ. ઝાંખા અંધકારમાં જેને લેવાના હતા, તે લેતા દેખાયા હતા, જેને દેવાના હતા તેમના ચહેરાસુદ્ધાં નહોતાં દેખાતાં! હવે તમે જ નક્કી કરો કે આ પ્રકારના સ્ટિંગ ન્યૂઝ ચેનલો માટે કેટલાં કામના છે અને જો કામનાં છે તો કેમ આ ન્યૂઝ ચેનલોને કામનાં છે! એ તો ન્યૂઝ ચેનલના માલિકો જાણે અને જે તે રાજકીય પક્ષો! ઓમ સ્ટિંગાય નમઃ!
-અભિજિત
04-04-2016